Category Archives: જયંત પલાણ

આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક.. સાથે માણો આ મઝાનું વસંતગીત..!!

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, કૃતિકા ત્રિવેદી)

* * * * *

.

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

– જયંત પલાણ

રસિયો ફાગણ આયો ! – જયંત પલાણ

આજે ફરી ફાગણનું એક મજેદાર ગીત..! આમ તો ફાગણ મહિનો અડધો જતો પણ રહ્યો.. પણ હોળીના-કેસુડાના રંગોની વાત થતી હોય તો આવું રંગીલું ગીત સંભળાવવા માટે બીજા એક વર્ષ રાહ જોવાઇ?

સ્વર – ગીતા દત્ત

.

હે અલબેલો…
હે અલબેલો ફૂલ છોગળીયાળો રસિયો ફાગણ આયો
હે કામણગારા…
હે જી કામણગારા….
કામણગારા કેસુડાનો રંગ છબીલો છાયો
…રસિયો ફાગણ આયો !

વનરાવનમાં તનમાં મનમાં થનગન જોબન લાયો
ફોરંતી પાંખડીએ આંજેલી આંખડીએ આવી
મઘુ ટપકટે મુકુલડે મલકાયો ફાગણ આયો
…રસિયો ફાગણ આયો !

હે આવ્યો મસ્તાનો ગોપી-ગોપ કેરા રાસે
કળીઓના કાળજળે આવ્યો પ્રેમભરી
મનમોહનની યાદ બનીને અંતરમાં સમાયો
…રસિયો ફાગણ આયો !

દાન દે… વરદાન દે… – જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…

મન મતવાલું માને શેણે? – જયંત પલાણ

343429902_5183321e7c_m.jpg

મન મતવાલું માને શેણે?
ઘાવ ઝીલે એ વજ્જરના ને
ભાંગી પડે મૃદુ વેણે :
મન મતવાલું માને શેણે?

સાત સમંદર પાર કરે, ને
ડૂબે ઝાકળબિન્દુ:
અગ્નિભડકે બળે નહિ એ
સળગે શીતલ ઇન્દુ

ઉગ્ર તૃષા ઓલાશે ક્યાંથી
છો ઘન વરસે નેણે :
મન મતવાલું માને શેણે?

ગિરિવર સરખો બોજ ઉઠાવે
પુષ્પ તળે કચડાતું;
ઝેર ઘૂંટડા જીરવી જઇને
અમી છલોછલ પાતુ.

આપ ભવોભવ એ નિષ્ઠુરને
દીધી વેદના જેણે :
મન મતવાલું માને શેણે?

મોરપિચ્છ – જયંત પલાણ

મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …