Category Archives: શ્યામલ મુન્શી

સૈયર તારા કિયા છૂંદણે – માધવ રામાનુજ

સંગીત :શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરઃ દિપાલી સોમૈયા ,સાધના સરગમ

.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર,
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝયો સૈયર.

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને,
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને.

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી,
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી.
-માધવ રામાનુજ

વરદાન – શ્યામલ મુનશી

જોવાની, સાંભળવાની મજા આવે એવું સુંદર ગીત, એ પણ સિમ્ફનીમાં…. !

શ્યામલ મુનશી દ્વારા લખાયેલ અને રચિત “વરદાન” નું ગુજરાતી વિડિઓ ગીત.
અનુપ્રીત ખાંડેકર દ્વારા સિમ્ફની ગોઠવણ.
શ્યામલ-સૌમિલ દ્વારા કલ્પના
વોકલ સપોર્ટ: અનિકેત ખંડેકર અને અમદાવાદના વિવિધ યુવા પ્રતિભાશાળી ગાયકો.
મૌલિક શાહ અને ઇશિરા પરીખ દ્વારા કથક નૃત્ય નિર્દેશન
ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર દ્વારા ભરતનાટ્યમ નૃત્ય નિર્દેશન
તબલા વિભાગ અમદાવાદના તબલા તાલિમ સંસ્થાની મુંજલ મહેતા દ્વારા સંચાલિત.
દીક્ષિત ઘોડા દ્વારા વીડિયોગ્રાફી.

તું તત્વનું જ્ઞાન દે, તું લક્ષ્યનું ધ્યાન દે,
તું અસ્તિનું ભાન દે, તું દૃષ્ટિનું દાન દે .
તું ચિત્તમાં તાન દે, તું કંઠમાં ગાન દે
તું સૂરમય કાન દે, તું નાદ સંધાન દે.

તું સૂર્યની દિવ્યતા, તું વ્યોમની ભવ્યતા,
તું રાતની રમ્યતા તું સોમની સૌમ્યતા.
તું શક્તિસભર વાન દે, તું ભક્તિસભર ગાન દે,
તું પ્રેમરસ પાન દે, તું શૌર્યની શાન દે,

જય મા.. સૌ જનનો સંતાપ હરતી ,
જય હે….મન અંતર ઉલ્લાસ ભરતી,
કર અંતર કુસુમિત, આનંદિત, મન મુકુલિત,
સુરભિત ઉર ઉદ્યાન..
તું અમ માનવમનને ઉન્નત વિચાર દે,
તુજ નેત્રોથી વહેતી કરુણા અપાર દે.
હે શક્તિ, રૂપ, જ્ઞાન દાત્રી, હે વિશ્વની વિધાત્રી,
હે પ્રભાવતી સાવિત્રી, હે કરાલી કાલરાત્રી.
આ વિશ્વ સકલને યોગ-ક્ષેમનું, શાંતિ-પ્રેમનું
દે વરદાન, વરદાન, વરદાન
– શ્યામલ મુનશી

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ

ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!

સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ

——————————

Posted on October 16, 2007

રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!

મને ખૂબ જ ગમતું આ બાળગીત, તમને પણ એટલું ગમશે.. !!

સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : મેઘધનુષ (શ્યામલ – સૌમિલ મુનશી)

ટહુકો ફાઉન્ડેશનનાં “સૂર શબ્દની પાંખે” કાર્યક્રમમાં આરુષિ અને શ્રાવ્યા અંજારિયાએ આ મજાનું ગીત પાછું હોઠે રમતું કર્યું.સાંભળો અને જુઓ ટહુકોની યુટ્યુબ ચેનલ ઉપર

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…

( આભાર : લયસ્તરો )

Happy Birthday, Rashi..!!

આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/Sfo6pIqJ6B8

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

અમદાવાદની ઉતરાણ – શ્યામલ મુનશી

તમે અમદાવાદમાં નથી ? તમે અગાશી પર નથી ?
નો પ્રોબ્લેમ.
આ ગીત તમને બેઉ જગ્યાએ લઈ જશે.

Amdavad ni Uttaran” , a Power-packed tune to get you hyped for the kite flying festival the city loves and celebrates. Go to your terrace with energy and enthusiasm with this fresh song and music created by Shyamal-Saumil.

અમદાવાદની ઉતરાણ, અમદાવાદની ઉતરાણ,
આકાશી મેદાને પતંગ દોરીનું રમખાણ. – અમદાવાદની ઉતરાણ

કોઈ અગરબત્તીથી પાડી કાણાં કિન્ના બાંધે,
કોઈ ફાટેલી ફુદ્દીઓને ગુંદરપટ્ટીથી સાંધે.
કોઈ લાવે, કોઈ ચગાવે, કોઈ છૂટ અપાવે,
કોઈ ખેંચે, કોઈ ઢીલ લગાવે , કોઈ પતંગ લપટાવે.
સૌને જુદી મસ્તી, જુદી ફાવટ, જુદી જાણ. – અમદાવાદની ઉતરાણ

રંગ રંગનાં પતંગનો આકાશે જામે જંગ,
કોઈ તંગ, કોઈ દંગ, કોઈ ઉડાડે ઉમંગ.
પેચ લેવા માટે કોઈ કરતું કાયમ પહેલ,
ખેલે રસાકસીનો ખેલ, કોઈને લેવી ગમતી સહેલ.
ખુશી ને ખુમારી વચ્ચે રંગીલું ઘમસાણ. – અમદાવાદની

સૂરજની ગરમીથી સૌના ચહેરા બનતા રાતા,
ઠમકે ઠમકે હાથ ઝલાતા, સઘળાં પરસેવાથી ન્હાતા.
કોઈ ટોપી, કોઈ ટોટી, પહેરે કાળાં ચશ્માં,
કોઈ ઢઢ્ઢો મચડી, નમન બાંધી, પતંગ રાખે વશમાં.
ઘીસરકાથી આંગળીઓના વેઢા લોહીલુહાણ – અમદાવાદની ઉતરાણ

નથી ઘણાંય ઘેર, સૌને વ્હાલું આજે શહેર,
ગમે છે પોળનાં ગીચીગીચ છાપરે કરવી લીલાલહેર.
વર્ષો પહેલાં ભારે હૈયે છોડયું અમદાવાદ,
તેમને ઘરની આવે યાદ, પોળનું જીવન પાડે સાદ.
પરદેશી ધરતીને દેશી આભનું ખેંચાણ. – અમદાવાદની
– શ્યામલ મુનશી

હું એક અનામી નદી – સુરેશ દલાલ

સ્વર : આરતી મુન્શી
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ
આલબમ : હસ્તાક્ષર

.

હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.
– સુરેશ દલાલ

સ્વરસેતુ Global Online Listeners’ Forum

ઘણા ગુજરાતીઓ જે અમદાવાદની બહાર વસે છે એમને એક વસવસો હોય છે કે અમદાવાદમાં થતા કેટકેટલાય સ્વરસેતુના કાર્યક્રમો માણી નથી શકાતા.

લો, એમનો આ વસવસો એક જ મિનિટમાં દૂર કરી દઉં. (મને થેન્ક યુ નહિ કહો તો ચાલશે)

આવતા છ મહિનામાં માણો સ્વરસેતુના ૬ કાર્યક્રમો… ઘરે બેઠા… તમારી સગવડે…

અને હા – રજિસ્ટ્રેશનમાં કે પ્રોગ્રામ જોવામાં કઈ પણ વાંધો આવે તો બિન્દાસ મને કહેજો. ટહુકો પરથી માહિતી મેળવીને રજિસ્ટેશન કરશો તો World’s Best Customer Service ની Guarantee હું આપું છું!!

હસે આંખડી ને ઢળે ચાંદની -રમણભાઇ પટેલ

શબ્દ :રમણભાઇ પટેલ
સંગીત :શ્યામલ-સૈમિલ મુન્શી
સ્વર : દિપાલી સોમૈયા
આલ્બમ :હસ્તાક્ષર

.

હસે આંખડી ને ઢળે ચાંદની
વિના ઊગે પૂનમની રાતડી
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

ભરી ફૂલવાડી ફૂલની કૂમાશથી
વિના મનગમતાં બોલની સુવાસ રે
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

મીઠી વાતોને ખીલી રહી રાતડી
વિના સંગાથે સરોવર પાળને
સાહેલડી વાટ વિનાંનું ભરેલ કોડિયું
હસે આંખડી ને ઢળે ચાંદની

ગોકુળમાં કોકવાર આવો તો કાન – માધવ રામાનુજ

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સ્વર : દક્ષેશ ધ્રુવ

.

સ્વર : મિતાલી સિંઘ
સંગીત : શ્યામલ સૌમિલ મુનશી

.

ગોકુળમાં કોકવાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઇને ગોવર્ધન જાવ ભલે,
જમનાને કાંઠે ના આવશો.

તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઇ હવે,
વિરહાના રાજ નહિ જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ,
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે:
લખિતંગ રાધાના ઝાઝા જુહાર….
શ્યામ, અંતરમાં ઓછુ ના લાવશો !

– માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું – માધવ રામાનુજ

સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ- હસ્તાક્ષર

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ