Category Archives: જાતુષ જોશી

એવોય દૂર ક્યાં છે – જાતુષ જોશી

સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

એવોય દૂર ક્યાં છે ? એવો ય પાસ ક્યાં છે ?
મનમાં જ એ વસે પણ મનનો નિવાસ ક્યાં છે.

દીવો બળ્યા કરે છે અંધારનો યુગોથી,
એને હરખથી ભેટે એવો ઉજાસ ક્યાં છે ?

જો પારખી શકો તો પોતીકો શ્વાસ પામો,
આ શ્વાસ છે ને એને કોઈ લિબાસ ક્યાં છે ?

જેની પ્રતીતિ પળમાં પાવન કરે છે સઘળું,
વૈરાગ્યથી સવાયો એવો વિલાસ ક્યાં છે ?

શબ્દોની પાર જાવા શબ્દોને ચાહતો હું,
છે પ્રેમ તીવ્રતમ પણ એવો ય ખાસ ક્યાં છે ?

– જાતુષ જોશી

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના – જાતુષ જોશી

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ?
અહીંનાં અહીંના માણસો તો માણસો કેવળ લકીરોનાં.

ઉપરવાળો ઘણું દે ને ઘણું યે છીનવી લે પણ,
હૃદય સાવ જ અનોખાં હોય છે ફક્કડ અમીરોનાં;

પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું,
બધા ગુણધર્મ એના એ જ છે સઘળા શરીરોના;

કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે,
અહીં ટોળાં કદી ના હોય નાનકના-કબીરોના;

ભલે ને, ચાલ નોખી એમની સ્હેજે ય ના લાગે,
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં.

– જાતુષ જોશી