મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે
નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઇને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઇ અવાજ નહી, કાં ઇ નહી
હમણાં અહી હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કઇ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કઈં દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મો ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.
(‘વહી’ ,જાન્યુઆરી – ૨૦૦૦ , પૃ.૧૩)
અદભુત, બહુ વખતે વીપીન પરીખ જેવી ધારદાર અછાંદસ રચના મળી.આભાર.
બારીન
નિ:શબ્દ વલોપાત છે.
અને, શબ્દો પણ કોણ સાંભળશે?
મનની સ્થિતિ પણ કાંઈક આવી જ છે – તરફડાત, મૂંઝ્વણ, વલોપાત.
ન ગમે તો ક્યાં જઈએ? કોને કહીએ?
રહી રહી ને કાચના ઘરમાં રહે માછલી યાદ આવી જાય છેઃ માછલીએ એના મનને મનાવવું જ રહ્યું – આ જ દરિયાનું પાણી છે ….
– સુરેશ શાહ, સિંગાપોર