પીધાં અક્ષર ઢાઈ – જિગર જોષી ‘પ્રેમ’

પીધાં અક્ષર ઢાઈ મેં તો પીધાં અક્ષ્રર ઢાઈ
ભીડ ચૂભે છે કાંટા થઇને સતત ચહુ તનહાઇ

પીધાં અક્ષર ઢાઈ

જનમ જનમની પ્રીત પિયાસી મૌન મૌનમાં ગાતી
અધર ઉપર ઉઘડ્યા છે હરિવર મહેક મહેક હું થાતી

પરમ પદારથ પામી હું તો બજુ થઈને શહેનાઇ

નજર ભરીને ઘડી ઘડીએ નિરખુ તમને શ્યામ
તમ હોંઠો પર હું બંસી થઉં પછી અજબ આરામ

जहाँ कहो वहाँ चलेंगे अब तो मैं तुम्हरी परछाई
પીધાં અક્ષર ઢાઈ

– જિગર જોષી ‘પ્રેમ’

એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે
સ્વપ્નમાં આવજાવ રાખે છે

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી
હલકો હલકો તણાવ રાખે છે

ફૂલ શી જાત રક્ષવા માટે
કાંટા જેવો સ્વભાવ રાખે છે

એ તો દબડાવવા સમંદરને
ફક્ત કાગળની નાવ રાખે છે

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ
યાદ એક અણબનાવ રાખે છે

– હેમંત પુણેકર

******
(આભાર – હેમકાવ્યો)

એકલો દરિયો – સુરેશ દલાલ

the cove
(સાવ એકલો દરિયો…. Photo: Dr. Chirag Patel)

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

(આભાર – લયસ્તરો)

કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ

સ્વરકાર – નીનુ મઝુમદાર
સ્વર – કૌમુદી મુન્શી
પ્રસ્તુતકર્તા – તુષાર શુક્લ (રેડિયો રેકોર્ડિંગ)

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

– દયારામ

વાદળની રેલગાડી – કૃષ્ણ દવે

મન મુકીને વરસી રહેલા વરસાદનું બાળગીત …….

vaadal
વાદળની રેલગાડી… The famous Bay Area Fog & the Bay… May 2010 @ Mt. Tamalpais

વાદળની રેલગાડી આવે રે લોલ
પવનભાઈ પોત્તે ચલાવે રે લોલ

ગરજીને વ્હીસલ વગાડે રે લોલ
ટહુકાઓ સિગ્નલ દેખાડે રે લોલ

ડબ્બામાં છલકાતા છાંટા રે લોલ
મેઘધનુષ એના છે પાટા રે લોલ

સ્ટેશન આવે તો જરા થોભે રે લોલ
ભીંજાતા ગામ કેવા શોભે રે લોલ

ખળ ખળ ખળ ઝરણાઓ દોડે રે લોલ
ઊંચા બે પર્વતને જોડે રે લોલ

ખેતર ક્યે ખેડુતજી આવો રે લોલ
મનગમતા સપનાઓ વાવો રે લોલ

કૂંપળબાઈ દરવાજા ખોલે રે લોલ
લીલ્લુંછમ લીલ્લુંછમ બોલે રે લોલ

– કૃષ્ણ દવે

‘સંવેદનાની સૂરાવલી’ – Sept. 14, 2013 – Bay Area, CA

તમને કદાચ ખબર હશે, ટહુકો.કોમની પ્રવૃતિને વધુ સારી રીતે આગળ ધપાવવા, અને ટહુકો થકી જે ગુજરાતી કાવ્ય-સંગીત ક્ષેત્રે કામ કરવું છે – એ માટે અમે ‘ટહુકો ફાઉન્ડેશન’ ની સ્થાપના કરી રહ્યા છીએ. ટહુકો ફાઉન્ડેશન વિષે વધુ માહિતી અહીં ટહુકો.કોમ પરથી ટુંક સમયમાં મળશે જ.

અને ટહુકો ફાઉન્ડેશનના સૌથી પહેલા Fundraising Program ની માહિતી આ રહી. આ પ્રોગ્રામની સફળતા માટે આપ સૌની શુભેચ્છાઓની જરૂર છે. મોકલશો ને? (અને આપ અહીં બે-એરિયા કે આજુબાજુ રહેતા હો, અને આ પ્રોગામમાં આવી શકશો, તો ઘણું ગમશે 🙂 )

Samvedana ni Sooravali Poster.ai

Host: Tahuko Foundation (415) 902-3707
When: Saturday, September 14, 2013 at 5:00 PM
Where: 1198 Kottinger Dr‎ Pleasanton, CA 94566 (House courtesy Darshna Narendra Bhuta-Shukla)

This event being a House concert, there is Limited seating at the event, so please buy the tickets online in Advance to avoid disappointment. Highly recommend to those who are interested to get their tickets as soon as possible as they are selling very quickly.

Tickets : $20 per person includes Dinner.

Tickets available on https://tahuko.com/?p=14650. Click on “Add to Cart” Button.
Do not need Paypal account to by tickets online. The safer, easier way to pay online!
Tickets also available by phone (415) 902-3707




For Tickets & more Information,
Please call or e-mail:
Amit Patel : jbhakta@tahuko.com, or call (415) 902-3707. Tickets available by phone at this number.
Hetal Bhrahmbhatt : hetalniraj@gmail.com, (510) 579-8738
Mahendra Mehta : mandmmehta@gmail.com, (650) 353-1159
If you want to mail a check email us at the following address at jbhakta@tahuko.com

ઝનનન ઝાંઝર બોલે રે – લાલજી કાનપરિયા (ક્ષેમુદાદાનું છેલ્લું સ્વરાંકન)

આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – ક્ષેમુ દિવેટીઆ

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં આણલ અંજારિયાના સ્વરમાં સાંભળો

ઝનનન ઝાંઝર બોલે રે,
ભેદ ભીતરના ખોલે રે

મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે

ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે

ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે

– લાલજી કાનપરિયા

ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.

પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ!
– અમર ભટ્ટ

ઝાડ મને લાગે નહીં પરાયાં… – સુરેશ દલાલ

Januanry 2010 માં ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ મઝાનું પ્રકૃતિ ગીત – આજે પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સંગીત અને હંસા દવે ના સ્વર સાથે ફરી એક વાર …. નીચે comments માં અર્પણાબેને જે ‘અલક ચલાણું’ આલ્બમની વાત કરી છે – એ જ કેસેટમાંથી જ એમણે Digitize કરી ને આ ગીત ખાસ ટહુકોના વાચકો – શ્રોતાઓ માટે મોકલ્યું છે – તો આપણા બધા તરફથી એમને હૃદયપૂર્વક આભાર …!! 🙂

*********

Posted on January 2, 2010:

આ ગીત તો જાણે મારા જેવા જંગલ – ઝાડવા પ્રેમીઓ માટે જ લખાયું છે..!! અતુલની કોઇ પણ કોલોનીમાં ઘર કરતા ઝાડ વધારે.. (એટલે કે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા, at least..!!). અને એવા વાતાવરણમાં મોટા થયેલા ને એક-એક ઝાડની માયા હોય જ ને… 🙂 અને મારા સદનસીબે અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ એવો મઝાનો ગોલ્ડન ગેટ પાર્ક છે કે કોઇ પણ પ્રકૃતિ પ્રેમી ઝુમી ઉઠે..!!

(મને એક એક ઝાડની માયા……….       Sequoia National Park, CA…   Sept, 2008)

મને એક એક ઝાડની માયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

ઝાડ ઉપર ફૂલ થઈ ફૂટું ને
પંખી થઈ બાંધું હું માળો,
ખિસકોલી થઈને હું દોડ્યા કરું છું, ભલે
ઉનાળો હોય કે શિયાળો.
એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો
પાંદડાં ને ઝાડનું હું મૂળ છું,
ઝાકળની જેમ હું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.
લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ’ પરાયાં.

– સુરેશ દલાલ

(અડધી સદીની વાચનયાત્રા, ભાગ ૩)

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું – અવિનાશ વ્યાસ

થોડા દિવસ પહેલા જ જુલાઇ ૨૧ ગઇ- એ દિવસ એટલે ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસની જન્મતિથિ. એકે શબ્દબ્ર્હમની ઉપાસના કરી અને બીજાએ નાદબ્ર્હમની..!! તો આજે અવિનાશ વ્યાસને ફરી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી આપીએ..!!

સ્વરાંકન : અવિનાશ વ્યાસ
સ્વર : આનંદકુમાર સી.

આકાશમાં સુરાહી કોઈના હાથથી ઢોળાઈ ગઈ
ને આભની ધરતી બધી મદીરા થકી છલકાઈ ગાઈ

પકડી ક્ષીતીજની કોરને સુરજ ઊગ્યો ચકચુર થઈ
રજની બિચારી શું કરે ચાલી ગઈ મજબુર થઈ

એ ચાલી ગયેલી રાત આવી મહેબુબાના દ્વાર પર
જ્યારે મહેબુબાની આંગળી રમતી હતી સિતાર પર

એ રાત ને એ મહેબુબા બેસી ગયા મહેફિલ ભરી
બંને મળીને પી ગયા કોઈની સુરાહી દિલ ભરી

એ મહેબુબા ચક્ચુર છે ને રાત પણ ચકચુર છે
પણ દિલ નથી આ દિલ માં બાકી બધું ભરપુર છે

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું
અરે કમબખ્ત મારી રહી સહી ઈજ્જત હરી બેઠું

પુછ્યું મે આ કર્યું તેં શું મને અણજાણ રાખી ને
તો કહે જુઠું હતું તે સહેજ માં હકિકત બની બેઠું

રહું હું એને જોઈ ને તો એ કોઈને જોઈ ઝુંરતું
જરી જોવા ગયો રૂપને તો ઝટ ઘુંઘટ ધરી બેઠું

કહ્યું મ્હેં મન ભ્રમર ને ઊડ નહીં તું એ ચમન ઊપર
રુંધે જે પ્રાણ એનીજ એ જઈ ખિદમત કરી બેઠું

બહુ એ ના કહી દિલને છતાં મહોબ્બત કરી બેઠું

– અવિનાશ વ્યાસ