સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
સંગીતઃ દક્ષેશ ધ્રુવ
.
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયા અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો.
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
નાચી રે મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મારા બારે બાર ખાનામાં
મોરપીંછ ને મંજીરા છે
મુરલીયાના સપ્ત છિદ્રમાં
મીરા મીરા મીરા છે
રોમ રોમનાં રંગ મહેલમાં
મીરા કુંવારી કાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મારા જન્મારા પુરતો
એક જ તુલસી ક્યારો રે
પળપળમાં આ પાંદડે પાંદડે
શ્યામ સદાયે મારો છે
જનમ જનમની દાસી મીરા
રાજી રાજી રાજી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
મેં તો મારા જન્માક્ષરમાં
હરિવરજીને એક પલકમાં
એક ઝલકમાં
લીધા હૃદયથી વાંચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે
– સુરેશ દલાલ
Absolutely outstanding.So Beautifully sung by versatile Artists.Enjoyed throughly.
Beautiful poetry, composition and rendering.