મનોજ પર્વ ૧૮ : દોસ્ત, અહીં થાવું છે અમર કોને…

આજના મનોજ પર્વમાં માણીએ મનોજભાઇની એક મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..! અને એ સાથે કવિ શ્રી મકરંદ મૂસળે એમના કવિ શ્રી મનોજ ખંડેરિયા સાથેના કંઇક સ્મરણો આપણી સાથે વહેંચે છે..!

કવિ શ્રી મકરંદ મૂસળેના શબ્દોમાં :

આ સાથે શ્રી મનોજ ખંડેરિયા સાથે ની મારી પહેલી મુલાકાત અહી મૂકી છે.

“કવિશ્રી મનોજ ખંડેરિયાસાથે મારી પહેલી મુલાકાત મુંબઈ આઈ.એન.ટી. ના મુશાયરામાં થઈ. 1997-98માં શ્રીદામુભાઈ ઝવેરીએ ‘ઈંડિયન નેશનલ થિયેટર’ દ્વારા એક સમયે મુંબઈમાચાલતી મુશાયરા પ્રવૃત્તિને પુનર્જિવિત કરી. દર 25મી જાન્યુઆરીએ યુવાન કવિઓનો મુશાયરો અનેદર 14મી ઑગષ્ટે પ્રસ્થાપિત કવિઓનો મુશાયરો થતો. એ સાલ 25મી જાન્યુઆરી ના મુશાયરામાંગાજેલા નવયુવાન કવિઓ વિવેક કાણે, હિતેન, મુકેશ અને મકરંદ મુસળે (એટલે મને) 14મી ઑગષ્ટ ના મુશાયરામાંસિનિયર કવિઓ સાથે મંચ પર બેસવાનો લાભ પ્રાપ્ત થયો. એનો રોમાંચ તો ખરો જ. મુશાયરો મુંબઈના‘બિરલા માતોશ્રી સભાગૃહ’ માં હતો. અને એ જ વર્ષે કવિ શ્રી મનોજખંડેરિયાને ‘કલાપી’ એવોર્ડ અર્પણ કરવામાંઆવ્યો. મંચ પરથી એ પ્રસંગના સાક્ષી બનવાનું સન્માન મળ્યું એનો ગર્વ આજીવન રહેશે. મનોજખંડેરિયાને મંચ પરથી ગઝલ રજું કરતા સાંભળવા એને હું એક લહાવો ગણું છું. કોઈ પણ જાતનોઅભિનય કે આડંબર કર્યા વિના માત્ર અને માત્ર શુધ્ધ ગઝલ રજુ કરી શ્રોતાઓના હ્રદય ની આરપારનીકળી જઈ શકાય છે એ શ્રી મનોજભાઈ પાસેથી શીખવા મળ્યું.

ત્યારબાદ 2005ની સાલનો ‘શયદા’ પુરસ્કાર આઈ.એન.ટી. તરફથી જ્યારે મને મળ્યો ત્યારે કવિશ્રી મનોજ ખંડેરિયા આ જગતના મંચ પર ન હતા. એ વખતે મુંબઈના ‘ભારતિય વિદ્યા ભવન’ ના મંચ પરથી કવિશ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાંજલિ આપતો આ શે’ર મેં અનેક મહાનુભાવો ની હાજરીમાં તરન્નુમમાં રજૂ કર્યો હતો.મત્લા અને શે’ર આ પ્રમાણે હતા…”

“ઝણઝણી ઊઠે હ્રદયના તાર કંઈ કે’વાય ના,
લાગવા માંડે સબંધો ભાર કંઈ કે’વાય ના
તું જુનાગઢને ત્યજી ક્યાં જઈ શક્યો ‘ખંડેરિયા’,
આ ઊભો એ તું જ, કે ગિરનાર કંઈ કે’વાય ના.

…….કવિશ્રી મનોજ ખંડેરિયા ને વંદન….

– મકરંદ મુસળે – વડોદરા – 5-07-2012

****

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

 

*************

Posted on August 20, 2007

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

————

( આભાર : ગુજરાતી-લેક્સિકોન ઉત્કર્ષ )

18 replies on “મનોજ પર્વ ૧૮ : દોસ્ત, અહીં થાવું છે અમર કોને…”

  1. ઈલા સમરે છે અહીં એક વેળા – આ ગીત વિશે મેં ટહુકો.કોમ પર શોધ કરી પણ મને તેના કવિશ્રીનું કે તે ગીતનું શીર્ષક ખબર નથી તેથી હું શોધી શક્યો નહિ તો મહેરબાની કરી તે ગીતની લીંક આપજો.

  2. સરસ ગઝલ પઠન દ્વારા શ્રી મનોજ્ભાઈને સુરતમા વારંવાર સાંભળ્યાનુ સ્મરણ કરાવવા બદલ આપનો આભાર……
    શ્રી મનોઅજભાઈને લાખ લાખ સલામ……………………

  3. ભાઈ શ્રી મકરન્દ મુસળે નો મનોજભાઈ ને શ્રદ્દાન્જલી આપતો ખૂબ સુન્દર અને હ્રદયસ્પર્શી શેર વાચી ને સ્વર્ગસ્થ મનોજભાઈ યાદ આવ્યા. વ્યથા અને આનન્દ સરખા અનુભવ્યા. આભાર. “જો બીત ગઈ સો બાત ગઈ” એ શ્રી હરિવન્શરાય બચ્ચન ની કવીતા યાદ કરી ને મન મનાવ્યુ.

  4. vaah vaah…lajvaab..shu vaat kahi, kevo lay bese chhe.!

    લખવું છે નામ રેત પર કોને,
    છે વફાદાર જળ-લહેર કોને.
    હું જ છું એક જે ગમું એને,
    બાકી ભેટે છે પાનખર કોને.

    Ma.Kha. ni gazalo benamoon ane bejod chhe…eksaathe aah ane vaah nikale evi..ketli mulayaam kalpana ane rujuta..khub aabhar tahuko.com
    mari priya lines frm manoj khaderiya

    જીવનથી મોક્ષ માંગે તું, જીવનને મોક્ષ માંગુ હું,
    કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.
    પૂરાયાની પીડા ભૂલી ગયા સૌ બહાર જોવામાં,
    જગત આખુયે જાણે કાચની આ એક બરણી છે.

  5. બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
    દોસ્ત અહીં થાવું છે અમર કોને.
    ખુબ જ સરસ !!!

  6. ખુબ જ સરસ!!!!!!!!!

    કોઇ સામે નથી, કશું જ નથી,
    તો ય તાકે છે નિત નજર કોને….

  7. ગઝલો લખી તેઁ ઉમ્રભર મનોજ ,
    શબ્દો થકી છો તું અમર મનોજ .

  8. લખવું છે નામ રેત પર કોને,
    છે વફાદાર જળ-લહેર કોને.
    વાહ વાહ

  9. અભાવ-

    હું તો છું પીંછુ કાળ તણા પંખી ની પાંખનું,
    સ્પર્શું છું આ આભને, કા ખરી જઈશ,
    મોરની જેમ ટહુકશે મારો અભાવ,
    ઘેરાશે વાદળૉ, ને હું સાંભરી જઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *