કલમને કરતાલે – દેવિકા ધ્રુવ

સ્વરકાર અને સ્વર : ભાવના દેસાઈ

.

લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…!

રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે-તારે,
લો, અમે તો ચાલ્યાં પાછાં શબ્દને સથવારે…..!

મબલક અઢળક ઘેરી- ઘેરી, વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે,
તટના ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે-પાંખે,
લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે….!

હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે,
જુઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
સચરાચરનો પાર પમાડે, શબ્દ-બ્રહ્મની પાળે….
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે….!
– દેવિકા ધ્રુવ

7 replies on “કલમને કરતાલે – દેવિકા ધ્રુવ”

  1. કલમની કરતાલ શબ્દ બ્રહ્મ સુધી લઈ જાય ત્યારે નિપજે આવી કવિતા અને હ્રુદયસ્પર્શી સ્વરથી એ અંતર સુધી પહોંચી.

  2. વાહ! સુંદર સ્વરાંકન.
    “મિથ્યા જંગનો” કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
    Would make more sense instead of
    જુઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
    I think

  3. સુંદર સુશ્રાવ્ય ,શબ્દ રચનાને પુનઃ સામ્ભળવાનું મળ્યું. આનંદ થયો. સુંદર રીતે ગાવા માટે ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *