Category Archives: સત્યેન જગીવાલા

અમે ગુજરાતી – રઇશ મનીઆર

આજે – પ્રજાસત્તાક દિવસે – સુરતમાં આ ગીત પર ૩૦૦૦ ગુજરાતીઓ પરેડ કરશે..!! તો મને થયું – આજે જ આ ગીત વિશ્વગુર્જરી સુધી કેમ ન પહોંચે? માણો આ મઝાનું ગીત… સાથે સૌને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ..!!

સ્વરાંકન : મેહુલ સુરતી
સ્વર : ગાર્ગી વોરા, અમન લેખડિયા
સ્વર-વૃંદ : સત્યેન જગીવાલા , આશિષ , રૂપાંગ ખાનસાહેબ , નુતન સુરતી , ખુશ્બુ , બિરવા, જિગીષા

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

સરવર આ સરદાર, કલ્પસર સાથ, લીલોછમ બાગ બન્યું છે.
વનબંધુ કલ્યાણ ને સાગરખેડુનું ઉત્થાન થયું છે.
નવયુગનો પૈગામ લઇ હર ગામ જુઓ ઇ ગ્રામ બન્યું છે.
ખૂંદ્યા સમદર સાત, ન કંઇ ઉત્પાત, અમે ગુજરાતી

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

નમણાં આ વટવૃક્ષનું ઘડતર, મૂળ છુપ્યાં છે અંદર
સૌ સારસ્વત, નેતા, શિક્ષક, સાહસિક, ધર્મધુરંધર
હર ગુજરાતી સોહે વનનું અંગ બનીને સુંદર
ફૂલ કળી ને પાત, નિરાળી ભાત, અમે ગુજરાતી

સ્વર્ણિમ આ ગુજરાત, વિશ્વવિખ્યાત, અમે ગુજરાતી
દિલમાં છે દિનરાત, સદા ગુજરાત, અમે ગુજરાતી

સુરત નહિ સ્વીકારે હાર -ગૌરાંગ ઠાકર

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.

અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો.  કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી.  આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય????  આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…

સંગીત, સ્વરાંકન: શૌનક પંડ્યા
સ્વર: શૌનક પંડ્યા, સત્યેન જગીવાલા

જાગો..જાગો..જાગો…
સુરત નહિ સ્વીકારે હાર
જુલ્મીની પાડે સવાર

સીધેસીધો વાર થયો
હૈયે અત્યાચાર થયો
દીકરીનાં આંસુ ચોધાર
સુરત નહિ સ્વીકારે હાર……

સુરતના આતમ પર ઘા ..?
જનમાનસની આ હત્યા..?
પ્રશ્ન ઊભો છે સૌને દ્વાર
સુરત નહિ સ્વીકારે હાર…

નરાધમોને શિક્ષા થાય,
માસૂમ બાળા માંગે ન્યાય,
ફાંસી દઈ દો ચોકબજાર
સુરત નહિ સ્વીકારે હાર….

દાદાગીરી દૂર કરો,
શાસન થોડું ક્રુર કરો
અબળા નારીનાં ચિત્કાર
સુરત નહિ સ્વીકારે હાર…

-ગૌરાંગ ઠાકર

ધીરે ધીરે લખ્યું – રઇશ મનીઆર

આજની પોસ્ટ એટલે ઊર્મિની છલકતી ગાગરમાંની એક બુંદ..! એટલે કે – કોઇ પણ ભેળ-સેળ વગર સીધ્ધી ઉઠાંતરી! 🙂 આમ પણ, Original material આટલું perfect હોય, તો એમાં મારી વાતો વચ્ચે મુકીને remix કરવાની જરૂર ખરી? (એટલે જ આ વાત અહીં શરૂઆતમાં જ કરી.) આગળ વાંચો ‘ઊર્મિ’ની ઊર્મિઓ…

cd-cover-sml.jpg

ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

*

અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

-ડૉ. રઈશ મનીઆર

સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

હે વીણાવાદિની – હીના મોદી

સંગીત : મેહુલ સુરતી

સ્વર : અમન લેખડિયા , સત્યેન જગીવાલા

saraswati.jpg

.

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી
ધવલ ધવલ વસ્ત્રધારીણી
વંદુ તુજને શીશ નમાવી

બ્રહ્મ કમંડળમાંથી પ્રગટી
વસંતપંચમી દિન તું જન્મી
થઇ તું ગંગાની જન્મોત્રી
તવ કૃપા આ ઋષી સંસ્કૃતી

હે વીણાવાદિની, મયુરવાહીની
તું જ જગમાં તારણહારીણી

આદ્યદેવી તું જ્ઞાનીઓની
લક્ષ્મીજીની પ્રિય સહેલી
દીપ જ્ઞાનના તું પ્રગટાવે
જગમાંથી અંઘાર મીટાવે

___ વસનારી તું મધુરી
સુવાસ જ્ઞાનની તેં ફેલાવી
જ્ઞાનધાર અવનીમાં વહાવી
ન્યાલ કરે તુજ અમૃતવાણી

સૂર મધુર રેલાવનારી તું
લય આલાપમાં ભરનારી તું
અખિલબ્રહ્માંડે ગીત ગજાવે
જગને તા તા થૈ તું નચાવે

વીણાવાદિની, મયુરવાહીની…

( સરગમ… )

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો – રઇશ મનીઆર

આજે સાંભળો આ ઉત્તરાણ પરનું ગુજરાતી ગીત. ગયે વર્ષે તો હિંદી ગીતો સાંભળ્યા હતા, પણ આ વર્ષે મેહુલ સુરતીનું આ પતંગ ગીત સાંભળીને ઉત્તરાણની મઝા બેવડાય જશે…!!

સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, નુતન સુરતી, ધ્રવિતા ચોક્સી

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

સરગમ…

એ હે… સનસનન…
ચગે રે ચગે… ચગે રે ચગે…
હે કાયપો છે…!!

અલગ અલગ રંગોના પતગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગળમાં રંગોળી ભરતા
કોઇ સનન.. ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતા
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડુ ઉડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર

ચલો… રવિવાર સુધરી જાય એવું કંઇક કરીયે આજે…

એટલે કે.. ટહુકો પર બીજુ તો શું કરવાનું હોય, એક મસ્તીભર્યું ગીત સાંભળીયે. 🙂

કવિ શ્રી રઇશ મનીયારની આ હઝલ ( હાસ્ય ગઝલ ) ઘણી જ જાણીતી છે. અને આપણા મેહુલભાઇએ એને ખૂબ જ સરસ સંગીત આપ્યું છે.. ગમે એવા મૂડમાં હો, ચહેરા પર સ્મિત આવી જાય !!

આમ તો રઇશભાઇ હમણા અમેરિકામાં જ છે, અને East Coastમાં એમના ઘણા પ્રોગ્રામ પણ થાય છે, પણ અમે કેલિફોર્નિયાવાળા રહી ગયા… 🙁

ચલો.. રૂબરૂમાં નહીં તો આવી રીતે જ.. એમની રચના માણીને મઝા કરીયે..

સંગીત : મેહુલ સુરતી
સ્વર : સત્યેન જગીવાલા

after-marriage.jpg

.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

( આભાર : લયસ્તરો )

ફરમાઇશ કરનાર મિત્ર : હાર્દિક શાહ.