સ્વર – મુહમ્મદ રફી
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – સ્નેહ બંધન (૧૯૬૭)
સ્વર – મનહર ઉધાસ
આલબ્મ – અક્ષર
મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.
અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;
કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.
ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.
નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.
પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.
કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?
મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,
અમરા તરફથી કવન થઈ ગયાં છે.
– બરકત વિરાણી ‘બેફામ’