લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…
આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘
સંગીત : આશિત દેસાઇ
સ્વર : આશિત દેસાઇ – હેમા દેસાઇ
આલ્બમ : પાંખ ફૂટી આભને…
.
અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.
ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.
અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !