કુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોષી

આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )

અમે અહીં (Bay Area, California)’ડગલો’ આયોજિત ‘કવિ વંદના’ કાર્યક્રમ કર્યો હતો – એમાં કલાકારોએ કવિ શ્રી ઉમાશંકર જોષીના આ ગીતની ઘણી જ સુંદર રજૂઆત કરી હતી – જે આજે આપ સાથે વહેંચુ છું!

સ્વર : પલક વ્યાસ, આણલ અંજારિયા, રાજા સોલંકી, નિકુંજ વૈદ્ય, દિનેશ મહેતા
સ્વરાંકન : શશીકાંતભાઇ વ્યાસ

કુંજ કુંજ તું ગુંજે ભમરા
કાં આટલું તને ના સૂઝે
કુંજ કુંજ તું ગુંજે

કાં પંકજ પુષ્પની પાંખરે
તું જીવન તારું ખાખ કરે
રસ તરસ્યા રસનાં ગાન કરે
તું પ્રાણ દઈ પ્રીત પાન કરે

તૂં પ્રીત ગીત લલકારે
ફરી કુંજ કુંજની ડાળે
તું પ્રણય વેદી પર પ્રાણ દે
તું પ્રાણ સમરામ જાણે

કાં આટલું તું ના જાણે
શું ફૂલ બીડાશે વ્હાણે
શું દુ:ખ હ્રદયમાં સાલે
તું જીવન જીવી જાણે

– ઉમાશંકર જોષી

મારી આંખોએ બેઠું ચોમાસું..! – એષા દાદાવાળા

તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!

ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!

આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?

– એષા દાદાવાળા

મારું વનરાવન છે રૂડું

સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)

સ્વર : હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

સ્ટૉપ પ્રેસ : આ જયશ્રી ભક્તને તમે ઓળખો છો?

વહાલા મિત્રો,

આમ તો ટહુકો એટલે જયશ્રી અને અમિતનું વિશ્વ પણ ક્યારેક હું એ બે જણાની પરવાનગી લીધા વિના ચંચુપાત કરી જતો હોઉં છું…

જયશ્રીને ટહુકોની સંચાલિકા અને સૂર-શબ્દની અહનિશ સાધિકા-ચાહિકા તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ પણ આજે મારે તમે જે જયશ્રીને હજી સુધી મળ્યા નથી એની સાથે તમારી મુલાકાત કરાવવી છે. સૂર અને શબ્દનો એકધારો સહેવાસ સેવ્યા પછી એની અંદરથી એક સાવ સરળ પણ ઉમદા કવિતા જેમ પથ્થર ફોડીને ઝરણું નીકળી આવે એવી સાહજિકતાથી નીકળી આવી છે.

ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમ પર આપે આ કવિતા હજી વાંચી ન હોય તો આજે જ નીચેની લિન્ક પર ક્લિક કરો:

http://layastaro.com/?p=8600

માફ કરજો, પણ એ કવિતા હું અહીં ટહુકો પર નહીં મૂકું. જો આપ જયશ્રીને ખરા દિલથી ચાહતા હો તો ઉપરની લિન્ક ઉપર ક્લિક કરી એની કવિતા માણો અને લયસ્તરો ઉપર જ આપનો પ્રતિભાવ પણ ભૂલ્યા વિના આપો…

– વિવેક મનહર ટેલર

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ

Updated on June 28, 2023

This was composed on 20.08. 2004. Performed live In USA. This track was received recently from some friend. Regrets for minor break before second stanza.
Source – Bilipatra channel on YouTube.

Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!

અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…

સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ

.

ધ્રુવ ગીત યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું

———————————————-
Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!

આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!

ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!

અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!

(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)

* * * * *

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

નથી રે રમવું – પ્રિયકાંત મણીઆર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઇને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહી છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હં તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટોશી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણીઆર

કોરી નજરું લઇ એમ વળી જાશું – જગદીશ જોશી

આજે ૧૪મી જુલાઇ – સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથી! એમના સૂરીલા સ્વર અને સ્વરાંકનો થકી હંમેશા આપણી સાથે રહેનાર પરેશભાઇને આજે ફરી એકવાર યાદ કરીએ.. પરેશ ભટ્ટના સ્વરાંકનો પ્રત્યે મને થોડો પક્ષપાત છે – આજ સુધી એમના જેટલા સ્વરાંકનો સાંભળ્યા છે – એ બધા એટલા ગમ્યા છે, એટલા માણ્યા છે – કે હવે તો કોઇ પણ સ્વરાંકન પરેશ ભટ્ટનું સ્વરાંકન છે – એ જાણીને જ ગમી જાય છે..!

 
કોઇક કાર્યક્રમનું live recording છે, અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇની request પર પરેશભાઇ પહેલા આખી કવિતા સંભળાવે છે. સ્વરાંકનની સાથે સાથે કવિતાનું પઠન સાંભળવાની પણ એટલી જ મઝા આવશે.

સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

– જગદીશ જોશી

ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે

આ ગીત તો જાંણે અમારા San Francisco માટે જ લખાયું છે. છેલ્લા થોડા દિવસોથી Bay Area માં બરાબર ઉનાળો જામ્યો છે – અને બધેથી heatwave ના સમાચાર આવે છે – અને અમારે ત્યાં ૪ દિવસથી સૂરજદાદાએ દર્શન નથી દીધા..! આ ધુમ્મસ કેરી ધરતી પર વાદળ કેરી વસ્તીએ કબ્જો જમાવ્યો છે..!!

ધુમ્મસ કેરી ધરતી ... Golden Gate Bridge & San Francisco in Fog !

આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.

ઘડીક ઢાંકે, ઘડી ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને, તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

– મકરંદ દવે