Category Archives: ભરત ભટ્ટ ‘પવન’

પપ્પા વિશેનું ગીત – ભરત ભટ્ટ ‘પવન’

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે !

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો….

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો….

દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ તો પપ્પાની આંકો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો….

– ભરત ભટ્ટ ‘પવન’