દિવ્યભાસ્કરમાં પ્રકાશિત – સુરેશ દલાલની કલમે લખાયેલ ‘હયાતીના હસ્તાક્ષર’માંથી સાભાર….
પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો. કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ?
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!
એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો
-હેમંત પુણેકર
‘કવિતા’ના તંત્રી હોવાને કારણે સૌથી મોટો ફાયદો એ કે નવા નવા કવિઓની કૃતિઓનાં પરિચયમાં આવવા મળે. એવા કેટલાયે કવિઓ છે કે જેમને હું કદીએ મળ્યો નથી અને છતાંયે હું કદીયે એમનાથી છૂટો પડ્યો નથી.
યુવાન કવિ હેમંત પુણેકર વિશે માત્ર એટલી જ ખબર છે કે પૂનામાં રહે છે અને એમને મળવાનો યોગ હજી સુધી થયો નથી. કવિતાને મળીએ એ જ મોટું સદભાગ્ય છે.
કવિતામાં હમણાં હમણાં ગઝલયુગ ચાલે છે. ગાંધીયુગની કવિતામાં સોનેટયુગ ચાલતો. સાહિત્યમાં પણ આ વર્તન, પરિવર્તન- આવું બધું થયા કરતું હોય છે. આઘાત અને પ્રત્યાઘાતની પણ મોસમ આવતી હોય છે.
ગઝલકારો તો ચિક્કાર છે, પણ ઉત્તમ ગઝલો વિરલ હોય છે. ગઝલનું સ્વરૂપ લપસણા ઢાળ જેવું હોય છે. એમાં કલમને સ્થિર રાખવી એ અશક્ય નહીં પણ મુશ્કેલ કાર્ય હોય છે.
હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.
માણસની ઝંખના બહુ નથી હોતી. શાયર કહે છે કે મેં ક્યાં બાગ કે ફૂલછાબ માગી છે. મેં તો માગ્યું છે એક ફૂલ અને એ ફૂલોમાં પણ મારી પસંદગી કઈ છે એ તમને કહી છે. મને ફૂલછાબ નહીં પણ ગુલાબ જોઈએ છીએ. સુંદરમના બે ગીતના ઉપાડ યાદ આવે છે.
એક ગીતનો ઉપાડ છે: મને ફાગણનું એક ફૂલ આપો કે લાલા મોરા કેસૂડો કામગણગારો જી લોલ. તો બીજા ગીતનો અંતરો છે: એક પાંદડી આપો આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપોને મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. કાળી રાતમાં જેમ ચંદ્ર હોય એમ બંધ આંખમાં કોઈ સ્વપ્ન હોય. સ્વપ્નની સંખ્યામાં તો ગણતરી થઈ શકે એમ નથી પણ ક્યારેક કોરો નહીં પણ આંસુભીનો હિસાબ તો આપો.
આપણે એકમેકને આંખથી પ્રશ્ન પૂછીએ છીએ તો હોઠથી જવાબ તો આપો. કવિને રદીફ કાફિયા સહજ મળે છે. પ્રાસ અનાયાસ આવતા જાય છે. એને માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ શબ્દનો સહજ પ્રવાસ થતો હોય એવું લાગ્યા કરે છે.
કાવ્યનાયક કહે છે કે હું કશું છુપાવતો નથી. મારા મનમાં જે કંઈ હોય છે તે અને મને જે કંઈ લાગે છે તે હું વિના સંકોચે પૂછી લઉ છું. તો મારામાં જે સહજતા છે એ સહજતાથી, એ સરળતાથી કોઈ પણ ભેદ રાખ્યા વિના કે ભેદી થયા વિના મને આપોઆપ જવાબ તો આપો.
પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો.
કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ? એટલે બહેતર છે કે જીવન આપણું હોય અને એને આપણે કોરી કિતાબ સોંપી દઈએ.
પ્રિય વ્યક્તિને આવી કોરી અને કુંવારી સોગાદથી વિશેષ માણસ આપી પણ શું શકે? આ શાયરની એક બીજી ગઝલ જોઈએ:
ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!
– હેમંત પુણેકર