જુન ૦૧, ૨૦૦૯ માં પહેલા મુકેલું દુલા ભાય ‘કાગ’નું આ ગીત ફરી એક વાર સંજય ઓઝાના સ્વરમાં……
સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
આલબ્મ – આસ્થા (રાગ અભોગી)
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
આજનું આ ગીત મારી મમ્મીનું ખૂબ ગમતું ગીત.. (પપ્પા, આ પોસ્ટનું પ્રિન્ટ મમ્મી માટે લઇ જજો 🙂 )
ઘણા વખત પહેલા મમ્મીએ આ ગીતના થોડા શબ્દો જણાવેલા, ત્યારથી શોધતી હતી આ ગીત. ટહુકો પર ‘આવકારો મીઠો આપજે’ ના શબ્દો સાથે Note મુકી કે હું આ ગીત શોધું છું, એટલે તો વાચકોએ ગીતના શબ્દો અને સાથે ગીતની mp3 પણ થોડા વખતમાં શોધી આપ્યા.. એ સૌ વાચકોનો દિલથી આભાર.
સ્વર – પ્રફુલ દવે
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)
વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
આભે અડીયાં સેન અગન નાં, ધખિયાં આ દશ ઢાળાજી;,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
પ્રેમી પંખીડા પાછાં નહીં મળીએ, આ વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે એના મોઢાં મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
– દુલા ભાયા ‘કાગ’