Category Archives: સંગીતકાર

ગગનવાસી ધરા પર…. – નાઝીર દેખૈયા

સ્વર – મનહર ઉધાસ

.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

દાન દે… વરદાન દે… – જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો – ભાગ્યેશ જ્હા

સ્વર : નિશા ઉપાધ્યાય-કાપડિયા
સંગીત : સોલી કાપડિયા
આલ્બમ : આપણા સંબંધ

.

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા તૂટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!

રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

– ભાગ્યેશ જ્હા

ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા

સ્વર : ગાર્ગી વોરા, અનુપા
સંગીત : ડો. ભરત પટેલ

( અમથો બાંધ્યો હીંચકો… Chandigarh August 5, 2007.)

* * * * *

.

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું ડરું ?

અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું ?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મ્હેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ધૂધળમાળ,
કે સૈયર શું કરું ?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું ?

કટ્ટ્મ કટ્ટી કટોકટી… – અવિનાશ વ્યાસ

કાલે લયસ્તરો પર રમેશ પારેખના શબ્દોમાં ઉત્તરાણ માણવાની ખરેખર મઝા આવી…
અને ઉત્તરાણની સાથે તો એેટએટલું યાદ આવે છે કે આખો નિબંધ લખાઇ જાય.. (School ની પરિક્ષામાં લખતી એવો ગોખણપટ્ટીવાળો નહી…!!)

ગયા વર્ષે જ્યારે ગુજરાતનો પતંગ ટહુકો પર ઉડાડ્યો.. ત્યારે એમ હતું કે આવતા વર્ષે આ જ ગીત ફરી સંભળાવવું પડશે. (એ સિવાય કોઇ ગુજરાતી ઉત્તરાણ ગીત મારા ધ્યાનમાં જ નો’તુ.) પણ થોડા દિવસ પહેલા આ ગીત મનગમતો પતંગ ઉડીને અગાશીએ આવે એમ મારા inbox માં આવી પહોંચ્યું. તો તમે પણ પતંગ ચગાવો.. તલના લાડુ ખાઓ.. ઊંધિયું-જલેબીની મઝા લો.. અને સાથે આ ગીત સાંભળો..! દર વર્ષે ધાબા પર હિન્દી ગીતો વાગે છે ને? – આ વખતે થોડા ગુજરાતી ગીતો પણ વગાડજો.. 🙂

સ્વર : જયદીપ સ્વાદિયા

( Photo from Flickr )

* * * * *

.

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..

પટ્ટાદાર…
જાનદાર મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..

કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર…
કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…

કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે

કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,

આ રંગીન જન્મ-મરણની દુનિયાનો
કોઇ ન પામ્યુ પાર
પતંગનો પરિવાર જગતમાં
પતંગનો પરિવાર…

કટ્ટ્મ કટ્ટી કટોકટી…
ઊંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

હે.. કાપ્યો…!!!!!!!!

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

ગઈકાલે જ મુંબઈમાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું – જેમાંથી આ ગીત લેવામાં આવ્યું છે.. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ આલ્બમમાં સ્વરબધ્ધ થયેલી હિમાંશુભાઇની એક ગઝલ આપ લયસ્તરો પર સાંભળી શકો છો.

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: રિંકી શેઠ
આલ્બમ : ત્રિવેણી સંગમ

.

હ્રદય હ્રદયની કુંજ કુંજમાં ફરતો રહું સદાયે
મળી જાય તું ક્યાં હે, સ્નેહા, એક અટુલી રાહે

હે નિર્મલ તું મળી ન ક્યાંયે, પાન પાન કે ડાળે
તારી હું કરતો રહું આશા, એક અનંતન કાળે

મંદગતિ વિલંબીત તાલે, ધ્રુતમાં ટૂટી જાતો
હે સ્નેહા, તું મધુર ગાય ને સમમાં વિરમી જાતો

સંત કહે કે હરિધામમાં મળતો સહુને વહેતો
હું જ્યાં દોડ્યો હરિ ચરણમાં તું ત્યાં ભેટી જાતો

————

To order this album – please contact Himanshu Bhatt : hvbhatt@yahoo.com

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને… – રમેશ પારેખ

આજે ફરીથી રમેશ પારેખ… પરંતુ એકદમ હળવા મિજાજમાં.. એમના famous છોકરા – છોકરી ગીત સાથે..!!

(વાદળનો હિંચકો… Grand Canyon, Arizona – Aug 31, 2008)

* * * * *

સ્વરાંકન – સ્વર : પાર્થિવ ગોહિલ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલબ્મ : તારી સાથે

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ

છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ…

મહોબ્બતમાં હવે મારો પરિચય – બરકત વિરાણી ‘બેફામ’

મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.

.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

મનહર ઉધાસનું 26મું Album – અક્ષર

ગુજરાતી ગઝલોને લોકપ્રિય બનાવવામાં અને ઘરે-ઘરે ગુંજતી કરવામાં ‘મનહર ઉધાસ’નો કેટલો મોટો ફાળો છે, એ કોઇ ગુજરાતી ગઝલ-પ્રેમીને યાદ કરાવવાની જરા પણ જરૂર નથી..! થોડા વખત પહેલા એમનું 25મું Album ‘આભાર’ પ્રગટ થયું એ પ્રસંગે ઓસ્લિયાના ‘સૂર-સંવાદ’ રેડિયોના આરાધના ભટ્ટે એમની સાથે કરેલો વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.

(મનહર ઉધાસ વિષે થોડું વધુ અહીંથી જાણી શકશો)

અને એ સાથે આપ સૌને જાણતા આનંદ થાય એવા સમાચાર પણ છે… એમનું 26મું Album ‘અક્ષર’ તૈયાર છે, અને સારેગામા એને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં launch કરી રહ્યું છે. તો આપણે આ achievement માટે મનહરભાઇને હાર્દિક અભિનંદન આપીએ..!