Category Archives: ગુજરાતી ફિલ્મ

જેની ઉપર ગગન વિશાળ – અવિનાશ વ્યાસ

ગુજરાતદિનની સૌને મોડી મોડી – પણ જરાય મોળી નહીં એવી શુભેચ્છાઓ… 🙂

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ ઉપર ગગન વિશાળ (૧૯૭૧)


(આ ગીત મોકલવા માટે દિલીપભાઇ ભટ્ટ, સાવરકુંડલા નો આભાર)

સ્વર – નીરજ પાઠક, ફાલ્ગુની ડોક્ટર અને સાથીઓ

જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી

જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

આ શૌર્યભર્યું સૌરાષ્ટ્ર જેનો રંગ સદા રળિયાત
ખાભી ખાંભી કહી રહી છે વિરહી યુગલની વાત

જ્યાં ગગન ચૂંબે ગિરનાર રૂપવંતા નર ને નાર
જ્યાં સિંહો કેસરિયાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જ્યાં ગોમતી નદીને આરે આવ્યું દ્વારિકાનું ધામ
જ્યાં દર્શન કરવા આવે તો રણછોડ સ્વરૂપ ઘનશ્યામ

ચૌલા કરતી ઝંકાર જય સોમનાથને દ્વાર
રક્ષા કરતા રખવાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

ઉત્તર ગુજરાતે ભવ્ય કલામય સૂર્યનું મંદિર સોહે
બાલારામનાં ઝરણાં ધોધે તનમન સૌના મોહે

પાટણની પ્રભુતા દ્વારે અને સરસ્વતીને આરે
હજુ ઊભો રૂદ્રમાળ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જબ કૂત્તે પર સસ્સા આયા
તબ બાદશાહને શહર બસાયા
મંદિર મસ્જિદ સાથે સાથે રામ રહીમની છાયા

સાબરમતી નદીને તીરે ધૂણી ધખાવી નગ્ન ફકીરે
ચાલ્યો દાંડીની ચાલ જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

જ્યાં તાપી નર્મદા મહીસાગર ગુર્જર ગૌરવ એંધાણી
જ્યાં ગુર્જરી માના ચરણકમળે મહેરામણના પાણી

કુદરતની મહેર મહાન જ્યાં સાપુતારા સ્થાન
આદિવાસીના તાલ
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ

જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી
જેની ઉપર ગગન વિશાળ
જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ

સાચી રે મારી સત રે ભવાની માં

આજે નવરાત્રીના પહેલા દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – માણીએ આ ખૂબ જ જાણીતો ગરબો..

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ
આલ્બમ : આદ્ય શક્તિ

* * * * *

સ્વર : ઉષા મંગેશકર અને વૃંદ​
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : ભાથીજી મહારાજ

* * * * *

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતાં કરીશ મા, પૂજાઓ કરીશ મા
ગરબો રે વિરાટનો ઝીલીશ મૈયા લાલ.

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ,
તારા સતનું ચમકે રે મોતી,
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા
માડી રે, મારી ભક્તિ ભવાની મા, રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ.

તું તરનારની તારણહારી,
દૈત્યોને તે દીધા સંહારી
શક્તિશાળી ને તું તો જનેતા મા
માડી રે, મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા, હું તો તારા વારણા લઈશ મૈયા લાલ.

જગ માથે એક માયા રચાવી,
દરશન દે તું સામે રે આવી,
સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે, આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ

મા તું પાવાની પટરાણી

સ્વર – ઉષા મંગેશકર અને વૃંદ
ગુજરાતી ફિલ્મ – મા કાળી પાવાવાળી

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે પૈદા થયો રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે કાંડે કંડલા જોડ રે ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ, કંઠે હાર શોભતા રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારી ટીલડી તોઅલ લાખ રે સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે શોભા બહુ બની રે લોલ

Loneliness ! – ચંદ્રકાન્ત શાહ

તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ – સપ્તપદી – હવે અહીં અમેરિકા પણ આવી પહોંચી છે. તમે ન્યુ જર્સી રહેતા હો તો થોડા દિવસોમાં જ ફિલ્મ જોઇ શકશો. અમારે કદાચ થોડી રાહ જોવી પડશે.

તમારા શહેરમાં આ ફિલ્મ આવી રહી છે કે નહીં – એ તમે અહીં ફિલ્મના ફેસબુક પેજ પર જોઇ શકશો – http://www.facebook.com/Saptapadii?fref=ts

Saptapadi

સ્વર – ?
સંગીત – રજત ધોળકિયા અને પિયુષ કનોજિઆ
ગુજરાતી ફિલ્મ – સપ્તપદી

Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?
કેમ છે આ Loneliness ?
Plenty of Loneliness !

એકલાં હોવું ! એકાંતમાં રહેવું !
એકલાં પોતે, પોતપોતાનાં ! પોતપોતામાં એકલાં હોવું !

કેમ નથી કોઈ એકબીજાનાં ? એકબીજામાં ?
Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?

– ચંદ્રકાન્ત શાહ

New Jersey Showtimes
March 30th at 5:00 pm, Big Cinema, Edison, NJ
April 19th at Big Cinema, North Bergen, NJ

મિલનનાં દીપક – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર – મુહમ્મદ રફી
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – સ્નેહ બંધન (૧૯૬૭)

સ્વર – મનહર ઉધાસ
આલબ્મ – અક્ષર

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.

અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;
કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.

ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.

નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.

પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.

કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?
મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,
અમરા તરફથી કવન થઈ ગયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

રામદેવપીર નો હેલો….

પહેલા મૂકેલું આ ભજન બે નવા સ્વર માં….

સ્વર – મન્ના ડે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
ગુજરાતી ફિલ્મ – રણુંજાના રાજા રામદેવ

સ્વર – અભરામ ભગત

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – આનંદ આશ્રમ)

Previously posted on October 06, 2006

* * * * * * * * * * * * * * * *

સ્વર – પ્રફુલ દવે
આલબ્મ – ગુર્જર સંધ્યા

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી…

(આભાર : પ્રીતનાં ગીત)

આ લાલ-પીળો દોરો – અવિનાશ વ્યાસ

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
અને સાથે સાંભળો આ મઝાનું ગીત..! અને હા, થોડું હોમવર્ક પણ છે તમારા માટે – ખાલી જગ્યા પૂરો! 🙂

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – રમ્મત રમાડે રામ (૧૯૬૪)

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ _________(?)

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
___________(?)

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
________(?) ભાઇ રહેજે મારો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

– અવિનાશ વ્યાસ

**************

અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ 
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… 
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ 
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી

મારું વનરાવન છે રૂડું

સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)

સ્વર : હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

ઘનશ્યામ નયનમાં – વેણીભાઈ પુરોહિત

આ ગીત મોકલનાર ભાવેશભાઈ પટ્ટનીના શબ્દોમાં આ ગીત વિષે માહિતી…

ઘનશ્યામ ગગનમા ટમટમ તારા ટમકે – મુંબઈમાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં ગવાયેલું. સંગીતકાર અજીત મર્ચંટ. પછીથી 1976ની ફિલ્મ ‘ધરતીના છોરુ’ માટે એ ગીત ‘સ્થાયી’ના શબ્દોમાં આ ફેરફાર સાથે લેવાયેલું ‘ઘનશ્યામ નયનમાં, ગુપચુપ ભટકી ભટકી, રે આ વાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી’. બંને અંતરાના શબ્દોમાં કોઈ ફેરફાર ન્હોતો કરવામાં આવ્યો. ફિલ્મ માટે જગજીત સિંઘ અને સુમન કલ્યાણપૂરે ગાયેલું. કોઈને જોઈતું હોય તો મને ઈ મેઈલ કરજો. આ ગીત લા-જવાબ છે, શબ્દો અને સ્વર-રચના બંનેની દ્રષ્ટિએ. સ્થાયીના ફિલ્મના વર્ઝન ઉપરાંત પણ બે વર્ઝન્સ છે. ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકે, રે આ રાત અચાનક મલકે, મનની વાત અચાનક મલકે’ અને બીજું ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટપકી, રે આ રાત અચાનક મલકી, મનની વાત અચાનક મલકી. અમે આજે પણ આ ગીત પ્રાઈવેટ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં રજુ કરીએ છીએ, તે પણ મૂળ શબ્દો વાળા સ્થાયી સાથે, ફિલ્મમાં વપરાયેલા સ્થાયીના શબ્દો સાથે નહીં.

Devendrabhai Pattani – Ushaben Pattani (age above 80) and Late Sanatbhai Pattani kept this song alive through the years. Janmejaybhai Vaidya also sings this song.

સ્વર – જગજીત સીંગ, સુમન કલ્યાણપુર
સંગીત – અજિત મર્ચન્ટ
ગુજરાતી ફિલ્મ – ધરતીના છોરુ (૧૯૭૬)

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

મનનું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ નયન

– વેણીભાઈ પુરોહિત

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં, એ.આર.ઓઝા
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – પરણેતર (૧૯૫૧)

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

રઢીયાળી રાત માથે તારલાની ભાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

નાવલિયા તને નિરખી
મારે નૈને નર્તન જાગે
ઉરના સથવારે ઓ સજની
વીણા હૃદયની વાગે

હાથોમાં હાથ સાથે
મનને ગમતો નાથ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

દૂર દૂર ડુંગરની કોરે
ટહુકે મીઠો મોર
ટહુકે જીવનવનમાં કોયલ
કાળજડાની કોર

વગડાની વાટ માથે હીંડોળા ખાટ રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

સરવરના ઘાટ માથે પૂનમની રાત રે
હાલ્ય મારા વાલમા
કરીએ મીઠી, ઓ કરીએ મીઠી વાત રે

– અવિનાશ વ્યાસ

(ગીતના શબ્દો માટે આભાર – માવજીભાઈ ડોટ કોમ)