Category Archives: ભાગ્યેશ જહા

તમે મળતા નથી ને – ભાગ્યેશ જહા

સ્વર : ભૂમિક શાહ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

તમે મળતા નથી ને છતાં લાગે કે આપણે કેટલું મળ્યાં !
સાંજના ઢળતાં નથી ને છતાં લાગે કે તે તો કેટલું ઢળ્યા !

સાંજે મળો કે પછી ના પણ મળો છતાં
વૃક્ષની લીલાશ કંઈક બોલતી,
મૌન બની પોઢેલા રસ્તાને કાંઠે
એક ચકલી ભંડાર જેવું ખોલતી;
વાટે વળ્યાં, કદી ના પણ વળ્યાં, છતાં લાગે કે આપણે કેટલું વળ્યાં !

સાગર હરખાય ત્યારે મોજાં પછડાય
તેમાં બુદ્દબુદને કેમ કરી વીણવાં ?
ઝાકળ પર પોઢેલા ક્ષણના કોઈ કિલ્લાને
લાગણીથી કેમ કરી છીણવા ?
શાશ્વતના ભારથી કેટલા જુદા છતાં લાગે કે આપણે કેટલું ભળ્યાં !

– ભાગ્યેશ જહા

આ વાયરાના તોફાને આવેલા વરસાદે – ભાગ્યેશ જહા

આજે કવિ શ્રી ભાગ્યેશ જહાના મઝાના શબ્દોને માણીએ – રવિનભાઇના એવા જ મઝાના સ્વરાંકન સાથે. કઈંક તો એવું છે સ્વરાંકન શબ્દો અને ગાયકોના સ્વરમાં, કે બસ – વારંવાર વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આમ ભલે હમણાં જ વસંતપંચમી ગઇ એટલે બધા વાસંતી મૂડમાં હશો – પણ અહીં ‘બે એરિયા’માં અમે હજુ વરસાદની રાહ જોઇએ છીએ..! આ વર્ષે વરસાદે ભીંજવાનું ઓછુ અને હાથતાળી આપવાનું કામ વધારે કર્યું છે – તો આ ગીત સાથે જરા વરસાદને આમંત્રણ પણ આપી દઉં મારે ત્યાં આવવા માટે…

સ્વર – રવિન નાયક અને સાથીઓ
સ્વરકાર – રવિન નાયક

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને....
આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને…. Oct 2011 – San Francisco, CA

આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી કુદી કે એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને, ને આભે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે એણે આભ સાથે વાર્તા જોડી.
– ભાગ્યેશ જહા

મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જહા

સ્વર – સંગીત : સોલી કાપડિયા

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૮)

–ભાગ્યેશ જહા

( આભાર – પ્રાર્થનામંદિર)

જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા

.

જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.

મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

– ભાગ્યેશ જહા

આભાર – ઊર્મિ

જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા

આજે ૫૦મો ગુજરાતદિન… ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા… ૨૦૧૦ની શરૂઆતથી જ આમ તો ગુજરાતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની તૈયારીઓ થઇ ગઇ હતી, અને જે હજુએ કેટલાય દિવસો સુધી ચાલશે..!! વ્હાલા ગુજરાતને વંદનપૂર્વક સાંભળીએ મેહુલ સુરતીના સ્વરકાંનમાં પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાના અવાજમાં ભાગ્યેશ જહાની આ નવ્વીનક્કોર રચના – ખાસ આજના દિવસમાટેની રચના..!!

અને હા, વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!!

સ્વર – પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા
સ્વર વૃંદ – નુત્તન સુરતી, અમન, રુપંગ, આશીશ શાહ, શ્રધા શાહ, જીગીશા પટેલ, ખુશબૂ રોટીવાલા, રુપલ પટેલ, ભાવીન શાસત્રી
સંગીત – મેહુલ સુરતી

.

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ
વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ

ઉત્તરદિશિ અમ્બાદેવ્યાઃ આશિર્વાદૈઃ અલંક્રૂતમ્
મધ્યે મહાકાલિકાસ્થાનં રક્ષાહેતું પ્રતિષ્ઠિતમ્

ક્રુષ્ણસ્ય દ્વારિકાપીઠં અશેષ વિશ્રે વિખ્યાતમ્
કલ્યાણકરત્નાકરતીરે સોમનાથઃ સંપૂજિતમ્

અવતુ અવતુ અવતુ ગુજરાત અવતુ

ગાંધીગિરા હ્રદયેધ્રૂત્વા ગુજરાતીત્વં સંભૂતમ્
સરદારસ્ય દ્ર્ઢસંકલ્પમ શ્રેત્રે શ્રેત્રે સમર્થિતમ્

પંચશક્તિ સંકલ્પિતશાસન દેશ વિદેશે પ્રશંસિતમ્
વિકાસયાત્રા ગ્રામે ગ્રામે નગરે નગરે શોભિતમ્

ભવતુ ભવતુ ભવતુ કલ્યાણં ભવતુ
જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

– ભાગ્યેશ જહા

ગુજરાત તને અભિનંદન -ભાગ્‍યેશ જહા

સૌને ૨૦૧૦ ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. નવુ વર્ષ સૌને માટે (અને આ અમેરિકાની ઇકોનોમી માટે) ખુશીઓ અને સમૃધ્ધિ લાવે એવી પ્રભુપ્રાર્થના… 🙂

અને નવા વર્ષની શરૂઆત કરીએ મેહુલ સુરતીના આ મઝાના ગુજરાતગીત સાથે…!!

સંગીત : મેહુલ સુરતી

સ્વર : પાર્થિવ ગોહિલ

ગુજરાત તને અભિનંદન
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.

વેદકાળથી વહે નિરંતર જ્ઞાનભકિતની ધારા,
દશે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહીં ન્‍યારા,

તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન,
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

ધરતીકંપમાં ઉભો રહયો તું, સાવ અડીખમ માણસ,
દુષ્‍કાળોની દારુણ ક્ષણમાં, સતત ધબકતો માણસ
સરળ-સહજ થઇ સંતાડયું તેં આંસુભીનું ક્રંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.

કોમ્‍પ્‍યુટરમાં કૃષ્‍ણ નિહાળે,
ગરબે અંબા રમતી
દેશવિદેશ વેબસાઇટમાં
વિસ્‍તરતી ગુજરાતી / ગુજરાતી વિસ્‍તરતી

સમૂહજીવનમાં સૌની સાથે, વ્‍હેંચે કેવાં સ્‍પંદન
અભિનંદન, ગુજરાત તને અભિનંદન.’
સ્‍વર્ણિમ સંકલ્‍પો જાગ્‍યા છે,
જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય
બોલે હર ગુજરાતી. દેશ અને દુનિયાને ખૂણે
કરીએ મળીને વંદન

-ભાગ્‍યેશ જહા

કા’નને સંદેશ – ભાગ્યેશ જહા


કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં,
મેં સદીઓ પીધી છે, તેં દુનિયા દીધી છે, હવે બોલવું છે થોડું બેભાનમાં.

બહેરાની ના’ત બધી બેઠી બઝારમાં,
ને કહે છે કે હળવેથી બોલો,
કૌતુક જોઇને કીધુ રાધાએ કાનમાં
કે મૌનનું મકાન તમે ખોલો,

શબ્દો તો તાણી ગયા જાણીતા ત્રાસવાદી, સમજો તો સમજાવું કાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

પંખીના ટહૂકાથી દોરેલી રેખાઓ
પ્રગટાવે થાકેલી પાંખો,
આંસુને લૂછીને આંગળી હટાવું
ને જોવું તો ગોપીની આંખો,

ઉડ્વાનુ, ગાવાનું, મસ્તીમાં રમવાનું, કેટલું સમાવું હવે મ્યાનમાં,
કા’ન તમે જન્મો તો કહેવું છે કાનમાં.

ભાગ્યેશ જહા
ગાંધીનગર

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો – ભાગ્યેશ જ્હા

સ્વર : નિશા ઉપાધ્યાય-કાપડિયા
સંગીત : સોલી કાપડિયા
આલ્બમ : આપણા સંબંધ

.

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!

રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

– ભાગ્યેશ જ્હા

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ જહા

સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. નુતનવર્ષાભિનંદન… અને સાથે સોલીભાઇનું આ ગીત.. (શબ્દો સાથે પહેલા ટહુકો પર હતું, આજે નવા વર્ષ એમાં સ્વર-સંગીતની ભેટ ઊમેરી..)

એમ પણ, પરદેશમાં દિવાળી કરવી પડે, અને પરિવારજનો દેશમાં હોય, તો જ્યાં હોય ત્યાં દેશ અને ઘર યાદ આવે જ.. સાન ફ્રાન્સિસ્કોનો ‘Ocean Beach’ જોઇને ‘તિથલ’ અને ‘દેવકા’ યાદ આવે.. અને ‘Halloween’ ની વસ્તુઓ બજારમાં જોઇને વાપી બજારમાં (અને આમ તો દેશભરમાં) જોવા મળતા કોડીયા અને કરોટીના ઢગલા યાદ આવે..!!

———————————

એક સાંભળો અને બીજું તરત યાદ આવે, એવાં મને ઘણાં ગમતા બે ગીતો આજે… એક ટહુકા પર (પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે) , એક મોરપિચ્છ પર. અને બંને ગીતના શબ્દો પણ એવા છે.. કે તમને કદાચ બીજું ગીત યાદ આવે કે ના આવે…. પણ, કોઇક તો જરૂર યાદ આવી જ જાય….

.

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં

તો કેવું ? – ભાગ્યેશ જહા

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, –

દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?

ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,

ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?