Category Archives: ગીત

તમે મળતા નથી ને – ભાગ્યેશ જહા

સ્વર : ભૂમિક શાહ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

તમે મળતા નથી ને છતાં લાગે કે આપણે કેટલું મળ્યાં !
સાંજના ઢળતાં નથી ને છતાં લાગે કે તે તો કેટલું ઢળ્યા !

સાંજે મળો કે પછી ના પણ મળો છતાં
વૃક્ષની લીલાશ કંઈક બોલતી,
મૌન બની પોઢેલા રસ્તાને કાંઠે
એક ચકલી ભંડાર જેવું ખોલતી;
વાટે વળ્યાં, કદી ના પણ વળ્યાં, છતાં લાગે કે આપણે કેટલું વળ્યાં !

સાગર હરખાય ત્યારે મોજાં પછડાય
તેમાં બુદ્દબુદને કેમ કરી વીણવાં ?
ઝાકળ પર પોઢેલા ક્ષણના કોઈ કિલ્લાને
લાગણીથી કેમ કરી છીણવા ?
શાશ્વતના ભારથી કેટલા જુદા છતાં લાગે કે આપણે કેટલું ભળ્યાં !

– ભાગ્યેશ જહા

સાંયા, એકલું એકલું લાગે – હરિશ્ચન્દ્ર જોશી

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંયા, એકલું એકલું લાગે.
દૂરને મારગ જઈ વળે મન ,
સૂનકારા બહુ વાગે …

સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું;
ઝૂરવું મ્હોર્યા ફાગે …

રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત;
આંખ સોરાતી જાગે …

એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે?

– હરિશ્વંદ્ર જોશી

કોઈ રે ઉતારો મારો અંચળો – દલપત પઢિયાર

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કોઈ રે ઉતારો મારો અંચળો,
અમે અમારાં ઓઢેલાં અંધાર રે ! કોઈ રે …

ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં,
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે ! કોઈ રે…

નિત રે સજું ને નિત નિત સંચરું,
અમને આઘે વાગે અમારા ભણકાર રે ! કોઈ રે …

કેમ રે સંકેલું કેમ કરી ઊકલું,
અમે અમારાં ભીડેલાં ભોગળદ્વાર રે ! કોઈ રે …

ભીતર ભેદો ને છેદો મારો છાંયડો,
અમને અમારા ઓળખાવો અપરંપાર રે ! કોઈ રે …

– દલપત પઢિયાર

કૈંક એ રીતે હ્ર્દયને – હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,

આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;

મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;

તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;

વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;

ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ

સાધો, મુરશિદ નર્યો નઠારો – હરીશ મીનાશ્રુ

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાધો, મુરશિદ નર્યો નઠારો,
એક કીડીને માથે મુક્યો કમળતંતુનો ભારો.

મહિયારણની માફક એ તો
હરિ વેચવા હાલી,
વણકર મોહી પડયો તો રણઝણતી
ઝાંઝરીઓ આલી;

ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો.

બધું ભણેલું ભુલવાડી દે
એવો એક જ મહેતો,
ત્રિલોકની સાંકળ ભાળી
કીડીના દરમાં રહેતો;

નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો.

– હરીશ મીનાશ્રુ

અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે – ચિનુ મોદી

સ્વર : હરિશ્ચન્દ્ર જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે
સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
તમે હોવ છો ને નથી કેમ હોતા ?
થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.

પવનનાં પગેરું નથી શોધતો હું,
તમે આજ પણ ચાલતાં મારી સાથે;
નથી કેમ એંધાણ મળતાં કશાયે,
નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.

બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
ભલે ચીસ પાડું, નથી ક્યાંય પડઘો;
હવે પ્હાડ પથ્થરને ફેંકી શકે છે,
હવે જાત ગાળીને બેસી રહ્યો છું.

અરીસા વગર ક્યાંય દેખાઉં છું હું,
મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
હણ પણ કશું કૈંક એવું છે જેને,
તમારામાં ભાળીને બેસી રહ્યો છું.

મને કોક ‘ઈર્શાદ’ સમજી શકે તો,
ઊતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;
વધે થોડી સમજણ એ ઈચ્છાથી અહીંયા,
પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.

– ચિનુ મોદી

સાંયા! તું તો રે’જે મારી ભેર – હરિશ્ચન્દ્ર જોશી

સ્વર : શ્રદ્ધા શ્રીધરાણી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાંયા! તું તો રે’જે મારી ભેર,
સાંકડ્યુંથી તારવીને લઈ જાને ઘેર…

ટાર લગી જવું મારે,
વ્હેત છેટું રે’વું તારે;
દોડી દોડી પહોંચી નૈ, ઊભી એક જ ઠેર…

વચનને વળગી છું,
ભીનું ભીનું સળગી છું;
વૈજયન્તી જેવીમેં તો પ્રોઈ આંસુ સેરે…

આંગળી મુકાણી જ્યાંથી,
મુજથી ખોવાણી ત્યાંથી;
નદી તલખે રે સાયર, થવા તારી લ્હેર…

– હરિશ્ચન્દ્ર જોશી

હમણાં ઊડી જઈશ હું – રાજેન્દ્ર શુક્લ

સ્વર : નયનેશ જાની
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

હમણાં ઊડી જઈશ હું જાણે કે ઓસ છું.
મારી ખનકનો હું ખુદા ખાનાબદોશ છું.

ઊભરાતીમ્હેફિલે કદી એવું ય લાગતું,
કોઈ વિલુપ્ત વાણીનો હું શબ્દકોશ છું;

પડઘાઉં છુંસતત અનેઝિલાઉં છું ક્વચિત,
શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું;

પીધાં પછી ય પાત્રમાં બાકી રહી જતો,
અવકાશ છું અપાર ને ભરપૂર હોશ છું;

અમથી ય દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ,
તુર્ત જ થઉં પ્રસન્ન એવો આશુતોષ છું.

– રાજેન્દ્ર શુક્લ

ઘટમાં ઘુંટાય નામ – ઉમાશંકર જોશી

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.
લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !
હો ઘટમાં ઘુંટાય નામ…

હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,
કંઠે વસેલું કામણગારું,
જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળ
દુનિયાના સ્વાદથી ન્યારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંને
પંડે સામેથી શોધનારું,
એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનું
પથ્થરને પુનિત તારનારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

– ઉમાશંકર જોશી

રણ કરે રણકાર

આમ તો એક ઘરેણાંની જાહેરાતના વિડીયો માટે લખાયેલું આ ગીત – પણ શબ્દો અને સંગીત એવા મઝાના છે કે ગુજરાત દિવસની થોડી મોડી પણ જરાય મોળી નહિ એવી ઉજવણી તરીકે આ રણના રણકારનું ગીત તમારી સાથે વહેંચવા ટહુકો પર હાજર છે ! 
આશા છે કે આપ સૌને એ સાંભળવું અને માણવું ગમશે.

હે….ધોળી એવી આ ભોમકા,
ને છે પચરંગી છાંટ.
એ ભાત ભાત ની જાત અહીં…
એ અને જાત જાત ની ભાત.

એ…આવે જે કોઈ અમારે આંગણે જી રે..
આવે આવે કોઈ અમારે આંગણે,
અને અમે ખુ્લ્લા મેલ્યા દ્વાર,
એ..પારેવા પારેવા હોય સરહદ પારના…
કે પછી પરદેસી સુરખાબ.

હે….રણ આ મારું સોળે સજી શણગાર
આજ આ મારું રણ કરે રણકાર
હે જી નોખી એવી આ ધરતીનો ધબકાર
આજ આ મારું રણ કરે રણકાર

હે છલકે છલકે છલકે છલકે છલકે…
છલકે છલકે…
કારીગરીથી છલકે એનો કણ કણ અપરંપાર…
કણ કણ અપરંપાર … કણ કણ અપરંપાર…

ધોરા ઇ રણમાં
ઝણકે ઝણકે ઝણકે ઝણકે ઝણકે
એવો ઝાંઝરનો ઝણકાર
છલકે છલકે છલકે છલકે છલકે…
કણ કણ અપરંપાર …અપરંપાર… અપરંપાર..

હે..રંગબેરંગી રંગબેરંગી રંગબેરંગી
એવો રંગોનો વિસ્તાર

ધોરા ઈ રણનો કોણ છે રંગીલો રંગનાર?
હે….રણ આ મારું સોળે સજી શણગાર

રણ આ મારું સોળે સજી શણગાર
આજ આ મારું રણ કરે રણકાર

નોખી એવી આ ધરતીનો ધબકાર રુડો રણકાર
હે રણ આ મારું આજ કરે રણકાર

હે શમણાને આંખ્યુંમાં આંજી ભાત્યુંને પ્રીત્યુંમાં ગૂંથી
પ્રીત્યુંમાં ગૂંથી.. શમણાને આંખ્યુંમાં આંજી
આંગણિયે લાગણિયું લીપી વાટ્યું જોતી નાર
લાગણિયું લીપી ગૂંપી વાટ્યું જોતી નાર

હે જોડિયા પાવા ઘડો ઘમેલો ને વાગે સંતાર
ભૂંગે ભૂંગે ભૂંગે ભૂંગે
હે ઝબકે ઝીણો ઝબકે ઝીણો
હે ભૂંગે ભૂંગે ઝબકે ઝીણો આભલાનો ઝબકાર

હે સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
સોળે સજી શણગાર, રણ કરે રણકાર
રણ કરે રણકાર

LYRICS: Manish Bhatt
LYRICS INPUTS: Rajat Dholakia, Sagar Goswami, and Aditya Gadhvi
MUSIC COMPOSER: Rajat Dholakia (Jhuku Sir)
SOUND DESIGN, MIXING & MASTERING: Bishwadeep Chatterjee
PROGRAMMING & MUSIC ARRANGEMENT: Rajiv Bhatt

MUSICIANS:
Dana Bharmal (Ghado Ghamelo & Morchang)
Noor Mohammad Sodha (Jodia Pawa)
Babubhai (Rhythm)
Hirabhai (Santaar & Manjira)
Daksh Dave (Other Percussions)
LEAD VOCALS: Aditya Gadhvi, Devraj Gadhvi (Nano Dero) and Vandana Gadhvi
CHORUS: Mausam Mehta, Malka Mehta, Isha Nair and Reema Gaddani
VOICEOVER: Saba Azad

MUSIC STUDIOS:
TreeHouse Studio, Ahmedabad (Darshan Shah)
Harmony Studio, Rajkot (Niraj Shah)
Octavius Studio, Mumbai
Orbis – The Studio, Mumbai