Category Archives: દિલીપ રાવળ

બંસીના સૂર તમે – દિલીપ રાવળ

આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?

તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..!
શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા 


રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )

સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

– દિલીપ રાવળ

આવ સજનવા – દિલીપ રાવળ

સ્વરાંકન – સંગીત : રિશિત ઝવેરી
સ્વર – હિમાલી વ્યાસ

મને તરબોળ થવું ..... Mystery Spot, Santa Cruz, CA

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ