Category Archives: સુગમ વોરા

મને આવું ભીંજાવું નાં ફાવે – ચૈતાલી જોગી

સ્વર : સુહાની શાહ
સ્વરાંકન : સુહાની શાહ
સંગીત : સુગમ વોરા

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી

વાયરો – સુરેશ દલાલ

આજે માણીએ – સુગમ વોરા અને સ્તુતિ કારાણીની team પાસેથી વધુ એક મઝાનું ગીત… જે વારંવાર સાંભળવું, મમળાવવું ગમશે..!!

 

કેમે કરી નહી રહે ઝાલ્યો....    Yosemite National Park - May 2012
કેમે કરી નહી રહે ઝાલ્યો…. Yosemite National Park – May 2012

સ્વર – સ્તુતિ કારાણી
સ્વરાંકન – સુગમ વોરા

આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,
વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.

માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી
ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
ભરદોરે આસમાને ઊડતો’તો કેવો
ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?

હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો
કોણે આમ ધરણી પર ઢાળ્યો?

ઘોડા પર બેસીને આવ્યો અસવાર
ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા
વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું
ચહેરાના રંગ બધા આછા

હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને
કોણે કહો અગ્નિથી બાળ્યો?

– કવિ શ્રી સુરેશ દલાલ

************
પહેલા ટહુકો પર મુકેલા સુગમ વોરા ના સ્વરાંકનો યાદ છે? આજે ફરી એકવાર સાંભળી લેજો – મઝા પડી જશે.

બંસીના સૂર તમે – દિલીપ રાવળ

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો – વંચિત કુકમાવાલા

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો – વંચિત કુકમાવાલા

એકદમ મઝાનું ગીત…  બસ વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આ ગીત સાંભળીને કશુંક યાદ આવતું હોય એવું લાગ્યું. શું યાદ આવે છે એ તો નથી ખબર? શબ્દો તો પહેલા સાંભળ્યા હોય એવું લાગતું નથી, પણ છતાંય જાણે જાણીતા લાગે છે? અને આ સ્વર… આ સ્વરાંકન.. બધું જ જાણે અજાણ્યું નથી લાગતું..! પેલો હિન્દી ફિલ્મોનું જાણીતું વાક્ય આ ગીત માટે વાપરવાની ઇચ્છા થઇ જાય – મૈંને શાયદ આપકો પહેલે ભી કહીં દેખા હૈ..!!

સ્વરકાર – સ્વર નિયોજન : સુગમ વોરા
ગાયક : પ્રગતિ મહેતા

કોરી-કોરી પાટી જેવો..... Grand Canyon 2011

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.

અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.

દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…

– વંચિત કુકમાવાલા

બંસીના સૂર તમે – દિલીપ રાવળ

આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?

તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..!
શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા 


રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )

સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

– દિલીપ રાવળ