Category Archives: અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

વરસાદ થઈને તું ભલે વરસે – અનિલ ચાવડા

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી કૂટું? રોવું? શું કરું?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.

છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

– અનિલ ચાવડા

નદી પાણી ત્યજી ને કયાં જવાની? – અનિલ ચાવડા

લાખ છો કોશિશ કરે એ ભાગવાની,
પણ નદી પાણી ત્યજી ને કયાં જવાની?

એક પણ ઘટના વગર જીવી ગયો છું,
આખરે આ એક ઘટના તો થવાની.

એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચૌક્કસ મ્હેંકવાની.

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા ને-
થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની.

ગાંડપણ નૈ ટેવ, મારે ટેવ છે આ;
ઘર વગર અમથા જ બારી વાંસવાની.

– અનિલ ચાવડા

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા… – અનિલ ચાવડા

પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…

વાદળમાંથી વર્ષા વર્ષામાંથી ઝરણું ઝરણાંમાંથી?
સરિતા વત્તા દરિયો વત્તા વરાળ વત્તા વાદળ વત્તા…

વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…

પત્રો વત્તા પ્રેમી વત્તા સમાજ વત્તા રિવાજ વત્તા,
મળવું છૂટ્ટા પડવું વત્તા આંખોમાંથી ખળખળ વત્તા…

રસ્તા વત્તા ખાડા વત્તા પગ છે સૌના આડા વત્તા.
જીવન વત્તા સ્પર્ધા વત્તા થાવું આગળ-પાછળ વત્તા…
– અનિલ ચાવડા

ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં. – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યુંઃ જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો! – અનિલ ચાવડા

એ જ કારણથી વધી ગઈ ‘તી અમારી લાય તો,
હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો!

શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

સાંકડી દીવાલમાંથી ગીત ફૂટી નીકળે પણ,
આ હવા પણ જો ફરી ધીમે રહીને વાય તો.

ને ચરણ આ છેક કૂવા પાસ જઈ ઊભાં રહ્યાં,
કોક જો એકાદ ટીંપું ક્યાંક પાણી પાય તો.

સાવ ટૂંકા છે બધા રસ્તા છતાં લાચાર છું,
શું કરું હું, ક્યાંય મારાથી જ ના પ્હોંચાય તો?

– અનિલ ચાવડા

છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ – અનિલ ચાવડા

દૂર લગ દેખાય ખાલી સાવ રણ, પાણી નથી;
છેક છાતીમાં ફરે તરસ્યાં હરણ, પાણી નથી.

લાગણીનો કાગડો નાખે હવે ક્યાં કાંકરા?
એમની ભીતર ઘડામાં સ્હેજ પણ પાણી નથી.

અન્યને ભીનાં કરી જગ છોડવું અઘરું પડે,
જિંદગી પાણી નથી કે આ મરણ પાણી નથી.

શક્ય છે કે દૃશ્ય વર્ષાનું રચાયું હોય, પણ;
આંખમાંથી જે ઝરે છે એ ઝરણ પાણી નથી.

સ્હેજ પાની ચૂમતાં છીપે તરસ, પણ તે છતાં;
ફક્ત તો પડશે જ, કારણ કે ચરણ પાણી નથી.

– અનિલ ચાવડા

કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે – અનિલ ચાવડા

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.

હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કંઈ થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે?

છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઊગે.

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે.

‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઊગે.

– અનિલ ચાવડા

વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? – અનિલ ચાવડા

જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન થતા જ એમાં ચાલ્યા જવાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

– અનિલ ચાવડા

ત્યારથી આખું જગત વિરોધમાં છે – અનિલ ચાવડા

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

– અનિલ ચાવડા