આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.