Category Archives: સોનેટ

ગ્લૉબલ કવિતા : ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd


ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)


મહાસાગરમાં ડૂબકી માર્યા વિના મોતી મળે ખરું?

પુરુષાર્થનું મહિમાગાન આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. મહેનત વિના આસાનીથી મળી જતી વસ્તુની આપણને ભાગ્યે જ કોઈ કિંમત હોય છે, પણ જીવ-જાન એક કરી દીધા પછી જે હાથ આવે એ તો અમૂલ્ય જ લાગવાનું. કવિતા બાબતે વિશ્વમાં બે પ્રમુખ વર્ગ પ્રવર્તે છે. એક વર્ગંનું માનવું છે કે કવિતા સમજવાની પળોજણ જ નકામી છે. અર્થ સમજવાની કડાકૂટ કર્યા વિના નિર્ભેળ કાવ્યાનંદ માણવાની હિમાયત તેઓ કરે છે. તો બીજો વર્ગ આકાશ-પાતાળ એક કરીનેય કવિતાના ભાવ અને અર્થ બંને સમજવાનું અનુમોદન કરે છે. આપણે કયા પક્ષમાં છીએ એ એક કવિતાની મદદથી સમજીએ…

બર્નાર્ડ પેટ્રિક ઓ’ડાઉડ. જીવનકાળ ૧૧ એપ્રિલ, ૧૮૬૬ થી ૦૧ સપ્ટેમ્બર, ૧૯૫૩. રાષ્ટ્રવાદી કવિ, ઉદ્દામ સમાજવાદી, વકીલ, સંસદીય મુસદ્દાકાર અને પત્રકાર. તેઓ ઈશ્વરદત્ત બક્ષિસ પ્રાપ્ત બાળક હતા. મિલ્ટનની પેરેડાઇઝ લૉસ્ટ કેવળ આઠ વર્ષની વયે એમણે વાંચી નાંખી હતી. સત્તર વર્ષની વયે તો એક શાળાના આચાર્ય બનાવાયા. એમની કવિતાઓમાં સાહજિકતા કરતાં જ્ઞાનદર્શન વધુ જોવા મળે છે. કાવ્યવિધાના તેઓ નિપુણ કસબી હતા, પણ એમની કાવ્યકળા બાબતે એકાધિક મંતવ્યો પ્રવર્તે છે. અંગ્રેજી કવિતામાં સહુથી પ્રચલિત છંદ આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) છે, પણ ઓ’ડાઉડે બહુધા મધ્યકાળથી સોળમી સદી સુધી પ્રયોજાતો હેપ્ટામીટર (ચૌદ શબ્દાંશ) છંદ પ્રયોજ્યો છે. એમની ઘણી રચનાઓ અઘરી-અટપટી અને ક્યારેક દુર્બોધ પણ ભાસે છે. પણ આ જ દુર્ગમતા પુરુષાર્થી ભાવકને અલૌકિકતાની અનુભૂતિ પણ કરાવે છે. દેખીતી ગદ્યાળુતા પણ ઊંડે ઉતરીએ તો પ્રેમમાં પડી જવાય એવી છે.

‘ઑસ્ટ્રેલિયા’નું કાવ્યસ્વરૂપ પેટ્રાર્કશાઈ સૉનેટનું છે. અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDE CDE પ્રકારે ચુસ્ત પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. સૉનેટમાં કવિએ એમના પ્રિય હેપ્ટામીટરના સ્થાને પ્રચલિત પેન્ટામીટર જ ખપમાં લીધું છે. છંદોબદ્ધ અનુવાદ મૂળ રચનાથી વધુ પડતા છેટા જવાની ફરજ પાડે એમ હોવાનું અનુભવાતા સૉનેટનો પદ્યાનુવાદ કરવાના સ્થાને ગદ્યાનુવાદથી જ કામ ચલાવ્યું છે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૦૦માં લખાયેલ સૉનેટનું શીર્ષક એનો કેન્દ્રવર્તી વિચાર પણ છે. આ એક મુદ્દે ઑસ્ટ્રેલિઅન કવિઓ મુખ્ય અંગ્રેજી કાવ્યધારાથી અલગ તરી આવે છે. ઑસ્ટ્રેલિઅન કવિઓ કવિતાઓમાં દેશની ઓળખ ઉપસાવવાની વધતી-ઓછી કોશિશ કરતા આવ્યા છે. સમયાંતરે બદલાતી રહેતી પ્રમુખ કાવ્યધારાની અસર તો હોવાની જ, પણ એની સમાંતરે જ દેશની ઓળખ રજૂ કરવાનો એકધારો વ્યાયામ અછતો રહેતો નથી. દેશ-કાળ તરફની કવિઓની આવી મનોગ્રસ્તતા જો કે જાણીતી છે. માર્ગારેટ એટવુડના પુસ્તક ‘સર્વાઇવલ: અ થિમેટિક ગાઇડ ટુ કેનેડિઅન લિટરેચર’ મુજબ અમેરિકાની સરખામણીમાં કેનેડિઅન કવિતાઓમાં કેનેડાના ભૂપ્રદેશની લાક્ષણિકતાઓ અને હવામાન તથા જનજીવન-જનમાનસ પર એની અસરોનું આલેખન વધુ માત્રામાં અને લગાતાર જોવા મળે છે. પણ ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો દેશનો ઇતિહાસ આ કાવ્યધારાથી થોડો અલગ જણાય છે.

પચાસ-સાંઠ હજાર વર્ષ પૂર્વે દરિયાઈ માર્ગે દક્ષિણ-પૂર્વી એશિયામાંથી જેઓ ઑસ્ટ્રેલિયા આવ્યા હતા, એમના વંશજો આદિમ જાતિ (ઍબોરિજનલ) કહેવાય છે. સત્તા અને સંપત્તિભૂખ્યા બ્રિટિશરોની નજરમાંથી ઑસ્ટ્રેલિયા પણ બચ્યું નહોતું. અઢારમી સદીના અંતભાગમાં બ્રિટિશરોએ ત્યાં પોતાની વસાહતો જમાવવા-વધારવાનું આદર્યું હતું. આ સૉનેટની રચનાના થોડા સમયમાં પહેલી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ કોમનવેલ્થ ઑફ ઑસ્ટ્રિલિયાની સ્થાપના થઈ. બ્રિટન સાથેના અંતિમ સંવૈધાનિક સંબંધ તો ૧૯૮૬માં ખતમ થયા હતા. હજી આજેય ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ ત્રીજા ઑસ્ટ્રેલિયાના વડા છે. ૧૯૯૯ની સાલમાં ઑસ્ટ્રેલિયાને સંવૈધાનિક રાજતંત્ર અથવા ગણતંત્ર બેમાંથી એકની પસંદગીની તક અપાઈ હતી, ત્યારે સોમાંથી પંચાવન લોકોએ બ્રિટિશ સર્વોપરિતા સ્વીકારવું પસંદ કર્યું હતું. કવિતામાં પોતાના દેશની ઓળખ ઉપસાવવાની મથામણ કરતો દેશ પ્રજાસત્તાક બનવા પૂરો તૈયાર નથી એ વાત વિરોધાભાસી નથી?

સમય નામનો નાવિક અવકાશના મહાસાગરને ફેંદી કાઢીને એમાંથી પૃથ્વી પર જે આખરી દરિયાઈ-વસ્તુ ઉસેટી લાવ્યો એને ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાવીને કવિ કાવ્યારંભ કરે છે. હજારો વર્ષ સુધી ઑસ્ટ્રેલિયા મુખ્ય જગતધારાથી અળગું રહ્યું હતું. છેક અઢારમી સદીના અંતભાગથી પાશ્ચાત્ય જગત સાથે એનો સીધો સંપર્ક થયો. ઍબોરિજિનલ લોકો સંખ્યા અને મહત્ત્વ –બંને રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા અને બ્રિટિશરો કાયમી ઘર કરી ગયા. વીસમી સદીનો પહેલો સૂર્યોદય એક દેશ તરીકે ઑસ્ટ્રેલિયાનો પહેલો સૂર્યોદય હોવાથી ઘણાં કવિઓએ ઑસ્ટ્રેલિયાને નવજાત શિશુ તરીકે જોયું છે. ડબ્લ્યુ. સી. વેન્ટવર્થ એને ‘બ્રિટનનું આખરી જન્મેલ શિશુ’ કહ્યું, તો હેનરી કેન્ડેલે એને ‘પ્રભાતના ગાયક’નું બિરુદ આપ્યું. કવિઓએ ઑસ્ટ્રેલિઆને સંસ્કૃતિ અને સંભાવનાઓના વણવપરાયેલ સ્રોત તરીકે જોયું છે. બર્નાર્ડ પણ એને અંતરીક્ષમાંથી ઉસેટી લાવવામાં આવેલ આખરી ચીજ તરીકે જુએ છે. આ નજરિયો બહારથી આવીને સ્થાયી થયેલ લોકોનો છે, મૂળ આદિમ જાતિના લોકોનો નહીં. બર્નાર્ડ ઑસ્ટ્રેલિયાને સમયના નક્શા પર અસ્તિત્ત્વમાં આવેલ આખરી પ્રદેશ, નવીનતમ ખંડ તરીકે આલેખી એની સાથે પ્રશ્નાલાપ આદરે છે. આખું અષ્ટક ઑસ્ટ્રેલિયાને પૂછાતા પ્રશ્નોથી બનેલ છે.

કવિ ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સરગાસોનું વહેણ છે, જ્યાં હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડેલોસ છે? આગળ વધતાં પહેલાં આ સંદર્ભોને સમજી લઈએ. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ સરગાસો સમુદ્ર દુનિયાનો એકમાત્ર સમુદ્ર છે, જેની એકેય તરફ જમીન નથી. એની સીમાઓ ચારે તરફના સમુદ્રોના પ્રવાહોથી બની છે. આ સમુદ્રની સપાટી ઉપર સરગાસમ નામની શેવાળ પથરાયેલ છે. દરિયાના તળિયે જ વિકસતી શેવાળોથી વિપરીત આ શેવાળ સપાટી ઉપર વાનસ્પતિક રૂપથી પ્રજનન કરી વિકસે છે. કોલમ્બસ સાથેના એક નાવિકને આ શેવાળ દ્રાક્ષના ઝુમખા જેવી દેખાઈ હતી, પરિણામે દ્રાક્ષ માટેના પોર્ટુગીઝ શબ્દ ઉપરથી સમુદ્ર અને શેવાળ બંનેનું નામકરણ થયું.

બીજો સંદર્ભ છે હેલ્સિયન શાંતિ. ગ્રીક પુરાકથા અને ઓવિડના મેટામોર્ફોસિસ મુજબ હેલ્સિયન એટલે પૌરાણિક કલકલિયો (કિંગફીશર), જે શિયાળામાં અયનકાળ દરમિયાન સમુદ્રની સપાટી ઉપર માળો બાંધી બચ્ચાં મૂકે છે. પક્ષીની વિશેષ શક્તિના કારણે આ સમયગાળામાં હવા અને સમુદ્ર અસામાન્ય રીતે એકદમ શાંત-સ્થિર રહે છે. આજે હેલ્સિયન શાંતિ અને સ્થિરતાનું પ્રતીક ગણાય છે. કવિએ ઑસ્ટ્રેલિયાને અદ્વિતીય લેખાવવા માટે આ બંને અદ્વિતીય પ્રતીકોનું સાયુજ્ય રચ્યું છે. પશ્ચિમથી આવીને ઑસ્ટ્રેલિયામાં પોતાનો માળો બાંધનાર વિદેશીઓ ત્યાંની આદિમ જાતિ માટે ઘાતક પુરવાર થયા હતા, એનો સંદર્ભ પણ કવિએ સાથે સીવી લીધો છે.

હવે કથક ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે? ગ્રીસમાં અવેલ ડિલોસ ટાપુ એપોલોનું જન્મસ્થળ ગણાય છે. હકીકતમાં ખરા સૂર્યદેવ ટાઇટન હેલિઓસ છે, પણ મોટાભાગના લોકો એપોલોને જ સૂર્યદેવ ગણીને ચાલે છે. આપણા કવિ પણ આમાંથી બાકાત નથી. ભૌગોલોક દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયા ઊગતા સૂર્યના દેશ ગણાતા જાપાન કરતાંય વધુ પૂર્વમાં હોવાથી ઑસ્ટ્રેલિયાને સૂર્યદેવના વંશજોનો પ્રદેશ લેખાવે છે ત્યારે એમનો પોતાના દેશ પરત્વેનો પક્ષપાત અછતો રહેતો નથી.

વળી કથક પોતાના દેશને સવાલ કરે છે કે શું એ તેલથી ભરેલો અને કાપીને સરખી કરેલ વાટવાળો દીવો છે કે પછી દલદલી ખોજમાં જડેલા ભૂતના ભડકા? એક તરફ કવિ દેશના અક્ષુણ્ણ અને અખૂટ ખનીજ અને તેલના ભંડારની વાત કરીને દેશની આંતરિક સમૃદ્ધિ તરફ ઈશારો કરે છે, તો બીજી તરફ કળણ અને ભૂતના ભડકાની વાત કરીને ક્ષણભંગુર અને માયાવી ગુણવત્તા તરફ અંગૂલિનિર્દેશ કરી સર્જકની તટસ્થતાનું પ્રમાણ આપે છે. સુધારેલ વાટ સાથેનો દીવો અને તેલથી ભરેલ શબ્દપ્રયોગ ઑસ્ટ્રેલિયા સુસ્થિરતા, સુવ્યવસ્થા અને સુનિશ્ચિતતાનો દેશ હોવાનો સંકેત આપે છે. ‘ભૂતના ભડકા’ પ્રયોગ દેશની ભૌગોલિક વિલક્ષણતા પણ ઇંગિત કરે છે. દેશના દક્ષિણ ખૂણે આવેલ તાઝમાનિયા દક્ષિણ ધ્રુવીય આભા (સધર્ન લાઇટ કે અરૉરા ઑસ્ટ્રેલિસ) માટેનો વૈશ્વિક મંચ છે. કવિએ દળદળી ખોજ સાથે ‘વિલ-ઓ’-વિસ્પ’ શબ્દ પ્રયોગ કર્યો છે. કળણ યાને કે ભીનાશવાળા કાદવની સપાટી ઉપર જૈવિક સડાને પરિણામે ફોસ્ફેટ અને મિથેન જેવા કુદરતી વાયુઓ પેદા થાય છે, જેના ઑક્સિડેશનના કારણે કદ, રંગ અને આકારમાં સતત બદલાતી રહેતી સ્ફુરદીપ્ત (ફૉસ્ફોરેસન્ટ) પ્રકાશજ્વાળાઓ નજરે ચડે છે, જે અંધારી રાતે ભૂતિયા પ્રકાશ કે ભૂતના ભડકાનો ભાસ જન્માવે છે. પેરેડાઇઝ લોસ્ટ (પુસ્તક નવ)માં મિલ્ટને ‘વિલ-ઑ’-ધ-વિસ્પ’નો સ-રસ પ્રયોગ કર્યો છે. ઉજ્જ્વળ-ચમકીલા વચનના આકર્ષણથી ઇવ ફોસલાઈ-લોભાઈ ગઈ હતી, પણ મૃગજળ જેવું વચન કદી સાચું ન પડ્યું અને આખરે ઇવનું પતન થયું. દલદલ અને કીચડમાં જોવા મળતું ભૂરું-સફેદ વિલ-ઓ-ધ-વિસ્પ્સ રાત્રે ગંદકીની ઉપર મંડરાય છે અને સદૈવ પહોંચબહાર જતું પ્રતીત થાય છે. કાળક્રમે આ ભૂતના ભડકા અપ્રાપ્ય આભાસ, જૂઠાં સ્વપ્નો, મિથ્યા આશાઓ, ભોળી માન્યતાઓ અને વિધ્વંસક ખતરાના પર્યાયવાચી બની ગયા. હકીકતમાં એ કોઈ દુર્ભાવનાપૂર્ણ આત્માઓનું પ્રતિફળ નથી, પણ સાધારણ રાસાયણિક પ્રક્રિયા જ છે. કવિ દેશને સવાલ કરે છે કે શું એ ભૂલાવામાં નાંખનાર કે હાથતાળી દઈ છટકી જનાર મૃગજળિયો દેશ તો નથી ને?

વળી કવિ એના દેશને પૂછે છે કે શું એ ધનકુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર માત્ર છે કે તારા ચહેરા તળે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે? કાવ્ય લખાયું એ સમયે ઑસ્ટ્રેલિયાને દેશ જાહેર કરવા માટેની પ્રક્રિયા જોરમાં હતી. એટલે એ સમયે આખો દેશ દેશના ભવિષ્ય વિશે ચિંતિત હોય એ સ્વાભાવિક છે. કવિના આ સવાલો પણ જે-તે સમયના ઑસ્ટ્રેલિયા-સ્થિત બૌદ્ધિકોની દેશ વિશેની પ્રમુખ માન્યતાઓનું પ્રતિબિંબ જ છે. લોકોને ચિંતા હતી કે શું આ દેશ ભ્રષ્ટ અને અયોગ્ય રીતે અર્જિત ધનસંપત્તિનો દેશ બની રહેશે કે હજારો વર્ષ સુધી ચાલનારું સ્વર્ગ અહીં રચાશે? ૦૧/૦૧/૧૯૦૧ના રોજ કૉમનવેલ્થ ઑફ ઑસ્ટ્રેલિયાની સ્થાપનાર્થે સેન્ટેનિઅલ પાર્કમાં સાંઠ હજાર જેટલા લોકો એકત્ર થયાં હતાં. આ પ્રસંગના સંભારણારૂપે ફેડરેશન સ્ટૉનની ઉપર ચૌદ મીટર ઊંચો પ્લાસ્ટર ઑફ પેરિસનો ગુંબજદાર મંડપ બનાવાયો હતો, જે બે વરસમાં નાશ પામ્યો. આ મંડપ ૧૯૮૮માં ફરી બનાવાયો ત્યારે ગુંબજની નીચે બર્નાર્ડના આ સૉનેટમાંથી મોટા અક્ષરે ‘મેમન ઓર મિલેનિઅલ ઇડન’ પ્રશ્ન લખવામાં આવ્યો છે. આ પ્રશ્ન એ સમયના નવજાત દેશ વિશેની ફિકર અને અવઢવ બંને પ્રગટ કરે છે. બર્નાર્ડનું આ સૉનેટ ઑસ્ટ્રેલિયામાં સમૃદ્ધ ભવિષ્યની શોધમાં આવેલ ઇન્ગ્લેન્ડનું ઑસ્ટ્રેલિયા વિશેનું માનસચિત્ર રજૂ કરે છે એમ કહેવામાંય કંઈ ખોટું નથી. એક તરફ ઉજ્જ્વળ ભાવિની સુનિશ્ચિતતા દેખાતી હતી, તો બીજી તરફ છેતરામણી અનિશ્ચિતત્તાઓનો ડર પણ સતાવતો હતો. વસાહતીઓના આ માનચિત્રમાં નિવાસી આદિમજાતિના વિચારો કે અભિગમોનો સંપૂર્ણપણે છેદ ઊડાડવામાં આવ્યો છે.

સૉનેટના અષ્ટકમાં સવાલો અને શંકાઓની જે બૌછાર હતી એ ષટકમાં વિધાન-વાક્યો અને કંઈક અંશે સુનિશ્ચિત આશાઓ અને વિશ્વાસનું રૂપ ધારે છે. દુનિયા એ સમયે પણ ઘાતકી હતી અને મનુષ્યોના સ્વાર્થના પરિણામે અનેક પ્રજાતિઓ લુપ્તપ્રાય થવા આવી હતી. અન્યત્ર લુપ્ત થતી જતી પશુ-પક્ષીઓ અને જળચરોની પ્રજાતિઓ ઑસ્ટ્રેલિયામાં નિર્ભીક થઈ રમણે ચડે છે, પરિણામે ઑસ્ટ્રેલિયાના વનમાંથી અલૌકિક સંગીત-સૂરાવલિઓ જન્મે છે. એક રીતે કવિ ઑસ્ટ્રેલિયાને મહાદ્વિપીય સંગ્રહાલય, જ્યાં ભૂતકાળને વર્તમાનસ્વરૂપે સાચવી રાખવામાં આવ્યો હોય એ રીતે જોતા હોવાનુંય અનુમાની શકાય. આ પરિપ્રેક્ષ્યમાં આદિમ એબોરિજિનલ લોકો અહીં દૃષ્ટિગોચર થાય છે.

દેશની સ્થાપના થઈ એ સમયના હકારાત્મક શુકનો દેશના ઉજ્જવળ ભાવિ સાથે ભળી જઈને એવું પ્રતીત કરાવે છે, કે આજ જેટલી સરસ છે, આવતીકાલ પણ એટલી જ ગૌરવાન્વિત હશે. દેશના કપાળે ક્રોસ અને પગ પાસે કુંવારો- અછૂતો મદદગાર સમુદ્ર જાણે કે વાવવામાં આવ્યા છે. આ વાવણીમાંથી જે ઊગશે એ સર્વોત્તમ જ હશે એવી ભાવના શુકનિયાળ સંકેતોના ભવિષ્યકથન સાથેના સંમિશ્રણની વાતમાંથી પ્રગટે છે. આકાશ અને સમુદ્ર વચ્ચેનો વિશાળ વ્યાપ આ વાતને વળી અધોરેખિત કરે છે.

આજે લગભગ સવાસો વરસ પછી ખ્યાલ આવે છે કે સહસ્ત્રાબ્દિઓનું આયુષ્ય ભોગવનાર ઇડન-સ્વર્ગ ચહેરા તળેથી પ્રગટ જ થયું નથી, ધનકુબેરે દેશના જનમાનસ પર કબ્જો કરી લીધો છે, અન્યત્ર લુપ્ત થઈ ગયેલ જાતિઓ અહીં પણ નામશેષ થઈ રહી છે, માથા પરના અકાશમાં વિરાજમાન ક્રોસ ધૂમ્ર-ધુમ્મસ (સ્મૉગ)માં ગાયબ થઈ ગયો છે, અને બચેલ તેલના કૂવાઓ પર નજર કરીએ તો કુંવારા મદદગાર સમુદ્રના ભવિષ્યનો ખ્યાલ આવશે. સૂર્ય-દેવના વંશજ કદી જન્મ્યા જ નહીં.

બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. જી. એમ. હોપ્કિન્સ અને એલિયટની સમજવામાં અઘરી કવિતાઓ તરત યાદ આવે. બર્નાર્ડના આ સૉનેટનો સાંપ્રત સમયમાં ઘણા લોકોએ વિરોધ પણ કર્યો છે અને જે રીતે શેક્સપિઅર વગેરે અનેક સર્જકોનું તત્કાલિન સાહિત્ય આજના સરળ-સહજ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, એ રીતે બર્નાર્ડના સૉનેટનું સરળીકરણ કરી રજૂ કરવાની કોશિશ પણ લોકોએ કરી છે. જો કે સરવાળે આ પ્રયત્નો અને વિરોધ બિનપાયેદાર અને બિનઅસરદાર જણાય છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૨૨૭ : રાત્રિને… – જોસેફ બ્લેન્કો વાઇટ

To Night

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?
Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!
Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White


રાત્રિને…
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું નામ તારું,
દેવો દ્વારા થઈ ખબર તારા વિશે પેલવેલી;
દેખીને એ થરથર નહીં કાંપી ઊઠ્યો હશે શું-
– તેજસ્વી આ છતર ઊજમાળું અને આસમાની?

ને તોયે લ્યો! હિમ-યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહાજ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
જુઓ, સૃષ્ટિ મનુજ-નજરે કેવી તો વિસ્તરી ત્યાં!

છૂપાયું છે તુજ કિરણમાં આવડું અંધિયારૂં,
વિચારી શું શકત કદી, હે સૂર્ય! કોઈ શું આવું?
જંતુ-માખી-પરણ સઘળું દૃષ્ટ કિંતુ અમોને
કીધા છે તેં અગણિત ગ્રહો-રત્નથી અંધ કેવા!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)


મૃત્યુ – જીવનના અજવાળામાં છૂપાઈ રહેલું અંધારૂં?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જ્ઞાન હોય એ વસ્તુ આપણને ડરાવી શકતી નથી પણ અપૂરતી અથવા શૂન્ય જાણકારી ડર જન્માવે છે. ઈશ્વર, પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે આપણે કંઈ જાણતા ન હોવાથી આપણે બીએ છીએ. મનમાંથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. ગુનો આચરવાની એક ક્ષણ પૂરતો માણસ તમામ ડરોથી મુક્ત હોય છે. ડર પરત ફરતાં જ એ પરિણામ કે પ્રાયશ્ચિતનું વિચારે છે. અંધારાનું પણ આવું જ છે. કાળમીંઢ અંધારામાં કોની છાતીના પાટિયા ન બેસે, કહો તો?! ટીપુંભર પ્રકાશેય પહોંચી ન શકે એવા, સગો હાથેય કળી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી બીધા વિના પસાર થવાય ખરું? મૃત્યુ પણ આવો જ ડર છે. અફર અને નિશ્ચિત હોવા છતાં બિલકુલ અકળ હોવાના કારણે જ મૃત્યુ સહુને બીવડાવે છે. મૃત્યુનો અનુભવ કહેવા-વહેંચવા કોઈ પરત ફરી શકતું નથી. મૃત્યુ વિષયક આપણું તમામ જ્ઞાન કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ અંધારામાં લપેટીને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પૅનિશ પણ કર્મે સ્પૅનિશ-અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પૅનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પૅન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પૅનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગતાં કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે ચડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા, જે એમની રચનાઓમાં પ્રતિબિંબાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી લખેલા ‘લેટર્સ ફ્રોમ સ્પૅન’ પુસ્તકમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો એમણે પર્દાફાશ કર્યો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવતા. સરળ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બની છે.

પ્રસ્તુત રચના કોઈ કળાકારની એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ ગઈ હોવાનંિ ઉત્તમ ઉદાહરણ છે. સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે પણ આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

‘નાઇટ એન્ડ ડેથ’ તરીકે પણ જાણીતું આ સૉનેટ પ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાયેલ પેટ્રાર્કશાઈ સૉનેટ છે. કવિના પોતાના હસ્તાક્ષરમાં એનું શીર્ષક ‘ટુ નાઇટ’ જોવા મળે છે. અષ્ટકમાં a-b-b-a/ a-b-b-a પ્રમાણે ચુસ્ત પેટ્રાર્કશાઈ પ્રાસવ્યવસ્થા છે, પણ ષટકમાં c-d-c-d-e-e મુજબ અંગ્રેજી ભાષામાં પાછળથી દાખલ થયેલ પેટ્રાર્કશાઈ પ્રાસગુંથણી છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. શીર્ષક અગોચર તરફની કાવ્યગતિ માટે આપણને તૈયાર કરે છે. રાત્રિને સંબોધીને કવિ મૃત્યુ વિશે વાત કરે છે. રાતનું અને મોતનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. અંધારા અને અટકળની બાબતમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

યુરોપમાં અઢારમી સદીના પૂર્વાર્ધમાં કળાના ક્ષેત્રમાં ‘રોમેન્ટિસિઝમ’ ચરમસીમાએ હતું. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા-ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ આ રચનામાં એની ઝાંય સાફ વર્તાય છે. રૉમેન્ટિસિઝમના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ વળી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા ડરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જેના પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હીમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી-મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ યાદ આવે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. આજ પૂર્વે આદમે કદી રાત જોઈ નથી. સ્વર્ગમાંથી નિકાસિત થઈ પૃથ્વી પર આવ્યા બાદની સર્વપ્રથમ રાત્રિ સાથેના આદમના અક્ષુણ્ણ સાક્ષાત્કારથી કાવ્યારંભ થાય છે. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર દિવ્ય અહેવાલો દ્વારા, દેવો મારફત રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે. રાત સાથે કોઈ જ પૂર્વપરિચય ન હોવાથી એ સ્વાભાવિકપણે ડર અનુભવે છે કે દુનિયાને ક્રમશઃ ગળી રહેલું અંધારું એને પણ ગળી જશે. પ્રથમ રાત્રિએ જ આદમને અંતનો અહેસાસ થયો છે. એટલે જ ઉજાસ અને આસમાની રંગથી ભરેલી ભવ્યાતિભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે જાણે કે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યાસ્તની સાથે જ અંધારી રાત રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અગણ્ય તારામંડળ લઈને પધારે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને આદમને સર્જનની વિશાળતાનો પહેલવારુકો અહેસાસ થાય છે. દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં સૃષ્ટિ મનુષ્યની દૃષ્ટિ ઊઘાડે છે અને વિકસાવે પણ છે. કુદરતની આ જ તો કરામત છે અને કુદરતની કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘હે સૂર્ય!’ કહીને સીધું જ પૂછે છે કે, ‘તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે.’ જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાનામાં નાની વસ્તુઓ પણ સૂર્યના અજવાળામાં છૂપી રહી શકતી નથી. દિવસના અજવાળામાં દૃષ્ટિનો વ્યાપ સમષ્ટિને આવરી લે છે. પણ આકાશમાં જુઓ તો કશું નજરે ચડતું નથી. ચંદ્ર-ગ્રહો-તારાઓ-નક્ષત્રો-આકાશગંગા –આ તમામ આકાશની ભૂરી તેજસ્વી છતમાં હાજર હોવા છતાં સૂર્યપ્રકાશની ઉપસ્થિતિમાં આંખોથી એ રીતે ઓઝલ રહે છે, જાણે અજવાળાંએ એમના અસ્તિત્વને ભૂંસી ન નાંખ્યું હોય! રાતના તમામ રત્નો યથાતથ જ છે. માત્ર અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ ગયાં છે. આમ, અજવાળાંની અંધારી બાજુ અને અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ‘ખરા’ અંધાપાને કવિ ચાક્ષુષ કરે છે. કેવું અદભુત! કવિતા અહીં પૂર્ણ થઈ હોત તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકી હોત. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ તો અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને બીજું જ નિશાન તાકવા ઇચ્છે છે.

ચૌદમાંથી બાર પંક્તિ રાત્રિના નામે છે અને બે જ પંક્તિ મૃત્યુના નામે છે પણ કાવ્યાંતે સમજાય છે કે ચૌદેચૌદ પંક્તિઓ કેવળ મૃત્યુના જ સંદર્ભે છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો ખબર નથી જ પણ એ જ્યાં લઈ જાય છે ત્યાંથી પરત પણ આવી શકાતું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. મૃત્યુની તરફેણમાં દલીલ કરતાં કવિ કહે છે કે જો સૂર્યપ્રકાશ આપણને છેતરીને નભછતરમાં હાજર અલૌકિક રત્નમંડળોથી નાવાકિફ રાખી શકે તો જીવનનો પ્રકાશ મૃત્યુરૂપી અંધકારને છતો ન થવા દે એમાં નારાજગી શા માટે? પ્રકાશ ખુદ ઊઠીને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે ન છેતરે? દિવસના ભરઅજવાળામાં જેમ તારાઓનું અસ્તિત્વ છે જ, એ જ રીતે જીવનઅજવાસમાં પણ મૃત્યુ સદૈવ હાજર જ છે. જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ શકતા નથી. તો આવામાં જિંદગી સાથે ઝઘડો શીદ કરવો? કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

મનુષ્ય સ્વભાવગત આપણે દેખાય એ જોવામાં મશગુલ થઈ જતી વખતે ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની આપણને દેખાતી બાજુને જ એકમાત્ર બાજુ ગણી લેવી એ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એને નકારતા રહેવું એ આપણી પ્રકૃતિ છે. જાણે આવવાનું જ ન હોય એમ મૃત્યુને આપણે અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજના આદમીને આવરી લે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ગ્લૉબલ કવિતા : ૨૨૫ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.

Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર તમે પ્રિયજનનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચતા વીતી રહેલી ક્ષણોને અઢેલીને બેઠા છો… સમય અહીં જ થીજી જાય એવી બૂમ હૃદયના અંતરતમ ખૂણેથી ઊઠતી હોય, પણ ક્ષિતિજ પર સૂરજ એમ આથમી રહ્યો છે, જાણે પીગળતું આઇસક્રીમ ન હોય! ખરું ને? આઇસક્રીમ પણ ગમે એટલું વહાલું કેમ ન હોય, લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડશે. ખરી મજા એને માણવામાં જ છે, સાચવવામાં નહીં. જિંદગીનુંય આવું જ છે. વૉલેસ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા. ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં ન જીતી પણ પ્રગટ થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરીને નીચલા વર્ગની ગણી આશીર્વાદ આપવા આવ્યા નહીં. વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. કહેવાય છે કે વૉકિંગ લિબર્ટી હાફ ડોલર અને મર્ક્યુરી ડાઇમની મોડેલ એલ્સી હતી. વૉલેસ કરતાં ઉમરમાં દાયકાભર નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન તો છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન અલગ-અલગ શયનકક્ષમાં એક મકાનમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે કાયમ થ્રી-પીસ સુટમાં સજ્જ રહેતી અંતર્મુખી સ્વભાવની સવા છ ફૂટની આ પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક, પણ મૃત્યુના વર્ષેક પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ મળી નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાઓથી પ્રચુર છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકતી કલ્પનાશક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની અભૂતપૂર્વ પ્રતિભા એમને ઉફરા તારવે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહેતા. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં લખાઈ હોવા છતાં કવિએ મીટરમાં નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વધુ રસિક બની છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવાયા નથી. આ કવિતાને વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા અને ઉત્તમોત્તમ કૃતિ –એમ બેવડા પુરસ્કાર મળ્યા છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘ઍલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી હતી. પ્રસ્તુત રચનાને આ વર્ગમાં મૂકી શકાય. આ વર્ગની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી અવળી ચાલે છે. ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવા સિવાય તિર્યકતા અને માર્મિકતા એનાં પ્રધાન લક્ષણ છે. પ્રસ્તુત રચનામાં પણ ઘણું સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારનું છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજારો શહેનશાહોના નામ આપણે સાંભળ્યા હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ હોવાની વાત બેવડાવે પણ છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપીએ.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને બરફ ખાવાનો ઈલાજ સૂચવતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબોને ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ એમની શોધ હતી. રોમન રાજાઓ ગુલામો મારફત પહાડો પરથી તાજો બરફ મંગાવી અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવ્યો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો. ભારતમાં આઇસક્રીમના પગરણ મોઘલ સામ્રાજ્યથી મંડાયા. ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે, અને કવિએ એને એકમાત્ર શહેનશાહ કેમ કહ્યું હશે!

કવિતા બે બંધની જેમ ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. પહેલો બંધ આપણને રસોડામાં તો બીજો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધે છે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) વગેરે અસામાન્ય શબ્દપ્રયોગો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ out of the box શબ્દ વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. વૉલેસે પોતે કહ્યું હતું કે, ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને અસામાન્ય પોશાક ધારણ કર્યો હોવા છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજાયા હોવાનું સમજાય છે. ખાદ્યપદાર્થને ‘કામાતુર’ કહીને કરાયેલ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

વૉલેસ કી-વેસ્ટ તથા હવાના ટાપુઓ પર અવારનવાર રહ્યા હોવાથી કવિતામાં ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય થાય છે. ઘરમાં લાશ હોય એ સમયે થતા સામાજિક મેળાવડો એટલે ‘વૅક’ (wake). ક્યારેક આ પ્રસંગોએ જાગરણ થતું હોવાથીય આ નામ પડ્યું હોઈ શકે. આવા પ્રસંગોએ આઇસક્રીમ ઘરોમાં બનાવાતું. દરેક ઘરમાં મૃત્યુપ્રસંગે જોવામાં આવે છે એમ જ અહીં પણ કોઈક ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લઈને હુકમબરદારી કરાવે છે. સૌપ્રથમ એ કાગળ વાળીને સિગાર બનાવવામાં નિષ્ણાત કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન કરે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં સિગારની ઘણી ફેક્ટરીઓ હતી. નજીકની ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે ‘કામાતુર દહીંઓ’ને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને એમના રોજિંદા પોશાકમાં જ હાજર રહેવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ પન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળાં કપડાં પહેરવાની પ્રથા છે. સંભાષક મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદો પહેરવેશ રાખવા જણાવે છે. ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો વેશ્યા થાય છે. કવિને કદાચ બંને અર્થ અભિપ્રેત છે. વેશ્યા અથવા એ કક્ષાની છોકરડીઓ એમ અર્થ કરીએ તો રોજિંદા પોશાકની પરિભાષા બદલાઈ જાય, પણ કવિ એ જ ઇચ્છતા હોવાનું સંભવ છે. છોકરાઓને શોકસભામાં બુકે લાવવાના સ્થાને વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા છે. અખબાર, ગયો મહિનો, ફૂલ –તમામ અલ્પાયુ. બધા રૂપક આઇસક્રીમની જેમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. સામસામે આવી ઊભેલા વાસ્તવ અને કલ્પનામાં કવિ કદાચ વાસ્તવને ઊંચુ સ્થાન આપે છે. સરળ ભાષામાં કહીએ તો ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો એમ કવિ કહે છે. ‘લાગવું’ એ આભાસી જીવનનું પ્રતીક છે તો ‘હોવું’ એ મૃત્યુની નક્કર હકીકત. કેમકે આખરે તો ક્ષણોમાં પીગળી જનાર આઇસક્રીમ યાને મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ સેક્સ, ફૂલો અને અખબારની જેમ અલ્પજીવી આનંદ છે. આઇસક્રીમ વળી ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ક્રૂર ટાઢક પણ અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ શો હોય? ઠંડો જ ને! રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે ને! આમ, બધી રીતે આઇસક્રીમ રૂપક યથાર્થ છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાના દૃશ્ય બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. એકાધિક વાંચન વિના કવિતા સમજવી કદાચ શક્ય જ નથી. બીજો અંતરો પહેલાને ખોલવાની ચાવી છે. સંભાષકની હુકમદારી ચાલુ જ છે. એ મૃતકને ઓઢાડવા કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો આપણને પહેલવહેલો અંદેશો મળે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરે છે. મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું એ ચાદર કાઢવાની છે. ભરતકામનો શોખ મરનારની વય વધુ હોવાનોય ઈશારો કરે છે. આમ, ઉમર વિશે પણ કવિતામાં પહેલીવાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. ચહેરો ઢાંકતી ચાદરના રૂપકમાં રસોડાના હલ્લાગુલ્લા પર કરવાનો ઢાંકપિછોડો પણ વર્તાય છે. ચાદર પણ મૃતકની આર્થિક સ્થિતિ જેવી જ છે. મોઢું ઢાંકો તો પગ ઊઘાડા રહી જાય એવી ટૂંકી. પગ માટે ‘હૉર્ની’ વિશેષણ વપરાયું છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો છે. આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડીનેય હૉર્ની કહેવાય. વિશેષમાં, કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો અર્થ કામાતુર થાય એ યાદ કરવું પણ અનિવાર્ય બને. આંટણવાળા કઠણ પગ ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ. કઠણ પગ મૃતકના રસોડાની ગતિવિધિ તરફના ઠંડો અને મૂંગો પ્રતિભાવનાય સૂચક. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં ભાતીગળ જીવનની અપૂર્ણતા સૂચવે છે. ટૂંકમાં, ભાવક માટે અનેક અર્થઘટનની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

કવિતા આપણને આજમાં જીવી લેવા (Carpe Diem) કહે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની દ્વિધામાં અટવાયેલ હેમ્લેટની યાદ પણ આવે, અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટનું ઉચ્ચારણ: ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ પણ યાદ આવે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાશે એ હકીકત અફર છે. આસપાસનું જીવન મૃત્યુ પછી પણ અટકવાનું નથી. તો મોતના શોકનો દંભ શીદ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી કેમ ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવન અને એકલવાયા મૃત્યુના ચિંતન જગાવે છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. શરૂમાં ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે આપણને લોભાવતું આઇસક્રીમ ભાગ્ય આપણને અંતે જ્યાં લઈ જનાર છે એ મૃત્યુના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’ અસ્તુ!

ગ્લૉબલ કવિતા: ૨૨૪ : મને જો ચાહે તો – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

Sonnet XIV

If thou must love me, let it be for nought
Except for love’s sake only. Do not say,
“I love her for her smile—her look—her way
Of speaking gently,—for a trick of thought
That falls in well with mine, and certes brought
A sense of pleasant ease on such a day”—
For these things in themselves, Belovèd, may
Be changed, or change for thee—and love, so wrought,
May be unwrought so. Neither love me for
Thine own dear pity’s wiping my cheeks dry:
A creature might forget to weep, who bore
Thy comfort long, and lose thy love thereby!
But love me for love’s sake, that evermore
Thou mayst love on, through love’s eternity.

– Elizabeth Barrett Browning

મને જો ચાહે તો

(શિખરિણી)
મને જો ચાહે તો પ્રીત જ પ્રીતનું કારણ હજો,
ન હો બીજો હેતુ લગરિક અને ના કહીશ આ:
“હું ચાહું છું એના સ્મિત, સિકલ, ભાવો સકળ, હા,
વળી એની બોલી મૃદુલ ગમતી ને ઉભયનો
મળે કેવો, જુઓ! મત ઉભયથી, સૂર્ય સુખનો!”-
પ્રિયે! આ ચીજોમાં ખુદ થઈ શકે ફેરબદલી,
નહીં તો એ તારે મન અલગ લાગેય પછીથી;
થતી જે આ રીતે, પ્રીત જઈ શકે એ જ ઢબથી.
દયા ખાઈને તો પ્રણય કદીયે ના કરીશ તું,
નિહાળી આંસુઓ હૃદય દ્રવવું સંભવિત છે,
અને ઉષ્મા પામ્યે રુદન ભૂલવું શક્ય જીવને.
થશે એવું તો શું પ્રીત જ નહિ ખોઈ દઈશ હું?

(અનુષ્ટુપ)
કારણ પ્રીતિનું પ્રીતિ*: એ સિવાય કશું નહીં.
પ્રેમ એમ પ્રિયે! હો તો પ્રીતિએ શાશ્વતી ગ્રહી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)
(*- પુણ્યસ્મરણ: કલાપી)

પ્રેમ ખાતર પ્રેમ

(હરિગીત)
તારે મને ચાહવી જ હો તો અન્ય કો’ કારણ નહીં,
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, એવું ના કહેતો કદી-
કે, “હું મરુ છું એના સ્મિત પર, રૂપ પર કુરબાન છું,
વાણી મૃદુ મન મોહતી, ને આપણા વિચારનું
અદભુત છે સામંજસ્ય, એ કારણ જો, આપણ ભાગ્યમાં
સુખનો સૂરજ ઊગશે નકી, કારણ આ મારી ચાહના.”-
– કારણ, પ્રિયે! આ સઘળું આપોઆપ બદલાઈ શકે,
ને કાલે બદલાયેલ એ લાગે તને, એ પણ બને.
જે પ્રેમ આ રીતે હો સંભવ, આ રીતે જઈ પણ શકે,
ચાહીશ નહિ ખાઈ દયા, આંસુઓ મારા જોઈને,
સહવાસની ઉષ્મા મળે તો અશ્રુ સૂકાઈ શકે,
સંભવ છે ખોઈ પણ શકું હું એમ તારા પ્રેમને.
બસ, પ્રેમ ખાતર પ્રેમ કરજે, અન્ય કારણથી નહીં
જેથી કરીને પ્રેમને થઈ શકશે હાંસિલ શાશ્વતી.

– એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ
(અનુ : વિવેક મનહર ટેલર)

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી…

ઉષ્માસભર કાળજી એ સજીવમાત્રની આવશ્યકતા છે. કહે છે કે ફૂલ-છોડ-વનસ્પતિ પર પણ સ્પર્શ અને માવજતની અસર થાય છે અને આપણા વર્તનનો તેઓ સારો-નરસો બંને પ્રકારનો પડઘો પાડે છે. હા, આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ચુકી છે. મૂંગા પ્રાણી સાથે થોડા દિવસો વિતાવવામાં આવે તો આપણને એમની અને એમને પણ આપણી આદત પડી જાય છે. લાગણીના તંતુથી બંધાઈ જતાં વાર લાગતી નથી. છોડ-વૃક્ષ કે પશુ-પંખીની વાત બાજુએ મૂકો, નિર્જીવ વસ્તુ સાથે પણ આપણા દિલના તાર એવા જોડાઈ જતા હોય છે કે એ વસ્તુ ગુમાવીએ કે તૂટી જાય તો જીવ કાચી કળીએ કપાઈ જાય. પણ આ તમામ જોડકાંઓથી વધીને અને સર્વોપરી તો બે મનુષ્ય વચ્ચેનું જોડાણ જ. માનવી-માનવી વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત અને ઘનિષ્ઠ. કેમકે મનુષ્ય પાસે અભિવ્યક્તિ માટે હાવભાવથી વધીને ભાષાની સવલત પણ છે. આ ઉષ્માસભર કાળજી, માવજત, લાગણી કે સંબંધને આપણે પ્રેમનું નામ આપ્યું છે. પ્રેમ શબ્દ વળી સાવ છેતરામણો. જેમ ઈશ્વરનું અસ્તિત્વ શરૂથી જ શંકાસ્પદ, એમ જ પ્રેમનું પણ. બે મનુષ્ય વચ્ચેના ખેંચાણને આપણે પ્રેમનું નામ તો આપી દઈએ છીએ પણ સાચો પ્રેમ તો ભાગ્યે જ કોઈના નસીબમાં જોવા મળે છે. પ્રેમના નામે એકમેકની નજીક આવી ઉભય વચ્ચે સાયુજ્ય સ્થપાય, પરંતુ એને પ્રેમ કહી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે, કારણ કે સાચા પ્રેમની આપણી વ્યાખ્યામાં હક, અપેક્ષા, માલિકીભાવ, સ્વાર્થ, શંકા, અહંકાર વગેરેનો સમાવેશ થતો જ નથી અને દુનિયામાં એવો તો એકેય સંબંધ જોવા જ નથી મળતો, જેમાં આમાંથી એક, એકાધિક કે તમામ પરિબળ સામેલ ન હોય! આજે જે કવિતા આપણે જોવાના છીએ તે કવિતામાં એલિઝાબેથ પણ આ મુદ્દાઓ અને સર્જાતી પળોજણથી પરિચિત હોવાના કારણે સાચા પ્રેમ તરફ જવાનો માર્ગ સૂચવે છે.

એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ. (જન્મ ૦૬-૦૩-૧૮૦૬, ઇંગ્લેન્ડમાં – મૃત્યુ ૨૯-૦૬-૧૮૬૧, ફ્લૉરેન્સ, ઈટલી ખાતે). ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડના વિક્ટોરિઅન યુગના રૉમેન્ટિસિઝમ ધારાના કવિઓમાં નોંધપાત્ર. રૉબર્ટ બ્રાઉનિંગના પત્ની પણ એમની ખ્યાતિ એમના પતિથી ખૂબ વધારે હતી. એમિલી ડિકિન્સન એમનાથી એટલા પ્રભાવિત હતાં કે પોતાના શયનકક્ષમાં એલિઝાબેથનો ફોટો ટાંગ્યો હતો. એક સ્ત્રી, એક વ્યક્તિ અને એક કવિ તરીકે તેઓ એમના જમાનાથી ખુબ આગળ હતાં. એમના માનવતાવાદી વિચારો અને ગુલામી-શોષણ સામેનો મક્કમ વિરોધ એમને એ જમાનાના સર્જકોથી મુઠ્ઠી ઊંચેરું સ્થાન બક્ષે છે. દસ વર્ષની વયે તો શેક્સપિઅર સહિતનું અઢળક સાહિત્ય વાંચી કાઢ્યું. અગિયાર વર્ષની વયે તો ચાર ભાગમાં વહેચાયેલું મહાકાવ્ય પણ લખી નાખ્યું. ગ્રીક અને લેટિન સાહિત્યનો ઊંડો અભ્યાસ. બાળપણથી બીમારીગ્રસ્ત અને દર્દથી બચવા આજીવન અફીણનો સહારો લીધો. નાની વયે જ દુનિયા પણ ત્યાગી ગયાં. અરૉરા લૅ (Aurora Leigh) નામની નવ ભાગમાં વિસ્તરેલી પદ્ય નવલકથા એમની યશકલગીનું મોરપિચ્છ છે.

પ્રસ્તુત રચના કવયિત્રીએ ૧૮૪૫-૪૬ની સાલમાં લખેલા ચુમ્માળીસ પ્રેમ-વિષયક સૉનેટોના સંગ્રહમાંથી લેવામાં આવી છે. સૉનેટ શૃંખલાની શરૂઆતમાં પ્રણયસંબંધની બાબતે એલિઝાબેથની અવઢવ, શંકા અને ડર બધું જ છંતું થાય છે. સૉનેટ આગળ વધતા જાય છે તેમ તેમ ચિંતા ઓગળતાં અને સંબંધ પર વિશ્વાસ દ્રઢ બનતો જતાં વધુને વધુ અંગત લાગણીઓનાં આલેખન થયેલ જોવા મળે છે. વિકસી રહેલ પ્રણય-સંબંધની આરસી જેવા આ સૉનેટ અંગતતમ હોવાથી એલિઝાબેથ એને પ્રગટ કરવાનાં મતનાં નહોતાં પણ ભવિષ્યના પતિ રોબર્ટે આ કામને શેક્સપિઅર પછીનાં પ્રથમ અને ઉત્તમ શૃંખલા-કાવ્યો હોવાનું કહી ૧૮૫૦માં પ્રગટ કરાવડાવ્યાં. અંગતતા જળવાઈ રહે એ હેતુથી સૉનેટો અનુવાદિત હોવાની છાપ ઊભી કરવા એમણે પુસ્તકનું નામ ‘સૉનેટ્સ ફ્રોમ પોર્ટુગિઝ’ રાખ્યું. રૉબર્ટ એલિઝાબેથને ‘માય લિટલ પોર્ટુગિઝ ‘ કહીને બોલાવતા હતા એ પણ કદાચ આ નામ રાખવાનું કારણ હોઈ શકે. પ્રસ્તુત સૉનેટ શૃંખલામાં ચૌદમું છે. અંગ્રેજીમાં પ્રમાણમાં કઠીન ગણાતી પેટ્રાર્કન શૈલીમાં લખાયેલ આ રચનામાં અષ્ટકમાં abba abba પ્રમાણે અને ષટકમાં cdcdcd મુજબ ચુસ્ત પ્રાસ છે, ફક્ત આખરી શબ્દ ઇટર્નિટીમાં જ eye-rhyme છે. અનુવાદમાં આઠમી પંક્તિના અપવાદ સિવાય abba cddc effe gg પ્રમાણે સ્વરાંત પ્રાસ જળવાયો છે. કાવ્યરીતિ ઉદ્ગારવાચક સંબોધન (અપૉસ્ટ્રફી) પ્રકારની છે, જેમાં કથક એકતરફી સંવાદશૈલીમાં પ્રિયજન સાથે વાતો કરે છે. પ્રિયજન શું જવાબ આપે છે, એ કાવ્યવિષય નથી.

આ સૉનેટ સાથે પરિચય કવિ કાન્તના ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સૉનેટથી થયો. લગભગ સો-સવાસો વર્ષ પૂર્વેના અનુવાદની ભાષા સાથે આજની પેઢી અનુસંધાન સાધી શકે કે કેમ એ પ્રશ્ન થયો, અને આજની ભાષામાં એનો અનુવાદ કરી શકાય કે કેમ એ શંકા સાથે કાન્તે વાપરેલા શિખરિણી છંદ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. કાન્ત જેવા મહાકવિની શબ્દાવલી કે ભાષાથી સાવ ઉફરા ચાલીને નવસર્જન કરવાનું કામ અઘરું તો હતું પણ કરી શકાયું. વળી, એક પ્રયોગ તરીકે આ જ સૉનેટનો હરિગીત જેવા માત્રામેળ છંદમાં પણ અનુવાદ કરી જોયો, કારણ કે મૂળ અંગ્રેજી છંદ આયમ્બિક પેન્ટામીટર માત્રામેળને જ મળતો આવે છે. અને આજની ભાષામાં સૉનેટ લખવું હોય તો માત્રામેળથી વધુ યોગ્ય કદાચ બીજો કોઈ છંદ જ નથી. એટલે બેમાંથી એક રદ કરવાને બદલે, એક પ્રયોગ તરીકે બંને અનુવાદ યથાવત્ રાખ્યા છે. બેમાંથી કયો સારો એ અને કાન્તના પેંગડામાં પગ ઘાલવાનું દુઃસાહસ સફળ થયું છે કે કેમ એ તો ભાવક જ નક્કી કરશે.

કવયિત્રી પ્રેમ બાબતે બહુ સ્પષ્ટ છે. કહે છે, મને પ્રેમ કરવો હોય તો પ્રેમ કરવા માટેનું કારણ કેવળ પ્રેમ જ હોય અને એ સિવાય બીજું કોઈ જ ન હોય એનું ધ્યાન રાખજે. પ્રણયકાવ્યોમાં કવિઓએ પ્રેયસીના વખાણ કરવામાં દુનિયાનો એક કાંકરોય તળેઉપર કરવાનું બાકી રાખ્યું નથી. દુનિયાભરના કવિઓએ પ્રેમિકાના સૌંદર્યના ગુણગાન ગાઈ-ગાઈને પ્રેમને છે એના કરતાં અનેકગણો ‘ગ્લૉરિફાય’ કર્યો છે. બેન જોન્સન ‘સૉંગ ટુ સિલિયા’ની શરૂઆતમાં કહે છે: ‘પ્યાલામાં એક ચુંબન છોડી દે, તો હું શરાબની શોધ નહીં કરું.’ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું? વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે.’ પણ આ જ કવિ ૧૩૦મા સૉનેટમાં લખે છે: ‘મારી વહાલીની આંખો જરાય સૂર્ય જેવી નથી, એના હોઠ કરતાં પરવાળાં વધુ લાલ છે, બરફની શુભ્રતા સામે એના સ્તન ઝાંખા છે, માથાના વાળ કાળા વાયર જેવા છે, એના ગાલને કોઈ રીતે ગુલાબ કહી શકાય એમ નથી, એના શ્વાસ કરતાં તો ઘણાં અત્તર વધુ આનંદદાયી છે, એની સાથે વાતો કરવી મને ગમે છે, પણ સંગીતનો સ્વર એના અવાજ કરતાં વધુ ખુશદાયી છે; મારી પ્રિયા કોઈ દેવીની જેમ અધ્ધર નહીં, પણ જમીન પર જ ચાલે છે. અને તોય, ઈશ્વરના સમ, કોઈ પણ ખોટી સરખામણીઓથી પર એવો મારો એના માટેનો પ્રેમ વધુ મૂલ્યવાન અને દુર્લભ છે.’ શેક્સપિઅર જ્યાં એમ કહીને અટકી ગયા કે મારી પ્રિયા સુવાંગ સંપૂર્ણ ન હોવા છતાં હું એને ચાહું છું, ત્યાંથી એલિઝાબેથ એક કદમ આગળ વધે છે. એ પોતાના પ્રિય પાત્રને પોતાના રૂપ-ગુણ-ચાલચગત જોઈને પોતાના પર મોહિત થવાના બદલે કેવળ પ્રેમ ખાતર પ્રેમ કરવા આહ્વાન આપે છે.

એ કહે છે, કે મહેરબાની કરીને તું એવું તો કહીશ જ નહીં કે હું એના સ્મિતને ચાહું છું, અથવા એનો દેખાવ, હાવભાવ, મંદ મધુરું બોલવાની ઢબ મને ગમે છે. અમારા બેઉના વિચારો એકમેકને મળતા આવે છે અને એના કારણે નિશ્ચે જ જીવનમાં સુખનો દહાડો ઊગે છે. નાકનકશો કે આચાર-વિચારના આધારે પસંદગી કરવાના મતની એ નથી. વળી એની પાસે આનું કારણ પણ છે. નાયિકા માને છે કે આ તમામ વસ્તુઓ સમય સાથે બદલાઈ શકે છે. આગળ જેની વાત કરી, એ જ અઢારમા સૉનેટમાં શેક્સપિઅર કહે છે: ‘કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી; અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા.’ આ ઉપરાંત માણસનો ખુદનો આ વસ્તુઓ માટેનો અભિગમ પણ સમય જતાં બદલાઈ શકે છે. આજે જે ચહેરો ગમતો હોય, એ આવતીકાલે કદાચ ગમતો બંધ પણ થઈ જાય. આજે જે વાણી-વર્તન આકર્ષતાં હોય, એ કાલ ઊઠીને અકારા લાગવા માંડે એય સંભવ છે ને! ૧૧૬મા સૉનેટમાં શેક્સપિઅર જો કે પ્રેમના પક્ષમાં આવી દલીલ કરે છે: ‘એ પ્રેમ પ્રેમ નથી જે પ્રિયજનને બદલાયેલ જોઈને બદલાઈ જાય, અથવા પ્રિયજનના ચાલ્યા જવાથી ચાલ્યો જાય…. પ્રેમ સમયના કાબૂમાં નથી, પછી ભલે ને હોઠ અને ગાલ સમયના દાંતરડાના પરિઘમાં કેમ ન આવતા હોય!’

કાવ્યનાયિકા સમજે છે કે રૂપ-ગુણના આધારે કરવામાં આવેલો પ્રેમ એ જ રસ્તે પલાયન પણ થઈ જઈ શકે છે. સમય સાથે કે અકસ્માતે રૂપ વિલાઈ જાય તો પ્રેમ પણ વિલાઈ જઈ શકે છે. સ્ત્રીઓ માફ કરે, પણ એક સરસ ટૂચકો ટાંકવાનો લોભ જતો કરી શકાતો નથી: ‘લગ્નના પ્રથમ ત્રણ વર્ષ સ્ત્રી ચંદ્રમુખી લાગે છે, પછી સૂર્યમુખી. પછીના ત્રણ વર્ષ જ્વાળામુખી અને એ પછી કાળમુખી.’ વ્યક્તિ ભલે એની એ જ હોય પણ કાળનું ટાંકણું વ્યક્તિને અને વ્યક્તિને જોનારી નજરને-બંનેને સતત કોરતું રહે છે. પરિણામે સમયની કેડી પર કોઈ બે વ્યક્તિ આગળ જતાં એના એ રહી શકતા નથી. આ જ કારણોસર નાયિકા પરિવર્તનશીલ કારણોની નિસરણી ચડીને નાયકને પ્રેમની અટારીએ આવવા દેવા માંગતી નથી.

આ તો થઈ બાહ્ય મૂલ્યોની વાત. હવે માનવોર્મિની વાત. નાયક દયા ખાઈને પોતાને ચાહે એ તો નાયિકા સહેજે ઇચ્છતી નથી. સ્ત્રીનું રૂદન જોઈને પુરુષને સ્વાભાવિક હમદર્દી થાય જ. આંસુ લૂંછવા, ભીનાં ગાલ સૂકવવા પુરુષનો હાથ અને રૂમાલ આગળ વધે જ, પણ આ હમદર્દીને પુરુષ પ્રણય ગણીને સ્ત્રી સાથે આજીવન બંધાવા તૈયાર થાય એ માટે નાયિકા તૈયાર નથી. પાત્ર ગમતું હોય પણ જીવનભર સાથે રહેવાના નિર્ણય બાબતે અવઢવ હોય, લાઇકિંગને લવકરાર આપવા બાબતે દૃઢનિશ્ચયી થઈ શકાતું ન હોય, પણ સામું પાત્ર આપણા પ્રેમમાં હોય અને વળતો પ્રેમ મળતો ન હોવાના કારણે તકલીફ ભોગવતું જણાય કે રડતું રહેતું હોય ત્યારે દયાભાવને પ્રેમભાવ ગણી લેવાની ઉતાવળ થઈ શકે છે. પણ નાયિકાની વિચારધારા સ્ફટિકસ્પષ્ટ છે. એ કહે છે કે આંસુઓ નિહાળીને તારું હૃદય મારા માટે દ્રવી ઊઠે એ બનવાકાળ છે, પણ આ રીતે તરસ ખાઈને તો તું મને પ્રેમ ન જ કરતો. કારણ કે પ્રેમના અભાવમાં આંખોથી વહેતાં આંસુઓ પ્રેમ મળ્યા પછી શું અટકી નહીં જાય? રડવા માટેનું કારણ જ ન રહે તો રડવાની શી જરૂર? અને આંસુઓને જોઈ જાગેલી અનુકંપાથી ઉદભવેલો પ્રેમ આંસુઓની અનુપસ્થિતિમાં લુપ્ત થઈ જાય તો? આમ, નાયિકા પ્રેમ કરવા માટે પ્રચલિત તમામ કારણોને એક પછી એક જાકારો આપે છે. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે નાયક જો એને પ્રેમ કરવા ઇચ્છુક હોય તો કેવળ અને કેવળ પ્રેમ કરવા માટે જ પ્રેમ કરે. પ્રીતનું કારણ કેવળ પ્રીત જ હોવું જોઈએ, એ સિવાય કશું નહીં. અણીશુદ્ધ ન હોય તો પ્રેમ લાંબુ ટકી શકવા સમર્થ જ નથી. કદાચ એને પ્રેમ કહી શકાય કે કેમ, એય એક સવાલ છે. કારણોની કાંખઘોડી લઈને ચાલવું પડે એ પ્રેમ અપંગ જ હોય! એને ભલે આપણે નામ પ્રેમનું કેમ ન આપીએ, એ હકીકતે તો પ્રેમ ઓછો અને જરૂરિયાત, મમત્વ, અહંતુષ્ટિ, દયાભાવ કે સમાજિક પ્રતિષ્ઠાનિર્વાહની આવશ્યકતામાંથી જન્મેલું બંધન જ વધારે હશે. નિર્ભેળ અને નિર્હેતુક હશે, તો અને તો જ પ્રેમ શાશ્વત બની શકે.

અંતે આ જ કાવ્યના કવિ કાન્તના અનુવાદ ‘પ્રણયની ખાતર જ પ્રણય’ સાથે વિરમીએ:

સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ
“સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે, થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ સખે ! સ્નેહ કરતો:
રહે કાંકે તારી નિકટ ચિર આશ્વાસન લહે,
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને:
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!

ગ્લૉબલ કવિતા : ૨૧૫ : સૉનેટ-ગાથાગીત – ગ્વિન્ડોલિન બ્રુક્સ

the sonnet-ballad

Oh mother, mother, where is happiness?
They took my lover’s tallness off to war,
Left me lamenting. Now I cannot guess
What I can use an empty heart-cup for.

He won’t be coming back here any more.
Some day the war will end, but, oh, I knew
When he went walking grandly out that door
That my sweet love would have to be untrue.

Would have to be untrue. Would have to court
Coquettish death, whose impudent and strange
Possessive arms and beauty (of a sort)
Can make a hard man hesitate—and change.

And he will be the one to stammer, “Yes.”
Oh mother, mother, where is happiness?

– Gwendolyn Brooks


સૉનેટ-ગાથાગીત

ખુશી ક્યાં છે, હેં મા? વિલપતી મને છોડી વરવી,
ઊંચાઈના નામે મુજ સનમને યુદ્ધ કરવા
લઈ ‘ગ્યાં એ લોકો. અટકળ હવે કેમ કરવી
લઉં શું કામે હું હૃદયકપ આ રિક્ત ભરવા.

હવે કોઈ કાળે પરત ફરશે ના સજનવા.
પૂરું થાશે કો’દી રણ, પણ, મને જાણ જ હતી-
ગયો’તો જ્યારે એ મહત કદમે દ્વાર મહીં આ
હશે જૂઠી નક્કી મધુર પ્રીત, છો સાચી દીસતી.

હશે જૂઠી નક્કી. મરણ-રમણી સંગ પ્રણયે
રમે એ, કે જેનાં શરમહીન ને ઉદ્ધત તથા
અધિકારી બાહુ, અકથનીય સૌંદર્ય, ભડને
કરે પાણી-પાણી- કઠિનદિલનેયે બદલતાં.

હશે એ એમાંનો, ખુદ જે હકલાઈ ભણત, “હા.”
ખુશી ક્યાં છે, હેં મા?

– ગ્વિન્ડોલિન બ્રુક્સ


सरहद ने क्या दिया है ख़ूँ-औ-अश्क़ छोडकर?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે?

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. કદી સુખશાંતિમાં પરિણમતું ન હોવા છતાં દુનિયામાં મોટાભાગનાં યુદ્ધ સુખશાંતિના નામે જ લડાતાં આવ્યાં છે. કોઈપણ યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને સૈનિકની ખુવારી માત્ર સૈનિકની નહીં, પણ આખેઆખા પરિવારની ખુવારી જ હોય છે. મનુષ્ય મૂળે દુનિયાનું સૌથી ખતરનાક જાનવર છે. સૃષ્ટિમાં મનુષ્યોને બાદ કરતાં તમામ સજીવ માત્ર આપબળ પર જ લડે છે. એકમાત્ર મનુષ્ય જ બળ-કળ-છળ સિવાય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. સિંહ ગમે એટલો બળુકો કેમ ન હોય, એનો એક પંજો એકીસાથે વધુમાં વધુ એક પ્રાણીને જ શિકાર બનાવી શકે, પણ માણસ તો એકલા હાથે બૉમ્બ ઝીંકીને આખા શહેરનો ખાત્મો બોલાવી શકે છે. ગ્વિન્ડોલિનની પ્રસ્તુત કવિતા યુદ્ધમાં સૈનિકની પાછળ શહીદ થઈ જતી પરિવારની ખુશીનું માતમ મનાવે છે.

ગ્વિન્ડોલિન એલિઝાબેથ બ્રુક્સ. હુલામણું નામ ગ્વેન્ડી. ૦૭-૦૬-૧૯૧૭ (ટોપેકા, અમેરિકા) થી ૦૩-૧૨-૨૦૦૦ (શિકાગો). વીસથી વધુ કાવ્યસંગ્રહો અપનાર ગ્વિન્ડોલિન પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન સર્જક હતાં અને અમેરિકાના રાજકવિ બનનાર પ્રથમ શ્યામ સ્ત્રી. શહેરી અશ્વેત લોકોની રોજમરોજની જિંદગી એમનો કાવ્યવિશેષ. એમની કવિતાઓનો પ્રમુખ હેતુ અમેરિકનોને અશ્વેત લોકોની જિદગી અને હાલાકીથી પરિચિત કરાવી રંગભેદ પ્રતિ સાર્વત્રિક સહિષ્ણુતા વધારવાનો હતો, પણ એમની રચનાઓ રંગની પરિસીમાઓ વળોટીને સાર્વત્રિક સંવેદનાઓને પણ ઝંઝોડે છે.

‘ધ સૉનેટ-બૅલડ’ શીર્ષક બે રીતે વિચારણીય છે. એક, શીર્ષક પરથી વિષયવસ્તુ કશાનો અંદાજ મળતો ન હોવાથી, કવિતામાં પ્રવેશવું ફરજિયાત બને છે. બીજું, અર્થની રીતે. સૉનેટ અને બૅલડ બંને અલગ કાવ્યપ્રકાર છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રસ્તુત કાવ્ય સૉનેટકાવ્ય છે. ચૌદ પંક્તિઓ. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. સૉનેટનો પ્રિય છંદ આયમ્બિક પેન્ટામીટર. જો કે અષ્ટક પછી નિર્ધારિત ભાવપલટો (વૉલ્ટા) અને કાવ્યાંતે આવતી ચોટનો અભાવ છે. કથનરીતિ બૅલડની છે. બૅલડ યાને કથાકાવ્ય કે ગાથાગીત સામાન્યરીતે સ્ત્રીઓની ઉક્તિ સ્વરૂપે હોય છે. યુદ્ધ, શૌર્ય, જીવન-મૃત્યુ અને પ્રણય-કરુણાંતિકા -બૅલડના પ્રમુખ વિષય. આ તમામ આ એક કવિતામાં સમાવિષ્ટ છે. ગાથાગીતની જેમ અહીં ચાર પંક્તિના અંતરા પણ છે. શેક્સપિરિઅન સૉનેટના પ્રાસવિન્યાસ abbc થી વિપરીત બૅલડમાં સામાન્ય પ્રાસનિયમનની નજીકની abab પ્રકારની વ્યવસ્થા છે. સૉનેટરીતિથી ઊલટું ગાથાગીતમાં શબ્દ કે પંક્તિ પુનરાવર્તન તથા Oh જેવા ધ્વનિ પ્રયોજાયેલા પણ જોવા મળે છે. આમ, કવયિત્રીએ બખૂબી બે બિલકુલ વિરુદ્ધ કાવ્યસ્વરૂપોનું સફળ ફ્યુઝન કર્યું છે. કવયિત્રીએ પ્રવાહથી વિરુદ્ધ શીર્ષકમાં આવતા ત્રણેય શબ્દોને બીજી એબીસીડીમાં લખ્યા છે. શોક સમયે ધ્વજ અડધી કાઠીએ ઉતાર્યો હોય એવી લાગણી કેપિટલ લેટર્સ કાઢી નાંખ્યા હોવાથી અનુભવાય છે. શિખરિણી છંદમાં અનુવાદ કરતી વખતે પ્રાસનિયોજન to મૂળ કાવ્ય મુજબ જ છે, પણ આખરી પંક્તિમાં ‘મા’ શબ્દનું પુનરાવર્તન કરવાના બદલે ખંડ-શિખરિણી પ્રયોજી, પંક્તિ અધૂરી છોડી દઈ ભાવાનુભૂતિ વધુ સઘન બનાવવા ધારી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી તરતના સમયમાં લખાયેલ આ કાવ્યનો ઉઘાડ ‘ખુશી ક્યાં છે, હેં મા?’ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન અને પ્રથમ ચતુષ્કથી ખ્યાલ આવે છે કે કથનરીતિ દીકરીના મા સાથેના એકતરફી સંવાદની છે. કથક કહે છે કે એને વિલાપ કરતી છોડીને એ લોકો (સત્તાધીશો) એના પ્રિયજનને, એ ઊંચો હોવાના કારણે યુદ્ધમાં લઈ ગયા. શારીરિક ક્ષમતા અભિશાપ બની શકે તે આનું નામ. પ્રાચીન ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોની હત્યા કરવામાં આવતી હતી, એનું મુખ્ય કારણ મજબૂત સૈન્યની આવશ્યકતા હતી. નાયિકાના પ્રેમી/પતિની ઊંચાઈ જ એનો દુશ્મન બની. હેરિયટ મનરોએ કહ્યું હતું: ‘યુદ્ધનું મૌલિક, અનિવાર્ય અને મનોવૈજ્ઞાનિક કારણ શું છે? પુરુષોના દિલોમાં રહેલી ભાવના કે એ સુંદર છે. અને આ લાગણી કોણે જન્માવી? અંશતઃ, એ સાચું કે રાજાઓ અને એમની સેનાઓએ, પણ, એથીય વધુ તો, કવિઓએ પોતાના યુદ્ધ-કાવ્યો અને મહાકાવ્યોથી, શિલ્પકારોએ પોતાની મૂર્તિઓથી.’ યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં, પણ મનુષ્યજાતિ પ્રારંભથી જ આ સરળતમ કોયડો ઉકેલી શકી નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એચ. જી. વેલ્સે કહ્યું હતું: ’ આ યુદ્ધ તમામ યુદ્ધોનો અંત આણવા માટેનું છે.’ બીજા વિશ્વયુદ્ધ વખતે અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું: ‘ક્યારેય વિચારશો નહીં કે યુદ્ધ, ગમે એટલું આવશ્યક હોય કે ગમે એટલું ઉચિત હોય, અપરાધ નથી.’ અને બીજા વિશ્વયુદ્ધ પછી આઇન્સ્ટાઇને કહ્યું હતું: ‘હું નથી જાણતો કે ત્રીજું વિશ્વયુદ્ધ કયા હથિયારોથી લડાશે, પણ ચોથું વિશ્વયુદ્ધ નક્કી લાકડી અને પથ્થરોથી જ લડાશે.’ કેવી સાચી વાત!

દુનિયાની તમામ સભ્યતાઓની જેમ જ આપણાં મહાકાવ્યો અને પુરાણોમાંય કોઈ દેવતા કે ભગવાન યુદ્ધનો વિરોધ કરતા નથી. (પુરુષોએ લખ્યાં છે, માટે?) ભગવદ્ગીતાનો બીજો અધ્યાય કૃષ્ણની શીખોથી ભર્યો પડ્યો છે. કૃષ્ણ કહે છે, ‘હે પાર્થ! આવી નામર્દાઈને તાબે ન થઈશ. તને તે શોભતી નથી.’ (क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। (૦૨:૦૩)) યુદ્ધને જે ગૌરવ અપાયું છે એ તો જુઓ:

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्।।૦૨:૩૨।।
(આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ સ્વર્ગના પ્રવેશદ્વાર ઉઘાડનારું હોય છે. એ ક્ષત્રિયો ભાગ્યશાળી છે, જેઓને આવા અવસર સાંપડે છે.)

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।૦૨:૩૭।।
(યુદ્ધમાં મરીને તું સ્વર્ગ પ્રાપ્ત કરશે અથવા જીતીને પૃથ્વી ભોગવશે. માટે, હે કૌન્તેય! યુદ્ધનો નિશ્ચય કરી ઊભો થા.)

યુદ્ધ માટેની મનુષ્યોની માનસિકતા સમજવી સરળ નથી. ‘યુદ્ધ કાવ્ય માટે પૂછવામાં આવતાં’ યિટ્સે કહ્યું હતું: ‘મને લાગે છે કે આવા સમયે એક કવિનું મોં બંધ રહે એ વધુ યોગ્ય છે.’ માણસ પોતાની તાકાતનું સૌથી મોટું અને વરવું પ્રદર્શન યુદ્ધમાં કરે છે. જે યુદ્ધ આજે અનિવાર્ય, જીવનમરણનો પ્રશ્ન લાગતું હોય, એય આખરે તો ઇતિહાસનું એક પૃષ્ઠ જ બની જવાનું. કાળાં હોય કે સફેદ, રાજા હોય કે સૈનિક, ખેલ પૂરો થતાં તમામ પ્યાદાંઓએ એક જ બોક્સમાં બંધ થવાનું છે. એચ. જી. વેલ્સે કહ્યું હતું: ‘આપણે યુદ્ધનો અંત નહીં આણીએ, તો યુદ્ધ આપણો અંત આણશે.’ ઇતિહાસના લોહિયાળ પૃષ્ઠોમાંથી આપણે ક્યારેય શીખ લઈશું કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે? નાયિકાને વિલાપ કરતી છોડી સત્તાધીશો નાયકને યુદ્ધમાં જોતરાવા તાણી ગયા. નાયિકાને સમજાતું નથી કે એના ખાલી થઈ ગયેલા હૃદયના કપને શેનાથી અને કેમે કરીને ભરવો? (‘હૃદયકપ’ શબ્દ વાપરતી વખતે બે’ક પળ અટકી જવાયું. કપનું ગુજરાતી શું કરવું? આપણી ભાષામાં કોઈ શબ્દ છે? વળી, અંગ્રેજી કપ જે રીતે અરબી રકાબી સાથે ઘડિયા લગ્ન લઈને ટેબલ-ખુરશીની જેમ ગુજરાતી થઈ ગયો છે, એ જોતાં હૃદયકપ શબ્દ અનુચિત લાગતો નથી.)

સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિયગત નાયિકાને પ્રતીતિ છે કે એનો કંથ ગયો એ ગયો. કદી પરત નહીં ફરે. યુદ્ધનો તો ક્યારેકેય અંત આવશે, પણ યુદ્ધ જે જીવન એના જીવનમાંથી ખેંચી ગયું, એ કદી પાછું આવનાર નથી. ૨૪૦૦ વર્ષ પૂર્વે પ્લેટોએ કહ્યું હતું, ‘ફક્ત મૃતકોએ જ યુદ્ધનો અંત જોયો છે.’ એ જ અરસામાં હેરોડોટસે પણ કહ્યું હતું: ‘શાંતિમાં, પુત્રો પિતાઓને દફનાવે છે, યુદ્ધમાં પિતાઓ પુત્રોને.’ નાયિકાએ પિયુને દરવાજામાંથી જે રીતે જતો જોયો છે, એનાથી એને મૃત્યુની ખાતરી થઈ છે. દરવાજો કદાચ ઘરનો નહીં, જીવનનો છે. નાયક ઘરમાંથી નહીં, જીવનમાંથી ગર્વાન્વિત ચાલે જઈ રહ્યો છે. આ મોટાઈનું કારણ આગળના બંધમાં છે, પણ નાયકના જંગપ્રસ્થાનની રીત જોઈને નાયિકાને સમજાઈ ગયું છે કે એનો મધુર પ્રણય, ગમે એટલો સાચો કેમ ન લાગતો હોય, સાવ ખોટો છે. પ્રિયતમે માત્ર પોતાના ગૌરવનો જ વિચાર કર્યો છે. પોતાની પાછળ પ્રેયસી/પત્નીના હાલ બેહાલ થાય એ વિશે એણે કશું વિચાર્યું નથી. આ જ કારણોસર નાયિકા પોતાની પ્રીત નક્કી જૂઠી જ હોવાના આત્મસ્વીકારની પુનરોક્તિ કરી અધોરેખિત કરે છે.

સજીવારોપણ અલંકાર વડે કવયિત્રી મનમોહિની, નિર્લજ્જ અને ઉદ્ધત મરણસુંદરીને ચાક્ષુષ કરે છે. રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ધૃષ્ટતાપૂર્વક પોતાના અવર્ણનીય, અકથનીય સૌદર્યપાશમાં એ પુરુષોને જકડી લે છે. વળી, આ કામ એ અધિકૃતતાપૂર્વક કરે છે. એનો બાહુપાશ સાધિકાર નાગચૂડ બનીને સૈનિકોને ભીંસે છે, અને ફસાયા પછી છૂટવું સંભવ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. ભલભલા સંગદિલને પીગાળી દે છે. જૉન સ્ટેઇનબેકના કહેવા મુજબ ‘તમામ યુદ્ધ લક્ષણ છે, મનુષ્યની વિચારશીલ પ્રાણી તરીકેની વિફળતાનું.’ નાયક પણ યુદ્ધનો પ્રસ્તાવ આવતાવેંત મરણમોહિનીના પ્રભાવ હેઠળ આવી ગયો હતો. એટલે જ એ પેલા દરવાજામાંથી ગૌરવ અનુભવતો પસાર થયો હતો. બર્ટ્રાન્ડ રસેલે સાચું જ કહ્યું હતું: ‘યુદ્ધ એ નક્કી નથી કરતું કે કોણ સાચું (Right) છે –ફક્ત કોણ બચ્યું (Left) છે.’ મરનાર વ્યક્તિ યુદ્ધ આલેખવા ઉપસ્થિત હોતો નથી, અન્યથા યુદ્ધની (દુષ્)ગૌરવગાથાઓ અલગ જ હોત. સામાન્યરીતે યુદ્ધ અશાંતિ દૂર કરવા માટેનું પ્રમુખ બહાનું છે, પણ ‘શાંતિ માટે લડવું એ બ્રહ્મચર્ય માટે સંભોગવા બરાબર છે.’ (સ્ટીફન કિંગ) ‘બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ છે ધીરજ અને શાંતિ.’ (ટૉલ્સ્ટોય) પણ આ બે યોદ્ધાઓનો ઉપયોગ માનવજાતે કદી કર્યો જ નથી:

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

યુદ્ધની શરૂઆત તો આપણી ઇચ્છાથી થાય, પણ અંત ઇચ્છાશક્તિના દાયરા બહાર હોય છે. નાયિકાને ખાતરી છે કે એ નાયક જ હશે જેણે યુદ્ધની આભાથી અંજાઈને સામે ચાલીને મરણમાળા પહેરવા ગળું આગળ ધર્યું હશે, હકલાઈને પણ હા કહી હશે. સ્ત્રી પુરુષને કેટલી સારી રીતે ઓળખે છે! પુરુષે એને ત્યાગી યુદ્ધ સ્વીકારવામાં ઘડીભર વિલંબ કર્યો નથી. ઊલટું એ તો ટટ્ટાર ચાલે, લાંબા કદમે ઘર બહાર નીકળી ગયો. પાછળ ઘર-પરિવારની શી અવદશા થશે એનો વિચાર સુદ્ધાં એણે કર્યો નથી. વિચાર કર્યોય હોય, તો એને અવગણીને, પ્રાધાન્ય આપ્યા વિના પોતાના મનનું ધાર્યું જ કરવા પ્રવૃત્ત થઈ ગયો. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષ માટે એના ગણવેશ પર ઉમેરાનાર તારક-ચંદ્રકો-પદવીથી વિશેષ કશું નથી. મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કુર્દીશ કવિ અબ્દુલ્લા પાશ્યુની ‘અજાણ્યો સૈનિક’ કવિતા જુઓ:

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે
અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર,
કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

તસ્બીના મણકાની જેમ કવિતા શરૂ થઈ હતી, ત્યાં જ આવીને પૂરી થાય છે. વિષાદનું વર્તુળ સંપૂર્ણ થાય છે. કાવ્યારંભે માને પૂછેલો પ્રશ્ન કાવ્યાંતે દીકરી દોહરાવે છે: ‘ખુશી ક્યાં છે,હેં મા?’ દેશ કદાચ યુદ્ધ જીતી જશે, પતિની નામના થશે, પરિવારનું ગૌરવ થશે પણ પરિવારજનોની ખુશી? એ ક્યાં? એવું કયું માન-અકરામ છે, એવાં કયાં ખિતાબ-પદવી છે, જે સ્વજનની ખોટને ખુશીથી ભરી શકે? કદાચ, કોઈ જ નહીં… પ્રેમ-મૃત્યુ, વિરહ-વેદના, યુદ્ધ-તબાહી –આ બધું ચૌદ પંક્તિની કવિતામાં જાણે ગ્વિન્ડોલિને ઠાંસી-ઠાંસીને ભરી આપ્યું છે. પરિણામે સરળ શબ્દોમાં સીધીસટ વાત કહેતી આ કવિતા વાંચતા આપણા શરીરમાં ઠંડીનું એક લખલખું ફરી વળે છે…

ગ્લૉબલ કવિતા : ૨૦૮ : સાથી – ડોરથી લિવસે

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

સાથી

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાચા પ્રેમની એક ક્ષણનું મહિમાગાન…

સહવાસમાં વધુ મહત્ત્વ શેનું? સમયગાળાનું કે ઘનિષ્ઠતાનું? પ્રેમની સાચી માપપટ્ટી કઈ? કેટલો સમય પ્રેમ કર્યો એ કે કેટલો કર્યો એ? શું વધુ અગત્યનું –જીવનમાંનાં વર્ષો કે વર્ષોમાંનું જીવન? સ્નેહની બાબતમાં તો કદાચ ગુણવત્તા જ આંકડાઓને ટપી જાય, ખરું ને? આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાત જીવનભરથીય વિશેષ બની રહેતી હોય છે. ડોરથીની આ પ્રસ્તુત કવિતા સંબંધમાં ક્ષણ અને સદી વચ્ચેની વિષમતાનું સત્ય બખૂબી નિર્દેશે છે. જોઈએ.

ડોરથી લિવસે. ૧૨-૧૦-૧૯૦૯ના રોજ કેનેડામાં વિનીપેગ, મનિટોબા ખાતે કેનેડિયન પ્રેસના જનરલ મેનેજરના ઘરે જન્મ. માતા કવિ અને પત્રકાર હતી. કવિતા વારસામાં મળી. એમની જાણ બહાર મમ્મીએ એક કવિતા અખબારમાં છપાવા મોકલી આપી. ૧૪-૧૫ વર્ષની વયે એ સમયે બે ડોલરનો ચેક મળ્યો અને શાળામાં ચકચાર ફેલાઈ ગઈ. ૧૧ વર્ષની વયે ટોરોન્ટો રહેવા ગયા. કેનેડાથી પેરિસ સુધી અલગ-અલગ જગ્યાએ ભણ્યાં અને અલગ-અલગ કામો પણ કર્યાં. ૧૯ વર્ષે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૦ વર્ષની વયે લઘુનવલ લખી. ૧૯૩૧માં પેરિસ હતાં ત્યારે તેઓ પાક્કા સામ્યવાદી બન્યાં અને કેનેડામાં પણ સામ્યવાદી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યાં. ૧૯૩૭માં ડન્કન મેકનૈર સાથે લગ્ન. ૧૯૫૯માં પતિના મૃત્યુ બાદ યુનેસ્કોમાં જોડાયાં. વિવિધ શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. ૫૪-૫૫ વર્ષની વયે એમ.એડ. થયાં. અનેક માનદ પદવીઓ અને માન-અકરામો મળ્યાં. લિવસેની કહેતી, ‘જીવનના દરેક દસકામાં આપણે અલગ વ્યક્તિ હોઈએ છીએ’ એમના જીવનને ચપોચપ લાગુ પડે છે. ૮૭ વર્ષની વયે ૨૯-૧૨-૧૯૯૬ના રોજ વિક્ટોરિયા ખાતે નિધન.

ડોરથીની પ્રારંભિક કવિતાઓ ઇમેજિઝમથી પ્રેરિત હતી પણ એમની કવિતાઓમાં આજીવન એક ગતિ-એક ઉત્ક્રાંતિ જોવા મળે છે. લિવસે એક સશક્ત, સંવેદનશીલ કવયિત્રી હતાં. તેઓ જેટલી નિપુણતાથી જાહેર કે રાજકીય મુદ્દાઓ સાથે કામ પાર પાડતાં એટલી જ બાહોશીથી વ્યક્તિગત અને અંતરંગ ભાવનાઓને પણ કાગળ પર કંડારી શકતાં. એમનું મુક્ત પદ્ય અસ્તિત્વના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. જીવન-મૃત્યુ, વાસ્તવ-સ્વપ્ન, પ્યાર-નફરત, સ્ત્રી-પુરુષ અને આપણાં હોવાના નાનાવિધ આયામોને તેઓ કવિતાના માધ્યમથી નાણી જુએ છે.

‘સાથી’ સ્વરૂપે તો સૉનેટ છે પણ ડોરથીના મુક્ત સ્વભાવની ચાડી ખાતું. અષ્ટક, ષટક, ભાવપલટો અને ચોટના અંતર્બાહ્ય સ્વરૂપને કવયિત્રીએ જાળવ્યું છે. પણ પ્રાસ મેળવવાની તમા રાખી નથી. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું: ‘સ્ટૅન્ઝા લખવા મારા માટે કઠીન છે. હું કદી પ્રાસાન્વિત સૉનેટ લખી શકી નથી.’ આ પ્રાસરહિત સૉનેટમાં પ્રથમ પંક્તિ ટેટ્રામીટરમાં છે, બાકીનું આખું સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં. આમ, કવયિત્રીએ ભાવાભિવ્યક્તિને સ્વરૂપથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસરહિત વ્યવસ્થાનો સ્વીકાર છે પણ સૉનેટ આખું મંદાક્રાંતા છંદમાં છે. જીવનના પ્રારંભિક તબક્કામાં લિવસે ઘનિષ્ઠ ઊર્મિશીલ સંબંધોની સંવેદનાઓને ઓછી જ વ્યક્ત કરતાં. પાછળથી, નાની વયના યુવાન સાથેના પ્રેમસંબંધ અને આફ્રિકાની મુલાકાત બાદ લાધેલી મુખરતાના પ્રતાપે તેઓ આ બાબતો શબ્દોમાં આલેખી શક્યાં. આ કવિતાઓ વાસ્તવમાં પુરુષને લખાયેલ પત્રરૂપે છે. પ્રસ્તુત કવિતામાં પણ રચનારીતિ દ્વિતીય પુરુષ સંબોધન- એકતરફી સંવાદની જ છે. બીજા છેડા પરની વાત સાંભળી શકતા નથી.

કવયિત્રી કહે છે કે એમણે એમના ‘સાથી’ સાથે જીવનમાં પહેલીવાર અને માત્ર એકવાર સહશયન કર્યું હતું. ‘વન નાઇટ સ્ટેન્ડ’ અથવા ‘કેઝ્યુઅલ સેક્સ’ તરીકે જાણીતો એકવારનો સહેવાસ લોકો સામાન્યરીતે એટલા માટે પસંદ કરે છે કે એમાં અનનુભૂત આનંદ મળવા ઉપરાંત કોઈ પણ જવાબદારી કે પ્રતિબદ્ધતા ન હોવાથી એ સંપૂર્ણપણે તણાવમુક્ત પણ હોય છે. દુનિયાના તમામ ખંડમાં તમામ કાળનો ઇતિહાસ ભર્યો પડ્યો છે આવા કિસ્સાઓથી. પણ પ્રસ્તુત રચના આ ભાતીગળ ઇતિ-હાસથી એ રીતે અલગ પડે છે કે અહીં સહશયન જીવનમાં સર્વપ્રથમવાર થયું છે અને એક જ વારનું પણ છે પણ એ જીવનભરના સહવાસોના સરવાળા-ગુણાકારોથી વધીને છે. શીર્ષક સાથી છે પણ પ્રથમ જ પંક્તિમાં બે જણ વચ્ચે થયેલ સહશયન એકમેવ હોવાના એકરાર પરથી એમ લાગે છે કે આ પ્રસંગ બાદ બંને એકમેકથી અલગ જીવ્યાં હોવાં જોઈએ. કેમકે સાથે રહ્યાં હોય તો આવો અનુભવ ફરી-ફરીને કરવાનું ન બન્યું હોય એ શું સંભવ હોય?!

ખૂબ મીઠી વસ્તુ ખાઈ લેવામાં આવે ત્યારે મોઢું ભાંગી જવાનો અનુભવ સર્વસામાન્ય છે. વધુ પડતું ગળચટ્ટું ખાવાથી ઓચાઈ પણ જવાય. ઘણીવાર મોઢામાં કડવાશ પણ અનુભવાય છે. પણ નાયિકાને મધમીઠા સહશયન પછી કશું ઊણું કે ઉતરતું અનુભવાયું નથી. એ પ્રેમ કેવો અદભુત, જેની મીઠાશનું મસમોટું ચકતું ખાવા છતાં ન તો મોઢું ભાંગ્યું, ન કડવાશ અનુભવાઈ. મીઠપ યથાતથ જળવાઈ રહી. સમ્-ભોગ થયો ત્યારે નાયિકા હજુ અક્ષુણ્ણા હતી. એના જીવનમાં આ પ્રથમ પુરુષ હતો. સેક્સનું ફળ આ પૂર્વે એણે ચાખ્યું જ નહોતું. અક્ષતયોનિ સ્ત્રીઓ માટે ઘણીવાર પ્રથમ કામકેલિનો અનુભવ દર્દનાક હોય છે. યોનિપટલ તૂટે ત્યારે અકલ્પનીય પીડા અને રક્તસ્ત્રાવ સામાન્ય છે. પણ કાવ્યનાયક માત્ર પુરુષ નથી, સાચો પ્રેમી પણ છે. અને સાચો પ્રેમી જ અણછૂઈ ગલીઓમાંથી પુષ્પસહજ સુકોમળતાથી પસાર થઈ શકે છે. લિવસે પણ કળી અને પુષ્પનું જ કલ્પન રજૂ કરે છે. આપણે કળીઓ જોઈ છે. ખીલેલાં પુષ્પોય જોયાં છે. પણ કળીના પુષ્પાંતરણની નાજુકતમ ઘટના ભાગ્યે જ જોઈ હશે. કળીમાંથી કુસુમ બનવાની મસૃણ ઘટનાનો ચમત્કાર સર્જનહાર જ કરી શકે. એકાદા કળીને ઊઘાડીને ફૂલ બનાવવાની કોશિશ ન કરી જોઈએ ત્યાં સુધી આ મૃદુલતા સમજવી અસંભવ છે. કવયિત્રીને કદાચ આવી નજાકત અભિપ્રેત છે:

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

અહીં નાયક પ્રેમભાવથી વધુ અને કામભાવથી ઓછો પ્રેરિત હોવાથી આ શક્ય બન્યું છે. પહેલવહેલીવારનું સેક્સ જરૂર થયું છે પણ એવી નાજુકીથી કે સ્ત્રી સ્વીકારે છે કે જે છટાથી પુરુષે કુસુમકળી ઊઘાડીને એને પુષ્પનો દરજ્જો આપ્યો છે, એ મુલાયમતાથી આ કામ બીજું કોઈ કરી નહીં શકે. મુગ્ધા મટી એ સ્ત્રી બની ગઈ. હવાને જાણકારી પણ ન રહી અને એક નાજુક કળી પૂર્ણવિકસિત પુષ્પ બની ગઈ.

કામક્રીડા સંપન્ન થઈ ચૂકી છે. પણ નાયક પુરુષસહજ સ્વભાવવશ ઊભો થઈને ચાલ્યો ગયો નથી. ફોરપ્લે અને પ્લેની સર્વોત્કૃષ્ટ અને સુકોમળ પૂર્ણાહૂતિ પછીનો આફ્ટરપ્લે પણ એટલો જ અગત્યનો છે. નાયકના મજબૂત હાથોએ નાયિકાને સુગ્રથિત આષ્લેષમાં જકડી રાખી છે અને આ બાહુપાશમાં સુબદ્ધ સ્ત્રી નિરાંતે સૂતી છે. એના આ પ્રશાંત પ્રગાઢ સુખપ્રદેશ-સ્વપ્નપ્રદેશમાં એને કશાની ભીતિ નથી. પ્રેમ હોય ત્યાં ડર હોય જ નહીં. પ્રેમની દૃઢપકડમાં માલિકીભાવ પણ નથી હોતો, એટલે જ ફરતી વીંટળાયેલી બાજુઓમાંની અસીમ શ્રદ્ધાના ફળસ્વરૂપે નાયિકા દુનિયાના તમામ ડર-દુઃખોથી ઉન્મુક્ત નિરાંતવા જીવે નચિંત સૂતી છે. કલ્પસમયનો આ ટુકડો ત્યાં જ થીજી ગયો છે. સમય જેમાં ગતિ કરવાનું વિસરી જાય એવી આ ક્ષણો છે. આ સુખસ્થિતિમાં ગિરફ્તાર નાયિકા ચરમસીમા અનુભવે છે ત્યાં સુધી શાંત સૂતી પડી રહે છે.

પુરુષોમાં કામોત્તેજના અને વીર્યસ્ખલન જેટલું સાહજિક અને નિયમિત છે એટલું સ્ત્રીઓમાં નથી. જો કે એની સામે સ્ત્રીઓ એકાધિક અને દીર્ઘકાલીન ઉત્તેજના અનુભવી શકે છે. સ્ત્રીઓના જી-સ્પોટ અને ફુવારા ફૂટવાની વાયકાઓ સદીઓથી પુરુષોને (અને સ્ત્રીઓને પણ!) પીડતી આવી છે. સ્ત્રીને ચરમસીમા સુધી લઈ જવામાં પુરુષને મર્દાનગીનું સાફલ્ય લાગે છે, અને સ્ત્રીને પોતાને કામોત્તાપ સુધી ન પહોંચાડી શકવામાં પુરુષનું વૈફલ્ય. બંને પક્ષ વૈજ્ઞાનિકરીતે ખોટા છે. સ્ત્રીઓમાં યૌનરસોનો ફુવારો છૂટવો (સ્ક્વર્ટિંગ) કાયમી ઘટના નથી અને એ પુરુષોના કામકૌશલ્યને આધીન નથી. સંભોગક્રિયામાં સ્ત્રી કેટલી હળવી, તણાવમુક્ત અને તલ્લીન હોય એના પર એનો વધુ મદાર છે. કામાવેગની ચોટીએ સ્ત્રીના શરીરમાં ઓક્સિટોસિન અને અન્ય એન્ડોર્ફિન્સની માત્રા વધી જાય છે, જેના કારણે સ્ત્રી ઉત્તેજના અને રસસ્ત્રાવ અનુભવે છે. બાદમાં ડોપામિનના સ્ત્રાવના કારણે સ્ત્રી પણ પુરુષની જેમ શિથિલતા અને હળવાશ અનુભવે છે. અહીં ઉભયની ક્રીડામાં કામાવેગ કરતાં પ્રેમાવેગ વધુ પ્રબળ હોવાથી અને સ્ત્રી હળવી, તણાવમુક્ત અને પુરુષના પાશમાં લીન હોવાથી એનામાં રસસ્ત્રાવનો ફુવારો જાગૃત થાય છે.

કવિતામાં આ પ્રસંગના બંને અર્થ સંભવ છે. આખું અષ્ટક માત્ર રતિક્રીડાનું વર્ણન હોય અને સ્ત્રી યોનિસ્ત્રાવ થતાં સ્ખલિત થઈ રતિ નિષ્પત્તિ અનુભવે ત્યાં સુધીની એક જ ક્રિયાનું વર્ણન હોવાનું પણ વિચારી શકાય. અને પ્લે અને સ્ત્રીને પરાકાષ્ઠા સુધી લઈ જતા આફ્ટરપ્લેને આ અષ્ટક સાંકળતું હોવાનો મતલબ પણ કરી શકાય. બીજું અર્થઘટન કદાચ વધુ ઉચિત છે કેમકે પ્રશાંત સુખની દૃઢપકડમાં નિરાંતે સૂતી સ્ત્રીનું ચિત્રણ એના પક્ષમાં છે. હશે, કવિતા તો ભાવકે-ભાવકે અલગ સ્વરૂપે આવી શકે અને એક જ ભાવકને અલગ-અલગ સમય અને મનોસ્થિતિમાં પણ વિધવિધરૂપે રસપાન કરાવી શકે. આપણા માટે અગત્યનું છે પ્રેમની આ રમતનું સુવાંગ સંતુષ્ટિકરણ સાથે નિષ્પન્ન થવું. કવિતાના અર્થગાન કરતાં ઉભયના સાયુજ્યનું ભાવપાન વધુ મહત્ત્વનું છે.

સૉનેટમાં અષ્ટક પત્યા બાદ નિર્ધારિત ભાવપલટો આવે છે. અષ્ટક ભૂતકાળનો સ્મૃતિલેખ છે. ષટક વર્તમાનકાળનો દસ્તાવેજ છે. અને આ બે બિંદુઓ વચ્ચે લાં…બો સમયખંડ વ્યાપ્ત છે. પ્રિય કે મારા વહાલા કહીને કવયિત્રી નાયકને સંબોધે છે. કથનરીતિ એ જ છે પણ શરૂમાં પુરુષ માટે કોઈ સંબોધન વપરાયું નહોતું. પ્રેમપ્રસંગના સ્મરણ પછી વર્તમાન સાથે જોડાતી નાયિકાને વહાલભર્યું સંબોધન સૂઝે છે ધ્યાનાર્હ છે. વર્ષો જૂની ઘટનાનો સંપૂર્ણ નિચોડ આપણને એક સંબોધનમાંથી મળી રહે એ જ ખરું કવિકર્મ છે ને?

નાયિકા નાયકને કહે છે કે વહાલા! એ ઘટના અને આજની વચ્ચે વર્ષોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આપણે બંને બહુ જલ્દી મોટાં થઈ ગયાં. જુઓ તો કાળ અને વિરોધાભાસ! એ નાયકની આગોશમાં હતી ત્યારે થીજી ગયેલો સમય બંને જુદાં પડ્યાં કે દોડતો પસાર થઈ ગયો. બે જણ અલગ હોવાની જે આશંકા સૉનેટની પ્રથમ પંક્તિમાંથી જન્મી હતી એની પુષ્ટિ આ પછીની કડીમાંથી સાંપડે છે, જ્યારે એ કહે છે કે આપણે બંને ઝડપથી પણ પોતપોતાની રીતે અને પોતપોતાની જાત સાથે ઝૂઝતાં-ઝઝૂમતાં મોટાં થયાં છીએ. ઘણીવાર બે જણ એક જ છત તળે અલગ રહીને ઘરડાં થાય છે પણ આ અહીં જે પ્રકારનો સ્નેહસંબંધ આલેખાયો છે એ જોતાં આ શક્યતા નહિવત્ જણાય છે. હા, બંને એકમેકના સતત પરિચયમાં કે નિકટમાં રહ્યાં હોય એનો સંભવ ખરો.

વરસો બાદ કથક એના વૃદ્ધ થઈ ગયેલા પ્રિયજનને નિહાળે છે. મરીઝ અવશ્ય યાદ આવે:

ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.

જો કે અહીં વાત મેંદી જેટલી સ્થૂળ કક્ષાએ નથી. આ વૃદ્ધ સાથી પાસે આજે સ્વપ્નો પણ બચ્યાં નથી. આજીવિકા રહી નથી અને શરીર પર ઓવરકોટ પણ નથી. કેનેડા જેવા શીતપ્રદેશમાં ઓવરકોટ તો જીવાદોરી ગણાય. પણ વીતેલાં વર્ષોમાં દારિદ્રયે એ હદે અજગરભરડો લીધો છે કે માણસ પાસે સ્વપ્નોય રહ્યાં નથી. પોતાની આર્થિક-માનસિક સંપત્તિ કે દરિદ્રતા વિશે નાયિકા ફોડ પાડતી નથી, પણ કાવ્યાંતે સાચી સંપત્તિના દર્શન કરાવે છે. આજીવન પોતપોતાની રીતે સંઘર્ષરત અને અલગ રહ્યાં હોવા છતાં બંને હરહંમેશ નિકટતમ રહ્યાં છે. આની સામે, બે જણ જીવનભર સાથે રહી અસંખ્ય વાર સંયુક્ત થાય તોય બની શકે કે એ જીવન વગરનું સહજીવન હોય:

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. મનમેળ હંમેશા તનમેળથી વિશેષ જ હોય. વળી અહીં તો એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારના સહ-શ્વાસ પછીનો જીવનભરનો ઉપવાસ એકધારા સહવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

ટાઇટેનિક ફિલ્મમાં સલિન ડીઓનના કંઠે ગવાયેલ ‘માય હાર્ટ વિલ ગો ઓન’ ગીતમાં આવી જ વાત છે: પ્યાર ભલે એક જ વાર થાય પણ એ જીવનભર ટકે છે અને આપણે ચાલ્યા જઈએ ત્યાં સુધી નાશ પામતો નથી…. એક સાચો સમય જેને હું આજીવન સાચવી રાખીશ… આપણે હંમેશા આ રીતે જ રહીશું. તું મારા હૃદયમાં સુરક્ષિત છે અને મારું હૃદય ધડકતું રહેશે, ધડકતું રહેશે…

અને અંતે ઉશનસના ‘સોહાગ રાત અને પછી’ સૉનેટની ચાર પંક્તિ મમળાવીએ:

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

ગ્લૉબલ કવિતા : ૨૦૨ : ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં – જોન કીટ્સ

On First Looking into Chapman’s Homer

Much have I travell’d in the realms of gold,
And many goodly states and kingdoms seen;
Round many western islands have I been
Which bards in fealty to Apollo hold.
Oft of one wide expanse had I been told
That deep-brow’d Homer ruled as his demesne;
Yet did I never breathe its pure serene
Till I heard Chapman speak out loud and bold:
Then felt I like some watcher of the skies
When a new planet swims into his ken;
Or like stout Cortez when with eagle eyes
He star’d at the Pacific—and all his men
Look’d at each other with a wild surmise—
Silent, upon a peak in Darien.

– John Keats

ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં

પ્રવાસો કીધા મેં કનકવરણા દેશ બહુના,
અને જોયા છે, હા, મુલક બહુ ને રાજ્ય ઉમદા;
ફર્યો છું પશ્ચિમી અગણિત નવા ટાપુ ફરતે,
ગણી એપોલોના કવિગણ વખાણે જે સહુને.
ઘણું સુણ્યું છે એક વિશદ જગાના વિષયમાં,
મહાજ્ઞાની હોમર ખુદનું ગણી જ્યાં રાજ કરતા;
છતાં એનો સાચો મરમ ન જડ્યો એ ક્ષણ સુધી
નહીં ચેપ્મેને જ્યાં લગ કહ્યું ઊંચા સાફ સ્વરથી:
અનુભવ્યું મેં એ નભ નિરખતા પ્રેક્ષક સમું
તરી આવે જેની નજર પરિધિમાં ગ્રહ નવો;
ગરુડી આંખોથી થિર નજર કોર્ટેસ બળુકો
નિહાળે પેસિફિક સ્થિર થઈ – ને લશ્કર બધું
જુએ અન્યોન્યોને અટકળ ભરેલી નજરથી –
રહીને મૂંગો, ટોચ ઉપરથી એ ડેરિયનની.

– જોન કીટ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


પહેલવહેલી શોધની કુંવારી ઉત્તેજના…

આંદામાન ટાપુના જંગલોમાં વિકસિત માનવજાતથી વિખૂટી જિંદગી જીવતા જારવાને અચાનક ન્યૂયૉર્કના ટાઇમ્સ સ્ક્વેર પર લઈ આવવામાં આવે તો એની શી હાલત થાય? કે પછી અસીમ રણમાં ભૂલા પડેલા માણસને જિંદગીની આખરી ક્ષણોમાં હર્યોભર્યો રણદ્વીપ જડે ત્યારે એ શું અનુભવે? કોલંબસે ભારત (હકીકતમાં અમેરિકા)ની ધરતી શોધી કાઢી કે નીલ આર્મસ્ટ્રોંગે માનવ-ઇતિહાસમાં પહેલવહેલીવાર ચંદ્રની ધરતી પર પગ મૂક્યો હશે ત્યારે કયા પ્રકારની ઉત્તેજના રગરગમાં વ્યાપી વળી હશે? ગ્રેહામ બેલે ‘વૉટસન, અહીં આવ.હું તને મળવા માંગું છું’ કહ્યું ને સામા છેડેથી વૉટસને જવાબ આપ્યો એ ક્ષણનો ઉન્માદ કેવો હશે! પદાર્થભાર શોધવાની પદ્ધતિ હાથ આવતાં જ બાથટબમાંથી નીકળીને ‘યુરેકા, યુરેકા’ની બૂમો પાડતાં-પાડતાં નગ્નાવસ્થામાંજ શેરીઓમાં દોડી નીકળેલા આર્કિમિડીઝની કે સફરજનને પડતું જોતાં જ ગુરુત્વાકર્ષણના રહસ્ય આત્મસાત્ કરનાર ન્યુટનની માનસિક અવસ્થા ઉત્તેજનાની કઈ ચરમસીમાએ હશે, કહો તો! શોધ! પહેલાં કોઈએ જોયું-જાણ્યું ન હોય એવાની શોધ! જીવનમાં દરેક ‘પ્રથમ’નો રોમાંચ શબ્દાતીત જ હોવાનો. પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ કાર, પ્રથમ ઘર – એડ્રિનાલિનનો સ્ત્રાવ વધારનારી આ ઘટનાઓ દરેકે એકાધિક સ્વરુપે એકાધિકવાર અનુભવી જ હશે. કિટ્સનું આ સૉનેટ આવા જ એક પ્રથમ, એક શોધ અને ઉત્તેજનાનો સાક્ષાત્કાર છે.

જોન કિટ્સ. લંડનમાં જન્મ. (૩૧-૧૦-૧૭૯૫) સર્જરી શીખવા મથ્યા પણ ચપ્પુ કરતાં કલમ વધુ માફક આવી. આઠ વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા. માતાએ બાળકોને નાનીના ઘરે મોકલીને બીજા સાથે લગ્ન કરી લીધા. ચૌદ વર્ષની વયે જોકે એ પણ ગઈ. જે જમાનામાં ૫૦ પાઉન્ડમાં આખું વરસ જીવી શકાય એ જમાનામાં ૨૦૦૦ પાઉન્ડનો જંગી વારસો એમને નાની તરફથી મળ્યો હતો, પણ ટ્રસ્ટીએ આજીવન એમને આ બાબતથી અજાણ રાખી એ ભોગવવા ન દીધો. બેએકવાર પ્રેમમાં પડ્યા. લગ્ન સુધી ન પહોંચી શક્યા. ૧૮૧૪માં પ્રથમ કાવ્ય લખ્યું. ૧૮૧૭માં પહેલો સંગ્રહ પ્રગટ થયો. ફ્લૉપ ગયો. બીજો સંગ્રહ આવ્યો. ઇતિહાસનું પુનરાવર્તન. ક્ષયરોગ પારિવારિક રોગ બની ગયો હોય એમ માતા પછી ભાઈઓ અને અંતે કિટ્સ પણ એમાં જ સપડાયા અને માત્ર ૨૫ વર્ષની કૂમળી વયે રોમ ખાતે ૨૩-૦૨-૧૮૨૧ના રોજ મિત્ર સેવર્નના હાથમાં ‘સેવર્ન-મને ઊંચકી લે-હું મરી રહ્યો છું-હું સહજતાથી મરીશ- ડરીશ નહીં- મક્કમ બન, અને ઈશ્વરનો આભાર માન કે એ આવી ગયું છે’ કહીને દુનિયા છોડી ગયા. એમની કબર પર એમની ઇચ્છા મુજબ એમનું નામ નથી, પણ લખ્યું છે: ‘અહીં એ સૂએ છે, જેનું નામ પાણીમાં લખ્યું હતું.’

સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ગીતકારોમાં કિટ્સનું સ્થાન મોખરાનું છે. સોનેટકાર તરીકે પણ એ શેક્સપિઅરની અડોઅડ બેસે છે. અનુવાદક પણ અવ્વલ દરજ્જાના. ‘કવિતા જો, ઝાડને પાંદડાં આવે એટલી સહજતાથી ન આવે તો બહેતર છે કે એ આવે જ નહીં,’ કહેનાર કિટ્સની કવિતાઓમાં આ નૈસર્ગિકતા સહેજે અનુભવાય છે. એ કહે છે, ‘કવિતાએ સૂક્ષ્મ અતિથી જ ચકિત કરવું જોઈએ, નહીં કે એકરૂપતાથી, એણે ભાવકને એના પોતાના ઉચ્ચતમ વિચારોના શબ્દાંકનની જેમ જ સ્પર્શવું જોઈએ, અને લગભગ એક યાદ સ્વરૂપે જ પ્રગટ થવું જોઈએ.’ કવિની હયાતીમાં કવિની ખૂબ અવગણના થઈ પણ મૃત્યુપર્યંત એમની પ્રસિદ્ધિ દિન દૂની- રાત ચૌગુની વધતી રહી. અંગ્રેજી રોમેન્ટિક યુગના પણ એ અગ્રગણ્ય કવિ ગણાય છે. માત્ર ચોપ્પન જ કવિતાઓ લખી. પણ અલ્પાયુ અને ગણતરીના કાવ્યોમાંય ગીત, સૉનેટ, સ્પેન્સરિઅન રોમાન્સથી લઈને છેક મહાકાવ્ય સુધીના વિશાળ ક્ષેત્રમાં નખશિખ મૌલિકતા, પ્રયોગશીલતા અને કાવ્યજાગરુકતા સાથે એમણે જે ઊંડું, અધિકૃત અને પ્રભુત્વશીલ ખેડાણ કર્યું છે એનો જોટો જડે એમ નથી. કિટ્સની કવિતાઓને જોઈએ ત્યારે સમજાય કે ભાવકને પોતાના જ વિચારો કે સંસ્મરણ કવિતામાં આલેખાયા હોય એમ લાગે, ‘સ્વ’ ‘સર્વ’ને સ્પર્શે તેમાં જ કવિતાનું સાર્થક્ય છે. સૌંદર્ય અને પ્રકૃતિ કિટ્સની કવિતાના મુદ્રાલેખ છે. ‘પ્રકૃતિની કવિતા કદી મરતી નથી’ કહેનાર કિટ્સ ‘સૌંદર્યની ચીજ જ શાશ્વત આનંદ છે’ એમ દિલથી માનતા. કહેતા, ‘સૌંદર્ય સત્ય છે, સત્ય સૌંદર્ય- બસ, આ જ તમે પૃથ્વી પર જાણો છો, અને આ જ તમારે જાણવું જરૂરી છે.’ આજ વાત એ આ રીતે પણ કહેતા, ‘કલ્પના જેને સૌંદર્ય ગણીને ગ્રહે છે એ સત્ય જ હોઈ શકે.’

કવિતાનું શીર્ષક અહીં સાચા અર્થમાં કાવ્યઘરમાં પ્રવેશવા માટેની કૂંચી બન્યું છે. ‘ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં’ એ શીર્ષક ધ્યાનબહાર હોય તો સૉનેટ સમજવું દોહ્યલું થઈ પડે એમ છે. બહુધા અંગ્રેજી સૉનેટોની જેમ જ આ સૉનેટ પણ આયંબિક પેન્ટામીટરમાં લખાયેલું છે. અંગ્રેજીમાં કઠિન ગણાતી અ-બ-બ-અ/અ-બ-બ-અ(અષ્ટક) અને ક-ડ-ક-ડ-ક-ડ(ષટક) પ્રાસરચના આ પેટ્રાર્કન શૈલીના સૉનેટમાં કિટ્સે એવી સહજતાથી નિભાવી છે કે સલામ ભરવી પડે. જો કે ગુજરાતી અનુવાદમાં શિખરિણી છંદમાં સ્વરાંત પ્રકારની પ્રાસરચના અલગ રીતે કરી છે. એમનેમ કંઈ આ સૉનેટ ઓગણીસમી સદીના શ્રેષ્ઠતમ સૉનેટોમાંનું એક નથી ગણાયું. પણ આ સૉનેટઘરમાં પ્રવેશતા પહેલાં એના ઉંબરા, ઓસરીને ઓળખી લેવા જરૂરી છે. સૉનેટમાં હોમર, ચેપ્મેન, કોર્ટેઝ, ડેરિયનના જે ઉલ્લેખો આવે છે, પહેલાં એને સમજીએ..

પૌરાણિક ગ્રીક સાહિત્યના બે સીમા ચિહ્ન મહાકાવ્યો – ઇલિયાડ અને ઓડિસી લગભગ ૨૭૦૦-૨૮૦૦ વર્ષ જૂનાં ગણાય છે. આ મહાકાવ્યોના રચયિતા વિશે એકસંવાદિતા નથી સાધી શકાઈપણ . મોટાભાગના એને હોમર નામના કવિના સર્જન ગણે છે. કેટલાક કહે છે કે આ કાવ્યો એકાધિક વ્યક્તિઓ વડે –હોમર નામની પરંપરામાં રહીને- સતત ઉમેરણ-છંટામણની પ્રક્રિયા વડે રચાયાં છે. આ કાવ્યો શરૂમાં તો પેઢી દર પેઢી મુખોમુખ સચવાયાં હતાં. જે પણ હોય, હોમરના આ ગ્રીક મહાકાવ્યો રચાયાં ત્યારથી આજદિનપર્યંત તમામ કળાઓને સતત પ્રભાવિત કરતાં આવ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, નાટક, ફિલ્મ – કશું જ હોમરના પારસસ્પર્શ વિના સોનું બન્યું નથી. હોમરના આ કાવ્યો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ગણાય છે.

આત્મકથનાત્મક શૈલીમાં કહેવાયેલા આ સૉનેટની શરૂઆત કથક પોતે કરેલા પ્રવાસો વિશે વાત માંડતો હોય એમ થાય છે. પ્રથમ પંક્તિમાં જ ‘કનકવરણા દેશ’ (Realms of gold)નો ઉલ્લેખ સોનાની લંકા અથવા સ્વર્ણભૂમિ El Doradoની યાદ અપાવે છે. શીર્ષક ધ્યાનમાં રહે તો એ ખ્યાલ પણ આવે કે આ વાત આખરે તો સાહિત્યની સ્વર્ણભૂમિની છે. કથકે આ સ્વર્ણભૂમિઓના ઘણા પ્રવાસ કરી ચૂક્યા છે. નાના-મોટા અસંખ્ય દેશો-રાજ્યો જોઈ ચૂક્યા છે. કવિઓ જેને એપોલોના ટાપુ કહી વખાણ કરતાં થાકતા નથી એવા પશ્ચિમના અગણિત ટાપુઓ પણ તેઓ ફરી આવ્યા છે. કવિએ એપોલો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, કેમકે એ સંગીત-કવિતા, સૂર્ય અને પ્રકાશ વિ.નો ગ્રીક દેવતા છે. સ્વર્ણભૂમિ, નાના-મોટા રાજ્યો અને અગણિત ટાપુઓનો પ્રવાસ અર્થાત્ કવિ સેંકડો સર્જકોના અસંખ્ય સર્જનમાંથી પસાર થઈ ચૂક્યા છે. મહાજ્ઞાની હોમરના વિશાળ રાજ્ય વિશે, એના અજરામર સર્જન વિશે પણ કથક જ્ઞાત છે, પણ હોમરના ગ્રીક સાહિત્યનો ખરો અર્ક જ્યાં સુધી જ્યૉર્જ ચેપ્મેને કરેલો સાછંદ પદ્યાનુવાદ નહોતો વાંચ્યો ત્યાં સુધી પામી શકાયો નહોતો. ચેપ્મેને કરેલ અનુવાદ વાંચતા જ અંધારા આકાશમાં જાણે મધ્યાહ્નનું ઝળાંહળાં તેજ રેલાઈ ઊઠ્યું. કિટ્સે જ ક્યાંક લખ્યું છે,’કશું કદીપણ સાચું નથી બનતું જ્યાં સુધી અનુભવાતું નથી.’ કિટ્સ માટે હોમરની કૃતિઓનો ચેપ્મેનના માધ્યમથી કરેલો અનુભવ સાહિત્યનું સનાતન સત્ય ઉજાગર કરે છે. જોન ડ્રાયડન અને એલેક્ઝાંડર પોપે હોમરના કાવ્યોના કરેલા સુશ્લિષ્ટ અનુવાદ કિટ્સના સમયે વધુ વંચાતા હતા. પણ શાળાજીવનના મિત્ર ચાર્લ્સ ક્લાર્કે એક દિવસ કિટ્સને ઘરે બોલાવ્યા. જ્યૉર્જ ચેપ્મેને હોમરનો કરેલો સુગ્રથિત, વધુ પ્રવાહી અનુવાદ બતાવ્યો. બંને મિત્રોએ મળસ્કે છ વાગ્યા સુધી ઉજાગરો કરીને એ વાંચ્યો. કિટ્સ દિવ્યાનંદ, ભાવાવેશમાં આવી ગયા. સવારે બે માઇલ દૂર પોતાના ઘરે ગયા. સૉનેટ લખ્યું અને દસ વાગ્યે તો ક્લાર્કને એના નાસ્તાના ટેબલ પર આ સૉનેટ પડેલું મળ્યું. નખશિખ ઉત્તેજના અને અદમ્ય પ્રેરણાના પરિપાકરૂપ સૉનેટમાં કિટ્સે પાછળથી બહુ ઓછા સુધારા કરવા પડ્યા.

કિટ્સના જન્મના થોડા વર્ષ પહેલાં જ ૧૭૮૧માં સર વિલિયમ હર્શેલે સૂર્યમાળાનો સાતમો ગ્રહ યુરેનસ શોધ્યો હતો. એ વખતે એને કેવો અકથ્ય રોમાંચ થયો હશે! ચેપ્મેનનું હોમર પહેલીવાર વાંચતીવખતે કવિને આવો જ રોમાંચ થઈ રહ્યો છે. પ્રથમ અનુભૂતિના રોમાંચની વાત કવિ સૉનેટમાં આગળ વધારતાં કોર્ટેસને યાદ કરે છે. હેર્નાન કોર્ટેસે ૧૫૧૯માં સદીમાં મેક્સિકો જીતી પહેલવહેલીવાર મેક્સિકોની ખીણના દર્શન કર્યા હતા. વાસ્કો બાલ્બોઆ ૧૫૧૩ની સાલમાં પનામાની સંયોગીભૂમિ ઓળંગીને ડેરિયન પર્વત પરથી પેસિફિક ઓસન (પ્રશાંત મહાસાગર) જોનાર પ્રથમ યુરોપિઅન હતો. વિલિયમ રોબર્ટસનની ‘હિસ્ટ્રી ઓફ અમેરિકા’નો અભ્યાસ કરનાર કિટ્સે સૉનેટ લખતી વખતે આ બે હકીકતોની ભેળસેળ કરી નાંખી હતી. સૉનેટમાં ઉત્તેજનાસભર ઐતિહાસિક શોધનો ઉલ્લેખ કરવાની લ્હાયમાં કિટ્સે બાલ્બોઆની જગ્યાએ કોર્ટેસને ડેરિયન શિખર પર ચડીને પેસિફિકની શોધ કરી પોરસાતો બતાવ્યો છે. તગડો બળુકો કોર્ટેસ (હકીકતમાં બાલ્બોઆ) યુરોપિયન સમુદાય માટે આજસુધી અજાણ રહેલા અફાટ પેસિફિક સાગર પર પહેલવહેલીવાર ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર ફેંકે છે ત્યારે હર્ષાવેશમાં એની વાચા હરાઈ જાય છે. એનું સૈન્ય પણ આ અનુપમ દૃશ્ય જોઈ પરસ્પર અટકળભરી નજરોથી જોઈ રહે છે. સહુની વાચા હરાઈ ગઈ છે એમ કિટ્સ લખે છે. હકીકતમાં બાલ્બોઆ અવાક્ નહોતો થઈ ગયો પણ આવેગમાં ‘Hombre!’ (man!) કહી ઊઠ્યો હતો. ઇતિહાસની દૃષ્ટિએ આ ભૂલ છે પણ કવિતામાં ઇતિહાસ કરતાં લાગણીનું ચલણ વધારે હોવાથી આ સૉનેટ સર્વસ્વીકૃત બન્યું છે. કિટ્સને એના જીવનકાળમાં આ ભૂલ વિશે ખબર પડી હતી કે કેમ એની માહિતી નથી. સૂર્યમાળાનું અગોચર રહસ્ય આકસ્મિક છતું થાય કે પૃથ્વી પરના અદીઠ પ્રદેશોનો અનનુભૂત સાક્ષાત્કાર થાય એ જ રીતે હોમરની કવિતાઓમાંનો ગુહ્ય સાર ચેપ્મેનના અનુવાદના દૂરબીનથી કિટ્સની નજરે પહેલવહેલીવાર ચડ્યો. ઉત્તેજનાની આ સર્વોત્કૃષ્ટ પળને કવિએ સફળતાપૂર્વક આલેખી છે. કોઈ અદભુત પુસ્તક પહેલીવાર વાંચતીવેળાએ જે નવીનતમ આનંદ અનુભવાય, માત્ર એ જ નહીં પણ કોઈ યુદ્ધવિજેતાના હાથે અચાનક જ વિશાળ વણખેડાયેલ, અજાણ્યો પ્રદેશ જીતી જવાતા જીતનો, મગરૂરીનો, તાકાતનો જે સાક્ષાત્કાર થાય એ શબ્દશઃ અહીં અંકિત થયો છે.

કિટ્સના આ સૉનેટના વાક્યો અને શબ્દપ્રયોગો કેટલા સર્જકોએ ક્યાં-ક્યાં મદદમાં લીધા છે એની તો લાંબીલચ્ચ યાદી બની શકે એમ છે. હોમરના ઇલિયાડ અને ઓડિસી માટે કિટ્સે સૉનેટમાં જે રૂપકો અલગ-અલગ સ્થાને પ્રયોજ્યા છે એ પણ ધ્યાનાર્હ છે: કનકવરણા, ઉમદા, વિશદ જગા, મહાજ્ઞાની, સાચો મરમ, ગરુડી આંખ, બળુકો, સ્થિર. આ ચાવીઓ હોમરની કવિતાની લાક્ષણિકતાઓ બખૂબી ઊઘાડી આપે છે. હોમરના મહાકાવ્યો સોનાની ખાણ જેવા અમૂલ્ય છે, ઉમદા છે, જ્ઞાનના અખૂટ ભંડારભર્યાં છે. એનો સાચો મર્મ જાણવો હોય તો ગરુડ જેવી તીક્ષ્ણ અને સ્થિર નજર જોઈએ. ટૂંકમાં, કોઈ પણ કાવ્યનો સાચો આસ્વાદ એની ઠેઠ ભીતર ઉતર્યા વિના, ભાવકની સર્વાંગ સજ્જતા વિના સંભવ નથી. અને ભાવક પોતાનું સો ટકા આપે તો અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય એ પણ સુનિશ્ચિત છે. હોમરના કાવ્યાનુભૂતિ નિમિત્તે કિટ્સ આપણને કાવ્યાસ્વાદની સાચી કૂંચી ગોતી આપે છે.

વર્સફોલ્ડે સાહિત્યને માનવજાતિનું મગજ ગણાવ્યું છે. હેગલ કવિતાને સૌ કળાઓમાં સર્વોત્કૃષ્ટ ગણે છે. કવિતા ब्रह्मास्वाद सहोदरનો અપાર્થિવ દિવ્યાનંદ બક્ષે છે. પણ કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. કિટ્સે કોર્ટેસ માટે Stout શબ્દ પ્રયોજ્યો છે જેનો પ્રથમદર્શી મતલબ તો તગડો અને બટકો થાય છે પણ કિટ્સને જે અર્થ અહીં અભિપ્રેત છે એ છે બળવાન… કવિતા સિંહણના દૂધ જેવી છે. ગરુડ જેવી તીક્ષ્ણ નજર, હાર્દ સુધી જવાનું જોમ અને સ્થિરતમ મનવાળું કનકપાત્ર જ એને ઝીલી શકે છે. આનંદવર્ધને કહ્યું હતું,

अपारे काव्यसंसारे कविरेव प्रजापति:।
यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते॥

(પાર ન પામી શકાય એવા કાવ્યવિશ્વમાં કવિ જ બ્રહ્મા છે, જેનાથી વિશ્વ આનંદ પણ પામે છે અને પરિવર્તન પણ.) એટલે જ કવિતાની સ્વર્ણભૂમિ હાંસિલ કરવાનો આનંદ અવર્ણનીય છે. સદીઓ પહેલાં થઈ ગયેલા એક કવિની અભૂતપૂર્વ કલ્પનદૃષ્ટિ અને શબ્દસૃષ્ટિની સમર્થતા, ઊર્જા અને તાકાતને ભાવક આગળ ચાક્ષુષ કરવાની નેમ કિટ્સના આ સૉનેટમાં નજરે ચડે છે. પોતાની મર્યાદિત અનુભૂતિ અને નાનુકા અવાજ તથા હોમરની ઉત્કૃષ્ટ કાળનિરપેક્ષતા અને અમર્યાદિત વિચક્ષણતાની વચ્ચેનું અંતર પ્રસ્થાપિત કરીને કિટ્સ હોમરને ચૌદ પંક્તિની તોપની સલામી આપે છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૫ : ઓઝીમેન્ડીઅસ – શેલી

Ozymandias

I met a traveller from an antique land,
Who said—“Two vast and trunkless legs of stone
Stand in the desert. . . . Near them, on the sand,
Half sunk a shattered visage lies, whose frown,
And wrinkled lip, and sneer of cold command,
Tell that its sculptor well those passions read
Which yet survive, stamped on these lifeless things,
The hand that mocked them, and the heart that fed;
And on the pedestal, these words appear:
My name is Ozymandias, King of Kings;
Look on my Works, ye Mighty, and despair!
Nothing beside remains. Round the decay
Of that colossal Wreck, boundless and bare
The lone and level sands stretch far away.”

– Percy Bysshe Shelley


ઓઝીમેન્ડીઅસ

મળ્યો હું પુરાણા મલક ભણીના એ પથિકને,
કહ્યું જેણે – “મોટા ધડહીન પગો બે, ખડકના
મરુમાં ઊભા છે… નિકટ રણમાં ત્યાં જ પડ્યું છે
તૂટ્યું માથું, અર્ધું ગરક રણમાં, તેવર તીખાં
અને વંકાયેલા અધર, ક્રૂર આદેશની હંસી,
કહે છે શિલ્પીએ અદલ જ ગ્રહ્યા ભાવ સહુ, જે
હજીયે બચ્યાં આ જડ ચીજ પરે અંકિત થઈ,
બધાની ટીકા જે કર થકી કરી, પોષણ કર્યું
દિલે જે; ને કુંભી પર નજર આ શબ્દ ચડતાં:
હું ઓઝીમેન્ડીઅસ -નૃપ નૃપ તણો- નામ મુજ છે;
જુઓ મારા કાર્યો, સબળ જન, થાઓ સહુ દુઃખી!
– હવે આજે મોટા ક્ષયગ્રસિત ભંગારથી વધુ
બચ્યું ના બીજું કૈં, નજર ફરકે ત્યાં લગ બધે
અટૂલી રેતી છે, સમથળ, ઉઘાડી, અસીમ ત્યાં.”

– પર્સી બિશ શેલી
(અનુ.: વિવેક મનહર ટેલર)


समय समय बलवान है|
સંસારમાં સૌથી મોટો વિનાશક કોણ એવો સવાલ કોઈ કરે તો તરત માથું ખંજવાળવાનું થાય. કોના પર આંગળી મૂકીએ? અઘરો સવાલ છે. જવાબ શો હોઈ શકે? વિશ્વયુદ્ધ? અણુબૉમ્બ? હિટલર જેવા નરસંહારકો? કે સંહારના દેવતા શંકર? યુદ્ધ કંઈ રોજેરોજ ન થાય. અણુબૉમ્બ અને હિટલર પણ સદીઓમાં એકાદવાર વિનાશ નોતરે. તો પછી મહાસંહારકનું બિરુદ આપણે કોને આપીશું? છે કોઈ એવું જે પળેપળ અને દરેકેદરેકનો અનવરત સંહાર કરતું હોય? હા, થોડું વિચારતાં સમજાય કે સમયથી મોટો વિનાશકર્તા અવર કોઈ જ સંભવ નથી. શિવનું તાંડવ પણ ત્રીજું નેત્ર ખૂલે ત્યારે જ જોવા મળે પણ સમય તો એના ક્ષણોના છીણી-હથોડા લઈ સતત સંહારતો રહે છે. દરેક આવનારી પળ પ્રવર્તમાન પળનો સંહાર કરતી જ જન્મે છે. સમયનું ટાંકણું ભલભલા ‘છે’ને ‘હતા’ બનાવી દે છે. સમય અવળો હોય તો મહાભારતનું આખું યુદ્ધ અંકે કરી લેનાર અર્જુનને મામૂલી ભીલ પણ લૂંટી લે:

समय समय बलवान है, नहीं मनुष बलवान,
काबे अर्जुन लूंटियो, वही धनुष, वही बाण॥

સમયનું બુલડોઝર જિંદગીના રસ્તા પર સતત ફરતું રહે છે અને બધા જ ખાડા-ટેકરાને સમથળ બનાવતું રહે છે. કાળનો ન્યાય રાજા-રંક બંનેને ત્રાજવાના એક જ પલ્લામાં ઊભા કરી દે છે અને કાળની આ અસીમ શક્તિ અને મનુષ્યના મિથ્યાભિમાનની ક્ષણભંગુરતા શેલીની પ્રસ્તુત રચનામાં બખૂબી ઉપસી આવે છે.

પર્સી બિશ શેલી. ૦૪-૦૮-૧૭૯૨ના રોજ ઇંગ્લેન્ડમાં જન્મ. વંશપરંપરાગત અમીર. પણ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો, આઝાદ મગજ અને બૌદ્ધિક જિજ્ઞાસા દીવા જેવા સાફ. મુક્તપ્રેમના અને નાસ્તિકવાદના ચાહક. ‘નાસ્તિકતાની જરૂરિયાત’ શીર્ષકવાળું પોતાનું લખાણ પરત ખેંચી લેવાની માંગણીના અસ્વીકારના કારણે એમણે ન માત્ર ઓક્સફર્ડથી, ધનાઢ્ય પરિવારથી પણ અને એ રીતે આર્થિક મોકળાશથીય વેગળા થવું પડ્યું. ઓગણીસ વર્ષની ઉંમરે હેરિયટ વેસ્ટબ્રુકની સાથે ભાગી ગયા અને લગ્ન કર્યા. બે સંતાનના પિતા થયા પણ પછી મેરી ગોડવિનના પ્રેમમાં પડી એની સાથે ભાગી જઈ ઇટાલીમાં સ્થાયી થયા. બાયરન સાથે ગાઢી દોસ્તી. ૦૮-૦૭-૧૮૨૨ના રોજ શબ્દોના મહાસાગરને સફળતાપૂર્વક પાર કરી શકનાર શેલી ૨૯ વર્ષની નાની વયે ડોન જુઆન નામની યાટમાં સ્પેઝિયાના અખાતમાં નીકળ્યા હતા ત્યારે તોફાનના કારણે ડૂબી ગયા. શેલીની કારયત્રી પ્રતિભા જોતાં આ અકાળ અવસાનથી સાહિત્યજગતને પડેલી ખોટ પૂરી પૂરાય એમ નથી એમ સહેજે કહી શકાય.

શેલી રોમેન્ટિસિઝમના અગ્રગણ્ય કવિ હતા. જે રીતે નાટ્યકાર-સૉનેટિઅર તરીકે શેક્સપિઅર અતુલ્ય છે એ જ રીતે ગીતકાર તરીકે શેલી નિર્વિવાદપણે બેજોડ છે. સ્વપ્નદૃષ્ટા પ્રબોધક કાવ્યો અને ઉત્તમોત્તમ નાનાં ગીતકાવ્યો –એમ શેલીને બે સાફ વિભાગમાં વહેંચી શકાય. શેલીની શૈલી સરળ, સહજ, લવચિક અને આવેશપૂર્ણ હતી. ભાષાની શુધ્ધતા, કલ્પનની ઊંચાઈ અને બયાનની પ્રવાહિતાના કારણે શેલી અલગ તરી આવે છે. ટૂંકમાં શેલી સરળતા અને ગહનતાનો સુભગ સમન્વય હતા.

ઓઝીમેન્ડીઅસ નામ આપણા માટે આગંતુક છે. લગભગ ૩૩૦૦ વર્ષ પહેલાં (ઈ.પૂ. ૧૩૦૦) જન્મેલ રેમસિઝ બીજાનું ઇજિપ્શ્યન નામ User-maat-Re હતું જેનું ગ્રીક ઓઝીમેન્ડીઅસ થાય. શેલી એ રેમસિઝ કે ઉસર-માત-રે નામો પડતાં મૂકીને ઓઝીમેન્ડીઅસની પસંદગી કરી કેમકે પ્રાચીન ગ્રીક ભાષા પર એમનું ખાસ્સું પ્રભુત્વ હતું. ઓઝિયમનો અર્થ શ્વાસ કે હવા થાય છે અને મેન્ડેટ અર્થાત્ શાસન કરવું. એ અર્થમાં ઓઝીમેન્ડીઅસ યાને ‘શાસન કરવા માટે શ્વસવું (જીવવું).’ ઓઝીમેન્ડીઅસ ઇજિપ્તની ગાદી પર આરુઢ થયેલો ત્રીજો ફેરો હતો. તમામ ફેરોમાં એ સૌથી વધુ શક્તિશાળી હતો અને સૌથી લાંબા સમય સુધી શાસક રહ્યો. સવાત્રણ હજાર વર્ષ પહેલાં એણે લગભગ છ માળ ઊંચું ૫૭ ફૂટનું પૂતળું બનાવડાવ્યું હતું.

મોટા દેખાવું, પ્રસિદ્ધ થવું કોને નથી ગમતું પણ પોતે હોઈએ એનાથીય વધુ વિરાટ દેખાવાની ઝંખના જ્યારે બિમારીની કક્ષાએ પહોંચે ત્યારે એને મેગાલોમેનિયા કહે છે. મેગાલોમેનિઆક માણસ સ્વથી આગળ વધી શકતો નથી. આ બિમારી નાર્સિસિસ્ટીક પર્સનાલિટી ડિસઓર્ડર (NPD) તરીકે પણ ઓળખાય છે. મેગાલોમેનિઆકના હાથમાં ઓઝીમેન્ડીઅસ જેવી સત્તા આવી જાય એનું એક ઉદાહરણ આ ગંજાવર પૂતળું છે. પણ જે રીતે અંધારું નાના-મોટા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે છે એ જ રીતે સમય પણ ખોટી મોટાઈને ભૂંસીને નીરક્ષીરન્યાય કરી જ દે છે. કહ્યું છે ને:

અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતા,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતા.

૧૯૧૭માં લંડનના બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા ઇ.પૂ. ૧૩મી સદીનું રેમસિઝ બીજાનું જંગી પૂતળું (જે ૧૯૨૧માં લંડન પહોંચ્યું) પ્રાપ્ત કરાયું હોવાના સમાચારે આ રચના માટે પ્રેરણા આપી હોવાનું મનાય છે. મિત્ર હોરાસ સ્મિથ સાથેની સ્પર્ધામાં શેલીએ આ સૉનેટ લખ્યું હતું. સ્મિથે પણ આજ શીર્ષકથી સૉનેટ લખ્યું છે. સ્મિથના સૉનેટમાં શેલીએ જે વાત કરી છે એની સાથોસાથ લંડન શહેરની શિકારી દોડ અને શક્તિશાળી પ્રાચીન જાતિઓ વિશેનું આશ્ચર્ય વ્યક્ત થયું છે. શેલીના સૉનેટથી વિપરિત સ્મિથનું સૉનેટ પૌરાણિક સંસ્કૃતિઓનો અભ્યાસ કરવા માટે આપણી પાસે કલ્પનાથી વિશેષ કશું બચતું નથી એ સૂર પર આવીને ખતમ થાય છે. ‘પ્લેનેટ ઑફ એપ્સ’ ફિલ્મમાં અણુયુદ્ધ પછી દરિયાકિનારે રખડતાં ટેઇલર અને નોવાને સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીના અવશેષ સાંપડે છે એ દૃશ્યની યાદ અપાવે છે.

ઓઝીમેન્ડીઅસ સૉનેટ અષ્ટક-ષટક સ્વરૂપે બહુધા આયમ્બિક પેન્ટામીટરમાં છે પણ શેલી વચ્ચે વચ્ચે અનિયમિતતાથી ટ્રોકી (trochee) પ્રયોજીને કોઈ એક છંદને વળગી રહેવાથી અળગા રહ્યા છે. સૉનેટ સ્વરૂપ પેટ્રાર્કન છે પણ પ્રથમ ચાર પંક્તિમાં શેક્સપિરિઅન પ્રકારની પ્રાસરચના છે, જે આગળ જતાં પ્રાસ ક્રમશઃ ગતિ કરતો હોય એવો આભાસ જન્માવતી પણ અનિયમિત (ABABACDC EDEFEF) પ્રયોજાઈ છે. શિખરિણીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચનાનો ત્યાગ કર્યો છે. શિખરિણી છંદમાં અઢારમો અક્ષર આવી ન શકે એ હકીકતને થોડી પળ ગજવે ઘાલીને ઓઝીમેન્ડીઅસ નામના છેલ્લા બે અક્ષર ‘અસ’ની બે લઘુ માત્રાને ઉચ્ચાર મુજબ એક ગુરુભાર આપવાની ધૃષ્ટતા પણ કરી છે. શેલીની આ રચના એની ખરી શૈલીની દ્યોતક નથી. પ્રમાણમાં આખી કવિતા એક જ લીટીમાં ચાલે છે અને કોઈપણ ગૂઢાર્થ ખિસ્સામાં છુપાવી રાખતી નથી. પણ સાવ સહજ-સરળ હોવાથી અને જનમનને તરત જ સ્પર્શી જાય એવું સાર્વત્રિક ભાવકેન્દ્ર ધરાવતી હોવાના કારણે એ શેલીની સૌથી વધુ લોકપ્રિય થયેલી અને ટંકાયેલી રચના બની. આખી રચના બે સ્તરે ચાલતા એકતરફી સંવાદ સ્વરૂપે છે. એક બાજુ, કવિ વાચક સાથે એકતરફી વાત કરે છે અને બીજી બાજુ, એક વટેમાર્ગુ કવિની સાથે વાત કરે છે અને પ્રથમ સવા લીટીને બાદ કરતાં આખો મોનોલોગ વટેમાર્ગુ તરફથી જ કરવામાં આવ્યો છે. સંવાદ ઉભયતરફી હોવાના બદલે બંનેય સ્તરે એકતરફી હોવાની આ રીતિ પોતે પણ ઓઝીમેન્ડીઅસની સરમુખત્યારીની દ્યોતક ગણી શકાય.

કાવ્યારંભે કવિ કહે છે કે એ કોઈક પ્રાચીન સ્થળ, અહીં ઇજિપ્ત તરફથી આવેલા મુસાફરને મળ્યા હતા. એ મુસાફરે પોતાને જે કહ્યું એ આખેઆખું બયાન એટલે બાકીનું સૉનેટ. ઇજિપ્તના રણમાં નજર પહોંચે ત્યાં સુધી ચારે તરફ ફેલાયેલી અફાટ-અસીમ રેતીના સમુદ્રની વચ્ચોવચ મુસાફરે એક પૂતળું જોયું હતું જેના વિશે એ કવિને વિગતે વાત કરે છે. સૉનેટ ‘I’ (હું)થી શરૂ થાય છે. આ કેપિટલ આઇ ઓઝીમેન્ડીઅસના સુપર ઇગોનું પણ સૂચન કરે છે.

વટેમાર્ગુ જણાવે છે કે સમયની થપાટો ખાઈ ખાઈને મહાકાય પૂતળું હતું-ન હતું થઈ ગયું છે. રણમધ્યે માત્ર એક કુંભી ઉપર બચી ગયેલા બે વિરાટકાય પગ પૂતળાના ખરા કદની સાક્ષી પૂરતા બચ્યા છે. માથું તૂટીને નજીકમાં રણમાં પડ્યું છે અને સમય સાથે રેતીમાં અડધું ગરકાવ થઈ ગયું છે. ધડનું તો નામોનિશાન રહ્યું નથી. મુસાફરે રેતીમાં આડા ખૂંપેલા ચહેરાના બહાર દેખાતા અડધિયા પર કોતરાયેલ ભાવોને ચિવટાઈથી નિહાળ્યાં છે. ચહેરા પર ભવાં તણાયેલા છે, હોઠ વંકાયેલા છે અને ઠંડા કલેજે આદેશ આપતા હોવાનો ભાવ બખૂબી એ રીતે કોતરવામાં આવ્યા છે કે જોનાર સમજી શકાય કે શિલ્પીએ આ સરખુમત્યાર રાજાનો ઉપહાસ કરવામાં પોતાની કળા રેડી દીધી હશે. રાજાનું જીવન તો પૂરું થયું પણ આ જીવનહીન વિરાટકાય પથ્થર પર કંડારાયેલા મનોભાવ હજી પણ એમનેમ ટકી રહ્યા છે. શિલ્પીએ આવનારી પેઢીઓને રાજાનો સાચો પરિચય આપવામાં કશું બાકી રાખ્યું નથી. આ કળાનો ચમત્કાર છે. જે વાત મોઢામોઢ કહેવી શક્ય ન બને એ વાત કળાકાર આસાનીથી કહી શકે છે. શિલ્પીએ પોતાની હાંસી ઊડાવી છે એ હકીકત કદાચ સત્તાના મદમાં આંધળા ફેરોને દેખાઈ-સમજાઈ પણ નહીં હોય.

શેલીએ mockedને પણ બે અર્થમાં પ્રયોજ્યો હોવાનું સમજાય છે. એક, શેક્સપિઅરની જેમ ‘વર્ણવવું’ના અર્થમાં તો બીજું, સર્વમાન્ય ‘હાંસી ઊડાવવું’ તરીકે. ગુજરાતી અનુવાદ માટે આવો શબ્દ જડવો અશક્ય હોવાથી ‘ટીકા’ શબ્દ વાપર્યો છે, જેનો એક અર્થ ‘સમાલોચના’ અને બીજો સર્વમાન્ય ‘હાંસી’ થાય છે જેથી મૂળ કૃતિની બને એટલા નજીક રહી શકાય. જુલમી આપખુદ ફેરોની મુખમુદ્રા પર હાવભાવ કોતરીને એની ટીકા કરનાર શિલ્પી પોતે અને આવા જુલ્મો સહન કરનાર, આવા જુલમીને પોષનાર હૃદય અર્થાત્ લાચાર પ્રજા – આમાનું કંઈ હવે બચ્યું નથી. મૂર્તિના બચેલા પગ જેના પર ઊભા છે એ કુંભી પરનું લખાણ શેલીએ થોડું બદલ્યું છે. મૂળ જે પૂતળું મળ્યું છે એની કુંભી ઉપરનું લખાણ આમ છે: ‘રાજાઓનો રાજા છું હું, ઓઝીમેન્ડીઅસ. જો કોઈને જાણવા માંગતું હોય કે હું કેટલો મહાન છું અને ક્યાં સૂતો છું, તો એ મારા કામમાં મને વટીને આગળ નીકળી જાય.’ કવિએ આ કાવ્યહેતુથી poetic-license વાપરીને આ લખાણમાં થોડો ફેરફાર કર્યો છે. કવિતામાં કુંભી પરનું લખાણ આ છે: ‘હું રાજાઓનો રાજા છું. મારું નામ ઓઝીમેન્ડીઅસ છે. હે શક્તિશાળી લોકો! મારા કાર્ય તરફ જુઓ અને નિઃસાસા નાંખો.’ ભગવદ્ગીતામાં કહ્યું છે: ‘अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते| (અધ્યાય:૩, શ્લોક ૨૭) (અહંકારથી ભ્રમિત જીવ પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે.) ઓઝીમેન્ડીસે પણ પોતાને સર્વશક્તિમાન માન્યો હશે. હકીકતમાં આજે ક્રૂર શાસક ઓઝીમેન્ડીઅસ, એના ક્રૂર ભાવો શિલ્પાંકિત કરનાર શિલ્પી અને એના જુલમો સહન કરી અન્યાયને પોષનાર પ્રજા -એ બધા જ સમયની રેતીમાં ક્યારે ગરકાવ થઈ ગયા એય કોઈ જાણતું નથી. મહાન જર્મન તત્ત્વચિંતક નિત્શેએ સાચું જ કહ્યું’તું: ‘જ્યારે પણ હું ઊંચે ચડું છું, અહમ નામનો કૂતરો મારો પીછો કરે છે.’

જૈનાચાર્ય શય્યમ્ભવ ‘દશવૈકાલિક સૂત્ર’માં કહે છે : ‘माणो विणयनासणो|’ (માન વિનયનો નાશ કરે છે.) આપણે વાતવાતમાં ‘નામ તેનો નાશ’ અને ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું’ બોલતા હોઈએ છીએ. પ્રસ્તુત સૉનેટ આજ વાતનો બોલતો અરીસો છે. કબીર યાદ આવે:

कबीर गर्व न किजीये, चाम लपेटी हाड़।
एक दिन तेरा छत्र सिर, देगा काल उखाड़॥

શેકસપિઅરનું મેક્બેથ આખું નાટક અહંકાર અને એનાથી સર્જાતી દુર્દશાનું કથાનક છે. ‘એઝ યુ લાઇક ઇટ’માં એ કહે છે, ‘મારું અભિમાન મારા સદભાગ્યની સાથે જ જમીનદોસ્ત થયું.’ ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં શેક્સપિઅર જ કહે છે, ‘જે અભિમાન કરે છે એ પોતાની જાતને જ ખાઈ જાય છે’ ઓઝીમેન્ડીઅસનો પણ સમયે એ જ હાલ કર્યો. જે સ્થળે ક્યારેક વિશાળ સામ્રાજ્યની જાહોજલાલી હશે એ સ્થળે આજે આ વિશાળકાય પણ તૂટ્યા-ફૂટ્યા ભંગાર સિવાય કંઈ જ બચ્યું નથી. નજર પહોંચે ત્યાં સુધી ચોતરફ સ્થળ-કાળ તમામને સમથળ કરી દેતી અફાટ-અસીમ રેતી સિવાય બીજું કંઈ જ નથી. રેતી માટે કવિએ અટૂલી વિશેષણ વાપર્યું છે કેમકે રાજા, પ્રજા અને નગર –આમાંથી કશું સમય આગળ ટકી શક્યું નથી. એકલી રેતી જ રહી ગઈ છે. કુંભી પરના લખાણનો નવો જ અર્થ સામે આવે છે. પોતાનું વિશાળ સામ્રાજ્ય અને પ્રચંડકાય કાર્યો જોઈને જોનારાઓને દુઃખી થવાનો સંદેશ આપતું ફેરોનું લખાણ હવે અવશેષો અને રણમાં પલોટાઈ ગયેલ ઓઝિમેન્ડિઅસની બડાશની જ ઠેકડી ઊડાડતું હોવાનું અનુભવાય છે.

શેલી કહે છે, ‘કવિઓ દુનિયાના અસ્વીકૃત કાનૂનનિર્માતા છે.’ સાચી વાત છે. તહસનહસ થઈ ગયા બાદ પણ ૩૩૦૦ વર્ષોથી ટકી રહેલ ઓઝીમેન્ડીઅસની કુંભી પરના લખાણની નિરર્થક વાસ્તવિકતા સામે કવિ જ અરીસો ધરી શકે. કળાકારે ફેરોના હાવભાવ આબાદ કોતર્યા ન હોત અને ગંજાવર પૂતળું બનાવ્યું ન હોત તો સાડા ત્રણ હજાર વર્ષ બાદ આપણી પાસે એ વિશે કોઈ માહિતી હોવાની સંભાવના જ નહોતી… જે-તે સમયે જે-જે હતું એ તમામ રેતીમાં રેતી થઈ લોપાઈ ગયું પણ કળાકારની કળાનો નમૂનો ક્ષત-વિક્ષત થઈ ગયો હોવા છતાં સમયને અતિક્રમીને અમર થઈ ગયો. રાજાની કર્મ કે દુષ્કર્મ નહીં, પણ શિલ્પીના ટાંકણાએ સર્જેલી કૃતિ કાળાતીત બની રહી. શેલીના મતે ‘કવિતા એવો અરીસો છે જે વિરૂપનેય સુંદર બનાવે છે.’ સમયની છીણીથી ભગ્નાવશેષ બની ગયેલ ઓઝીમેન્ડીઅસનું તૂટેલું પૂતળું જે રીતે શિલ્પીના શિલ્પમાં એમ જ શેલીના સૉનેટમાં અ-ક્ષત, અ-મર બની ગયું છે. કળા સિવાય બાકી બધાને સમય ઇતિહાસ બનાવી દે છે. મનુષ્યના મિથ્યાભિમાન પર આખરી હાસ્ય એનું જ હોય છે, શું એટલે જ એને ઇતિ-હાસ કહે છે?

ગ્લૉબલ કવિતા : ૧૯૧ : સૉનેટ ૧૮- વિલિયમ શેક્સપિઅર

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:

Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;

But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:

So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare


સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)


જીવન નાશવંત છે, કળા અમર છે..

દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.

What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.

શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?

વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.

કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.

જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : ૧૮૯ : વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક


અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે…

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. વિદ્યા, વ્યવસાય કે કોઈ પણ કારણોસર માણસને વતન છોડી અન્યત્ર સ્થાયી થવાની ફરજ પડી શકે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં તન ભલે વતન છોડે, મન વતનમાં રહી જતું હોય છે. ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે’નો ભાવ અસંખ્ય સર્જકોની કલમેથી ટપકતો આવ્યો છે, ટપકતો રહેશે. ચાલો ત્યારે, વતનવિચ્છેદની વેદનાને હળવાશથી હાથમાં લેતી જયંત પાઠકની આ રચનાને અઢેલીને બે’ક પળ બેસીએ.

વિપુલ માત્રામાં પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનાર જયન્ત પાઠકના બસોથી વધુ સૉનેટમાં ઊડીને આંખે વળગે એવું વિષયવૈવિધ્ય હોવા છતાં એમના સમગ્ર સર્જનની જેમ જ આ સૉનેટોમાં પણ એમની વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. સાડા આઠ દાયકાના આયખામાંથી સાડા પાંચ શહેરોમાં વીત્યાં હોવા છતાં ગ્રામ્યવતન એમની કવિતાઓથી કદી અળગું જ ન થયું.

પ્રસ્તુત સૉનેટ કવિના પાંચમા સંગ્રહ ‘અંતરીક્ષ’ (૧૯૭૫)માં સમાવિષ્ટ છે. આ જ સૉનેટને અડીને ‘વર્ષો પછી વતનમાં’ શીર્ષકથી લખાયેલું સૉનેટ પણ જોવા મળે છે. બંનેની સર્જનતારીખ એક જ -૦૪/૦૯/૧૯૬૯- છે. એટલે સમજાય છે કે વરસો પછીની વતનની મુલાકાત અને કદાચ કાયમી વિદાય –એમ બેવડી અનુભૂતિ કવિએ આ બે સૉનેટમાં ઝીલી હશે. સંગ્રહમાં કાવ્યારંભ પૂર્વેના અભિલેખ ‘હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં…’ કવિની ગઈકાલના ઓરડાની અવારનવાર મુલાકાત લઈ આજની કવિતાઓ આપવાની કાવ્યરીતિ પર પણ પ્રકાશ ફેંકે છે. કવિની રચનાઓ વર્ડ્સવર્થની વ્યાખ્યા -it takes its origin from emotion recollected in tranquillity- ને ચરિતાર્થ કરતી હોય એમ અનુભૂતિના તાત્ક્ષણિક ઊભરાના બદલે બહુધા સંચયનિધિમાંથી જન્મ લેતી હોવાનું અનુભવાય છે. સુરેશ દલાલના મતે ‘જયન્ત પાઠકની કવિતા એટલે સ્મૃતિના આરસા-વારસાની કવિતા, ગયાં વર્ષોની કવિતા. ते हि नो दिवसा गताःની કવિતા.’ કવિએ પોતે કહ્યું છે: ‘…વતન સાથેના મુગ્ધતાના તંતુઓ એક પછી એક તૂટવા લાગ્યા છે ને કઠોર વાસ્તવની તાવણીમાં તવાવાનું શરૂ થયું છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થયું છે; હવે એને સ્મૃતિમાં જ સાચવવું રહ્યું.’

પ્રસ્તુત રચનામાં કવિએ પોતાના પ્રિય શિખરિણીના સ્થાને શાર્દૂલવિક્રીડિત છંદ ખપમાં લીધો છે. ઓગણીસ અક્ષરના આ છંદમાં વાઘ(શાર્દૂલ)ની લાં…બી ફર્લાંગની જેમ યતિ છે…ક બારમા અક્ષરે આવે છે. છંદની ગતિ અને યતિનો કૂદકો –બંને વાઘફાળની સાથે ‘મેચ’ ન કરી શકાય તો કવિતાનો યોગ્ય શિકાર ન થઈ શકે. પણ કવિએ કૌશલ્યપૂર્ણ છંદનિર્વાહ કર્યો છે અને ક્યાંય યતિભંગ થવા દીધો નથી. હા, લઘુ-ગુરુમાં હૃસ્વ-દીર્ઘનું હસ્તાંતરણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું આ સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપ ધરાવે છે અને પહેલા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રાસવ્યવસ્થાનું પાલન કરી એને વફાદાર પણ રહે છે. ગુજરાતીમાં જો કે શરૂથી જ કવિઓ સૉનેટના મૂળ સ્વરૂપ અને પ્રાસગોઠવણીનું ચુસ્ત પાલન કરવાથી ઉફરા ચાલ્યા છે. અહીં પણ બીજા ચતુષ્કથી પ્રાસરચના ક-ક ડ-ડ મુજબ છેવટ સુધી આગળ વધે છે. આ સિવાય કાવ્યમાં વન-જન-ક્ષણ-વતન જેવા આંતર્પ્રાસ તથા ડુંગર-કોતર-ખેતર, ઢોર-કોઢાર, કાંટાળી-ડાળી-આંગળી જેવાં અનુરણન અને વર્ણસગાઈ પણ છૂટાંછવાયાં નજરે ચડે છે, જે સૉનેટના રણકાને વધારાનું નાદમાધુર્ય બક્ષે છે.

સૉનેટના આરંભે બે વાર ‘એ’ આવે છે. આમ તો આ બંને ‘એ’ અનુક્રમે વન અને જન સાથે સંકળાયેલ છે, પણ એમાં ‘એય’વાળો તળપદી સુરતી લહેકો ન સંભળાય તો જ નવાઈ. વન અને વતન માટેનો કવિનો લગાવ સૉનેટના પ્રારંભે જ સમજાય છે. ‘વતનથી વિદાય થતાં’ની શરૂઆત વતનથી નહીં, વનથી થઈ છે. કવિ કહે છે, એ વન પણ અને એ માણસોનેય પાછળ મૂકી દીધાં છે. ઉત્તરાર્ધ ‘ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ’ વાંચતા સમજાય છે કે કવિ વરસો બાદ વતન પરત આવ્યા હશે અને થોડો સમય વતનમાં ગાળી ફરી શહેર જવા નીકળ્યા હશે એટલે ઘણાં વર્ષે જે લોકો ક્ષણભર માટે મળ્યાં હતાં એ લોકોને છોડીને જતી વેળાની અભિવ્યક્તિની આ કવિતા છે.

ડુંગર, નદી, ખેતર-કોતર બધું પાછળ છોડીને કથક વતનથી દૂરના માર્ગે આગળ ધપી રહ્યો છે. પણ આ મુસાફરી સરળ નથી. થોડી થોડી વારે ડોકું ફેરવીને પોતે પાછળ શું-શું છોડી જઈ રહ્યા છે એ જોવાની ફરજ કથકને પડે છે. આંખો વળી વળીને પાછળ જોઈ રહી છે. કવિએ લખ્યું છે: ‘શરીર ગાડામાં બેસીને શહેરમાં જવા નીકળ્યું છે. હૃદય ભૂતકાળને પકડવા પાછું દોડી રહ્યું છે, ગાડાની પાછળ બાંધેલા ઢોરની જેમ ઘસડાતું નાછૂટકે આગળ વધી રહ્યું છે. હું વનાંચલ છોડીને વસ્તીમાં જઈ રહ્યો છું. જંગલ, ડુંગરા ને નદી મને પાછળથી ખેંચી રહ્યાં છે. આ ધરતી સાથે મારે અટલો ગાઢ સંબંધ હતો તે તો આજે વિખૂટા પડતી વખતે જ જાણવા મળ્યું.’ બંધ ઘર વેચાઈ ગયું એટલે પાછાં આવવાની આખરી સંભાવના પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ અવસ્થાને કવિ મૂંગા ઢોરના કોઢાર માટેના તરફડાટ સાથે સરખાવે છે. જાનવરને ન માત્ર પોતાનું ગમાણ, પણ ધણ સુદ્ધાં છોડી દેવાની ફરજ પડી હોય એવી વેદના અહીં તીવ્રતર થઈ છે. અને જો ઢોર કોઢાર માટે તલખતું હોય તો મનુષ્યની પીડા તો કેવી હોય! ‘એક વારનું ઘર’ કાવ્યમાં કવિ સોંસરો સવાલ કરે છે: ‘-લીલારો ચરવા આપણી ગાય/આઘેના વગડામાં નીકળી ગઈ છે./…/ અને આપણે?… આપણે પણ…’ આ વતનઝુરાપો કવિની રચનાઓમાં સતત વર્તાતો રહે છે: ‘ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,/ ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં/ અંધારાની કાળી ગાયને દોતી મારી બા?/ક્યાં છે…’ (ક્યાં છે?)

કવિ કહે છે, કેડી આગળ જાય છે પણ પગ અવળા પડે છે. આ મૂર્ત વિરોધાભાસ અમૂર્ત વ્યથાને આબાદ ચાક્ષુષ કરે છે. ‘ઘેર પાછો ફરું છું’ સૉનેટમાં કવિ લખે છે:

‘આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે: જૂનું નવું અતીત ને આજનું એક સાથે!

લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું,
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.’

પ્રસ્તુત સૉનેટ પણ ઊર્મિઓની આવી જ આવજાનું, વતનવિચ્છેદ અને વતનપ્રેમના દ્વંદ્વનું જ ગાન કરે છે. અન્ય એક સૉનેટ ‘વરસાદે વતન સાંભરતાં’માં પણ કવિ આ જ લાગણીને ઉદ્દેશે છે: ‘પડે ધીમાં કાળી સડક પર શાં ખિન્ન પગલાં!/ ચડે ઊંચા વેગે ધવલ સ્ત્રગ શાં વ્યોમ બગલાં!’ સફેદ બગલાંની ગતિ અને કાળી સડક પર પગલાંની ખિન્ન મથામણનો વિરોધાભાસ અહીં એ જ રીતે રજૂ થયો છે જે રીતે પ્રસ્તુત સૉનેટમાં કેડીના આગળ જવાની સાદૃશે કવિએ પગલાંના પાછળ પડવાની વાતે રજૂ કર્યો છે. પગલાં કેમે કરીને ઊપાડ્યાં ઊપડતાં નથી. અહીં બાલમુકુન્દ દવેના અમર સૉનેટ –જૂનું ઘર ખાલી કરતાં-ની અમર પંક્તિઓ ‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! /ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ યાદ આવ્યા વિના નથી રહેતી. કવિની આંખો ઝળઝળિયાંથી ભરાઈ જાય છે અને પગ કેમે કરી ઉપડતાં નથી. રસ્તે કાંટાળી વાડ નડે છે પણ ઉઝરડા શરીરના બદલે હૈયા પર થાય છે. વેદનાના રક્તટશિયાઓ ફૂટી નીકળે છે અને ધીમે ધીમે ઝમે છે. દૂરથી જ નદીકાંઠાની ઝીણી કાંકરિયાળ રેતી જોઈને કવિની આંગળીઓ રેતીમાં રમતી હોય એમ આપોઆપ હાલવા માંડે છે. આંગળીઓની આ હિલચાલ કવિ બાળપણની નદીકાંઠાની રેતીમાં રમેલી રમતોમાં પહોંચી ગયા હોવાનું ઇંગિત કરે છે. ‘વનવતનની કેડીઓએ ફરી ડગલાં ભરું’ (‘વતન’)ની અનુભૂતિ અહીં સાક્ષાત્ થાય છે.

આઠ પંક્તિ પછી ભાવપલટાના સૉનેટના વલણને અનુરૂપ પ્રથમ બે ચતુષ્કમાં વર્ષો પછીની વતનની આ મુલાકાત આખરી હોવાની પ્રતીતિને લઈને જન્મેલી કશ્મકશ રજૂ થયા બાદ ત્રીજા ચતુષ્કમાં વાસ્તવનો સ્વીકાર આલેખાયો છે. ‘ચાલો જીવ’ કહીને કવિ જે આત્મસંબોધન કરે છે, એ સૉનેટને એકદમ ભાવકના હૈયાસરસું આણે છે. પ્રારંભે ‘એ’ના લહેકામાં જે આત્મીયતા અનુભવાઈ હતી, એ અહીં પુનઃ વર્તાય છે. ‘ચાલો જીવ’ સંબોધનમાં મનોદ્વંદ્વના અંતે હથિયાર ફેંકી દઈ વાસ્તવિકતાનો સ્વીકાર પણ સંભળાય છે. નિરાશાના સૂર સાથે કવિ અવઢવમાં પડેલી જાતને આગળ વધવા સૂચવે છે, કેમકે કાળની આ નદીમાં પાછાં ઉપરવાસ વહેવું તો શક્ય જ નથી. વાત કાળનદીના વહેણમાં તણાવાની છે, પણ નદી તો આંખોમાં ઊમડી આવી છે. આંખો લૂંછીને, વતનની યાદોને પાછળ મૂકીને અહીંથી આગળ જવાનું છે. ‘ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, ભૂંસાઈ રહ્યો છે; એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્ર મુઠ્ઠીમાં ને કંઈક મારા મનમાં,’ આમ કહેનાર કવિ જો કે સમજે છે કે કોઈના કહ્યા-કારવ્યા વિના સ્વયંભૂ માથે ભૂતકાળનાં પોટલાં ઊંચકીને વેઠિયા મજૂરની જેમ ક્યાં લગી ઢસરડા કરવા? શેરીમાંના શ્વાને કદાચ વતન ત્યાગતા કવિની સંગત કરી હશે, એણેય હવે વતનની આખરી હદ આવતાં પાછાં વળવાનું થશે. સંગાથી શ્વાનનું આ ચિત્ર મહાભારતમાં મહાપ્રસ્થાને નીકળેલા પાંડવોના એકમાત્ર સંગી બનેલા શ્વાનની યાદ અપાવતું હોવાથી આપણને કેટલું ચિરપરિચિત લાગે છે, નહીં!

સૉનેટની આખરી બે પંક્તિઓ સૉનેટની ચોટની, કવિતાના અર્કની પંક્તિઓ છે અને જયન્ત પાઠક એમના મોટાભાગના સૉનેટોની જેમ અહીં પણ આ કવિકર્મ બજાવવામાંથી ચ્યુત થયા નથી. ગામની હદ પૂરી થઈ છે. હવે એકવારનું પોતાનું ખેતર પણ આઘે નજરે ચડે છે. ખેતરમાં લણ્યા વિનાનો પાક કદાચ હજીયે લહેરાતો હશે, તેમાં કવિને કોઈ બે હાથ ઊંચા કરીને કોઈ પોતાને બોલાવતું ન હોય એવો ભાસ થાય છે. એક પળ માટે સભાન કવિ જાતને ટકોર પણ કરે છે કે આ પોતાની ભ્રમણા તો નથી ને? પણ બીજી જ પળે એમને રિસાઈ ગયેલા બાળકને જે રીતે બા બે હાથ ઊંચા કરીને બોલાવે એ રીતે પોતાનું ખેતર પોતાને બોલાવતું હોવાનું લાગે છે. જેણે તનમનમાં વન-વતન સાથે એકત્વભાવ સેવ્યો-સાધ્યો હોય એના માટે આ વિચ્છેદ કેટલો દોહ્યલો હશે એનો આપણને આ ઉપમા ઉપરથી ખ્યાલ આવે છે. ક્યાંક આપણી આંખોના ખૂણે ભેજ ને હૈયે ઉઝરડા સહેજ થયા હોવાનું ન અનુભવાય તો જ નવાઈ!

સુરેશ દલાલની કવિ માટેની ટિપ્પણી, ‘કવિતામાં કોઈપણ વલણ એ વળગણ ન થવું જોઈએ. જયન્ત પાઠક માટે શૈશવનું સ્થળ એક વ્યક્તિ જેટલું મહત્ત્વ ધારણ કરે છે,’ સાવ સાચી છે. જે રીતે થોમસ હાર્ડીની નવલકથાઓમાં તત્કાલિન ઇંગ્લેન્ડની ગ્રામ્ય પૃષ્ઠભૂએ એક પાત્ર જેટલું મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે , એ જ રીતે જયન્ત પાઠકની રચનાઓમાં વન અને વતન વ્યક્તિવિશેષ બની રહ્યાં છે. પરંતુ, અતિની આ ગતિથી કવિતાની મતિ બગડી નથી એ જ આપણું સદનસીબ.