Category Archives: વિરાજ/બીજલ ઉપાધ્યાય

સંભારણાં – માધવ રામાનુજ

કવિ : માધવ રામાનુજ
સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક-૪

.

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં …
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું
વળતાં ચીતર્યાં રે બંધ બારણાં !

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં !

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો
ને ચીતર્યું કૂણેરું એક પાન ,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં
ત્યાં નજરનું ખરી ગયું ભાન !
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ
ને ઉંબરમાં અમિયલ ઓવારણાં !

– માધવ રામાનુજ

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી – રમેશ પારેખ

સ્વર્ઃ અનાર શાહ્
સ્વરાંકનઃ અમર ભટ્ટ

.

આલ્બમ : સંગત
સ્વર : વિરાજ બીજલ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌

સાત સાત પગલાઓ સાથે ચાલીને – મેઘબિંદુ

સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – દક્ષેશ ધ્રુવ
આલબ્મ – સંબંધ તો આકાશ

સાત સાત પગલાઓ સાથે ચાલીને
તેં માંગ્યો તો મારો હાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી
ને મહેકાવ્યો તારો એ બાગ
તારા અવાજમાં હું એવી ખોવાઈ ગઈ
કે ભૂલી ગઈ મારો રાગ
તારા એક એક પગલાની પૂજા કરી
તને માની ને મારો નાદ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

મંઝિલની ટોચ જ્યારે દેખાઈ દૂરથી
ત્યારે તેં લીધો વળાંક
તપ તપતાં તાપમાં તારી સંગાથમાં
ચાલી એમાં મારો શું વાંક?
મનના મારગમાં એવું તે કોણ મળ્યું
છોડી દીધો મારો સાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

– મેઘબિંદુ

અલક ચલાણું ઓલે ઘેર ભાણું – સુરેશ દલાલ

આજે ઘણા વખત પછી અકે ઘણું જૂનું બાળગીત….

સ્વર – હંસા દવે, વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
બાળગીત આલબ્મ – અલક ચલાણું

ધીમે ધીમે ઊગે વ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પંખીનું ગમતીલું ગાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગાડી ઉપડે તો હું જાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
પલમાં પાલઘર પલમાં દહાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હું સુરતની સહેલને માણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
વડોદરાની વાત વખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

કોઈને ત્યાં અવસરનું ટાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કોઈને દડીયે દડીયે કાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

મોટા કોઈ નાના પરમાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
અન ઉક્લેલું કોઈ ઉખાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

જ્યાં જાઉં ત્યાં મારું થાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
જમતા મારી વાત અથાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

ગીત ગાવું નહીં જરી પુરાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
કંઠે મારે રસનું લ્હાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

હજારને નવસો નવ્વાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
હું લાખોનું નગદ નાણું અલક ચલાણું ઓલે ઘેર ભાણું
ધીમે ધીમે ઊગે વ્હાણું….

– સુરેશ દલાલ
(શબ્દો અને ઓડ્યો ફાઈલ માટે આભાર – Arpana Gandhi)

દરિયો ડોલે રે માઝમ રાતનો… – ઝવેરચંદ મેઘાણી

પહેલા મુકેલું આ હાલરડું ફરી એક વાર હેમુ ગઢવીના સ્વરમાં….ઓડિયો ફાઈલ માટે આભાર  jhaverchandmeghani.com

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * *
Posted previously on July 17, 2007

આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.

babysleeping

સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય

.

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

– ઝવેરચંદ મેઘાણી

કોઈ હમણાં આવશે – જવાહર બક્ષી

સ્વર : વિરાજ અને બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : તારા શહેરમાં

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

સૂડી વચ્ચે સોપારી – ભગવતીકુમાર શર્મા

સૌથી પહેલા તો કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૫મા જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

HAPPY 75th BIRTHDAY Dear Bhagavatikaka…!!!

ઓગસ્ટ ૨૦૦૭માં સુરત ગઇ હતી ત્યારે સપ્તર્ષિના એક કાર્યક્રમમાં એમને રૂબરૂ મળવાનો અને એમના આશિર્વાદ મેળવવાનો મોકો મળ્યો હતો. (આભાર જનકભાઇ & મકરંદભાઇ… એ દિવસ મારા માટે ઘણી રીતે સ્પેશિયલ હતો..)

અને કવિને ટહુકોની શુભેચ્છાઓ સૂની સૂની તો ના જ હોઇ ને? સાંભળીએ ભગવતીકાકાનું એક રમતિયાળ ગીત – અમર ભટ્ટના સ્વરાંકનમાં. ૨૦૦૭ના સમન્વય કાર્યક્રમમાં ‘આ વર્ષના સ્વરકાર’ તરીકે અમરભાઇએ કેટલાક ગીત-ગઝલ રજુ કર્યા હતા, એમાંનું આ એક ગીત… અને કોઇ પણ ગીત-ગઝલ રજુ કરવાની એમની આગવી રીત અહીં પણ સાંભળવા મળશે જ..

આ ગીત એમના નવા આબ્લમ ‘શબ્દોનો સ્વરાભિષેક’માં પણ સ્વરાંકિત છે, અને હા.. મેં અને અહીં બે-એરિયાના બીજા કેટલાક મિત્રોએ તો આ ગીત અમરભાઇ પાસે રૂબરૂમાં સાંભળ્યું છે. (લોસ એંજલિસના મિત્રોને એ લ્હાવો આવતી કાલે મળશે 🙂 )

સ્વર: શ્રધ્ધા શાહ, ગાર્ગી વોરા

.

સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ
કે રાજ લવિંગ લ્યો…
સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ
કે રાજ લવિંગ લ્યો…

નમણી નાગરવેલ એનાં લીલાં પાન કપૂરી
હો સોળ વરસની ઉંમર કાજે ક્યાં લગી રહેવું ઝુરી
એક બેડું આપે તો, આખો મનખો ઝાકમજોળ, કે રાજ…

સૂડી વાગી આંગળીયે એનો કાળજડે ગરમાટો
હો પાલવનું રેશમ ફાડીને ચાલો બાંધીએ પાટો
રસ ઝરપે ને લોહી દદડે, ધબકારે ઘમરોળ, કે રાજ…

સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ, કે રાજ…
સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ, કે રાજ…

—————————–

અમરભાઈએ યાદ કરેલા ગીત-ગઝલ :

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી…

– પ્રિયકાંત મણિયાર

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

—————————–

ભગવતીકાકાની અન્ય રચનાઓ અહીં સાંભળો / વાંચો :

ટહુકો પર
લયસ્તરો પર
ગાગરમાં સાગર પર

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ … – દયારામ

આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..

અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે – જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…

રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય  

જીવનની છે સાંકળ લાંબી,
અગણિત એના બંધન;
સાચા ખોટા તકલાદી કે,
મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

માત ઝૂલાવે ઝૂલણે લઇને,
દોરીનું એક બંધન;
ઝગમગતું તો કોઇ ને કેડે,
કંદોરાનું બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

શહેનાઇના સૂરથી બાંધ્યા,
મીંઢણના પણ બંધન;
નાણાછડીથી બાંધે કોઇ,
યુગયુગના પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

તરસ્યા ને પાણી પીવડાવે,
ડોલ દોરીનું બંધન;
વ્હાણ ને સંભાળી રાખે,
લંગરનું પણ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

હાલમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;
પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન.

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

બંધન બંધનમાં ફરક છે,
ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન…

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ

વિરાજ – બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું ‘સૂના સરવરિયાને કાંઠડે‘ ગીત તો તમને યાદ જ હશે. એ જ સુમધુર કંઠે ગવાયેલું, પણ એક અલગ જ દુનિયામાં લઇ જતું આ ગીત. ગીતની શરુઆત જ એટલી ચોટદાર છે કે વાહ… દરેક વ્યક્તિ, વસ્તું, દરેક નાની મોટી વાતનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે, એ વાત ફક્ત એક કડીમાં એટલી અસરકારક રીતે કહી છે કે કદાચ આખો નિબંધ પણ આ વાત આટલી સરળતાથી ન સમજાવી શકે.

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

અને અવિનાશ વ્યાસના શબ્દો અને સૂર હોય, તો તો પછી પૂછવું જ શું ? ત્રણસો વાર આ ગીત સાંભળ્યું હશે, તો યે નક્કી નથી કરી શકી કે ત્રણ માંથી કઇ કડી વધુ ગમે છે.. થોડું ઉદાસ કરી દે એવું આ ગીત, તો યે વારંવાર સાંભળવું ચોક્કસ ગમે જ.

fiji_full_moon

.

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

————

ફરમાઇશ કરનાર મિત્ર : દિનેશ ગુસાણી