Category Archives: નાઝીર દેખૈયા

તમે ગમગીન થઇ જાશો – નાઝીર દેખૈયા

સ્વર – રુચા મેહતા
સંગીત – મોહંમદ દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર…. – નાઝીર દેખૈયા

સ્વર – મનહર ઉધાસ

.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.