Category Archives: રાજેન્દ્ર શુક્લ

ગાઓ પ્રિયજન – રાજેન્દ્ર શુક્લ

ગાઓ પ્રિયજન

આ લપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !
આ ઝપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

કાચું તો હમણાં તૂટવાનું, ક્યાં પાકું ય જામોકામી છે ?
આ ધબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

અતલ અચાનક ઊંડાણોમાં, આંખોમીંચ્યાં અંધારે પણ,
આ તબકે છે તે સાચું છે,
ગઝલ સિંહા લગ ગાઓ, પ્રિયજન !

અહીંથી નીકળી ને ત્યાં જાવું, તો અહીંયા શું ખોટું છે ?
આ ઝબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

સાંજ સવાર હથેલી ભાલે કુમકુમ કેસર અબિલગુલાલે,
આ ભભકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

– રાજેન્દ્ર શુક્લ

હમણાં ઊડી જઈશ હું – રાજેન્દ્ર શુક્લ

સ્વર : નયનેશ જાની
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હમણાં ઊડી જઈશ હું જાણે કે ઓસ છું.
મારી ખનકનો હું ખુદા ખાનાબદોશ છું.

ઊભરાતીમ્હેફિલે કદી એવું ય લાગતું,
કોઈ વિલુપ્ત વાણીનો હું શબ્દકોશ છું;

પડઘાઉં છુંસતત અનેઝિલાઉં છું ક્વચિત,
શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું;

પીધાં પછી ય પાત્રમાં બાકી રહી જતો,
અવકાશ છું અપાર ને ભરપૂર હોશ છું;

અમથી ય દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ,
તુર્ત જ થઉં પ્રસન્ન એવો આશુતોષ છું.

– રાજેન્દ્ર શુક્લ

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી – રાજેન્દ્ર શુક્લ

સ્વર : હરિશ્વંદ્ર જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી !
ક્યા હૈ મેરુ, ક્યા હૈ મંદર, ચેત મછંદર !

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા!
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા!
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા!
નજર સધી અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકઁવલ કી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઇ ભૈરવસૂર ગાયા, ગોરખ આયા!

એક ધરીમેં રુક્યો સાંસ કિ અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા!

ગગનઘટામેં એક કરાકો બિજરી હલસી,
ઘિર આઇ ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ, લેલીન હવે, અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

– રાજેન્દ્ર શુક્લ

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વિશ્વસંગીતદિન

વિશ્વસંગીતદિન : સંગીતમાતૃકાં વંદે
21/6 ના દિવસે યોગ એવો હોય છે કે એ વિશ્વ સંગીત દિવસ છે અને વિશ્વ યોગદિવસ પણ છે. સંગીત પોતે એક યોગ પણ છે. વધુમાં એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ પણ હોય છે.
જર્મન કવિ રિલ્કેએ સંગીતને સંબોધીને લખેલી કવિતા યાદ આવે છે. અંગ્રેજી અનુવાદ આ રહ્યો-

To Music.
_____
The breathing of statues. Perhaps:
The quiet of images. You, language where
languages end. You, time
standing straight from the direction
of transpiring hearts.
Feelings, for whom? O, you of the feelings
changing into what?— into an audible landscape.
You stranger: music. You chamber of our heart
which has outgrown us. Our inner most self,
transcending, squeezed out,—
holy farewell:
now that the interior surrounds us
the most practiced of distances, as the other
side of the air:
pure,
enormous
no longer habitable.
—Rainer Maria Rilke

સાચે જ સંગીત એટલે જ્યાં બધી ભાષાઓ સમાપ્ત થાય છે તે.
સ્વરકાર અતુલ દેસાઈ પાસેથી સંગીતની પ્રાર્થના શીખવાનો લ્હાવો મળ્યો. એ સાંભળો. સંગીત અને યોગમાં ૐકારની સાધના હોય છે. એ અંગે સંસ્કૃત શ્લોક છે એ પણ માણો અને પછી મારું પ્રિય સ્વરાંકન માણો. કવિ રાજેન્દ્ર શુક્લનું આ ગીત છે. રાગ ગોરખ કલ્યાણ પર આધારિત આ સ્વરાંકનની પ્રક્રિયા વિષે થોડુંક કહું?-
‘સપ્તક’ શાસ્ત્રીય કાર્યક્રમ દરમિયાન કવિએ આ ગીતનું મુખડું અને એક અંતરો સંભળાવ્યા. એ વખતે ગીત પૂરું થયું નહોતું. મારા આગ્રહથી બીજો અંતરો લખાયો અને એટલે કદાચ કવિએ અંતે વિરાજને યાદ કરીને ‘વિરાજૂં ‘ શબ્દ પસંદ કર્યો છે એમ હું માનું છું.
‘નમતું દીઠું નેણતરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં
સવા વાલનું પલ્લું ભારી
હેત હળુ વાળીથી હળવા પળમાં તો ગોવર્ધનધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભું આજુબાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હુંજ વિરાજૂં’

કવિ: રાજેન્દ્ર શુક્લ
સ્વરકાર:ગાન: અમર ભટ્ટ

ગ્લૉબલ કવિતા : ૧૧૨ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ

ગઝલ કે આધ્યાત્મનું મેઘધનુષ ?

                 ગઝલના બે પ્રમુખ રંગ કયા? તો કે, ઈશ્કે-મિજાજી (લૌકિક પ્રેમ) અને ઈશ્કે-હકીકી (અલૌકિક પ્રેમ). મોટાભાગની ગઝલો આ બેની રંગચ્છાયામાં ગતિ કરતી જોવા મળે છે. ગઝલના મુખ્ય અંગ કયા એમ પૂછીએ તો સાંઈ કવિ મકરન્દ દવે કહેશે: ‘અંદાજે-બયાઁ (અભિવ્યક્તિ), હુસ્ને-ખયાલ (સૌંદર્યબોધ), મૌસિકી (સંગીતમયતા), અને મારિફત (આધ્યાત્મિક્તા).’ આધ્યાત્મિક્તાને તેઓ ‘વાણીના લોહીમાં વહેતું રસાયન’ કહી કવિતાનો પ્રાણ ગણાવે છે. ઇલ્મે-તસવ્વુફ (સૂફી અધ્યાત્મવિદ્યા) પણ નજીકનો જ એક રંગ છે. ગુજરાતી ભાષામાં છેલ્લા કેટલાક દાયકાઓ ગઝલની સદાબહાર વસંતના છે. એક જમાનામાં જેમ બધા જ કવિઓ સૉનેટ પર હાથ અજમાવતા હતા, એમ આજે લગભગ બધા જ કવિઓ ગઝલ કહે છે. ઈશ્કે-હકીકી, મારિફત કે ઇલ્મે-તસવ્વુફના રંગ ગઝલમાં કદી સાયાસ આવી જ શકે નહીં એ હકીકતથી અણજાણ મોટાભાગના કવિઓ પોતાની ગઝલની કક્ષા ઊંચી છે એવું સિદ્ધ કરવા માટે આધ્યાત્મ પર હાથ અજમાવે છે. ગહન અભ્યાસ, પ્રખર વાંચન તથા ઊંડી નિસબતના અભાવે આ ગઝલો મુશાયરાઓ તો ડોલાવી શકે છે પણ સમયની સરાણ પર ટકી શકતી નથી. ગઝલના અડાબીડ જંગલમાં ફૂટી નીકળેલા બાવળિયાઓની વચ્ચે એક ચંદનવૃક્ષ વર્ષોથી પોતાની સુગંધ મંદ-મંદ પ્રસરાવી રહ્યું છે, જેને આપણે બાપુ કે રા. શુ. તરીકે ઓળખીએ છીએ.        

                 રાજેન્દ્ર શુક્લ. જન્મ ૧૨-૧૦-૧૯૪૨ના રોજ વિદ્યાબહેન તથા અનંતરાયના ઘરે બાંટવા, જૂનાગઢ ખાતે. શાળેય શિક્ષણ ગામમાં અને સ્નાતક (૧૯૬૫) તથા અનુસ્નાતક (૧૯૬૭) કક્ષાનું શિક્ષણ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં. ૧૪ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે કવિ બનવા સર્જાયા છે. ૨૦ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય કુમારમાં પ્રગટ થયું. આ જ અરસામાં જૂનાગઢ ખાતે દર મંગળવારે થતી કવિઓની બેઠકમાં તખ્તસિંહ પરમારે કહ્યું હતું કે અહીં આવતા બે નવોદિત કવિઓની રચના મારા વર્ગખંડમાં ભણાવવામાં આવશે. આગાહી નખશિખ ખરી પડી. એ બે કવિ તે મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ. ૨૮ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ પ્રગટ થયો. ૧૯૮૦માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃત) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજી)એ સાંપ્રત શિક્ષણ પ્રથાને તિલાંજલિ આપી નિવૃત્તિ લીધી અને બંને પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનું શિક્ષણ આપવાના બદલે ઘરનું શિક્ષણ આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. કોઈપણ માન્ય ડિગ્રી વિના પણ બંને પુત્રો પોતાની કારકિર્દી બનાવી શક્યા એ કવિએ પ્રવર્તમાન શિક્ષણવ્યવસ્થામાં રહેલ અવ્યવસ્થાને પકડાવેલો રોકડિયો જવાબ છે. એમના ઘરે ટેલિવિઝન પણ નથી અને અખબાર પણ આવતાં નથી. લગ્ન બાદ એમણે વાળ-દાઢી કપાવ્યાં નથી. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. હાલ કવિ સપરિવાર અમદાવાદ ખાતે રહે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

                  લિવિંગ લેજંડ’ કહી શકાય એવા રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. એમની કવિતાનો પ્રમુખ રંગ ગઝલનો. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. ગુજરાતી, ઉર્દૂ, સંસ્કૃત, વ્રજભાષા, તળપદી અને ખડી બોલીનો અદભુત સમન્વય એટલે રા.શુ. એમની ગઝલના શેરો વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે. ગઝલોપરાંત અછાંદસ, છંદોબદ્ધ તથા ગીતોમાં પણ એમનો યથેચ્છ વિહાર છે.  

                 આમ તો ગઝલમાં બધા જ શેર એક સ્વતંત્ર એકમ ગણાય છે એટલે કે એક શેર પૂર્વમાં જાય, બીજો પશ્ચિમ ને ત્રીજો ઉત્તરમાં જાય અને ચોથો કોઈ દિશામાં ગયા વિના સ્થિર જ ઊભો રહે એ શક્ય છે. પણ તોય એક સૂક્ષ્મ વિચારના તાંતણે આખી ગઝલ સળંગસૂત્રી લાગે એમ બંધાયેલ હોય તો એ આપણને વધુ ગમી જાય છે. કેટલીક ગઝલ એના બધા જ શેરમાં સળંગ એક જ વિચારનું વહન કરતી જોવા મળે છે, જેને આપણે મુસલસલ ગઝલ તરીકે ઓળખીએ છીએ. રાજેન્દ્ર શુક્લની પ્રસ્તુત ગઝલ મુસલસલ ગઝલનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. અહીં પ્રયોજાયેલી લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેર એમાંથી નિપજતા પ્રવાહી સંગીતના કારણે ખૂબ લોકપ્રિય છે. આ હમરદીફ-હમકાફિયા ગઝલનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ એના કાફિયાની વિશેષતા છે. અચાનક, કથાનક જેવા કાફિયા તો સહેજે પ્રયોજાતા આપણે જોઈએ છીએ પણ પાનક, નાનક, ગાનક અને આનક જેવા અનૂઠા કાફિયા તો રા.શુ.ની કલમમાંથી જ જન્મી શકે. સાત શેરની આ ગઝલ કવિએ ખુદ એમની એકસમયે કાર્યરત્ વેબસાઇટ ઉપર ટિપ્પણી કરી હતી.એ ટિપ્પણી વિના બે-ચાર સંદર્ભ ચૂકી જવું જરાય અસંભવ નથી. સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે એ જોતાં આ ગઝલને આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય.

                 એક પછી એક શેર હાથમાં લઈએ:

                 હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
                 તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

                 મુસાફરી કોઈ પણ હોય, શરૂઆત તો ઘરથી જ થાય છે. સાત શેરોમાં આધ્યાત્મના સાત મુકામના પ્રવાસે લઈ જતી આ ગઝલની શરૂઆત પણ ઘરથી જ થાય છે. જૂનાગઢના ઋષિકવિ જૂનાગઢના આદિકવિ નરસિંહ મહેતાને સ્મરે છે. નરસિંહ એટલે ગિરનારની તળેટીમાંથી કરતાલના તાલે ઊઠતો ભક્તિમાં સરાબોળ સાદ. કવિની પહેલી અભીપ્સા છે કે હાથમાં કરતાલ હોય. કરતાલ એ આત્માના તારને પરમાત્મા સાથે જોડવાનું સાધન માત્ર છે. કરમાં કરતાલ લેવાનો મતલબ ધ્યેય નક્કી કરવું. પણ માત્ર કરતાલ કાફી નથી, ચિત્તમાં એ ચાનક પણ હોવી ઘટે જે નરસૈયામાં હતી. પોતાનું સ્થાનક પણ કવિ ગિરનારની તળેટીની નજીક જ ક્યાંક ઝંખે છે. જ્યાં વિક્રમાદિત્યનું સિંહાસન દટાયેલું હતું એ માટીના ટીંબા પર બેસીને ન્યાય તોળતા ભરવાડના છોકરાને જોઈને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયેલો. સ્થાનનો મહિમા આ કથામાં સમજાય છે. ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ તથા ‘ઈશ્વર કણકણમાં છે’ એમ બોલવા છતાંય ગંગા જઈને નહાવાનું કે મંદિર જઈને ભક્તિ કરવાનું આપણે ત્યજતા નથી કેમકે મૂળ મહિમા સ્થાનનો છે. એટલે જ કવિ પણ તળેટીની નજીકમાં જ સ્થાનક ઝંખે છે. જૂનાગઢ કવિની માત્ર જન્મભૂમિ નથી, ભાવભૂમિ છે, સ્વભાવભૂમિ છે. એટલે જ કવિ અહીંથી શરૂઆત કરે છે.

                 લઈ નાંવ થારો સમયરો હળાહળ,
                 ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

                 ગુજરાતી સંતકવિના સંદર્ભવાળો પ્રથમ શેર ગુજરાતીમાં છે તો બીજા શેરમાં રાજસ્થાનનો ગેરુઓ નજરે ચડે છે. કવિ ઈશ્વરને કહે છે કે તારું નામ લઈને, સ્મરીને હળાહળ હોઠે ધર્યું કે તરત જ એ અમૃત સીંચેલું પીણું બની ગયું. રાણાએ મોકલાવેલો વિષનો પ્યાલો હરિનામ લઈને ગટગટાવી જવા છતાં પણ મીરાંબાઈનો વાળ પણ વાંકો થયો નહોતો એ ઘટના યાદ આવી જાય છે. ‘વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ (ગેમલ) મીરાંબાઈ પોતે પણ કહી ગયાં: ‘जहर का प्याला राणा भेज्या, अमृत दीन्ह बनाय। हाथ धोय जब पीवण लागी, हो गई अमर अँचाय।’ અન્ય એક પદમાં: ‘विष को प्यालो राणोजी भेज्यो, द्यौ मेडतणी णे पाय। कर चरणामृत पी गई रे, गुण गोविन्द रा गाय।’ એમના સેંકડો પદમાં આ ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત શેર વિશે કવિ પોતે કહે છે: ‘અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન.’ ગઝલ તો ગઝલ, એની સમજૂતી માટેય કવિ જે અનુભવકોશ ખોલે છે, ત્યાં સુધીની પહોંચ ભાગ્યે જ આજની પેઢીના કોઈ સર્જકના શબ્દકોશની હશે!    

                 સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
                 તિલક કોઈ આવીને કરશે અચાનક.

                 શેર વાંચતા જ તુલસીદાસ નજર સમક્ષ આવી જાય. ‘चित्रकूट के घाट पर भई संतन की भीर, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर।’ ઓરસિયા પર સુખડનું લાકડું ઘસાયે રાખે અને ચંદનનો સુગંધી લેપ ઉતરતો રહે અને રઘુનંદન આવીને અચાનક તિલક કરશે એવી શ્રદ્ધા કવિને શબ્દોમાં છે. કવિએ શબ્દોના ખોળે માથું મૂકી દીધું છે. સુખડના લાકડાંની જેમ કવિ શબ્દોની સાધનામાં જાત ઘસી રહ્યા છે. કવિ એક જગ્યાએ કહે છે: ‘ગઝલ આવે તો તેને ઝીલી શકે એવો અવકાશ રાખું છું, ખાલી રહું છું. હું માનું છું કે, કવિતાના આરંભથી અંત સુધી કવિની ચેતનામાં કંઈ ન ઉમેરાય તો તે રંક છે. શેરની વાત તો પછી. પ્રત્યેક શબ્દ પોતાનું વિશ્વ લઈને બેઠો છે. શબ્દમાં તાકાત છે.’ કવિનો શબ્દ શબ્દકોશમાંથી નહીં, જીવનકોશમાંથી આવતો હોય છે. શબ્દકોશમાંથી જ જો કવિતા બનતી હોય તો દુનિયામાં કોઈ અ-કવિ હોય જ નહીં. પણ જ્યારેતમે શબ્દોના, સરસ્વતીના પનારે આખું જીવતર ઘસાવા મૂકી દો છો ત્યારે એમાંથી આધ્યાત્મ આપોઆપ પ્રકટ થાય છે અને પરમકૃપાળુના આશિષ તિલક બનીને લલાટનું ગૌરવ કરે છે. સાધના વિના સાર્થક્ય નથી. કવિ એક જગ્યાએ કહે છે: ‘બધા મારી કવિતાને અધ્યાત્મ સાથે જોડે છે. ભાઈ, હું કહું છું બધું અધ્યાત્મ છે. મારે મન સર્જન સ્વ સાથેનું અનુસંધાન છે. મને પામવા માટે મને મળેલું સાધન એ શબ્દ છે.’ સ્વ સાથે અનુસંધાન થાય તો શબ્દ-કવિતા સામે ચાલીને ચંદનતિલક કરે.   

                 અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
                 મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક!

                 શેર વાંચતા જ સાળ પર ચાદર વણતા સંત કબીરની છબી તરત તાદૃશ થઈ આવે. ‘दास कबीर जतन करि ओढी, ज्यों की त्यों धर दीनी चदरिया।’ કબીરનો સંસાર પ્રતિનો અભિગમ बाजार से गुजरा हूँ, खरीदार नहीं हूँ વાળો હતો. સંસારની વચ્ચોવચ તેઓ સંન્યાસી હતા. પરમાત્માએ આપણને સહુને સંસારમાં કોરી પાટીરૂપે જ મોકલ્યા છે. આપણે જીવનભર એમાં અક્ષરોના ગુંચવાડા પાડ્યે રાખ્યે છીએ. આવીએ ત્યારે તો કોરાં જ આવીએ છીએ પણ જઈએ ત્યાં સુધીમાં એટલું લખાઈ જાય છે કે કોઈને વાંચવુંય હોય તો વાંચી ન શકે. પણ કબીર સાફ હતા. દાતા તરફથી મળેલ કોરા કથાનક અંગે તેઓ જાણતલ હતા અને એટલે જ કહે છે કે અમે માત્ર જતનથી નહીં, ઝીણેરાં જતનથી એ સાચવ્યું છે. ચારિત્રની ચાદર પર એકેય ડાઘ ન પડે એમ સાચવવી દોહ્યલી છે. પણ કબીર કટિબદ્ધ હતા. સંસારના કાદવમાં રહેવા છતાંય ન ખરડાવાની કમળીય નિર્લેપતા એમણે સિદ્ધ કરી હતી. ઈશ્વરે જે આપ્યું છે, જે સ્વરૂપે આપ્યું છે એ એમનું એમ જ પરત કરવા તેઓ કૃતનિશ્ચયી હતા. ઊંચી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા કરતાંય ચારિત્ર્ય કે વ્યવહારમાં ડાઘ ન પડવા દેવું શું વધુ ઇચ્છનીય નથી?             

                 છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
                 રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

                 ગુરુ નાનકનું નામ પોતે જ કાફિયો બનીને શેરમાં પ્રવેશતું હોવાથી કવિ ગઝલમાં પ્રથમવાર મુખર થયા છે. કવિ પોતે આ મુખરતાને ‘પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ’ ગણાવે છે. નાનક નાના હતા ત્યારે શાળામાં અભ્યાસમાં એમનું મન લાગતું નહોતું એનો ખ્યાલ આવતા પિતાએ એમને ખેતરની દેખભાળનું કામ સોંપ્યું. ખેતરમાં પક્ષીઓને દાણા ચણવા આવતાં જોઈને નાનકને તો જાણે સમાધિ લાગી જતી. પાકની જાળવણી કરવાના બદલે એ તો ‘राम की चिडिया, राम का खेत, खा लो चिडिया भर भर पेट’ ગાતાં-ગાતાં પક્ષીઓને સામે ચાલીને દાણા ખાવા આમંત્રણ આપતા. જે છે એ સઘળું ઈશ્વરનું જ છે તો આપણામાં આ માલિકીભાવ કેમ? આ મમત્વ શા માટે? આ આસક્તિ શા માટે? નાનકે જે બાળપણથી હાંસલ કરી હતી એ અનાસક્તિ અને ‘હું’હીનતા પ્રાપ્ત કરવા માટે હાથ હેઠાં રાખીને સાક્ષીભાવે સંસારને જોવાની તટસ્થતા પ્રાપ્ત થાય છે. મમત્વ દૂર થાય ત્યારે જ સમત્વ પ્રાપ્ત થાય છે. પંજાબી બોલીની લઢણ શેરમાં સહજ વણી લવાઈ છે એ કવિકર્મની વિશેષતા.            

                 નયનથી નીતરતી મહાભાબ મધુરા,
                 બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

                 કૃષ્ણરસમાં તરબોળ બાળ નિભાઈને એના આગ્રહને વશ થઈ સંન્યાસી ઈશ્વરપુરી સ્વામીએ દીક્ષા તો આપી પણ વૃંદાવન જવાના બદલે એની જન્મભૂમિ નવદ્વીપમાં જ કૃષ્ણભક્તિની રસધારા વહેવડાવવાનો અનુરોધ પણ કર્યો.બંગાળનો એ પ્રદેશ એ સમયે ગૌડ દેશ તરીકે જાણીતો હતો. નિભાઈ આગળ જતાં ચૈતન્ય મહાપ્રભુ તરીકે જાણીતા થયા અને એમનો સંપ્રદાય ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ખ્યાત થયો. પ્રસ્તુત શેરમાં કવિએ ચૈતન્ય મહાપ્રભુની તસ્વીર ઉજાગર કરી છે. કવિની લાક્ષણિકતા મુજબ શેરની ભાષામાં બંગાળી ભાષાનો સંસ્પર્શ પણ અનુભવાય છે. મહાપ્રભુના કરુણાસભર નેત્રોમાંથી મધુરો મહાભાવ અહર્નિશ નીતરતો રહેતો. ‘हरे-कृष्ण हरे-कृष्ण कृष्ण-कृष्ण हरे-हरे, हरे-राम हरे-राम राम-राम हरे-हरे’ના અખંડ ગાનની સ્વચ્છ ધારા અનવરત વહેતી રહે, અને એ થકી સ્વ ઓગળી જાય અને આત્મા-પરમાત્માનું અદ્વૈત-સાયુજ્ય સ્થપાય એની આરત અહીં ઉપસી આવે છે.      

                 શબોરોઝ એની મહકનો મુસલસલ,
                 અજબ હાલ હો ને અનલહક હો આનક!

                 આખરી શેરમાં મન્સૂર-બિન-હલ્લાજનો સંદર્ભ વણી લેવાયો છે. નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એ જે ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ કરતા હતા, જે ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો રહે છે. એ પછી તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું રહે છે. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય છે અને અંતિમ ચરણ હકીકત સુધી પહોંચતાં એ સત્ય પ્રાપ્ત કરી લે છે અને ખુદને ખુદામાં ફના કરી લે છે. દ્વૈતભાવ મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગુસ્તાખી ગણી એમને ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો હતો. પણ એ ઓલિયાને એની પરવાહ નહોતી. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને બાળીને રાખ કરાવ્યું.

                 કવિના અંતર્મનમાંથી આ શેર સાવ અણધાર્યો ઉપસી આવ્યો હોવાનું કવિ કહે છે. આખી ગઝલ ભજનસાદૃશ છે પણ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોનો સંસ્પર્શ, સૂફી વિચારધારા અને મન્સૂરની પ્રખ્યાત સૂક્તિ ‘અનલહક’ની ઉપસ્થિતિ એને ગઝલમૂલક ઓપ આપવામાં સફળ રહે છે. કવિએ આનન અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે પુનઃ સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે. જે રીતે સાચો સંત દરેક મનુષ્યને સમાન ભાવથી સત્કારે છે એ જ રીતે સંતકવિ રા.શુ.એ અહીં ‘અમીયેલ’થી માંડીને ‘શબોરોઝ’ સુધીના અલગ-અલગ ભાષા અને સંસ્કારના શબ્દોને એક જ રચનામાં ગોઠવીને સાચો કવિધર્મ બજાવ્યો છે. રાતદિવસ એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો થાય ત્યારે મુખમાં સતત હું જ બ્રહ્મ છુંની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

                 ગુજરાતી ગઝલમાં સીમાચિહ્ન ગણી શકાય એવી આ માતબર રચનાના અંતે કવિએ શા માટે પોતાના અનર્ગળ સ્નેહનો કળશ ગઝલરાણી પર ઢોળ્યો છે એ જાણીને વાત પૂરી કરીએ: ‘લાઘવ અને સંક્ષેપપ્રેમના કારણે ગઝલ મને ગમે છે. તેમાં વ્યંજનાને અવકાશ છે. મારી ગઝલના શેર પેલી એકસરખા શબ્દવાળા શેરની કોલમમાં નહીં મળે એનું કારણ છે કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે, ગઝલમાં કોઈ ભાવ સ્વશબ્દવાંચ્ય નથી, તેને માટે સંદર્ભ રચવો પડે. કવિતામાં ટાઇમલેસનેસ અગત્યની વાત છે. ‘આઇ-ધાઉ’થી શરૂ કરી ‘આઇ-ઓલ’ રિલેશનશીપમાં પરિણમતી એ ઘટના છે તેવી મારી સમજણ છે.’

સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

...કોઈ કહે કેસરની ક્યારી....Photo: Dr. Chirag Patel
…કોઈ કહે કેસરની ક્યારી….Photo: Dr. Chirag Patel

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

 

શબ્દ-અવતાર – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો।

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો।

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો।

મુક્ત સ્વેચ્છાએ જ બન્ધાયો સ્વમાં ,
સ્થિર મટીને કેવો સંસારી થયો?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો!

– રાજેન્દ્ર શુકલ
27 January 1978
ગઝલ સંહિતા પ્રથમ મંડળ