ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….
મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…
કવિ રમેશ પારેખને ગઈ કાલે એમની કવિતાઓ ગાઈ, વાંચી, વહેંચીને યાદ કર્યા. પછી એક કવિતાસંગીતપ્રેમીએ હક્કપૂર્વક ધ્યાન દોર્યું કે ગઈ કાલે વહેંચેલાં ગીતોમાં એમનું એક પણ મીરાંકાવ્ય ન હતું. મીરાંની મનોદશામાં પહોંચીને એમણે આખો સંગ્રહ આપ્યો – ‘મીરાં સામે પાર’. એમનું એક મીરાંગીત થોડો સમય પહેલાં સ્વરબદ્ધ થયું હતું તે સાંભળો. માત્ર ફૉનમાં રૅકોર્ડ કર્યું હતું એટલે હાર્મોનિયમ વધારે સંભળાશે; પણ ભાવ સમજાશે ને સંભળાશે પણ-
ગઈકાલે ચંદ્રગ્રહણ જોયું? મારી દીકરીએ મને પુછ્યું કે મને ચંદ્રગ્રહણ જોવું કેમ ગમે છે? ત્યારે એવો વિચાર આવ્યો કે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, આપણી Solar system, દૂધગંગા… આ બધી વાતો મને યાદ કરાવે છે કે – મારા માટે જેની કલ્પના પણ શક્ય નથી એવડી મોટી આ દુનિયામાં મારું અસ્તિત્વ કેટલું?
રમેશ પારેખની આ ગઝલનો પહેલો શેર એવું જ કંઈક યાદ કરાવે છે!
કવિશ્રીની પુણ્યતિથિ એ એમને યાદ કરી આ ગઝલ માણીએ!
આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં
એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને
એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં
મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં
ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
ગુજરાતી સાહિત્યના ફલક પર જેમને પોતાની અમીટ અને અવિનાશી એવી મહોર મારી છે એવા કવિશ્રી રમેશ પારેખની સ્મરણતિથિએ એમની આ અણમોલ રચનાનું અદભૂત સ્વરાંકન સ્વરકારના જ અવાજ માં પ્રસ્તુત છે!
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
– રમેશ પારેખ
અને આજે વિશ્વ ચકલી દિવસ છે તો બીજા થોડા ચકલી ગીતો પણ સાંભળી લો / વાંચી લો ….
ચકલીની ચીંચીં પર ઓવારી જાય મારી ઓસરીનો થાક,
શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો મારો શો વાંક? https://tahuko.com/?p=1229
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી https://tahuko.com/?p=8822
કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે? https://tahuko.com/?p=13563
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ https://tahuko.com/?p=16066
ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!
સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ
——————————
Posted on October 16, 2007
રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…