આર્શિવાદ – હિમાંશુ ભટ્ટ

કવિ મિત્ર હિમાંશુભાઇને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ ગઝલ – જે એમણે એમના બાળકો – રોહન અને રિતુ માટે એમના આશિર્વાદ તરીકે લખી છે.

*****

પર્વત તને મળે કદી, કે રણ તને મળે
બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે

છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
પલળી શકે વસંતમાં, તે મન તને મળે

કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
ઉર્મી ના અવનવા, રૂડા પવન તને મળે

પથમાં ચડાવ છે, અહિં ઊતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે

કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે

તારામાં તત્વ છે,અહિં તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે

તારાથી મોટો તો,અહિં તું થાયના કદી
સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે

ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળૅ

એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે

આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે

મારા ગયા પછી, તને તારા વિચારમાં
મારા વિચારની, સદા રજકણ તને મળે

– હિમાંશુ ભટ્ટ

ઉલ્લાસ કરીએ – નટવર ગાંધી

આજે ઑક્ટોબર ૪, કવિ શ્રી નટવર ગાંધીનો જન્મદિવસ..! એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે એમનું આ મઝાનું સોનેટ…..

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
નકે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણુ છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ,પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને ર્દષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસકરીએ.

– નટવર ગાંધી

સ્નેહે સુપુત્રી…. (ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો) – હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઇની આ મઝાની ગઝલ – આજે ફરી એકવાર…

થોડા દિવસો પહેલા અમે અહીં ‘સંવેદનાની સૂરાવલી’ કાર્યક્રમ કર્યો – એમાં શ્રાવ્યા અંજારિયાએ આ મઝાની ગઝલ પ્રસ્તુત કરી – અને સામે જ Sound Mixer પર બેઠા હતા એના વ્હાલા ડેડી..!! પણ એણે એવી મસ્તીથી આ ગઝલ રજૂ કરી કે શ્રોતાઓમાં બેઠેલા બધા ડેડીઓ ને એમની દીકરીઓ…. અને બધી દીકરીઓને એમના પપ્પાઓ યાદ આવી જ ગયા હશે.

તો આજે આ ગઝલ તમે પણ માણો… અને હા, કોઇક વ્હાલા ડેડી કે ડેડીની વ્હાલી દીકરીનો દિવસ સુધરી જશે – આ ગઝલની લિંક એમને મોકલશો તો… એટલે એ કામ પણ કરી જ લેજો..!! 🙂

સ્વર – શ્રાવ્યા અંજારિયા
સ્વરાંકન – કર્ણિક શાહ

અને આ રહ્યું પ્રોગ્રામનું વિડિઓ રેકોર્ડિંગ..!!

**********************

Posted on November 10, 2012

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત – હિમાંશુભાઇની કલમે લખાયેલી આ મારી એકદમ ગમતી ગઝલ – આજે ફરી એકવાર… એક નહિં – બે નવા અવાજમાં..!!

અને આજનો દિવસ પણ એકદમ ખાસ છે – જે દીકરીના વ્હાલમાં આ ગઝલ લખાઇ છે – એ વ્હાલી લાડકીનો આજે જન્મદિવસ છે. Happy Birthday Ritu..! Wishing you Many Many Happy Returns of the Day..!!

અને આજનો દિવસ વધુ ખાસ બનાવવા માટે – સાંભળીએ આ મઝાની ગઝલ – રીતુના પોતાના અવાજમાં..! ડેડીને જ્યારે એણે આ એમની જ ગઝલ પહેલીવાર સંભળાવી, એ મધુરક્ષણના સાક્ષી આજે આપણે બધા પણ થઇએ.

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – રીતુ ભટ્ટ

અને હા, આ ગઝલ એક નવા આબ્લમ ‘મેઘધનુષ’માં પણ સ્વરબધ્ધ થઇ છે. તો સાથે સાંભળીએ ગરિમા ત્રિવેદીના ગળચટ્ટા અવાજમાં આ મઝાની ગઝલ ફરી એકવાર. કર્ણિકભાઇએ આ ગઝલનું એવું મઝાનું સ્વરાંકન કર્યું છે બધા પપ્પાઓ અને પપ્પાઓની વ્હાલી દીકરીઓ બસ વારંવાર સાંભળ્યા જ કરે…!!!

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – ગરિમા ત્રિવેદી

——————————-
Posted on June 17, 2008
આ ગયા રવિવારે – ૧૫મી જુનના દિવસે ઘણાએ પપ્પા – ડેડી સાથે ‘Father’s Day’ મનાવ્યો હશો, અને મારા જેવા ઘણાએ લોકોએ બસ ફોન પર જ પપ્પાને ‘Happy Father’s Day’ કહીને મન મનાવ્યું હશે.

ગયા વર્ષે મુકેલું ગીત – પ્રિય પપ્પા હવે તો તમારા વગર… અને થોડા વખત પહેલા જ ટહુકો પર મુકેલી એક અછાંદસ કવિતા – તો પપ્પા! હવે ફોન મુકુ? – આ બંને રચનાઓમાં પપ્પાથી દૂર ગયેલી દીકરીની વાતો – લાગણીઓ રજુ થઇ છે, જ્યારે આજે (હા… ૧-૨ દિવસ મોડુ થઇ ગયું !!) નાનકડી ૨ વર્ષની દીકરી જાણે પપ્પા સાથે વાતો કરતી હોય, એ ભાવની ગઝલ લઇને આવી છું. અને એ પણ કવિના પોતાના અવાજમાં, કવિની શબ્દોમાં ગઝલની પુર્વભૂમિકા સાથે…

આભાર હિમાંશુભાઇ, અમને બધાને Father’s Dayની આ Special Gift આપવા માટે.

સાથે, આપ સૌને મારા અને હિમાંશુભાઇ તરફથી – Belated Happy Father’s Day 🙂

girl

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

————————
અને, ગઇકાલે મેં જે પેલા સ્પેશિયલ ગીતની વાત કરી હતીને, એ હવે આવતીકાલે…. !! 😀

————————

અને હા, હિમાંશુભાઇની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો.

http://ekvartalap.wordpress.com/

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

સ્વર કવન (માલવ દિવેટીઆના સ્વરાંકનનો) નું વિમોચન – અમદાવાદ (Sept 19, 2013)

માલવભાઇને ષષ્ટીપૂર્તિ અને આ આલ્બમના વિમોચન પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સાથે એમના તરફથી સૌ અમદાવાદીઓને આમંત્રણ – આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે..! માહિતી માટે જુઓ નીચેની આમંત્રણ પત્રિકા..!!

******************

આ આલ્બમના ગીતો ઓનલાઇન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો :

http://music.nokia.com/in/en/products/aishwarya-majmudar/swarkavan/52007153

******************

CARD CARD-BACK

રીમઝીમ બરસે બાદલ બરસે – સુન્દરમ્

સંવેદનાની સૂરાવલીની તૈયારી માટે ગયા રવિવારે અમે બધા મળ્યા ત્યારથી આ ગીત ગૂંજે છે. તો થયું, આજે તમને પણ આ ગીત સંભળાવી જ દઉં..! આમ તો દેશમાં વરસાદના જવાના એંધાણ છે – અને અમારે ત્યાં અહીં એના આવવાને હજુ વાર છે… પણ પિયુના આવવાના એંધાણ હોય ત્યારે તો ગમે તે મોસમમાં પણ વરસાદની સોડમ આવે, કાનમાં મોરના ટહુકા સંભળાય, અને મનમાં ગુંજે રીમઝીમ વરસતા વાદળના ઝંકાર…

સ્વર – વિભા દેસાઇ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

2009.09_ 064

રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ
બાદલ બરસે , રીમઝીમ બાદલ બરસે ,
રીમઝીમ બરસે , બાદલ બરસે
હો….મારું મન ગુંજે ઝનકાર , મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ!!!!

સાવન ની સખી સાંજ સુહાગી
કરતા મોર પુકાર ,ગગન ગોખ થી
મદભર નૈના , વીજ કરે ચમકાર
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

આંજણ આંજું , પહેરું પટોળા
સોળ સજું શણગાર ,
કઈ દિશ થી મારો કંથ પધારે
કોઈ દિયો અણસાર …
મારું મન ગુંજે ઝનકાર
રીમઝીમ બરસે , બાદલ બરસે
રીમઝીમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ

– સુન્દરમ્

વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…

OLYMPUS DIGITAL CAMERA
(વર્ષગાંઠની શત શત કોટિ વધાઈ… …યોસેમાઇટ પાર્ક, અમેરિકા, ૨૦૧૧)

*

આમ તો ટહુકો.કોમ એટલે જયશ્રી અને અમિતની ગરાસ… પણ કેટલાક દિવસ હું આ સાઇટ પર વિના પરવાનગી નોંક-ઝોંક કરી લેવાની મારી આદત છોડી શકતો નથી.

આજે ચોથી સપ્ટેમ્બર… જયશ્રીની વર્ષગાંઠ… આજનો દિવસ વળી એટલા માટે પણ ખાસ છે કે જયશ્રીના જીવનમાં આજની વર્ષગાંઠ એક નવી વસંત સાથે ઊઘડી છે… (હવે આ વસંતનું રહસ્ય મને ના પૂછશો… કેટલીક છીપના મોતી સમયના મરજીવાના હાથે જ ઊઘડે એ સારું!)

પ્રિય જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

અને હા, જયશ્રીની એક ખૂબ જ ચોટદાર કવિતા લયસ્તરો.કોમ પર આજે મૂકી છે. એ નહીં વાંચો તો જયશ્રીને પાઠવેલી આપની શુભકામનાઓ અધૂરી જ ગણાશે… કવિતા વાંચવા માટે અહીં ક્લિક કરો: http://layastaro.com/?p=10466

– વિવેક

जसोदा हरी पालने झुलावे – संत कवि श्री सूरदास

બસ થોડા દિવસો પહેલા જ બધાએ જન્માષ્ટમીના દિવસે વ્હાલા કાનુડાને Happy Birthday તો કર્યું જ હશે..! તો એ જ અવસર પર આજે ટહુકો પર સાંભળીએ અમારા SF Bay Area ના ઘણા જ જાણીતા ગાયિકા દર્શનાબેનના અવાજમાં કવિ શ્રી સૂરદાસના શબ્દો…!

સ્વરાંકન : પ્રવિણ ચઢ્ઢા
સ્વર : દર્શના શુક્લ

આલ્બમ : સૂર હરિ સુમિરન

jashoda hari palane zulave

जसोदा हरी पालने झुलावे।
हलरावै दुलराई मल्हावे, जोई सोयी कछु गावै ।। १

मेरे लाल को आऊ निंदरिया, कहे ना आनी सुनावे।
तू कहे नहीं बेगहिं आवे, तोकौं कान्हा बुलावै।। २

कबहु पलक हरी मुंदी लेत है, कबहु अधर फरकावे।
सोवत जानी मौन है कै राहि, करी करी सैन बतावै।। ३

इहि अंतर अकुलाई उठे हरी, जसुमति मधुरै गावै।
जो सुख सूर अमरमुनि दुर्लभ, सो नंदभामिनी पावै।। ४.

– संत कवि श्री सूरदास