Global કવિતા (સાપ્તાહિક કોલમ) ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં કવિ વિવેક મનહર ટેલરની કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….! અને દર શનિવારે ટહુકો પર પણ એ ગ્લોબલ કવિતાને ફરી એકવાર મમળાવવાનો મોકો!

01-768x771

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

3 replies on “Global કવિતા (સાપ્તાહિક કોલમ) ~ એક નવી શરૂઆત…”

  1. કવિતા એટલે કેટલીક અસ્પૃશ્ય ઊર્મિઓમાંથી સ્ફૂટ થતી સ્વભાવિક શબ્દોની ઉત્પત્તિ ! આ કવિતા એ સાર્થક કરી બતાવે છે.
    ‘ટહુકો’ના આ નવા વિભાગને સૌ ઉમંગથી વધાવશે જ એની ખાતરી છે..અભિનંદન !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *