સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય.. અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.
આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.
સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ
આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…
મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ
ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…
રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…
2 દિવસ પહેલા ધવલભાઇએ આ ગીત લયસ્તરો પર મુક્યું, એટલે આ ગમતીલું ગીત ફરીથી યાદ આવ્યું. જ્યારે પહેલીવાર સાંભળ્યુ, ત્યારે કદાચ આખો દિવસ આ એક જ ગીત સાંભળ્યું હતું. ખરેખર ઇચ્છા થઇ ગઇ હતી કે ગોફણમાં ચાંદો ઘાલીને ફેંકુ એના ફળિયે.. 🙂