Category Archives: અમર ભટ્ટ

હું માણસ છું કે શું? – ચંદ્રકાન્ત શાહ | અમર ભટ્ટ

કવિ ચંદુ શાહની યાદો અમર ભટ્ટના શબ્દોમાં…

“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”

– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

વિશ્વ મિત્રતા દિવસ – આપણો ઘડીક સંગ… – નિરંજન ભગત

વિશ્વ મિત્રતા દિવસ પર મારું ખૂબ ગમતું ગીત…

કવિ: નિરંજન ભગત
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: શબદનો અજવાસ

‘કાળની કેડીએ ઘડીક સંગ’

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,
આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,

વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,

કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;

એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!’

સ્વરકારના શબ્દોમાં આ ગીત વિષે –

“કવિ નિરંજન ભગતનું આ ગીત આજે વહેંચવું ગમશે-“આપણો ઘડીક સંગ”
ભગતસાહેબે “સ્વાધ્યાયલોક-8″માં ‘મૈત્રીના ઉપનિષદ’ સમા પોતાના આ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. એમાંની ખૂબ ગમતી પંક્તિઓ વહેંચવાનો આનંદ લેવો છે-
“આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે?કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી….મૈત્રીના સાર્વભૌમ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા છે…..
“…..’એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી’-બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બંનેને જીતવું હોય છે. પહેલાંને જીતવું છે પણ બીજો હારે નહીં તો પહેલો ક્યાંથી જીતે?એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ પહેલો અને બીજો બંને ત્યારે જ જીતે કે જયારે પહેલો અને બીજો બંને હારે.એટલે બંને ત્યારે જ જીતે કે જયારે બંને હારે!”. ભગતસાહેબે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે પોસ્ટકાર્ડમાં મોકલેલ કાવ્ય…
આ ગીત બંગાળી લયમાં હોવાથી બંગાળી ઢાળ પર આધારિત સ્વરનિયોજન કરવાની મજા મેં લીધી.”
– અમર ભટ્ટ

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…જાણે કવિના જ શબ્દોની પ્રતીતિ….

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી…

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ હવે આપણી વચ્ચે નથી. આજે એમણે કાયમી વિદાય લીધી.
કવિ ચંદ્રકાન્ત શેઠ મારા પ્રિય કવિ છે. એમાં પણ એમનાં ગીતો મને અંદરથી સ્પર્શે છે ને એમના આસ્વાદો મને અંદરથી તરબતર કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે કે કોઈ પણ કવિના કોઈ પણ કાવ્ય અંગે મને જયારે જયારે કોઈ પ્રશ્ન થાય ત્યારે ત્યારે હું કવિ ચંદ્રકાન્ત શેઠને ફૉન લગાવતો ને એ દરેક વખતે ત્વરિત જવાબ – instant answer – આપવાનું સૌજન્ય દાખવે.
આ ગીતની સ્હેજ વાત કરું તો ‘નથી નથી’ માં શૂન્યતા છે , તો વળી “‘હું’ જ ત્યાં નથી નથી”માં સભરતા છે. એટલે શૂન્યતામાં સભરતાના અનુભવનું આ કાવ્ય મને અત્યંત પ્રિય છે.
આકાશ ખોલવું, જળ ખોલવું, સૂર ખોલવા, નૂર ખોલવાં ને કૈંક ખોળવું … કવિને શું મળે છે? તે તમે પણ શોધો, માણો.
વર્ષો પહેલાં કવિએ લખેલું આ કાવ્ય છેક 2008માં મારાથી સ્વરાંકિત થયું ને એ જ વર્ષમાં રૅકોર્ડ થયું.

– અમર ભટ્ટ


અમર ભટ્ટ

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી.

સતત છેડીએ  તાર છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર? કશુંયે    ચમકે નહીં
ખોલી જોયા સૂર, હલક  એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી

લાંબી લાંબી વાટ, પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! -દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ!-હું જ ત્યાં નથી નથી!

– કવિ:ચંદ્રકાન્ત શેઠ
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: સ્વરાભિષેક:2

મહોબ્બ્તનો હવે – મરીઝ

સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ

.

પહેલાં તરેહી મુશાયરા થતા જેમાં શાયરને રદીફ આપી દેવામાં આવે, જેમ કે ‘લઈને આવ્યો છું’; ‘કોણ કરે’….
આ રદીફ ઉપર તમામ શાયરોની ગઝલો મળે.
એવી રીતે એક રદીફ ‘લાગે છે’ પર પણ ઘણા શાયરોની ગઝલો છે. થોડા સમય પહેલાં મરીઝસાહેબની એક ગઝલ વહેંચેલી
આજે ગનીં દહીંવાલાને શું લાગે છે તે પણ સાંભળો. મરીઝની અગાઉ મોકલેલી ગઝલ સંદર્ભ માટે ફરીથી મોકલું છું.

‘મહોબ્બ્તનો હવે આવી ગયો અંજામ લાગે છે
રુદન કરતો નથી તો પણ મને આરામ લાગે છે.

બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર
ઓ સંગાથી કલાકારો! તમારું કામ લાગે છે.

ઘણા નિર્દોષ નકશાઓનું દુઃખ સહેવું પડે પહેલાં
પછી સાકી, અમારા હોઠ ઉપર જામ લાગે છે.

‘મરીઝ ‘એ જ્યારે જ્યારે અમને બોલાવે છે આદરથી
પ્રતિષ્ઠાથી ભરેલું નામ કડવું નામ લાગે છે.

-મરીઝ

ગિરધર ગુનો અમારો માફ – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર: અમર ભટ્ટ

.

કવિ રમેશ પારેખને ગઈ કાલે એમની કવિતાઓ ગાઈ, વાંચી, વહેંચીને યાદ કર્યા. પછી એક કવિતાસંગીતપ્રેમીએ હક્કપૂર્વક ધ્યાન દોર્યું કે ગઈ કાલે વહેંચેલાં ગીતોમાં એમનું એક પણ મીરાંકાવ્ય ન હતું. મીરાંની મનોદશામાં પહોંચીને એમણે આખો સંગ્રહ આપ્યો – ‘મીરાં સામે પાર’. એમનું એક મીરાંગીત થોડો સમય પહેલાં સ્વરબદ્ધ થયું હતું તે સાંભળો. માત્ર ફૉનમાં રૅકોર્ડ કર્યું હતું એટલે હાર્મોનિયમ વધારે સંભળાશે; પણ ભાવ સમજાશે ને સંભળાશે પણ-

‘ગિરધર ગુનો અમારો માફ

તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ
માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ
ગિરધર ગુનો અમારો માફ

મીરાં કે પ્રભુ દીધું મને સમજણનું આ નાણું
વાપરવા જઈએં તો જીવતર બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ?
ગિરધર ગુનો અમારો માફ’
– રમેશ પારેખ

કૈંક એ રીતે હ્ર્દયને – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,

આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;

મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;

તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;

વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;

ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ

સપનાં નહીં જ હોય – મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય.
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય.

પ્રતિબિંબ વહેતા વાયુમાં એનું પડી શકે,
જેનેનિહાળ્યું કોઈ દિ’ દર્પણ નહીં જ હોય;

જળને ભીનાશ જેટલો સંબંધ કાયમી,
અમથા અહીં અવાજથી સગપણ નહીં જ હોય;

ખખડાવું બંધ દ્વાર, યુગોથી ને જાણું છું,
આ ઘર અવાવરુ છે, કોઈ પણ નહીં જ હોય.

– મનોજ ખંડેરિયા

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર : દીપ્તિ દેસાઈ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે…
મને અધવચ્ચે અધવચ્ચે
– ઉદયન ઠક્કર

સંભારણાં – માધવ રામાનુજ

કવિ : માધવ રામાનુજ
સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક-૪

.

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં …
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું
વળતાં ચીતર્યાં રે બંધ બારણાં !

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં !

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો
ને ચીતર્યું કૂણેરું એક પાન ,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં
ત્યાં નજરનું ખરી ગયું ભાન !
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ
ને ઉંબરમાં અમિયલ ઓવારણાં !

– માધવ રામાનુજ

મન મ્હેં ત્હારું જાણ્યું ના – રાજેન્દ્ર શાહ

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

મન મ્હેં ત્હારું જાણ્યું ના, જાણ્યું ના :
આંગણે જેને ઇજન દીધું
ઘરમાં એને આણ્યું ના …

વન-પારેવાં કરતાં કેલિ,
માલતી-ફુલે વેલ ઝૂકેલી ,
નેણથી ઝરી નૂરની હેલી,
હોઠ બે ત્હારા ફરક્યા આતુર
તોય મ્હેં ઝીલ્યું ગાણું ના…

ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મ્હેં જ મને ના ઓળખી વહેલી,
પૂનમ ખીલી પોયણે , સુધા
પાન મ્હેં ત્યારે માણ્યું ના…

– રાજેન્દ્ર શાહ