Category Archives: કાવ્યપ્રકાર

આવી રસિલી ચાંદની – ભાસ્કર વ્હોરા

સ્વર : લતા મંગેશકર, મુહમ્મદ રફી
સંગીત : દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ : સત્યવાન સાવિત્રી

આવી રસિલી ચાંદની, વન વગડો રેલાવતી,
છાયા બની એ ચંદ્રની, એની પગલે પગલાં પાડતી.

છાયા ના માનું ચાંદનીને, ચંદ્રની એ તો પ્રિયા,
હો રંગરસિયા, આમ બોલી મન ભરમાવે કાં સદા
નૈનની ભૂલ-ભૂલામણી.

આવી રસિલી ચાંદની….

ચંદ્ર છુપાયો વાદળીમાં, તેજ તારું જોઇને
જોને જરી તું આયો ફરી એ, મુખ પર તારા મોહીને
થાય શીદ લજામણી

આવી રસિલી ચાંદની….

– ભાસ્કર વ્હોરા

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

આજે ૧૨મી માર્ચ છે. આજથી ૮૨ વર્ષ પહેલા, ગાંધીજીએ ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ કર્યો હતો. તેની યાદમાં પ્રસ્તુત છે, ઉમાશંકર જોશીનું આ કાવ્ય….

“Bapuji” (1930) by Nandalal Bose
(Photo: National Gallery of Modern Art, New Delhi)

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

– ઉમાશંકર જોશી

૧૯૩૦ના માર્ચની બીજી તારીખે ગાંધીજીએ વાઈસરોયને એક પત્ર લખીને કેટલાંક અનિષ્ટો દૂર કરવા માટે વિનંતી કરી. સાથે એમ પણ લખ્યું કે, “જો આનો સંતોષજનક જવાબ નહીં આવે તો પછી માર્ચની ૧૨મીએ મારા સાથીઓને લઈને મીઠાના કાયદાનો ભાંગ કરવા હું દાંડી માટે ઊપડીશ”. એ મુજબ ૧૨મી માર્ચની વહેલી સવારે સાબરમતી આશ્રમથી ગાંધીજી એમના ૭૮ સત્યાગ્રહીઓ જોડે દાંડી માટે પગપાળા નીકળી પડ્યા. આમ એમની ઐતિહાસિક ‘દાંડીકૂચ’નો આરંભ થયો. સરઘસને મોખરે ૬૧ વર્ષના ગાંધીજી તેજ કદમે ચાલતા હતા.
પચીસ દિવસ બાદ ૩૮૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજી ૫મી એપ્રિલે દાંડી પહોંચ્યા; ૬ઠ્ઠી એપ્રિલે સવારની પ્રાર્થના પછી પોતાના સ્વયંસેવકોને દરિયાકિનારે લઈ ગયા અને ત્યાંથી મીઠું ઉપાડીને સરકારના જુલમી કાયદાનો ભંગ કર્યો.
દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડતા ગાંધીજી તથા એમના અનુયાયીઓનો એક અદૂભુત સ્કેચ નંદબાબુએ બનાવેલો. દરિયાનાં ઊછળતાં મોજાં જાણે લોકમાનસમાં આવેલા જુવાળનાં પ્રતીક ન હોય ! સ્કેચના ડાબે ખૂણે હોવા છતાં સ્કેચના કેન્દ્રમાં ગાંધીજી જ છે. પણ એમના દાંડીકૂચના લિનોકટ જેટલો સ્કેચ વિખ્યાત નથી થયો.
અમૃતલાલ વેગડ (આભાર – ગાંધી-ગંગા [ભાગ ૧] સંપાદક : મહેન્દ્ર મેઘાણી [લોકમિલાપ ટ્રસ્ટ] )

મને આપો ઉછીનું સુખ – જગદીશ જોષી

સ્વર : ભુપીન્દર
સંગીત : અજીત શેઠ
આલ્બમ : આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.

અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.

ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.

– જગદીશ જોષી

મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ

સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

– રવિન્દ્રનાથ ટાગોર

રેડિયો ૨૨ – હોળી / ધૂળેટી

સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

૦૨ આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

૦૩ છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

૦૪ મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ

૦૫ મારો દેવરીયો છે બાંકો – અવિનાશ વ્યાસ

૦૬ મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

૦૭ હાલ ને દેવરિયા સંગે રંગે રમીએ હોળી….

૦૮ હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર

૦૯ अरे जा रे हट नटखट ….

૧૦ અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

૧૧ મોરે કાન્હા જો આયે પલટ કે ……

૧૨ સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ

૧૩ ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! – વેણીભાઈ પુરોહિત

केनू संग खेलू होली – મીરાંબાઈ

આજે હોળી…..સૌને હોળીની શુભેચ્છા….

સ્વર : લતા મંગેશકર
સંગીત : હ્રદયનાથ મંગેશકર

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ

કે ફાગણ આયો – મેઘબિંદુ

ફાગણ મહિનો આવ્યો….પ્રસ્તુત છે કવિ મેઘબિંદુની રચના, એક મેહફિલમાં ઝરણા વ્યાસે રજુ કર્યું હતું…..

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદ્દયન મારુ

આંબે આવ્યા મોર કે ફાગણ આયો
છે સુગંધનો કલશોર કે ફાગણ આયો

વરસે ટહુકાનો વરસાદ કે ફાગણ આયો
કરે કેસૂડો સંવાદ કે ફાગણ આયો

આંબે ગુલમોરી ઉમંગ કે ફાગણ આયો
મનડું ગાતું કોકિલસંઅગ કે ફાગણ આયો

હું પ્રીત રંગે રંગાયો કે ફાગણ આયો
હું ભવભવથી બંધાયો કે ફાગણ આયો

મારો ખીલ્યો જીવન બાગ કે ફાગણ આયો
મેં માણ્યો રે અનુરાગ કે ફાગણ આયો

– મેઘબિંદુ

તમે એ ડાળ છો – ગની દહીંવાલા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

સ્વર – ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત – ડો. ભરત પટેલ

તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.

દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !

ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !

મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.

‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.

– ગની દહીંવાલા

મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

આનંદ મંગલ કરું આરતી

સ્વર – રેખા ત્રિવેદી, શ્રીદત્ત વ્યાસ

સ્વર – શ્રી સુરેશઆનંદજી

આનંદ મંગલ કરું આરતી‚
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…

રતન જડીત બાજોઠ ઢળાવ્યા‚
મોતીના ચોક પૂરાવ્યા
આનંદ મંગલ કરું આરતી…

રત્ન કુંભ વત બાહર ભીતર‚
અકળ સ્વરૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

અનહદ વાજાં ભીતર વાગે‚
આનંદ રૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

જેને આંગણ તુલસીનો ક્યારો‚
શાલિગ્રામની સેવા
આનંદ મંગલ કરું આરતી…

સંત મળે તો મહાસુખ પામું‚
ગુરુજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું આરતી…

ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚
પ્રગટયા દરશન દેવા
આનંદ મંગલ કરું આરતી…

અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે‚
ગંગા જમના રેવા
આનંદ મંગલ કરું આરતી…

કહે પ્રીતમ ઓળખ્યો અણસારો‚
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું આરતી…