Category Archives: પ્રજ્ઞા વશી

ડેલીએ આવે તો -પ્રજ્ઞા વશી

સંગીત: મેહુલ સુરતી

સ્વર: અનિતા પંડિત

ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…

આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,
કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;
કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,
હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;
મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.

-પ્રજ્ઞા વશી

સ્હેજ પણ સહેલું નથી -પ્રજ્ઞા વશી

પ્રજ્ઞા વશીના આલ્બમ ‘સાતત્ય’ ના વિમોચન વખતે આપણે પાર્થિવ ગોહિલ – દ્રવિતા ચોક્સીના સ્વરમાં ‘સજના..‘ ગીત સાંભળ્યું હતું, યાદ છે? એ જ આલ્બમનું બીજું એક મજાનું ગીત આજે સાંભળીએ.

પણ એ પહેલા, આ ગીતના રેકોર્ડિંગ વખતના મેહુલભાઇના સ્ટુડિયોમાં એક ડોકિયું કરી લઇએ..!! મોટાભાગના ગીતોનું આપણને ફક્ત ‘final version’ સાંભળવા મળે..! તો આજે final version ની સાથે સાથે થોડું ‘raw material’ પણ ગમશે ને?

આ ગીતની શરૂઆતમાં મેહુલે જે આલાપ મુક્યો છે, અને પાર્થિવના અવાજમાં જ્યારે એ આપણા સુધી પહોંચે, તો શાસ્ત્રીયમાં કશી ગતાગમ ન પડે એવા લોકો ય ડોલી ઉઠે..! વારંવાર આપણને ય ‘સા ની ગ મ પ સ’… કરવાનું મન થઇ જાય. 🙂

સ્વર – પાર્થિવ ગોહિલ
સંગીત – મેહુલ સુરતી

.

પ્રેમને વિસ્તારવાનું સ્હેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સ્હેજ પણ સહેલું નથી.

દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી.

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી.

-પ્રજ્ઞા વશી

સજના – પ્રજ્ઞા વશી

આજે કવિયત્રી પ્રજ્ઞા વશીના નવા આલ્બમ ‘સાતત્ય’નું વિમોચન છે. પ્રજ્ઞા વશીની કલમના સોનામાં ભળેલી મેહુલ સુરતીના સંગીતની સુગંધ..! તમે સુરતમાં હોવ તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ખાસ આમંત્રણ છે..! મેહુલ અને એની ટીમ આપને આ આબ્લમના ગીતો ઉપરાંત ઘણું બધું પીરસશે એની ખાત્રી હું આપું છું 🙂 .. તમારા સમ.. આ સુરત છે.. એવા કેટલાય મેહુલ-સ્પેશિયલ ગીતો માણવાનો આ સુંદર મોકો જરાય ચુકવા જેવો નથી..!!

(Click on the image to read the invitation)
* * * * * * *

અને સુરત બહાર વસતા બધા મિત્રો માટે સાતત્યની એક ઝલક આ રહી….

સ્વર : દ્રવિતા ચોક્સી , પાર્થિવ ગોહિલ
સંગીત : મેહુલ સૂરતી

.

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

ભીતરમાં છલકાતી લાગણીઓને સથવારે હું
પતિંગીયાની પાંખો પહેરી ફૂલો પર મંડરાવું
સૂર્યકિરણને સેંથે પૂરી મેઘધનું આકારું
દરિયાની લ્હેરો ઉપર હું નામ લખી લઉં તારું
હું તડપતી રેત બનું ને તું ભીનું આકાશ થાને

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

સાજ નથી સરગમ નથી પણ તુજ સંગે મારે ગાવું
ભીના ભીના શમણાં લઇને તારે દ્વારે આવું
રીમઝીમ હેલી થઇને હું તુજ મનમંદિર સજાવું
વરસાદી ફોરાંના ફૂલો તુજ પર હું વરસાવું
ચાલને હું તું છોડી એક બીજામાં ભળીએ

તું જો નહીં આવે સજના
સૂનું સૂનું લાગે સજના

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો
ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો

————————–
અરે હા, સાસત્યની બીજી એક ગઝલ -સાંભળો પાર્થિવના સ્વરમાં ગાગર પર..

(સહેજ પણ સહેલું નથી) -પ્રજ્ઞા વશી

————————–

PRAGNA DIPAK VASHI

Pragna Vashi is a well known poetess, columnist and educator. She has soulfully explored her own spirituality, often in poignant, deeply personal poetry. She was born in a small village Bharthana near Surat, Gujarat in 1957. She has received Bachelor and Master Degrees in Gujarati language as well she has done her Masters in Education. She has been rendering her service as a teacher in T&TV High School, Surat for last two decades. She always proved to be dazzling student as well as well-liked educator. She began writing poetry at the age of 16. Pragna Vashi has published four poetry collections by now. Two of them are Gazal Sangrah : SPANDANVAN and AAKASHE AKSHAR, one collection named “SWAS SAJAVI BETHA contains miscellaneous kind of poetry which include Geet, A-chandas, Haiku etc, and the forth collection called “ PICNIC PARVA” which is magic box for children as it includes wonderful poems of children.

Continue reading →

સરસ્વતી પ્રાર્થના – પ્રજ્ઞા વશી

સંગીત : મેહુલ સુરતી,
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, આશિષ, ખુશ્બુ, ધ્વનિ, વ્રતિની

માત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની