આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! કવિ એમની એક ગઝલમાં લખે છે :
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
ઓક્ટોબર, ૨૦૦૩ માં આપણી વચ્ચેથી વિદાય લીધા પછી પણ કવિ એમના શબ્દો થકી આપણી વચ્ચે જ રહ્યા છે.
મિત્રો, ચલો આપણે એક અઠવાડિયા સુધી ટહુકો પર ઉજવીયે મનોજ પર્વ. ગુજરાતી સાહિત્ય – ગઝલ વિશ્વને કેટલીય અમર રચનાઓ આપનાર કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ એ જ મનોજ પર્વ.
અને હા.. સાથે એક સરસ મઝાના ખબર કવિ શ્રી ના ચાહકો માટે.. આજથી launch થઇ રહી છે કવિને શ્રધ્ધાંજલીરૂપ વેબસાઇટ : http://www.manojkhanderia.com/ કવિને.. કવિના શબ્દને… વાચકો અને ભાવકોની વધુ નજીક લઇ જવાનો એમની દિકરીઓનો પ્રયાસ..! વાણી અને ઋચાને આ વેબસાઇટ માટે ખૂબ ખૂબ અભિનંદન.
કવિ મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ ઉજવવા માટે શરૂઆત ક્યાંથી કરવી એ જરા અઘરો પ્રશ્ન હતો, અને આખરે મેં પસંદ કરી આ વાસંતીગઝલ..! વસંતઋતુના વધામણાની, એના સોંદર્યના ગુણગાન ગાતી કેટલીય રચનાઓ ગુજરાતીમાં લખાતી આવી છે અને લખાતી રહેશે, પરંતુ મનોજ ખંડેરિયાની આ રચના એમાં હંમેશા મોખરેના સ્થાને રહેશે…! કોઇ પણ સમયે વાંચો – સાંભળો અને આજુબાજુ વસંતને મહેસૂસ કરી શકો, એને કવિના શબ્દનો જાદુ ના કહેવાય તો બીજું શું? અને જેમ વસંતકાવ્યોનો ઉલ્લેખ આ ગઝલ વગર અધૂરો છે, એમ જ મનોજ-કાવ્યોનો ઉલ્લેખ પણ આ ગઝલ વગર અધૂરો જ રહે..!
સાંભળીએ આ અમર રચના – અમરભાઇના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ આ ગઝલના અલગ-અલગ કવિઓએ કરાવેલા આસ્વાદની એક ઝલક.
સ્વર – સંગીત : અમર ભટ્ટ
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
‘મનોજની કથનની રીત પણ કેવી નોખી છે ! વસંતને જોવા માટે એક નવી જ આંખ આપણને પ્રથમ પંક્તિમાં મળે છે. (મનોજ અને વસંતનો સંબંધ આમ પણ સનાતન છે !) વૃક્ષની આ ડાળ એ જ ખરેખર વસંતની પગદંડી છે. વસંત ચાલે અને જે પગલાં પડે છે એ જ આ ફૂલો. જે દ્રશ્ય છે એની પાછળ રહેલાં અદ્રશ્યને મ્હોરાવવાંઆ જ કવિની કુશળતા છે. આંખ સુગંધિત થઇ જાય એવો આ શેરનો મિજાજ છે. ‘
– જગદીશ જોષી
‘ગઝલના આરંભના બંને શે’રમાં કવિ કલ્પન સહાયથી અનવદ્ય એવું વાસંતી વાતાવરણ સર્જે છે. પરંતુ કવિને તો વસંતની સમાંતરે માનવીય સંવેદનાની પણ વાત કરવી છે. વસંતના માદક વાતાવરણનું સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયું હોય એવે વખતે યુવાન હૈયામાં કંઇ હલનચલન ન મચે તો જ નવાઇ, અને કવિ એને વ્યક્ત કર્યા વિના રહે તો જ આશ્ચર્ય. અને એટલે જ તો કવિ અહીં વસંતની શોભાની સાથે જ – સમાંતરે જ નાયિકાના સોંદર્યને પન પ્રત્યક્ષ કરાવે છે. નાયિકાનું સોંદર્ય વસંતની શોભાની સાથે જાણે સીધું સ્પર્ધામાં ઊતર્યું છે. વસંતની માદકતા ભરપૂર એ, તો નાયિકાનો કેફ પણ ક્યાં ઓછો છે?’
– નીતિન વડગામા
‘શિયાળા પછી આવતી વસંતઋતુનો અર્થ એ કે તમારી ઠીંગરાઇ ગયેલી માનવતાને હૂંફની જરૂર છે. માટે આ વાસંતી સુખની ને સ્મરણોની ફાંટ બાંધી લો. વસંતના તડકા એટલે વરણાગીવેશ નહીં, પણ સમજણ અને સંવાદનો સંદેશ. જીવનનું એ ભાથું આગળ જતાં તમને કામ આવવાનું છે. તમારી ફાંટ ભરી હશે તો તમારા હાથ ને હૈયું ઉદાર બનીને તમે જે માર્ગ પર પસાર થશો તેના પર છુટ્ટે હાથે વસંતના વાવેતર કરવાની મોજ માણશો. ફાંટમાં બાંધ્યું હોય તે મારગમાં વેરી-વેરીને હળવાફૂલ થઇ જવું તે. તો તમે આ લાખેણા અવસર બે હાથે નહીં, બત્રીસ હાથે લૂટો અને બત્રીસલક્ષણા બની જાવ ! કુદરતના આવા રમ્ય સાક્ષાત્કારની ઘડીઓ ફરી નસીબમાં આવે, ન યે આવે. ‘
– રમેશ પારેખ
સાભાર : શબ્દો જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાનાં કાવ્યોનો આસ્વાદ, સંપાદન – નીતિન વડગામા)