Category Archives: હરીન્દ્ર દવે

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે – હરીન્દ્ર દવે

સ્વરાંકનઃ આશિત દેસાઈ
સ્વરઃ હેમા દેસાઈ
આલબમ: માધવ ક્યાંય નથી મધુવનમાં

.

કાવ્યપાઠ : હરીન્દ્ર દવે

.

સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સૌજન્ય: માવજીભાઈ.કોમ

રાત આખી ઝરમરનાં ઝાંઝર વાગે
કે માડી ગેબના મલકથી ઊતરતાં લાગે

ધીમું ધીમું રે કોઈ જંતર વાગે
ને વિના વેણ કોઈ સંભળાય ગાણું
મધરાતે મન એના સૂરમાં પરોવ્યું
એને સાંભળી રોકાઈ ગયું વ્હાણું
જરા હળવેઃ કે ચાંદનીના ફોરાં વાગે

આભથી પનોતાં કોઈ પગલાં પડે ને
પછી ધરતીનું હૈયું મ્હેક મ્હેક
ભીનાં તરણાંનું બીન સાંભળું ત્યાં
અજવાળું પાથરે છે મોરલાની ગ્હેક
હજી કળીઓ સૂતી’તી, હવે ફૂલો જાગે

– હરીન્દ્ર દવે

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

આજે ૨૬ નવેમ્બર – સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવનો જન્મદિવસ.. એમને યાદ કરી આજે સાંભળીએ એમનું સૌથી પહેલું સ્વરાંકન…

સ્વરાંકન –દક્ષેશ ધ્રુવ
સ્વર – અમર ભટ્ટ

********

Posted on July 17, 2015

૬ વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રચના, આજે એક નહીં, પણ બે સ્વરાંકનો સાથે ફરી એકવાર… ગમશે ને?

સ્વર અને સ્વરાંકન – મધૂસુદન શાસ્ત્રી

 

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

જ્યાં ચરણ રુકે ત્યાં ....    Photo : Chirag Patel (at Sierra, Tahoe)
જ્યાં ચરણ રુકે ત્યાં …. Photo : Chirag Patel (at Sierra, Tahoe)

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)

વિરહ… – હરીન્દ્ર દવે

તાજ… Photo by Jay Tailor

કૈં કેટલાયે કાળથી
રચવા મથું હું શબ્દનો એક તાજ
ને એવી કો મુમતાજને સ્મરણે
મને જે આ ઘડી લગ ના મળી !
મુમતાજ
– કે જેની ફક્ત છે કલ્પના એ – ના
સ્મરણમાં રોનકી આલય રચું છું અવનવા
એકાંતના પાયા ઉપર.

એને વિરહ તડપી રહું
જેના મિલનનું ભાગ્ય તો ખૂલ્યું નથી !

– હરીન્દ્ર દવે

મહીં મથવા ઊઠ્યાં – નરસિંહ મહેતા

શબ્દવેદ – નરસિંહ મહેતાની સમગ્ર કવિતા પુસ્તક લેવા માટે અહીં ક્લીક કરો

સ્વર – કૌમુદી મુનશી, નીનુ મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈંયો ભક્ત હરિનો

પરભાતે મહીં મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.

માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.

વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.

બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.

 – નરસિંહ મહેતા

તું મને ના ચહે – હરીન્દ્ર દવે

તું મને ના ચહે,
ને ચહું હું તને,
પ્યાર ના એ મને આવડે છે.

પ્રેમમાં માત્ર પરિત્યાગનો ભાવ,
તો આપણા પંથ જુદા પડે છે.

હું ના બંધન કોઈ માનનારો કદી,
હું ન ‘ચિરકાળ ચાહીશ’ એવું કહું;
કાલ સૌંદર્ય તારું જશે ઓસરી
ને નહીં હુંય તે આજ જેવો રહું.

કાલ તો ઉગશે કાલ
આ આજને માણવા ચિત્ત તારું ચહે છે ?

આવ, તો, આવ હે !
અધરને આંગણે
હ્રદય ત્યાં વાટ તારી લહે છે.

– હરીન્દ્ર દવે

(આભાર – લયસ્તરો.કોમ)

રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

એપ્રિલ ૨૦૦૮થી લતા મંગેશકરના સ્વર સાથે ગૂંજતું આ યાદગાર ગીત – આજે ગાર્ગીબેનના સ્વર સાથે ટહુકો પર ફરી એકવાર… ગમશે ને? અને સાથે સાથે વ્હાલા વિશાલ-રોમીલાને લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

સ્વર : ગાર્ગી વોરા
સંગીત : દિલીપ ધોળકિયા
પ્રસ્તુતિ : અંકિત ત્રિવેદી

**********

Posted on April 28, 2008

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલીપ ધોળકિયા

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..
સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..

રૂપલે મઢી છે….

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..

રૂપલે મઢી છે….

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..

રૂપલે મઢી છે….

– હરીન્દ્ર દવે

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

નહીં આવું – હરીન્દ્ર દવે

ગોકુળથી ગોવર્ધન જાવું
ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું.

દાણતણો લેશ નથી ડર રે ઓ કાન!
એમ અમથા ફુલાતા નહીં મનમાં,
બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ
હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;
સંતાશો તોય નહિ શોધું, ઓ કાન,
તને કહો તો એ માન પણ મુકાવું.

ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન,
હવે ભૂલી પડું ન કુંજગલીએ,
સામે આવીને તમે રસ્તો રોકો તો અમે
આડબીડ મારગે ઊપડીએ;
કોઈનીયે રોક, કે ન કોઈનીય ટોક
હવે મારગ મળે એમ જાવું.

અમને મિલન કેરો આવડિયો મંતર રે
ખોવાયું હોય એ જ ખોળે,
દીધું’તું એથી તો કૈંક ગણું પામ્યાં, હાથ
આવ્યું રતન કોણ રોળે?
જેને ગરજ હોય આવે ને સ્હાય હાથ
મારે તે શીદને મૂંઝાવું!

– હરીન્દ્ર દવે