આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૧મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.. ચૈત્ર મહિનામાં પણ જાણે શ્રાવણ હોય એમ તરબરત થઇ જવાય.. અને એ પણ બે અલગ-અલગ સ્વરાંકન સાથે..
સ્વર : રીંકિ શેઠ
સંગીત : જયદેવ ભોજક
.
સ્વર – સંગીત – રાસબિહારી દેસાઇ
તબલા : શ્યામસુંદર બ્રહ્મભટ્ટ
.
ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…
—————–
અને હા.. ડો. દિનેશ શાહની બીજી રચનાઓ અને એમના નવા આલ્બમ વિષે આપ અહીં વધુ જાણી શકો :
http://thetrivenisangam.wordpress.com/