Category Archives: અનુપા પોટા

લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે – દિનેશ ઓ.શાહ

સ્વર : અનુપા પોટા
સ્વર નિયોજન : કર્ણિક શાહ

લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
લાખો કરોડો ઘરમાં….

જ્યાં બાળપણના ખેલો રમવા ફરી મળે છે
જ્યાં નાનપણની મસ્તી જોવા ફરી મળે છે
લાખો કરોડો ઘરમાં….

વરસાદની હેલીમાં કોઈ મસ્ત થઇ ફરે છે
કાગળની હોડી લઈને કોઈ પાણીમાં તરે છે
લાખો કરોડો ઘરમાં….

સાચું છે મારું ધન આ સ્મૃતિઓ મહી રહે છે
હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
લાખો કરોડો ઘરમાં….

– દિનેશ ઓ.શાહ

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો – વિહાર મજમુદાર

શબ્દ –  સ્વરાંકન : વિહાર મજમુદાર
સંગીત : અમીત ઠક્કર
સ્વર : ગાર્ગી વોરા, અનુપા પોટા

ડમરો....

મારા ઘરને આંગણું, આંગણીયે ઉગ્યો ડમરો
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો
મારા ઘરને ………..

મારે આંગણે લીલેરા પોપટ ઉડીયા
મારે આંગણે બપૈયા ઝીણું બોલીયા
મારે આઁખે સોનેરી શમણાં કોળીયા
મારે શમણે ગુપચુપ આવી… વ્હાલમજી કાં કનડો……..
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

પારિજાતનાં રંગે રંગ્યું આકાશને,
એની મ્હેકથી ઘુંટ્યા મેં મારા શ્વાસને
ક્યાંક ખોઈ આવી હું શું હળવાશને,
મારું ગમતું ફુલ બનીને વ્હાલમજી કાં પમરો?
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

તારા નામની ઓકળીયો પાડું ઉરમાં
વેલ ચીતરૂં હું લાગણીના પૂર માં
મારૂં મનડું ગાયે રે મીઠા સૂર માં
ભીના સૂરમાં ભીંજાઊ હું ને……. મીત ! તમે પણ પલળો……
કળી હજી જ્યાં ખીલી, ખીલી ત્યાં પાછળ પડીયો ભમરો

ઠેસ (અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ) – પ્રફુલ્લા વોરા

સ્વર : ગાર્ગી વોરા, અનુપા
સંગીત : ડો. ભરત પટેલ

( અમથો બાંધ્યો હીંચકો… Chandigarh August 5, 2007.)

* * * * *

.

અમથો બાંધ્યો હીંચકો ને અમથી હૈયે ફાળ,
કે સૈયર શું ડરું ?

અમથો વાયો વાયરો ને અમથી ઝૂલી ડાળ,
કે સૈયર શું કરું ?

સૈયર મૂકી હથેળીયું પર અમથી મ્હેંદી ભાત,
ત્યાં તો સૈયર ટેરવે ટહુકી છાનીછપની વાત.
અમથી વાગી ઠેસ જરા ને રૂમઝૂમ ધૂધળમાળ,
કે સૈયર શું કરું ?

સૈયર અમથો આંખે આંજ્યો ઉજાગરો અધરાતે,
ત્યાં તો સૈયર અઢળક ઊગ્યાં સમણાંઓ પરભાતે.
અમથું ઝીલ્યું અજવાળું ત્યાં તૂટી પાંપણપાળ,
કે સૈયર શું કરું ?

બોલીએ નમો મહાવીર (નવકારમંત્ર અને અર્થ) – અમિત ત્રિવેદી

સૌ મિત્રોને મારા તરફથી સવંત્સરી અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…   અને સૌને મારા મિચ્છામીદુક્કડમ.! 🙂  

સ્વર : અનુપા પોટા, નિશા પાર્ઘી
સંગીત : મુકુન્દ ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા
વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં

વંદન    કરીએ     અરિહંતને  ,   ૐ   નમો    અરિહંતાણં
ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,  ૐ  નમો સિધ્ધાણં

મન  સ્મરીલે  આચાયૅ દેવોને ,  ૐ  નમો  આયરિયાણં
વંદન    ઉપાધ્યાય   દેવોને  ,  ૐ   નમો   ઉવજ્ઝાયણં

તમે   અમારા   તારણહારા    ગાઇએ    તવ   ગુણગાન
વંદન  સઘળા  સાધુજનોને  ,  નમો  લોએ  સવ્વસાહૂણં

રોમ  રોમમાં  પુલકિત  થઇને   પંચ દેવને  નમન કરો
પળે   પળે   સૌ  જપતા  રહીએ ,  અસો પંચ  નમુક્કારો

દૂર   થશે  સઘળા  પાપો , નિત્ય    હૈયે   નવકાર  ગણો
અર્થ એનો સૌ સહુ  સમજી લઇએ , સવ્વપાવપ્પણાસણૉ

મંત્ર એક નવકાર જગતમાં સર્વ મંગળોમાં અતિ મંગળ
મંગલાણં    ચ    સવ્વેસિં  ,   પઢમં      હવઇ    મંગલમ્