આજે હિમાંશુભાઇની એક સદાબહાર ગઝલ, એક સુમધુર સ્વર સાથે… અને ખૂબી તો એ છે, કે સંગીતાબેન આમ તો professional composer નથી, પણ આ ગઝલ એમની ખૂબ જ ગમતી ગઝલ, અને એને બસ ગણગણતા એમણે એને compose કરી, અને પછી એકાદ વર્ષ પછી સંગીતસાથે record કર્યું.
લયસ્તરો પર વિવેકભાઇએ આ ગઝલ વિષે જે વાત કરી, એ અહીં ફરીથી આપને પીરસવાની લાલચ હું રોકી નથી શકતી.
‘કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?! ‘
– વિવેક ટેલર
આવી સુંદર ગઝલ આપણા સુધી પહોંચાડનાર દરેક કલાકારનો ખૂબ આભાર..
સંગીત-સાથ – શ્રી અરૂણ પટેલ-સુવિન બેંકર
સ્વર – સંગીતા ધરીઆ
.
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
– હિમાંશુ ભટ્ટ … 2005