જ્યાં સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.
પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.
એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ મારા ચિત્તમાંહીયે ચલન.
જોઉં છું વહેલી સવારે એમને
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ઝાકળેથી એ બધાંયે શોભતાં.
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!
થાય છે મારી નજર જાણે હરણ
ને રહે છે ઠેકતી એ ઘાસમાં:
ના છબે છે એક પળ એના ચરણ.
સ્પર્શતો એને નહીં,
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં !
ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન :
આભનું, ધરતી તણું, એ બેઉ માંહી,
લાગતું કે, મન મળ્યું;
જોઈને એ ક્યાંકથી મુજ દિલ મહીં
આનંદ કેરું મધ ગળ્યું!
સાંજવેળા તેજ, છાયા, ઘાસ, સૌ
સાથે મળીને ખેલતાં ;
સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં!
એમના એ ખેલને જોઈ રહું,
ને હર્ષપુલકિત થઈ જઉં,
પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ, મારે અંગ,
નાનું રૂપ લઇ વ્યાપી રહ્યું!
કેવી અહો! આ મન તણી છે સાધના,
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાં એ ઘાસનું એ ચહુદિશે
સુખદ એવું જોઉં છું હું ફરકવું.
સુરેશજોશીના મુખે અમે આકાવ્ય એમ્ એ.મા ભણ્યા અને એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો ત્યારથી આ કાવ્ય મનમા વસી ગયેલુ છે. આજે ફરી જાણે એમ. એ.ના વર્ગમા બેઠી હોઉ એવો અનુભવ થયો. જાણેકે- ઘાસનો વિસ્તાર મનની સિતારપર સારેગમ છેડી ગયો.
ખૂબજ આનન્દ આવ્યો. નવા કાવ્યોના રસાસ્વાદની પ્રતિક્ષામા…..
बहु ज सरस मजा आवी आम ज मोकलता रहो