Category Archives: નવીન શાહ

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

યેસુદાસ ના અવાજમાં ૧૯૭૫-૧૯૭૬માં આકાશવાણી મુંબઇ પર પ્રસારીત થયેલું આ ગીત યેસુદાસનું સૌથી પહેલુ ગુજરાતીમાં ગીત છે.

સંગીત: નવીન શાહ
સ્વર: કે. જે. યેસુદાસ

(મને દરિયો સમજીને…..Ocean Beach San Francisco)

.

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

– મહેશ શાહ

ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

(ભીની ભીની ઢેલડને, થનગનતો મોર….  Photo : team-bhp.com )

સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નવીન શાહ

* * * * * * *

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ