બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ

સ્વર : અમર ભટ્ટ

.

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે;દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..
-માધવ રામાનુજ

5 replies on “બેડાં મૂકીને તમે બેસજો ઘડીક – માધવ રામાનુજ”

  1. એક સિધ્ધહસ્ત ભાષાકર્મ , એક ભાવપ્રવિણ કવિકલ્પન, સુકકાભઠ થયાના વલવલવતા અહેસાસની ગરવાઈભરી ગૂંથણ;-કવિએ તો કૃતકૃત્યતા સાથે કવિકર્મ પૂરું કર્યું હશે જ પણ અમરભાઈ એ આ કૃતિ પર પસંદગી ઢોળી ને કેવી સૂરીલી રીતે મન-હૃદય ને સ્પર્શી જાય એવી કોમળ નાજુકડી કરી ધરી છે કે વારી વારી જવાય છે.

  2. I do enjoy and appreciate each and every post. May be I am not conveying my gratitude to Tahuko’s every time I enjoy the posts. I am most thankful.

    Harshad Bhatt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *