ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!
સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ
——————————
Posted on October 16, 2007
રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…
ટન ટન ટન બેલ પડ્યો ને, સ્કુલમાં થઇ ગઈ છુટ્ટી
ભરી દફતર ખભે મુકીને મે તો દોટ મૂકી..
પાંજરામાંનું પંખી જાણે જાય આકાશે ઉડી… જાય આકાશે ઉડી..
યુનિફોર્મ છે વિખરાયેલો ને છે ખુલ્લું દફતર
બુટની દોરી છુટ્ટી ને બેલ્ટ ઢીલો ને બક્કલ..
સ્કુલ તો લાગે જાણે મેદાને એ દંગલ.. ટન ટન ટન બેલ ..
નોટબૂકના પાનાં ફાડીને પ્લેઈન બનાવવા બેઠા
સ્કુલના દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા
થઇ રહી છે ચોપડાઓની જુઓ અદલા-બદલી
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી…ટન ટન ટન બેલ..
-રૂપાંગ ખાનસાહેબ