Category Archives: બાળગીત

અલક ચલાણું ઓલે ઘેર ભાણું – સુરેશ દલાલ

આજે ઘણા વખત પછી અકે ઘણું જૂનું બાળગીત….

સ્વર – હંસા દવે, વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
બાળગીત આલબ્મ – અલક ચલાણું

ધીમે ધીમે ઊગે વ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પંખીનું ગમતીલું ગાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગાડી ઉપડે તો હું જાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પલમાં પાલઘર પલમાં દહાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હું સુરતની સહેલને માણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
વડોદરાની વાત વખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

કોઈને ત્યાં અવસરનું ટાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કોઈને દડીયે દડીયે કાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

મોટા કોઈ નાના પરમાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
અન ઉક્લેલું કોઈ ઉખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

જ્યાં જાઉં ત્યાં મારું થાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
જમતા મારી વાત અથાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગીત ગાવું નહીં જરી પુરાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કંઠે મારે રસનું લ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હજારને નવસો નવ્વાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
હું લાખોનું નગદ નાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

– સુરેશ દલાલ
(શબ્દો અને ઓડ્યો ફાઈલ માટે આભાર – Arpana Gandhi)

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી – ત્રિભુવનભાઈ વ્યાસ

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો

મઝાની ખિસકોલી.... Picture: Vivek Tailor

 

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


ટીંગાટોળી….. ટીંગાટોળી – વિહાર મજમુદાર

આ ગીત સાથે મુકવા માટે ટીંગાટોળીનો એક ફોટો ગૂગલ કરી જોયો – પણ એમ કંઇ ૧૦૦% ગુજરાતી શબ્દનું ભાષાંતર કરીને ચાલતું હશે?  મને તો એક પણ ફોટો ના મળ્યો…! તમારી પાસે એવો કોઇ – બાળકને ટીંગાટોળી કરતો ફોટો હોય તો મોકલશો? (અથવા તો ફોટો પડાવવા માટે કોઇની ટીંગાટોળી કરી લ્યો..! એ પણ દોડશે..!! 🙂

Upate : લો.. એક ફોટો તો એક ટહુકો-મિત્ર તરફથી મળી ગયો..! તમારે પણ કોઇ ફોટો મોકલવો હોય તો મોકલી દ્યો..! આજની પોસ્ટમાં એક થી વધુ ફોટા હશે તો ગીત સાંભળવાની વધુ મઝા આવશે..!

ટીંગાટોળી...

*****

શબ્દ- સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત: અમીત ઠક્કર
સ્વર: માનસી, પરીધિ, ઉર્જા

ટીંગાટોળી…………… ટીંગાટોળી.
મમ્મી ને પપ્પાએ ઝાલી રેશમ જેવી ઝોળી
ટીંગાટોળી………….. ટીંગાટોળી.

સવાર પડતાં સૂરજદાદા સામે આવી ઉભા
તડકા સાથે મસ્તી કરતાં હળવે મારૂં ગુબ્બા
મસ્તી કરતાં ભૂખ લાગી – ખાવી ચાંદાપોળી
ટીંગાટોળી………… ટીંગાટોળી.

ચાંદાપોળી ખાતાં ખાતાં નીંદર આવી આઁખે
માને ખોળે સૂઈને ઉડું હું સપનાની પાંખે
મારે સપને ઉડતી આવી સો સો પરીઓની ટોળી
ટીંગાટોળી………. ટીંગાટોળી.

આઁખ ઉઘાડી જોયું ત્યાં તો મમ્મી પપ્પા ગૂમ
આજુ બાજુ જોતાંજોતાં પાડી ત્યાં મેં બૂમ !!!
‘ચાલ આપણે રમીએ સાથે’ જો ! બોલી એક ખિસકોલી
ટીંગાટોળી. …….. ટીંગાટોળી.

રેડિયો 20: બાળગીતો

 

ગઇકાલે ૧૪મી નવેમ્બર એટલે વ્હાલા સ્વયમ્ નો જન્મદિવસ… અને સાથે બાળદિન પણ..!! તો સ્વયમ્ ને ખૂબ ખૂબ વ્હાલ સાથે Happy Birthday..! 🙂 અને આપની અંદર હજુ પણ રહેતા બાળકને બાળદિનની શુભેચ્છાઓ સાથે માણીએ થોડા બાળગીતો..!!

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

તો આજથી… ટહુકો પર પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ અઠવાડિયું..! પહેલા વિચાર આવ્યો કે ટહુકોનું ટોપ ટેન.. કે સૌથી વધુ સંભળાયેલા ગીતો.. કે મને સૌથી વધુ ગમતા ગીતો.. એવું કંઇક લઇ આવું, પણ વિચાર આવ્યો કે એ બધુ તો કટકે કટકે પાંચ વર્ષમાં આવી જ ગયું છે, એટલે કંઇક નવું જ પીરસું..! તો આવતા એક અઠવાડિયા સુધી – ગુજરાતી સંગીત જગતના થોડા જુદા જુદા રંગો.. એમ તો નહિ કહું કે આ સૌથી યાદગાર કે સૌથી વધુ લોકપ્રિય ગીતો છે – પણ હા.. કંઇક તો સ્પેશિયલ છે આ ગીતોમાં.

તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..!

તમને આ ગીતો ગમે છે…  તમે એને દિલથી માણ્યાં છે અને રાગડા તાણી તાણી ને બાલમંદિર માં લલકાર્યા છે….  તો આવતી પેઢીને પણ એ આપજો…   જો તમે નહિ આપો તો બીજે કશેથી એમને આ વારસો નહિ મળે…       તને એને – એક બિલાડી જાડી ગાતા નહિ શીખવાડો – તો શીલા કી જવાની ગાતા એ જાતે જ શીખી જશે – એમાં તમારી જરૂર નહિ પડે..!!   🙂

વારતા રે વારતા...
વારતા રે વારતા…

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળકલાકારો

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

****

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

****

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.

****

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

ધવલભાઇએ ‘યાદગાર ગીતો‘ શ્રેણીમાં કવિ શ્રી સુન્દરમ્ નું આ ગીત મુક્યું હતું, ત્યારથી જ એને અહીં મુકવાની ઇચ્છા હતી..! લો, આજે મુહુર્ત આવી ગયું. દિનેશઅંકલનું મઝાનું ગાડાવાળું ગીત સાંભળીને ગામડું.. અને બચપણ.. અને એવું બધું યાદ આવી જ ગયું, તો ચલો ને આ ઝાકમઝોળ બાળગીત સાંભળી જ લઇએ..!

અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો 🙂

તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.

સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ

અમે નાહ્યાં હો રંગના ઓવારે...  Lower Yosemite Falls, CA - April 2008
અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે... Lower Yosemite Falls, CA - April 2009

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)

મારા પ્રભુ તો નાના છે….

આજે આ મઝાનું બાળગીત… બાળપ્રાર્થના… અને એક નાનકડાને આ સાથે ખૂબ ખૂબ વ્હાલ સાથે અઢળક અઢળક જન્મદિવસની શુભેચ્છાઓ..! Happy Birthday, Ishan..! 🙂

કવિ – ?
સ્વરકાર – ?
સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
આલ્બમ – મેઘધનુષ

મારા પ્રભુ તો નાના છે,
દુનિયાના એ રાજા છે.

આભે ચડીને ઊભા છે,
સાગર જળમાં સૂતા છે.

યમુના કિનારે બેઠા છે,
મીઠી બંસી બજાવે છે.

પગમાં ઝાંઝર પહેર્યા છે,
છનનન છનનન નાચે છે.

– કવિ ?

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ

આજે San Francisco ની Public Library ના Children section માં અચાનક ગુજરાતી અક્ષરોવાળી ચોપડી દેખાઇ ગઇ..! છ માળની એ Library માં આમ તો ચાર shelf ભરીને ગુજરાતી ચોપડીઓ છે એ ખબર હતી – પણ બાળકોના વિભાગમાં પણ આમ ગુજરાતી ચોપડી જોઇને મઝા મઝા આવી ગઇ..! તો થયું, ચલો આજે જ તમને પણ ફરી એકવાર એક મઝ્ઝાનું બાળગીત સંભળાવી દઉં..!

(Knees and toes! નું એક પાનું.. – SF Main Library)

****
સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો
ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો
વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ
જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે
વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી
ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

– રમેશ પારેખ

કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય…

સ્વર : રૂપાંગ ખાનસાહેબ અને સાથીઓ
Music Arranger & Recording : મેહુલ સુરતી
Album : હસતા રમતા

આ અમારો બચૂડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય… Hi.., કદી કહે ગુડબાય.. Bye
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

પોએટ્રી તો પટ પટ બોલે, દાદી નો દેસી ક્હાન
સ્વાન કહે તું હંસને, દાદી સમજે શ્વાન
દ્હાડે દ્હાડે ત્રીજી પેઢી દૂર જતી દેખાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

મેઘધનુષી ગુર્જરભાષા કેટલા એના રંગ
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ
પણ અંગ્રેજીથી રંગી દીધું તેં તો આખું સ્કાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય

તુ અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે
કેમ કરી ચાલે રે બચૂડા ગુજરાતી જો ભૂલે
ભલે હોઠે English હૈયે ગુજરાતી સચવાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય