શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.
વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.
ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.
આજે ફરી એક મસ્ત મજાનું, અને એકદમ તાજ્જું વર્ષાગીત… પહેલા વરસાદની સાથે ગરમાગરમ ભજીયા જેવું refreshing..! અને એ પણ કવિના હસ્તાક્ષરમાં..! ‘મોન્સૂન મુબારક’ ના સંદેશ સાથે.. 🙂
અને કવિના શબ્દોની સાથે બીજી એક કમાલ છે ગીતના મધુર સંગીત સાથે રેલાતો નિશા ઉપાધ્યાયનો મદમાતો અવાજો.. ગીત શરૂ થાય કે તરત થાય કે વરસાદ પડો.. મારે ય ભીંજાવું છે..!!
ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..! અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….
મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!
રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!
મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
નિશા ઉપાધ્યાયના મધુર કંઠમાં ગવાયેલું આ ગીત – એક ખાસ મિત્રની ફરમાઇશ પર. આશા છે કે સૌને ગમશે. પણ એક ફરમાઇશ હું કરું? (તમે એકની પરમિશન આપો છો ને? – તો હું બે ફરમાઇશ કરી લઉં)
એક તો – આ ગીતના શબ્દો સાંભળીને લખ્યા છે. એટલે કશે જોડણી (કે આખા શબ્દની) ભૂલ દેખાય તો ધ્યાન દોરશો.
અને બીજી ફરમાઇશ.. આ ગીતની નાયિકાના ભાવને તમારા શબ્દો આપશો?
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !
‘લ્યો, નજરું વાળી લઉં પાંછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !
—————–
અને આ ગીત સાથે વંચિત કુકમાવાલાનું આ મસ્તીભર્યું ગીત પણ સાંભળવા જેવું છે. તને નજરું લાગી છે મારા નામની !