આજના મનોજ પર્વની પોસ્ટ ડૉ. વિવેક ટેલર તરફથી…!!
—————————–
ગુજરાતી ગઝલોને પ્રાણવાયુની જેમ શ્વસનાર મનોજ ખંડેરિયા સાંઠ વર્ષની ટૂંકી આયુમાં અચાનક કેન્સરની વ્યાધિ સામે ખુલ્લી છાતીએ લડીને ચાલ્યા ગયા પણ એમની કવિતાઓ ગુજરાતી સાહિત્યજગતમાં સીમાચિહ્ન બની રહી છે. શું ગઝલ કે શું ગીત કે શું અછાંદસ – આ માણસે જ્યાં હાથ નાંખ્યો, સોનું જ મળ્યું! મરાઠી ભાષામાંથી આપણે ત્યાં આવેલા અંજનીગીત પર એમને એટલું મજાનું કામ દિલથી કર્યું કે આપણને એક આખો સંગ્રહ ‘અંજની’ મળ્યો.
એમની કવિતામાં બરછટતા કે કટુતા જડી જડે એમ નથી. જેવો ઋજુ એમનો મિજાજ એવી જ લવચીક એમની કવિતા. મ.ખ.ની ગઝલો ગુજરાતી ગઝલોના સિરમુકુટનો કોહિનૂર છે. ગુજરાતી ગઝલના દેહમાં નવો આત્મા પૂરનાર પાયાના શિલ્પીઓમાં એમનું નામ ગર્વભેર મૂકવું પડે. મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. એમની ગઝલોમાં જેટલું ઊંડે ઉતરતા જાવ, એટલી નવતર અર્થચ્છાયાઓ હાથ લાગશે…
કવિની ખરી ઓળખાણ તો જો કે એના શબ્દો જ છે… એક જ વિષયને એક જ કવિ અલગ અલગ કઈ કઈ રીતે જુએ છે એનો વિગતવાર અભ્યાસ કરીએ તો કવિની સાચી પ્રતિભા પરખાઈ આવે. મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…
મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો
નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ
લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ
મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો
હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને
શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે
નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં
નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું
સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને
અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.
તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.
‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.
જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.
રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.
– મનોજ ખંડેરિયા