એપ્રિલ ૨૦૦૮થી લતા મંગેશકરના સ્વર સાથે ગૂંજતું આ યાદગાર ગીત – આજે ગાર્ગીબેનના સ્વર સાથે ટહુકો પર ફરી એકવાર… ગમશે ને? અને સાથે સાથે વ્હાલા વિશાલ-રોમીલાને લગ્નની વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
બાપુસાહેબ ગાયકવાડ બાપુમહારાજ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મધ્યકાલીન કવિઓમાં આ એક પદને કારણે પણ ગાયકવાડનું નામ યાદ રહી જાય એવું છે. ઘણાં વર્ષો પહેલાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે સજ્જન કોને કહો? પ્રશ્ન ઓચિંતો પુછાયેલો. આપમેળે જે જવાબ આપ્યો તે કયો?… જેનાં સાંનિધ્યમાં તમે રિલેકસ થઈ શકો, તમે આસાયેશ અનુભવી શકો એ માણસ સજ્જન. સંત તો સજ્જનનાયે સજ્જન.
કવિએ અહીં સંતની અત્યંત અદ્ભુત વ્યાખ્યા આપી છે અને પ્રથમ પંક્તિમાં જ એક ઘા ને બે કટકા જેવી વાત કરી છે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જીવનમાં અશાંતિ આપનારા ઘણા છે. માણસ પોતે પણ અજંપાનો અવતાર છે. આ અશાંતિ, અજંપો, હતાશા, ગ્લાનિ-આ બધાની વચ્ચે કોઈ આપણને શાંતિના દ્વીપ ઉપર મૂકી શકે તે આપણો સંત. જેને કારણે આપણા ચૈતન્યની વંસત મહોરી ઊઠે તે આપણો સંત. આપણે જવાળામુખી પર બેઠા હોઈએ અને જેની વાણી કે મૌન, જેનો પારસમણિ સ્પર્શ આપણી ભીતર ચંદનનો લેપ કરી શકે તે આપણો સંત અને જે આપણો સંત હોય એના દાસ થવું એના જેવો કોઈ આશીર્વાદ નથી.
જીવનમાં સતત કડવા અનુભવો થાય છે. આપણું ધારેલું કશું થતું નથી. આપણે સવળું ઈચ્છ્યું હોય અને અવળું થાય છે We never know the design of the destiny. કલ્પવૃક્ષ તળે પણ ઊભા હોઈએ તો પણ દારિદ્ર જતું નથી. રાજા જેવા રાજાની ચાકરી કરતાં પણ કશું વળતું નથી. જીવનમાં વૈતરું અને વેઠ છે. જે શીખવે છે એનો માર સહીએ છીએ અને છતાંયે જ્ઞાનથી તો જોજનના જોજન દૂર રહીએ છીએ. જેની સંગાથે જઈએ છીએ તે પણ લૂંટી લે છે. ભલભલો વૈદ હોય અને એના કહેલા ઉપચારો કરીએ તોપણ કાંઈ વળતું નથી અને રોગ તો ત્યાંનો ત્યાં જ રહે છે. જે આપણું જ માથું વાઢી નાખે એના ઘરે પણ શા માટે જવું જોઈએ?
હકીકતમાં પ્રથમ પંક્તિમાં જ આ કવિતાની પરાકાષ્ઠા છે. પછી તો કવિએ વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણોથી અનુભવગાથુ અને ગળે ઘૂંટડો ઊતરે એવા છે. છતાં પણ કવિતાની ગતિનો ગ્રાફ ઉપર જતો નથી પણ વર્તુળાકારે જતો હોય એવું લાગે છે.આ બધાં કરતાં તો જો આપણને કોઈ સદ્ગુરુ મળી જાય અને એનું અનામ નામ કાયમને માટે આપણે કાળજે વળગી પડે તો એનાથી રૂડું શું? પછી કોઈ આપણને અસ્વસ્થ ન કરી શકે, કારણ કે જે ગુરુ છે, જે સદ્ગુરુ છે તે, વિધાતા ગમે તેવી હોય તો પણ, શાશ્વત શાતા આપે છે. ગુરુ પાસે નરવો સ્નેહ છે અને કોઈ અપેક્ષા નથી. જ્યાં કેવળ ગુરુનો પ્રેમ હોય અને શિષ્યની ભક્તિ હોય ત્યાં આપણા અસ્તિત્વની આસપાસ શાંતિનું સરોવર જ હોય. અગમ નિગમની સારેગમની ગુરુ ગતાગમ આપે.
આજે ફરી એકવાર દિલિપકાકાના સંગીતનો જાદુ માણીએ..! સાથે સ્વર none other than આલાપ દેસાઈ..!! અને આલાપના તબલાના ચાહકો – આલાપના અવાજના ચાહકો – આલાપના સ્વરાંકનોના ચાહકો માટે એક સમાચાર –
આ વર્ષના ગુજરાત સમાચાર સમન્વય કાર્યક્રમમાં આ યુવા કલાકારને ‘પૂજ્ય શ્રી મોરારીબાપુ’ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે..!!
અભિનંદન આલાપ… ખૂબ ખૂબ શુભેચ્છાઓ… !!!
સ્વર – આલાપ દેસાઈ
સંગીત : દિલિપ ધોળકિયા
******
Posted on January 28, 2007
મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા દિવસો પછી આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનું આ અમર ગીત સ્વર અને સંગીત સાથે ફરીથી રજુ કરું છું.
પપ્પાએ રેકોર્ડ કરાવેલી કેસેટમાં આ ગીત હતું; એટલે ઘણી નાની હતી, ત્યારથી આ ગીત સાંભળું છું. જેમ જેમ એના શબ્દોનો અર્થ સમજાયો, તેમ તેમ વધારે ગમ્યું આ ગીત. એકદમ ઉંડાણપૂર્વક ભલે આ ગીતને હું જાતે ન સમજી શકી, પણ ઘણી વાર શબ્દોનો જાદુ એવો હોય છે કે ગમવા માટે એ સમજવા જરૂરી નથી હોતા. અને હા, લતાજીનો સ્વર અને શ્રી દિલિપભાઇનું સંગીત આ ગીત માટે ‘સોને પે સુહાગા’ જેવું લાગે છે.
સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલિપ ધોળકિયા
.
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
આમ તો ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ટહુકો પર શબ્દ સાથે મુકેલું આ ગીત.. આજે ફરી એકવાર સાંભળીએ, કવિયત્રીના પોતાના અવાજમાં, અને પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં…
તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને
અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી
હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
– પન્ના નાયક
અંતિમ અવસરના જુહાર
પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:
આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.
અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!