ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે
આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે
આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.
આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
‘મેઘબિન્દુ’નું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જન્મ : ૧૯૪૧), કાવ્યસંગ્રહ : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય. આ કવિ મુંબઈમાં- મુલુંડમાં રહે છે. એમની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે.
અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે કાગળમાં તમને સુખની ઘટના લખું. લખવા જાઉ છું ત્યાં તમારા વિનાનું મારું સુખ એટલે દુ:ખ-મારી કલમને રોકે છે. દુ:ખની ઘટના લખવા જાઉ તો હૃદય હાથને રોકે છે.
કારણ કે તમે પણ મારા જેટલા જ દુ:ખી હો અને એમાં હું તમને મારા દુ:ખની વાત કરીને વધારે દુ:ખી કરું એ મને ન ગમતી વાત છે. લખવું છે અને લખાતું નથી. લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારેય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી. પ્રહ્લાદ પારેખની ચાર પંકિત યાદ આવે છે.
હૈયાની જાણો છો જાત?
કૈવી હોયે કંઈયે વાત,
તોયે કૈવી ને ના કૈવી,
-બંને કરવાં એકીસાથ!
પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યા હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યકિતની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જીવાય એટલું જીવી લેવું છે. આ સાથે એક ગીત મુકું છું:
હું તો લખતી ને કોરો રહે કાગળ
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
અહીંના આકાશ મહીં ત્યાંનાં કોઈ વાંદળાં
રે, આવી આવીને જાય વરસી;
હરિયાળી આમ ભલે ખીલી ને તોય મને
લાગે કે આજ ધરા તરસી.
એકેએક ઘૂંટે ઘૂંટાયો દાવાનળ;
કે પંથ મારો આગળ જતો ને રહું પાછળ!
પંથ મારો ચાલે ને તોય મને લાગે
કે અહીંયાં કોઈ પંથ નથી કયાંય;
અહીંનો સૂનકાર બધો આવે સમેટવા
એવો કયાં ટ્હૌકો રેલાય?
મૌનમાં ગળતો રહે છે હિમાચળ
કે પંથ મારો આગળ જતો ને હું રહું પાછળ!
આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂
આજે ફરી એક મજાનો ગરબો… અત્યાર સુધી જેટલીવાર ગરબા રમવા ગઇ છું, લગભગ અડધોઅડધ વાર તો એવું થયું જ હશે કે પહેલાના પાંચ-છ ગરબામાંનો એક આ ગરબો હોય જ..! કદાચ ગરબાના કલાકારોનો એ ગોઠવેલો એક પછી એક કયો ગરબો ગાવો એનો પણ કોઇ વણલખ્યો ક્રમ હોતો હશે..!! 🙂
નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!
આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?