આજે ટહુકોની ચૌદમી વર્ષગાંઠ…
આટલા વર્ષોમાં ટહુકો તરફથી શું મળ્યું એનો હિસાબ કરવો મુશ્કેલ છે.. પણ હા, ટહુકો તરફથી મને સૌથી મોટી Gift જે મળી છે – એ છે કેટલાક અતિશય વ્હાલા મિત્રો. કેટલાક જેમની સાથે દરરોજ વાત થાય છે, તો કેટલાક એવા જેમની સાથે કદાચ વર્ષે એક વાર.. આજે એ સૌ ને એક નાનકડી વાત કહેવી છેઃ
एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तो
ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तो
અને આજે તમારી સાથે વહેંચવું છે ટહુકોનું એકદમ પોતીકું એવું સ્વરાંકન – કવિ મિત્ર વિવેક ટેલરના શબ્દો, અને સ્વરકાર મિત્ર મેહુલ સુરતીનું સ્વરાંકન…
સ્વર : અમન લેખડિયા
સંગીત : મેહુલ સુરતી
.
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.