Category Archives: ભાષાંતરિત કાવ્યો

પિતાને નિહાળતાં… – વેન્ડી શૂ (અંગ્રેજી)

Looking at My Father

It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.

– Wendy Xu

પિતાને નિહાળતાં…

એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.

– વેન્ડી શૂ (અંગ્રેજી)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

પરિવાર – પ્રેમ અને સ્વાર્પણની સાચી કવિતા…

વૃક્ષ ગમે એટલું ઊંચે કેમ ન જાય, મૂળ સાથેનો સંબંધ તોડી શકતું નથી. નદી પર્વતમાંથી નીકળીને સેંકડો કિલોમીટર દૂર સમુદ્રમાં જઈ ભળે તોય પહાડ સાથેનું જોડાણ તો યથાવત્ જ રહેવાનું. આપણા સહુમાં પણ ક્યાંક ને ક્યાંક એક વૃક્ષ અને એક નદી જીવતાં જ હોવાં જોઈએ, કારણ કે આપણે પણ વતન ત્યાગીને સાત સમંદર પાર સ્થાયી થઈ જવા છતાં જીવનના અંતિમ શ્વાસ સુધી વતન, વતનની સ્મૃતિઓ અને સંસ્કારો સાથેનું આપણું સગપણ સમૂચું તોડી શકતાં નથી. આપણા હૃદયના કોઈને કોઈ ખૂણામાં આપણાં મૂળિયાં આજીવન જીવંત રહે છે. આજે જે કવિતા વિશે વાત કરવી છે, એ કવિતાનો પ્રમુખ સૂર પણ કંઈક આવો જ છે.

વેન્ડી શૂ. ચીની અમેરિકન કવયિત્રી. ૧૯૮૭માં શેન્ડોંગ, ચીનમાં જન્મ. ઉછેર અમેરિકાના આયોવા અને ન્યૂયૉર્કમાં. આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી. હાલ ન્યૂયૉર્કમાં પ્રોફેસર તરીકે સેવા. એમના ત્રણ કાવ્યસંગ્રહો, બે ગ્રાફિક નોવલ અને કેટલીક ચેપબુક પ્રગટ થયાં છે. એમની કવિતાઓમાં સામાન્યરીતે વર્તમાન અને ભૂતકાળની વચ્ચે તેમજ નિવાસીદેશ અમેરિકા અને મૂળ વતન ચીન વચ્ચેના સેતુઓ પર આવાગમન કરતી નજરે ચડે છે. ઘણીવાર તૂટકતૂટક વાક્યરચના સાથે અરુઢ પ્રતીકો અને રૂપકોના સંમિશ્રણથી તેઓ અલગ પ્રકારનું ભાવવિશ્વ સર્જે છે, જેને પ્રથમ વાંચને સમજવું કપરું થઈ પડે. સમસાંપ્રત કવિતાની વચ્ચે વચ્ચે જોન ડનની અધિભૌતિક કવિતાની છાંટ પણ વર્તાય છે. સરવાળે એક વિશિષ્ટ લાગણી જન્માવવામાં તેઓ સફળ થાય છે.

‘પિતાને નિહાળતાં’ એક જ પરિચ્છેદમાં લખાયેલ અછાંદસ કાવ્ય છે. કવિતાને વિધવિધ ટુકડામાં વહેંચી દેવાના બદલે એમણે ફકરાબંધ કાવ્ય કર્યું છે. એમની ઘણી કવિતાઓમાં આ વિધા નજરે ચડે છે. વળી, એક જ વાક્ય એક પંક્તિમાં સંપૂર્ણ થઈ જવાને બદલે બીજી અને ક્યારેક ત્રીજી કે ચોથી પંક્તિ સુધી લંબાય છે, તો ક્યાંક એ બે-ત્રણ શબ્દ જેટલું ટૂંકું છે, તો કદીક કેવળ છૂટકમૂટક શબ્દોથી જ બનેલું છે. એક જ ફકરામાં અપૂર્ણાન્વય અલંકારની મદદથી સંકળાયેલ લાંબા-ટૂંકા વાક્યોના કારણ કવિતા અલગ-અલગ વિચારોના ટુકડા બની રહેવાના બદલે એક ગતિશીલ વિચાર બની રહે છે. ગતિ ખરી, પણ એકધારી નહીં, ઉબડખાબડ રસ્તાઓ પર સડેડાટ દોડતી ગાડી જેવી- દ્રુતવિલંબિત. વાક્યો પંક્તિના અંતે ખતમ થતા ન હોવાથી અને કવિતાને કવિએ નાના નાના ટુકડાઓમાં વિભાજિત પણ ન કરી હોવાથી ભાવકને શ્વાસ ખાવાનો કે વિરામ લેવાનો મોકો મળતો નથી. પરિણામે સુગ્રથિત પણ આરોહ-અવરોહયુક્ત એક જ ભાવાનુભૂતિ જન્માવવામાં કવિ સફળ રહે છે.

કારણ અભ્યાસકીય હોય કે આર્થિક, સામાજિક હોય કે પછી રાજકીય- પણ પોતાના વતનથી વિખૂટા પડી પરદેશમાં હંગામી અથવા કાયમી ધોરણે સ્થાપિત થવાનું ચલણ મનુષ્યોમાં શરૂથી જ જોવા મળે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં વતનવિચ્છેદ શારીરિક સ્તરે વધુ અને માનસિક સ્તરે ઓછો જ જોવા મળે છે. વિદેશમાં સ્થાયી થયેલ કાયામાં હૃદય તો બહુધા વતનનું જ ધબકતું હોય છે. પ્રસ્તુત રચનામાં પણ વતનના ધબકારા શબ્દે શબ્દે સંભળાય છે. ચીનમાં જન્મી બાળપણમાં જ અમેરિકામાં સ્થાયી થયેલ સર્જકના વર્તમાનના સ્વીકારની સમાંતરે ભૂતકાળ સાથેના અનુસંધાનને જાળવી રાખતી ક્ષણોનું થોડું અજવાળું એટલે આ કવિતા. ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું બગીચાના મધ્યપશ્ચિમી ખૂણાની લૉનને ખંતપૂર્વક કાપી રહેલ પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. જોવાની ક્રિયા માટે કવયિત્રીએ ‘કૉન્ટમ્પ્લેટ’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જેનો અર્થ છે ચિંતન કે ધ્યાન ધરવું. પિતા જે લગનથી તડકામાં પુરુષાર્થ કરી રહ્યા છે, એને એ જ લગનથી દીકરી નિહાળી રહી હોય ત્યારે જોવું કરતાં વિચારવું કે ધ્યાન ધરવું ક્રિયાપદ જ વધુ ઉપયુક્ત જણાય ને! વળી, આ ક્રિયાપદ વાક્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચેના અર્થના દરવાજા સુવ્યવસ્થિતપણે ઉઘાડી આપતા મિજાગરાનું કામ પણ બજાવે છે. એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે આ અર્થગર્ભિત વાતને નિહાળવા માટે ચર્મચક્ષુ વધુ ખપનાં કે મનઃચક્ષુ?

ઘરનો વડો ઘરઆંગણની લૉન સરખી કરે એ દૃશ્ય અમેરિકામાં રોજનું છે. અમેરિકામાં દરેક ઘરની આગળ વૉકવે સાથે અને ક્યારેક પાછળ પણ લૉન હોય જ, અને એને નિયમિતપણે જાતે જ કાપતા પણ રહેવું પડે. આળસ કરો કે કચાશ રહી જાય તો મસમોટો દંડ ભરવો પડે. કવયિત્રીએ મધ્યપશ્ચિમી લૉન એવો શબ્દ વાપર્યો છે, પણ આ શબ્દ કેવળ દિશાનિર્દેશના નથી કરતો. અમેરિકાના મધ્યપશ્ચિમી પ્રદેશમાં વિશાળ લૉન, ખેતરો વગેરે જોવા મળે છે એ હકીકત છે, પણ એ તો ભૂગોળનો પાઠ કહેવાય. કવિતાની તો ભાષા જ નોખી. અહીં ‘મધ્યપશ્ચિમી’ શબ્દ મોકળાશ અને સાદગીભર્યા શાંત મધ્યમવર્ગીય ઘરેલુતાની છબી તો ઉજાગર કરે છે, અમેરિકાના લાક્ષણિક રોજિંદા જીવનનું પ્રતીક પણ છે, તથા ‘દેશ તેવો વેશ’ના ન્યાયે એક આપ્રવાસીના સ્થાનિક સંસ્કૃતિના આત્મસાતકરણની પ્રતીતિ પણ છે. પારકા દેશમાં પોતાના પરિવારની જગ્યા અને ભવિષ્ય બનાવવા માટે એક બાપ જે પરિશ્રમ કરે છે એય અહીં વ્યક્ત થાય છે.

કવયિત્રી પિતાના ઉદ્યમને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યાં છે. જમીનમાંથી નિંદામણ મૂળ સાથે બહાર આવે એ જ રીતે કવયિત્રીને પોતાનું અંતર બહાર ઉલેચાતું અનુભવાય છે. જે ભીતર છે એ બહાર આવે છે. જે ભીતર હોય એ જ બહાર આવી શકે. એ જ આવી રહ્યું છે. કારણ આ પ્રકારનું ચિંતન-મનન જ એમનો જન્મગત સ્વભાવ છે. આ સ્થળે એક ઇન્ટરવ્યૂમાં કવયિત્રીએ જે કહ્યું હતું, એ યાદ આવે છે: “મને લાગે છે કે ભાષા હંમેશા ધીરજપૂર્વક આપણી પ્રતીક્ષા કરે છે કે ક્યારે આપણે એની સાથે જોડાઈએ, ક્યારે એની સાથે ક્રીડા કરીએ, એના અવયવોને નવેસરથી ગોઠવીએ, અને કંઈક અલગ-વિચિત્રનું સર્જન કરીએ. કવિતા સાથે ‘વાટાઘાટો’ કરવામાં કશું ખોટું નથી- એ કંઈક કહેશે, તમે કંઈક કહેશો, તમે કહેશો હા! અથવા કહેશો ઓહ ના, પણ આપ બંને ભેગા મળીને એક સંપૂર્ણ અનુભૂતિ સર્જો છો.” શબ્દોની સાથે ક્રીડા કરી નવી જ ભાષા, નવું વ્યાકરણ સર્જી શકે એ સર્જક જ કહી શકે કે ચિંતન મારું જન્મજાત માધ્યમ છે. કવિતામાં આગળ જતાં આ ‘અલગ’ તરી આવતી ભાષાક્રીડા જોવા મળશે.

એમની પાસે સિલકમાં કેવળ કેટલીક નોંધ જ બચી છે. અને રાઇટર્સ બ્લૉકનું શિંગુ ફૂંકતી વસૂકાઈ ગયેલી ગાય કેવી અર્થહીન કલમ બચી છે અને ક્યારેક બારીમાંથી આવતી ડુંગળીના ફૂલોની સુવાસ. ડુંગળી નામ કાને પડતાં જ આપણી ઘ્રાણેન્દ્રિય આંખમાં આંસુ આણી દે એવી તીવ્ર વાસથી તરબતર થઈ જાય, પણ અહીં ડુંગળીની વાસની નહીં, ડુંગળીનાં ફૂલોની સુ-વાસની વાત છે. એ મંદ અને મીઠી હોય, સ્મરણ જેવી.

કવયિત્રી કહે છે કે, હું ક્યારેય પહોંચતી નથી. પિતામાં જે સ્થિરતા અને સાતત્ય નજરે ચડે છે, એથી વિપરીત દીકરી જીવનના માર્ગ પર નિત્ય બદલાઈ રહી છે. સ્વયંની ઓળખ હોય કે જાત વિશેની સમજણ- બધું જ અસ્થાયી છે, અનિત્ય છે. ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. સ્વયં અને અન્ય વચ્ચેની ભૌતિકતા બાબત સાધવા પૂરતો ક્ષણિક સંવાદ સાધી લઈ કથક ભીતરને પિછાનવાની મથામણમાં જ પુનઃ રત થઈ જાય છે. જે દેશ એ પાછળ છોડી આવ્યાં છે, એ દેશ કાળાન્તરે એમને ઇચ્છાની જેમ જકડી રહ્યો છે, પ્રતિરક્ષિત કરી રહ્યો છે. નવા દેશની સભ્યતા વચ્ચે નિજની સભ્યતા લુપ્ત ન થઈ જાય એ માટેનું યથાયુક્ત રસીકરણ વતનપ્રેમમાંથી સાંપડે છે. વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. પૂછવામાં આવે તો પોતે ખરેખર શું છે એ બતાવવા સર્જક તૈયાર છે,

પણ અહીં જે નજરે ચડે છે એ તો કેવળ બાપ-દીકરી છે, જેમની વચ્ચે ક્યારેય કોઈ વિરોધ કે ઝઘડા નથી. ‘Here we are, my father and I, never hostile, a small offering’ –વ્યાકરણની દૃષ્ટિએ ચાર ટુકડામાં વહેંચાયેલ આ વાક્ય સહેજ અટપટું લાગે છે, પણ સવિશેષ અટપટો પ્રયોગ છે ‘નેવેર હોસ્ટાઇલ.’ કવિતામાં આગળ ‘faithless’ શબ્દ વપરાયો છે. આ બંને શબ્દ કવિતાના સળંગ માળખાબહારના –આગંતુક હોવાનું અનુભવાય છે. જે કામઢા પિતાને ધ્યાનપૂર્વક નિહાળતાં સર્જક માટે આત્મનિરીક્ષણનો દરવાજો ખૂલે છે, એમની સાથેના સંબંધમાં આ શબ્દોનો ઉપયોગ આશ્ચર્યજનક તો લાગે, પણ સર્જકે સહેતુક કર્યો જણાય છે. બે જણ વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો જ ન હોય તો એ વાત ઉલ્લેખવાની આવશ્યક્તા પણ ઊભી થતી નથી. પણ બાપ-દીકરીને પરસ્પર ક્યારેય કોઈ વાંધાવચકા પડતા ન હોવાની વાતનો આયાસપૂર્વક કરાયેલ ઉલ્લેખ બે જણ વચ્ચેના અંતરને તો સ્થાપિત કરે જ છે. ગામડાથી વિરુદ્ધ શહેરોમાં અને ચીન જેવા દેશોથી વિરુદ્ધ અમેરિકા જેવા ભૌતિકતમ દેશમાં માનવીય સંબંધોની ઉષ્માનો શૂન્યાવકાશ બહુ મોટી સમસ્યા છે. બંને ઉભયને ચાહે છે, પણ વિસ્થાપન અને અમેરિકી સંસ્કારના પ્રતાપે સહેજ અંતર પણ અનુભવે છે. પરિવારમાં બાપ-દીકરી સિવાય કોઈ છે કે કેમ એ વિશે કવયિત્રીએ કોઈ ચોખવટ કરી નથી, પણ એ આવશ્યક પણ નથી. વતનથી વિખૂટા પડેલ બંને જાણે છે કે તેઓ જ એકમેકનો ખરો અને એકમેવ સધિયારો છે. રસોડાના મેજ પર સુશોભનાર્થે થોડાં ફૂલ કાપીને સજાવાયાં છે. કવયિત્રી મુખર થઈને કહે છે કે મધ્યમવર્ગીય કુટુંબમાં જરૂરિયાત કરતાં થોડી વધારાની આવક થવા માંડે ત્યારે આ પ્રકારની ‘લક્ઝરી’ પોષાય.

સર્જક કહે છે કે હજીય સંભવ છે. આપણને સવાલ થાય કે શું સંભવ છે? કવયિત્રી જવાબ આપવાના બદલે સામો સવાલ મૂકે છે: શું હું જીવી રહી છું? શું હું પુનરીક્ષણ-રિવિઝનને મારો દૈવ ગણું છું? ઉપર આપણે ‘અલગ’ તરી આવતી ભાષાક્રીડાનો ઉલ્લેખ કર્યો હતો એ અહીં પ્રત્યક્ષ જોઈ શકાય છે. અરુઢ વાક્યપ્રયોગોની સાથે સાથે પિતાજીને બાગમાં કામ કરતાં જોઈને ધ્યાનમાં સરી પડેલ કવયિત્રીનું ભીતર બહાર આવી રહ્યું છે એ વાત પણ ધ્યાનમાં રાખીને આપણે આખી કવિતાને આસ્વાદવાની છે. થોડી વાર પહેલાં પોતાના અસ્થાયીપણાના સ્વીકાર સાથે પોતે ક્યાંય પહોંચતી ન હોવાનો સ્વીકાર કરનાર સર્જક એ વાત પણ સ્વીકારે છે કે હા, પોતે પુનર્સુધારણા-પુનરાવલોકનનો જીવનના સૂત્રધાર તરીકે સ્વીકાર પણ કરે છે અને સાથોસાથ પોતાના જીવંત અસ્તિત્ત્વનો પણ!

આજ પૂરતું કામ પતાવી પિતા ઓજારો ઘસડીને ઘર ભીતર લાવી રહ્યા છે. એમનું માથું મહેનતના પસીનાથી ચળકી રહ્યું છે, પણ હોઠો પર સ્મિત છે. વળી આ સ્મિત કાયમી છે. જીવનની ગમેતેવી હાડમારીમાંય પિતાના ચહેરા પરનું આ સ્મિત અણનમ રહ્યું છે. કવિ પિતાને શ્રદ્ધાહીન કહે છે. પિતા માટે વપરાયેલ પ્રથમ નકારાત્મક શબ્દ! કદાચ આ શ્રદ્ધાહીનતા ઈશ્વરના સંદર્ભમાં હોઈ શકે. અમેરિકન સભ્યતા બાબતે પણ હોઈ શકે, કે વિદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા અંગેય હોઈ શકે, પણ અગત્યની વાત એ છે કે વિદેશની ભૂમિ પર પણ પોતાની દીકરી બાકી બચેલા સમયમાં જે કંઈ પણ બની શકે એની જાળવણી બાબતે તેઓ સતર્ક છે. શ્રદ્ધાહીન વિશેષણના કારણે દીકરીના ભવિષ્ય બાબતની પિતાની શ્રદ્ધા અને જાગરુકતા વચ્ચેનો વિરોધાભાસ વધુ તીવ્ર બને છે. પોતાના આ ચીની પિતાના નામ પર કવયિત્રી આમીન કહે છે, પરિણામે શ્રદ્ધાહીનતા અને શ્રદ્ધા વચ્ચેનું એક વર્તુળ પણ સંપૂર્ણ થાય છે અને કાવ્ય પણ.

પિતાજીનો ધર્મ, ઈશ્વર અને આસ્થા બધું એનો પરિવાર જ છે. વતનમાં કદાચ માથે હાડમારીઓના ડુંગરાઓ તૂટી પડ્યા હશે કે વતનમાં વિકાસની તકો ધૂંધળી દેખાઈ હોય એય બનવાજોગ છે. એય સંભવ છે કે વતનમાં કદાચ તકલીફ નહીં હોય, પરંતુ જે રીતે આખી દુનિયાને અમેરિકામાં પોતાનું ભવિષ્ય વધારે ઉજળું દેખાય છે, એ રીતે કુટુંબનું ઉજ્જ્વળ ભાવિ ભાખીને તેઓએ નિર્વાસિત જીવન અપનાવ્યું હોય. કારણ ગમે તે હોય, પરિવાર માટેની એમની નિષ્ઠા બાબતે રતીભાર પણ શ્રદ્ધાહીન થઈ શકાય એમ નથી. અમેરિકા આવીને તેઓ ચીવટાઈથી નિંદામણ તો મૂળિયાસોત ઉખાડી રહ્યા છે, પણ સંતાનોના મૂળ વતન સાથેનાં મૂળ ઉખડી ન જાય એની સતર્કતા પણ સેવે છે.

વિદેશમાં નાયિકાને વર્તમાન અને ભાવિ બંને વિશે અવઢવ છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. રહી રહીને એને પોતાના અસ્તિત્વ અંગે પણ શંકા જન્મે છે, પરંતુ પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે. નિજ વિરાસતના દાયરામાં રહી સ્વયંની ખોજ તથા ભૂતકાળનું સન્માન કરવા સાથે વર્તમાન પરિસ્થિતિને સુસંગત પરિવર્તન અને પુનરાવર્તનને વિકાસનો ભાગ માનવાની સમજણ સુધીનો ચેતોવિસ્તાર એ આ કવિતાનો અર્ક છે. પ્રથમદર્શી સામાન્ય લાગતા સંબંધ સ્નેહના પવિત્ર અર્ઘ્યમાં પરિણમે એનું નામ જ પરિવાર. પરિવાર એટલે વસૂકાઈ ગયેલી કલમ પર ખીલતી પ્રેમ અને સ્વાર્પણની સાચી કવિતા…

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત

‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.

શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.

‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.

મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં મોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.

શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.

સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.

પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.

કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.

જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.

એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.

શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-

શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,

અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.

ગ્લૉબલ કવિતા: પતિની પ્રેમિકાને નામ – રશ્મિ ભારદ્વાજ (હિંદી)

पति की प्रेमिका के नाम

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज


પતિની પ્રેમિકાને નામ

વિચારું છું કે તારા પર એક ઘર તોડવાનો આરોપ મૂકું,
કે પછી એ પુરુષના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને
ભરવાનું શ્રેય આપું,
જે ઘરગૃહસ્થીની જંજાળોમાં
મારા પ્રેમને કદાચ યથોચિત સ્વીકારી શક્યો નહોતો,
તારી અને મારી વચ્ચે
એકબીજા સાથે બંધાયેલ રહેવા માટે ઘણાં કારણો હતાં
આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં
જે મને રિક્ત કરીને
સ્વયંને તારામાં ખાલી કરી રહ્યો હતો

તારી પાસે જે આવ્યું હતું
તે તો મારા પ્રેમનો શેષ ભાગ હતો,
અમારા સંબંધની બચીકૂચી
ઇચ્છાઓનું પ્રેત,
હર પળ મારા જેવા નહીં થવાની ચેષ્ટામાં
હું જ તારી અંદર ઉપસ્થિત રહેતી હોઉં અને
એણે કહેલ વાર્તાઓના પડછાયા
છેક તારા બિસ્તર સુધી પહોંચી જતા હોય
એ પરિસ્થિતિ તારા માટે કેટલી મુશ્કેલ રહી હશે, નહીં?

મારાથી અધિક આકર્ષક
અધિક પ્રેમાળ
અધિક ગુણિયલ થવાની અઘોષિત ચેષ્ટામાં
તું સ્વયંને જ ગુમાવતી રહી
અને મારી પાસેથીય મારું બધું જ છીનવાઈ ગયું
ત્યારે છેક હું જાતને શોધવા નીકળી.
આપણે પરસ્પરને પેટ ભરીને ગાળો ભાંડી
એકબીજાના મરવાની દુઆઓ પણ કરી,
આપણી વચ્ચે એક પુરુષના પ્રેમનો જ નહીં,
ઘૃણાનોય અતૂટ સંબંધ હતો.

મારી પાસે હતા
પ્રેમનો ભૂતકાળ,
એક વીતી ગયેલ ઉંમર
અને વીતતી જતી કાયાની સાથે
એના પ્રેમના પ્રતીક સમું
એક જીવન

તારી પાસે હતા
પ્રેમનો વર્તમાન
યૌવનનો ઉન્માદ
દેહનું સમર્પણ
નિજના રૂપનો ઘમંડ
અને મારા માટે એક પડકાર

પણ આપણું ભવિષ્ય તો આપણે બંને જણે
કોઈ બીજાને જ સોંપી દીધું હતું

હોવું તો એમ જોઈતું હતું કે તું મારા અતીત
અને હું તારા વર્તમાનના
સહિયારા દુઃખને વાંચી શક્યાં હોત
કાશ કે આપણે દુઃખોથી પણ બંધાયા હોત

– રશ્મિ ભારદ્વાજ (હિંદી)
(અનુ.: વિવેક મનહર ટેલર)


પતિ, પત્ની ઔર વો – એક શાશ્વત વિષમબંધ!

લગ્નજીવનમાં સૌથી વજનદાર શબ્દ કયો? પ્રેમ? ના, વફાદારી. જીવનસાથી કદરૂપો હોય કે નિર્ધન, કમજોર હોય કે કમઅક્કલ, લાંબો-ટૂંકો, જાડો-પાતળો કે ઉંમરલાયક હોય –આ બધુંય કદાચ ચાલી જાય, પણ વફાદાર ન હોય તો? પ્રેમના અઢી અક્ષરના અભાવે નહીં તૂટ્યાં હોય એટલાં લગ્નજીવન વફાદારીના ચાર અક્ષરના અભાવે તૂટ્યાં હશે. પરસ્ત્રીના કારણે પતિ-પત્ની વચ્ચેનો સમ-બંધ વિષમ-બંધ બની જાય એ સમય ત્રણેય પાત્ર માટે કપરો ને અથરો બની રહે છે. ઐતિહાસિક તથ્યોને કોરાણે રાખીને પેશ્વા બાજીરાવના જીવનમાં આવેલ મસ્તાનીને કાશીબાઈએ શું કહ્યું હશે એની કલ્પના ફિલ્મ બનાવનાર જે રીતે કરે, એ જ રીતે એક પત્ની પોતાની શોક્યને શું કહેવા માંગતી હશે એ વાત કરતી કવિતામાં આજે જોઈએ.

રશ્મિ ભારદ્વાજ. કવિ, અનુવાદક, સંપાદક, રચનાત્મક ગદ્યકાર, પટકથા લેખક. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૩ના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં જન્મ. અંગ્રેજી સાહિત્યમાં એમફિલ, પીએચડી. પત્રકારત્વમાં ડિપ્લોમા. એકાધિક યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા રહી ચૂક્યાં છે. એકાધિક પુસ્તકો. અનેક પુરસ્કારો અને પારિતોષિકોથી સન્માનિત. હિંદી વેબસામયિક મેરાકી (merakipatrika.com)ના સંપાદક. હાલ, ગાઝિયાબાદમાં પોતાની પુત્રી સાથે રહે છે.

વિધવિધ ભાષાની કવિતાઓનો અનુવાદ તો બરાબર, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદી ન સમજાય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. ‘પતિની પ્રેમિકાને નામ’ કવિતામાં ભાષા કેવળ ઊર્મિવહન પૂરતી જ ખપમાં લેવાઈ હોવાથી શબ્દાવલિ એટલી સરળ છે કે કવિતાનો અનુવાદ કરવાના બદલે યથાતથ આસ્વાદવામાં જ મજા આવે. પણ પછી મગજના નાનકડા ખંડમાં પ્રકાશ થયો કે બોલીથી પરિચિત હોવું અલગ વાત છે, અને લિપિની ઉકલત હોવી અલગ. વિદેશ તો ઠીક, પણ આજની તારીખે ગુજરાતમાં જ ગુજરાતીઓની એક આખી પેઢી એવી છે, જેમને ગુજરાતી લખતા-વાંચતા આવડતું નથી. એટલે દેવનાગરી લિપિ લખવા-વાંચવામાં અક્ષમ કે નબળા ગુજરાતીઓના હિતાર્થે પણ આ રચનાનો તરજૂમો કરવો જ રહ્યો. બીજું, એ નિમિત્તે રચના બાબત બે’ક વાત પણ થાય.

‘પતિની પ્રેમિકાને નામ’ – આ વિષય પ્રમાણમાં ખૂબ ઓછો ખેડાયેલ છે. સુષ્ઠુ-સુષ્ઠુ વાતોથી ટેવાયેલ ગુજરાતી કવિતાને તો કદાચ વિષય જોઈને જ મૂર્ચ્છા આવી જાય. પતિના પરસ્ત્રી સાથેના શારીરિક સંબંધથી વાકેફ પત્ની પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૈયું ખાલી કરે છે. સર્જકે આ ઇતર સ્ત્રી માટે ‘પતિની પ્રેમિકા’ સંબોધન વાપર્યું છે, એ જોયું? આપણો શબ્દકોશ તો આ બાબતમાં ઘણો ધનાઢ્ય છે- શોક, શોક્ય, સોતન, સપત્ની, પરકીયા, ઉપવસ્ત્ર, ઉપરણું, છિનાળ, કુલટા, રખાત, ઉપપત્ની વગેરે. (પત્નીના જીવનમાં પ્રવેશેલ ઇતરપુરુષ માટે આવા વિશેષણ ખરા?) જેના કારણે પોતાની જિંદગી શૂન્ય થઈ છે એને સંબોધતી વખતે પણ પત્ની નિજની ગરિમા અને સૌજન્ય ચૂકતી નથી. એટલે જ પુરુષોએ બનાવેલ સેંકડો વિશેષણોમાંથી એકેયને પસંદ ન કરતાં પ્રેમ શબ્દ જેનું મૂળ છે, એવું વિશેષણ –પ્રેમિકા- જ એ એના માટે વાપરે છે.

નિજનું ઘર ત્યજી અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને સ્ત્રીએ જે પુરુષ સાથે નવું ઘર વસાવ્યું હોય એ અવર સ્ત્રીનું પડખું સેવતો થઈ જાય ત્યારે ભીતર થતા વલોવાતને કઈ રીતે ને કેટલો વ્યક્ત કરવો એની મથામણમાં એ છે. પતિને પ્રાપ્ત કરનાર સ્ત્રી સમક્ષ હૈયાવલોણું ફેરવવાની મંશા હોવાથી શું કહેવું ને કેમ કહેવુંનો વિચાર કરવો પડે એ સ્વાભાવિક છે. એ વિચારથી જ કાવ્યારંભ પણ થયો છે. પત્ની વિચારે છે કે સામી સ્ત્રી પર પોતાના ઘરને તોડવાનો આરોપ મૂકવો જોઈએ કે પોતાના લાખ વાનાં છતાં પતિના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને અભરે ભરી દેવાનું શ્રેય આપવું જોઈએ. કેવી સમતુલિત મનોસ્થિતિ! શીર્ષકમાં પતિ શબ્દ વાપરી લીધા બાદ સમગ્ર કૃતિમાં નાયિકા પતિ માટે ‘એ પુરુષ’ સંજ્ઞા જ પ્રયોજે છે, એના પરથી પતિ-પત્ની વચ્ચે આવી ગયેલ અંતર વર્તાય છે. સાચી જગ્યાએ સાચો શબ્દ વાપરી શકે એ જ સારો કવિ.

પુરુષનું હૃદય ખાલી રહી ગયાનું કારણેય આ સ્ત્રી સમજે છે. સ્ત્રીએ તો કશું બાકી નથી રાખ્યું, પણ પુરુષ જ ઘરગૃહસ્થીની જંજાળોમાં ફસાયેલ રહેવાથી એના પ્રેમને યથોચિત પામી ન શક્યો. નિષ્ફળતાનું કારણ સ્વયંની વ્યસ્તતા હોવા છતાં પુરુષ બીજી સ્ત્રી પાસે જઈ પહોંચ્યો. બીજી સ્ત્રી સાથેનો સંબંધ જે હોય તે, પણ પળોજણો અને જવાબદારીઓથી મુક્ત હોવાથી પુરુષને પોતાની પ્રેમની તરસ ત્યાં છિપાતી હોવાનું અનુભવાય છે.

લગ્ન નામની સંસ્થાની સ્થાપના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધોની પણ શરૂઆત થઈ હશે, કારણ કે જૈવિક રીતે તો મનુષ્ય એક પ્રાણી જ છે, અને પ્રાણીઓમાં એકપત્નીત્વ કે એકપતિત્વની વિભાવના ભાગ્યે જ જોવા મળે છે. લગ્ન સામાજિક વ્યવસ્થા ખરી, પણ એ નૈસર્ગિક બંધન નથી, અકુદરતી છે. લગ્નના કારણે પરિવાર અને સમાજ સુદૃઢ અને સુગ્રથિત રહે છે એ સાચું, પરંતુ છે તો જીવનભર માટેનું બંધન જ, સ્વ-ભાવ નહીં. કદાચ આ જ કારણોસર નાનામાં નાના અસંતોષની કાંડી લગ્નના વસ્ત્રમાં આગ લગાડવાને સમર્થ બની રહે છે. કાળા માથાના માનવી તો ઠીક, આપણા દેવતાઓ પણ વિવાહેતર સંબંધોથી પર નથી રહી શક્યા. દેવરાજ ઇન્દ્ર અને અહલ્યાનો પ્રસંગ તો જાણીતો છે જ, એ સિવાય પણ સુંદ-ઉપસુંદના વિનાશાર્થે સર્જાયેલી તિલોત્તમાના રૂપથી ઘેલા થઈ ઇન્દ્રએ હજાર આંખો વિકસાવી હતી. સિંહાસનને સાચવવા માટે ઇન્દ્ર રંભા, મેનકા વગેરે અપ્સરાઓને કામમાં પણ લેતા. સપ્તર્ષિઓની પત્ની માટે અગ્નિદેવને આકર્ષણ થયું, ત્યારે સ્વાહા દેવીએ વારાફરતી છ ઋષિપત્નીઓનું રુપ ધારી અગ્નિ સાથે સંયોગ કર્યો હતો, જેના ફળસ્વરૂપે કાર્તિકેય/સ્કંદનો જન્મ થયો હતો. રોહિણી સહિત સત્તાવીસ પત્ની હોવા છતાં ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાના પ્રેમમાં પડતા દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. પાછળથી તારાએ ચંદ્રના પુત્ર બુધને જન્મ પણ આપ્યો હતો. યયાતિ અને શર્મિષ્ઠાનો દાખલો તો ખૂબ જાણીતો છે. પિતાના રાજકીય હિતોની જાળવણીને ખાતર દેવયાનીની પરિચારિકા તરીકે જીવન વિતાવતી રાજકુમારી શર્મિષ્ઠા દેવયાનીના પતિ યયાતિ સાથેના લગ્નેતર સંબંધથી ત્રણ સંતાનોની માતા બની હતી. મહાભારતના સમભાવપર્વમાં શર્મિષ્ઠા યયાતિને કહે છે: ‘હે સમ્રાટ, મિત્રનો પતિ અને પોતાનો પતિ એક જ ગણાય, સખીના લગ્ન એ પોતાના લગ્ન જ ગણાય. મારી સખીએ તમને પતિ તરીકે પસંદ કર્યા, એટલે તમે મારા પણ પતિ. હું દેવયાનીની દાસી છું. દેવયાની તમારી છે, અટલે દેવયાનીની બધી ચીજ તમારી ગણાય. માટે મારો ઉપભોગ કરો.’

લગ્નસંસ્થા ગમે એટલી પવિત્ર કેમ ન ગણાતી હોય, સમાજ કદી લગ્નબાહ્ય સંબંધથી મુક્ત રહી શક્યો નથી. રામ જેવા રામે અગમચેતી ખાતર સીતાને અગ્નિપરીક્ષા માટે ફરજ પાડી હતી, અને એટલું ઓછું હોય એમ ધોબી જેવા અલ્પમતિ નાગરિકની ટિપ્પણીથી દોરવાઈને રાજનિકાલ પણ દીધો હતો. મનુસ્મૃતિમાં તો સ્ત્રી ક્યારેય સ્વતંત્ર થવા યોગ્ય નથી અને એમને કુટુંબના પુરુષોએ તાબામાં જ રાખવી જોઈએ એ પ્રમાણેના અનેક શ્લોકો ભર્યા પડ્યા છે. પણ તમામ શાસ્ત્રો-પુરાણોની જેમ એય પુરુષોનું જ સર્જનને! પરાપૂર્વથી સમાજ પર પુરુષોનું જ આધિપત્ય હોવાથી શાસક વર્ગ તથા ઉપરી વર્ગોમાં બહુપત્નીત્વ અને લગ્નેતર સંબંધોની ભરમાર જોવા મળે છે. આમ્રપાલી અને વસંતસેના જેવી ગણિકાઓનો સમાજમાં મોભો હતો. પુરાણકથા હોય કે સમાજ, કઠોરતમ સજા પણ બહુધા સ્ત્રીઓને જ ભોગવવાની આવતી, કારણ વફાદારી હોય કે સમર્પણ-બધામાં પુરુષપ્રધાન સમાજનો પ્રભાવ કાયમી રહેતો. ‘પ્રેમ મેં સ્ત્રી’ કવિતામાં કવયિત્રી લખે છે: ‘એ એટલી મુક્ત છે/ કે એને બાંધવી/ મતલબ ખોઈ દેવી/ એ એટલી બંધાયેલ છે/ કે ચાહશે કે એના હર શ્વાસ પર/ અંકિત હોય તમારું નામ…. …એ સ્ત્રીનું ગર્વોન્નત મસ્તક/નમશે માત્ર તમારા માટે/ જ્યારે એ જાણી જશે/ કે એના પ્રેમમાં/ શીખી ચૂક્યા છો તમે/ સ્ત્રી થવાનું.’

પુનઃ આજની કવિતા તરફ વળીએ. પતિના વ્યાભિચારથી દુભાયેલી પત્ની પ્રેમિકાને કહે છે કે આપણા બેની વચ્ચે એકમેક સાથે જોડાયેલ રહેવા માટે અનેક કારણો હતા. આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં જે એક તરફ મને ખાલી કરી રહ્યો હતો, અને બીજી તરફ તારામાં ખાલી થઈ રહ્યો હતો. લગ્નેતર સંબંધ માટે કેવી સચોટ વક્રોક્તિ! ‘હો રામ! ચુન-ચુન ખાએ’ કાવ્યમાં કવયત્રિ લખે છે, ‘જ્યાં સુધી સ્વામીને આધીન છો/ લક્ષ્મી, અન્નપૂર્ણા,/ રાજમહિષી છો,/ આંગણામાં બંધાઈને અનાજની જાળવણી કરતાં રહો/ તમને આજીવન મળતાં રહેશે/ પેટભર અન્ન, હૃદયભર વસ્ત્ર-શૃંગાર/ પરપુરુષોથી સુરક્ષા/ તમારા માટેના અનાજના હર એક દાણા પર આ જ શીખ કોતરાયેલ છે.’ કોઈક પળે નાયિકા આ ‘શીખ’ ચૂકી ગઈ હશે, શું એટલે જ આ પુરુષ બીજી સ્ત્રી તરફ વળ્યો હશે? ઉડિયા ભાષાના કવયિત્રી બ્રહ્મોત્રી મોહંતીના ‘આત્મવંચના’નો કાવ્યાંશ જોઈએ:

…નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
(અનુવાદ: જયા મહેતા)

પ્રેમિકાના નસીબમાં જે આવ્યું છે, એ અક્ષુણ્ણ કે સંપૂર્ણ –બેમાંથી કશું નથી, વરસોના લગ્નજીવન બાદ નાયક પરસ્ત્રી સાથે જોડાયો છે, ત્યારે એની પાસે આપવા માટે એવું કશું જ નથી બચ્યું જે લગ્નજીવનની છાંટ વિનાનું હોય. શેરડીમાંથી રસ કાઢતાં બચતો કૂચો જ તો! પ્રેમિકા માટે પણ આ સંબંધ પળ-પ્રતિપળનો પડકાર છે. ડગલે ને પગલે પ્રેમીની પત્નીથી અલગ અને ઊંચું વ્યક્તિત્વ સિદ્ધ કરતા રહેવાનું આહ્વાન હકીકતમાં તો પળેપળ પ્રેમીની પત્ની સાથે રહેવા બરાબર જ છે. પત્ની કંઈ શોકનો ખાટલો તો ન જ પાથરી આપે, પણ શોક પોતાના બિસ્તરમાં સતત એની ઉપસ્થિતિ અનુભવતી હશે એ પરિસ્થિતિની વિકટતાનો પૂરો અંદાજ એને છે. ત્યક્તા નાયિકાની સહૃદયતા કેવી સ-રસ રીતે ઉપસી આવી છે! ઉદયન ઠક્કરનું ‘અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત’નો એક બંધ આ તબક્કે સ્મરે છે. પ્રેમિકા પોતાના બિસ્તરમાં પત્નીને અનુભવે એ જ રીતે પત્ની પણ પ્રેમિકાને અનુભવતી હશે ને?-

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

બિનશરતી પ્રેમસાગરમાં સુખની નૌકામાં વિહાર કરવાના અરમાન તો કોરાણે રહી ગયાં. ઊલટું, દરેક રીતે પ્રેમીની પત્નીથી ચડિયાતા સાબિત થવાની અઘોષિત ચેષ્ટામાં પ્રેમિકા સ્વયંને ખોઈ બેઠી, અને કાવ્યનાયિકા પણ સંપૂર્ણપણે લૂંટાઈ ગયા બાદ સ્વયંનો સાક્ષાત્કાર કરવા નીકળી છે. બંને સ્ત્રીઓ વચ્ચે આય એક સમાનતા છે. રીત અને કારણ અલગ-અલગ પણ બંને જણ જાતને ગુમાવી બેઠાં છે. કલાપી-રમા અને શોભનાના સંબંધમાં પણ આવું જ થયું હતું ને? લાખ વાનાં છતાં અને ‘એકને ચાહતું તેણે બીજાને નવ ચાહવું! એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!’ કહેવા છતાં કલાપી શોભનાના પ્રેમથી વિરક્ત રહી નહોતો શક્યો. એણે તો બંનેને ચાહવાની કોશિશ પણ કરી હતી-

તુને ન ચાહું ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહીં તો નવ કોઈને હું.

રશ્મિ ભારદ્વાજની આ કૃતિ સ્વપ્નપ્રદેશના ગુલાબી ફુગ્ગા પર નહીં, વાસ્તવિક્તાના અંગારાઓ ઉપર લખાયેલ છે. પત્નીની સહૃદયતા એની તકલીફો અને સ્વની ઓળખ ગુમાવી દીધા બાદ જન્મી છે. બંને સ્ત્રીઓએ પરસ્પરને ખૂબ ગાળોય ભાંડી છે, ને એકમેકના મરવાની દુઆઓ પણ કરી છે. ઉભય વચ્ચે ઘૃણાનો અતૂટ સંબંધ હતો. ખલિલ ધનતેજવીનો આ શેર પત્ની જીવી ચૂકી છે:

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

આ બાબતે સાચો પણ અલ્પસ્વીકૃત એક મત આવો પણ છે-

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

બંને સ્ત્રીઓ પાસે શું બચ્યું છે એની નાની પણ રસપ્રદ યાદી સર્જકે આપી છે. પત્ની પાસે પ્રેમનો ભૂતકાળ, વીતી જતી વય અને પતિના પ્રેમની નિશાની સમું એક સંતાન –જેના માટે સર્જકે ‘એક જીવન’ શબ્દપ્રયોગ કર્યો છે એ વાત ફરી ધ્યાન ખેંચે છે. પતિના પરભાર્યાગમનના પ્રતાપે પત્નીનું જીવન ખાલીખમ બની ગયું છે, પણ પોતાના ભૂતકાળના ભવ્ય પ્રેમની નિશાની સમા બાળકમાં એને ‘જીવન’દર્શન થાય છે. પ્રેમિકાની યાદીમાં છે- પ્રેમનો વર્તમાન, યૌવનનો નશો, શરીરનો સિક્કો, રૂપનું અભિમાન અને પત્ની માટે પડકાર. કારણ બંને સ્ત્રીઓએ પોતાના ભવિષ્યની બાગદોર કોઈ બીજાને જ સોંપી દીધી હતી.

પત્ની હૃદય તો ઉલેચે છે, ગરિમા જાળવીને. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે જોડાયેલ છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને ઇતર સ્ત્રીનો પ્રેમી છે. પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની પ્રેમિકાની કોશિશ પણ એને પ્રેમીની પત્ની સાથે બાંધેલ રાખે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ સંકળાયેલ છે અને ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં સોંપી હોવાના તાંતણે પણ સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ દુઃખી છે, પણ એકમેક સાથે દુઃખથી નહીં, નફરતથી જોડાયેલ છે. દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. કારણ પીડાના સ્તરે સંકળાવું મતલબ લાગણીનું સર્વોચ્ચ શિખર સર કરવું. અંતે ૧૮૦ ડિગ્રીનો વળાંક લઈ સોતનની નજરે પ્રેમીની પત્નીનું દર્શન કરાવતું ‘સોતનના ઓરતાનું ગીત’ માણીએ:

દેવીજી! પાય લાગુ, તમે દિલના દ્વાર ખોલો,
સાજણને ગમતું તમને ગમતું ન કેમ, બોલો?

તમે અગ્નિના સાત ફેરે,
અમે સમજણના પાંચ દેરે વર્યાં ને પામ્યાં સૈંયા
તમે છો તરબતર પ્રતિપળ
અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!
તમે સાગર અમે તો ટોયું, પછી શાને આ હડદોલો?

તમે પારિજાત પામ્યા
એ મારી જાત કામ્યા તે મારામાં થોડું ખરતા,
એમાં આ શા ઉધામા?
અમે આમે છંઈ નનામા, પછી શીદ તમે ઝઘડતા?
ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?

કૃતજ્ઞતા યાદી – નેઓમી શિહાબ નાય (અનુ. વિવેક મનહર ટેલર)

Gratitude List

Thank you for insulting me.
You helped me see how much I was worth.
Thank you for overlooking my humanity.
In that moment I gained power.
To be forgotten by the wider world
and the righteous religious
and the weaponized soldiers
is not the worst thing.
It gives you time to discover yourself.

*

Lemons.
Mint.
Almonds roasted and salted.
Almonds raw.
Pistachios roasted and salted.
Cheese.

– Naomi Shihab Nye

કૃતજ્ઞતા યાદી

આભાર તમારો મારું અપમાન કરવા બદલ.
આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.
મારી માનવતાને નજરઅંદાજ કરવા બદલ આભાર.
એ ક્ષણમાં જ મને તાકાત સાંપડી છે.
વ્યાપક વિશ્વ અને સદાચારી ધાર્મિકો
અને હથિયારબંધ સૈનિકો વડે વિસારે પાડી દેવાવું
કંઈ સૌથી ખરાબ બાબત નથી.
એ તમને આત્મખોજ કરવા માટે સમય આપે છે.

*

લીંબુ.
ફૂદીનો.
શેકેલી અને નમકીન બદામ.
કાચી બદામ.
શેકેલા અને નમકીન પિસ્તા.
ચીઝ.

– નેઓમી શિહાબ નાય
(અનુ. વિવેક મનહર ટેલર)

સામાન્યમાંથી અસામાન્ય, સાધારણમાંથી અસાધારણ

આપણી ભાષાના એક લાડીલા યુવાકવિ તાજેતરમાં જ યુરોપની મુસાફરીએ ગયા હતા ત્યારે વિન્ડસરના બસ સ્ટેન્ડ પર એમને એક વૃદ્ધ દંપતી સાથે ભેટો થયો હતો. કવિને નિતનવા સ્થળે અજાણ્યાં માણસો સાથે ગુફ્તેગૂ માંડવાની, અને એ રીતે જે તે સ્થળની સંસ્કૃતિનો તાગ મેળવવાની અને ભાતીગળ માનવમનનો અભ્યાસ કરવાની (કુ)ટેવ તે એ એમની સાથે વાતોએ વળગ્યા. કવિએ આજે આબોહવા બહુ સરસ છે એમ કહ્યું ત્યારે વૃદ્ધાએ કહ્યું, ‘યસ, ટુડે’ઝ વેધર ઇઝ માઇલ્ડ.’ વૃદ્ધે ટાપસી પૂરાવતા કહ્યું કે ‘વી હેવ થ્રી વૉર્મ ડૈડેઇઝ અને થ્રી ઓર્ડિનરી ડેઇઝ ઇન કમિંગ વીક.’ અહીં સુધી તો વાતચીત સામાન્ય હતી. યુરોપ-યુકેમાં હવામાન આપણે ત્યાં હોય છે એટલું સુનિશ્ચિત નથી હોતું, એટલે ઉઘાડવાળા કે હૂંફાળા દિવસોને એ લોકો બંને હાથ ફેલાવીને વધાવી લેતા હોય છે. વૃદ્ધાએ એના પતિને જે જવાબ આપ્યો એમાં કવિને જીવનની અમૂલખ ફિલસૂફી વણી લેવાઈ હોવાનું પ્રતીત થયું. વૃદ્ધાએ કહ્યું: ‘વી હેવ ટુ ટેક વૉટ વી ગેટ.’ આ સ્વીકારમાં કવિને જીવનનો સાર સંભળાયો.

સાચી વાત છે. જે મળે એના સ્વીકારમાં જ જીવનસાર છે. આજની કવિતામાં બહુ સરળ બાનીમાં આ જ વાત કરવામાં આવી છે.

નેઓમી શિહાબ નાય. આરબ-અમેરિકન કવયિત્રી. ૧૨ માર્ચ, ૧૯૫૨ના રોજ જન્મ. પિતા પેલેસ્ટિનિયન નિર્વાસિત અને માતા જર્મન-સ્વીસ માબાપનું અમેરિકન સંતાન. ભાતીગળ સંસ્કૃતિની ભેળસેળની નીપજ હોવું એમના માટે આશિષ બન્યું. એમના સર્જન પર આ સાંસ્કૃતિક તફાવતો અને અનુભૂતિઓનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે. એમના કહેવા મુજબ એમની કવિતાઓનો પ્રાથમિક સ્રોત સ્થાનીય જીવન અને સડકો પર ભટકાઈ જતાં યાદૃચ્છિક પાત્રો છે. સાધારણમાંથી અસાધારણની ખોજ તથા સામાન્ય અવલોકનોને ગહન ચિંતનમાં પ્લોટવાની એમની આવડતના કારણે એમની કવિતાઓ અલગ તરી આવે છે. એમનું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તર્યું છે, પણ એમનું ધ્યાનબિંદુ આંતરિક છે. છ જ વર્ષની વયે કાવ્યલેખન આરંભનાર નેઓમી અસંખ્ય પુરસ્કારો અને સન્માનોનાં હકદાર બન્યાં છે. અત્યારે અમેરિકાના મિસોરી રાજ્યમાં રહે છે.

ગુજરાતી ભાષાની જેમ જ વિદેશી ભાષાઓમાં પણ કવિઓ છંદના બંધનો ફગાવીને ઉન્મુક્ત સ્વૈરવિહાર કરવામાં વિશેષ રસ ધરાવતા જણાય છે. ‘કૃતજ્ઞતા યાદી’ કાવ્ય પણ સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કે અછાંદસ કાવ્ય છે. પંદર પંક્તિની નાનકડી કવિતાને કવિએ નવ અને છ પંક્તિઓના બે વિભાગમાં ફૂદડીની મદદથી દ્વિભાજિત કરી દીધી છે. પ્રથમ ભાગ તો કાવ્યોચિત સરળ અને સહજ બાનીમાં આલેખાયો છે. પરંતુ વાક્યના સ્થાને એક કે એકાધિક શબ્દોથી બનેલ બીજો ભાગ રચનારીતિની દૃષ્ટિએ એ ધ્યાનાર્હ રીતે અલગ તરી આવે છે.

મનુષ્યના મગજની ક્ષમતા અસીમ છે પણ સાથોસાથ એની મર્યાદા પણ અસીમ જ છે. અનુભવો અને અનુભૂતિઓનો સંચય કરવું મનુષ્યને પસંદ છે. જીવનભર માનવી બીજું કંઈ કરે કે ન કરે, પણ સ્મરણો અવશ્ય ભેગાં કરતો રહે છે. નવરાશના સમયે અવારનવાર વિગત સમયના કમરામાં પ્રવેશીને વીતી ગયેલ જીવન સાથે મુખામુખ થતા રહેવું મનુષ્યને ગમે છે. પણ સર્જનહારે સ્મરણ સંચયશક્તિની હારોહાર વિસ્મૃતિનું વરદાન પણ આપણને આપ્યું છે. જે રીતે ઘણી બધી વાતો આપણને યાદ રહી જાય છે, એ જ રીતે ઘણી બધી વાતો આપણે જાણ્યે-અજાણ્યે વિસારે પાડી દેતાં હોઈએ છીએ. બધું જ કાયમ માટે યાદ રહી જાય અને કશું જ ભૂલી ન શકાય તો કદાચ જીવવાનું દુભર બની જાય. ખરી સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે નકામી વાત યાદ રહી જાય અને કામની વાત ભૂલી જવાય. વિસ્મૃતિનું વરદાન અભિશાપ ન બની જાય એ માટેનો હાથવગો રસ્તો છે યાદી બનાવવી તે. યાદી બનાવવી એ આપણા ભૂલક્કડપણા સામે લડવા માટેનો અક્સીર ઈલાજ છે. પરિણામે આપણે જોઈતી વસ્તુઓ, જરૂરી કામકાજ કે યોજનાની યાદી બનાવતા થઈ ગયા. યાદી બનાવી હોય તો વાત નજર સમક્ષ રહે.

કવયિત્રીએ પણ અત્રે આવી જ એક યાદી ઘડી છે. કવિતાના પહેલો ભાગ તો વાક્યોથી બન્યો છે, પણ બીજા ભાગમાં વિશુદ્ધ યાદી છે. પણ આ યાદી એક કવિની, એક સર્જકની યાદી છે, કોઈ સામાન્યજનની નથી, એટલે એ સામાન્યજનથી નોખા ચોતરે ન બેસે તો જ નવાઈ. અને આ અલગાવની આલબેલ તો શીર્ષકમાં જ સ્થાપિત થઈ જાય છે. યાદીમાં લીંબુ, ફૂદીના બદામ જેવી ખાદ્યસામગ્રીઓ જ ખડકાઈ હોવા છતાં એ કોઈપણ ગૃહિણીની યાદી કરતાં જુદી છે, કારણ કે એ કૃતજ્ઞતાની યાદી છે. કવિએ પોતે જે જે વ્યક્તિઓ કે વસ્તુઓ તરફ કૃતજ્ઞતા અનુભવે છે એની એક યાદી તૈયાર કરી છે, અને આ શુષ્ક યાદી કઈ રીતે કાવ્યત્વને વરે છે એ જ આપણે જોવાનું છે.

કૃતજ્ઞતાની આ યાદીની શરૂઆત પણ ‘આભાર’થી જ થાય છે. શીર્ષકમાં પ્રયોજાયેલ અંગ્રેજી ‘ગ્રેટિટ્યુડ’ શબ્દ મૂળે લેટિન શબ્દ ‘ગ્રેટસ’ પરથી ક્રમશઃ ઉતરી આવ્યો છે, જેનો અર્થ પણ ‘આભારી’ જ થાય છે. પ્રથમ પંક્તિ સાવ ટૂંકા વાક્યની બની હોવાથી વાંચવી કે સાંભળવી શરૂ કરીએ ત્યાં તો પૂર્ણવિરામ સુધી પહોંચી જવાય. કવિ કહે છે કે ‘આભાર તમારો મારું અપમાન કરવા બદલ.’

લો! આ વળી શું! અપમાન કરવા બદલ આભાર? પહેલી પંક્તિ જ આપણને વશીભૂત કરી દે છે. પ્રથમ પંક્તિ જ એવી ચોટુકડી છે કે હવે આખી કવિતા વાંચ્યા વિના છૂટકો જ નથી. સામી વ્યક્તિ જે કોઈ પણ હોય, એણે કથકનું અપમાન કર્યું છે અને બદલામાં કથક મનુષ્યસહજ કૃતઘ્નતા દાખવવાના બદલે કૃતજ્ઞતા દાખવે છે. આ અપ્રત્યાશિત દૃષ્ટિકોણના પરિણામે કાવ્યારંભે જ એક રહસ્ય સર્જાય છે. પણ અન્ય કાવ્યોથી વિપરીત કવિ રહસ્યની આ દાબડીને કાવ્યાંત સુધી છૂપાવી કે બળજબરીપૂર્વક બંધ રાખવાની ચેષ્ટા કરવાના બદલે બીજી જ પંક્તિમાં ખોલી પણ દે છે. જે રીતે પ્રથમ વાક્ય શરૂ થતાવેંત અંત સુધી સડેડાટ પહોંચી જાય છે, કંઈક એવી જ રીતે આ રહસ્ય પણ રસાય એ પહેલાં જ એનો સ્ફુટ થઈ જાય છે. આભાર. શા માટે? તો કે, આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.

કવિતા શરૂ થઈ અને તરત જ જાણે કે પૂરી પણ થઈ ગઈ. હવે? હવે આગળ કંઈ બચે ખરું? સામાન્યતઃ તો કવિતા કહે એથી વધુ મૌન રહે. બતાવે એથી વધારે ગોપવે. પણ આ રચનામાં કવિએ ઉલટક્રમ અખ્તિયાર કરી મૌનના સાદૃશ્યે મુખરતા પસંદ કરી છે. રહસ્યસર્જન અને રહસ્યોધાટનની આ ગતિ જો કે કવિતાને વધુ રોચક બનાવે છે, પરિણામે સપાટાભેર ઉદ્ઘૃત થયેલ કાવ્યરસ સૂકાઈ જવાના બદલે સંકોરાઈને વધુ ઘટ્ટ બન્યો જણાય છે. જે માણસે કાવ્યનાયકનું અપમાન કર્યું છે એણે હકીકતે તો એના પર ઉપકાર જ કર્યો છે. આ અપમાનની મિષે જ નાયક પોતાની યોગ્યતાનું ખરું પારખું કરી શક્યો છે. આ અપમાન ન થયું હોત તો કદાચ નાયકને સ્વયં સામે જોવાની તક જ ન સાંપડી હોત યા ઇચ્છા જ ન થઈ હોત. આપણામાંથી મોટાભાગનાની આ જ કહાની છે. અરીસો આપણા માટે વસ્તુતઃ બાહ્યાડંબર પુષ્ટિકરણનું માધ્યમ છે. જ્યારે અને જેટલીવાર આપણે આયનામાં જોઈએ છીએ, આપણી નજર છબી સુધી જ સીમિત રહે છે. અરીસામાં જે નજર આવે છે, એને આપણે ખરેખર જોતાં જ નથી. પણ અપમાનનો તમાચો આપણી સ્નોરકેલર દૃષ્ટિને સ્કુબા ડાઇવર બનાવી દે છે. પરિણામે આપણે સપાટી ભેદીને ભીતરના ભેદ તાગી શકીએ છીએ. તો આના માટે તો અપમાન કરનારનો આભાર જ માનવાનો રહે ને!

બાઇબલ યાદ આવે. કોઈ તમારા ગાલ પર એક તમાચો મારે, તો એને બીજો ગાલ ધરજો. કોઈ તમારો કોટ લઈ જાય, તો એને શર્ટ પણ આપજો. ગાંધીજીએ આ ઉપદેશને જીવનસંદેશ બનાવ્યો હતો. આપણા માટે આમ કરવું બહુ મુશ્કેલ છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી પણ બાઇબલના આ સર્મનને અનુસરતા દેખાય છે. જે લોકોએ કથકની માનવતાને નજરઅંદાજ કરી છે એ લોકોના કારણે જ કથકને શક્તિ સાંપડી છે. કોઈએ પાડ્યા જ ન હોય, તો ઊભા થતા કેમ શીખાય? અવહેલનાથી મોટું કોઈ હથિયાર નથી. ગાંધીજીએ કદાચ આજન્મ દક્ષિણ આફ્રિકામાં રહી વકાલત જ કરી હોત, જો ટ્રેનમાં એમની અવહેલના કરી માલસામાન સમેત એમને ડબ્બાની બહાર ફેંકી દેવાયા ન હોત. અવહેલનાની એ ક્ષણે એક માનવમાં મહામાનવનો જન્મ થયો હતો. મેઘલી અંધારી રાતે રમણે ચડેલી નદી ઓળંગીને પ્રિયાને મળવા ગયેલ તુલસીદાસનું એમની પત્નીએ અપમાન ન કર્યું હોત તો આપણને કદી સંતકવિ તુલસીદાસ સાંપડ્યા ન હોત. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ એમના શિક્ષકે કહ્યું હતું કે એ જીવનમાં કશું જ કરી શકશે નહીં. એમને શાળામાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. તમારી પાસે કલ્પનાશક્તિની ઉણપ છે અને નવા વિચારો નથી એમ કહીને વૉલ્ટ ડિઝનીને અખબારની નોકરીમાંથી પાણીચું અપાયું હતું. તમારો અવાજ બરાબર નથી અને રેડિયો ઉદઘોષક બનવાને તમે લાયક નથી એમ કહી જે વ્યક્તિને બહાર જવાનો દરવાજો દેખાડાયો હતો, એ વ્યક્તિને આજે આપણે અમિતાભ બચ્ચન તરીકે ઓળખીએ છીએ. થોમસ આલ્વા એડિસન, માઇકલ જોર્ડન અને ઓપ્રાહ વિનફ્રે જેવા આવા તો સેંકડો દાખલા આપણી પાસે ઉપલબ્ધ છે.

આ જ વાત અલગ સંદર્ભો સાથે ત્રેવડાવીને કવિ પોતાને જે કહેવું છે એને યથોચિત રીતે અધોરેખિત પણ કરે છે. અલગ-અલગ રીતે કરાતી પુનરોક્તિ ઘણીવાર કાવ્યપ્રાણ બની રહેતી હોય છે. અહીં પણ આ ત્રિરુક્તિ કવિતાના સારને દૃઢીભૂત કરવામાં નિઃશંકપણે મદદગાર નીવડી છે. બાકીની દુનિયા, ધર્મના ઝંડા લઈને ફરતા સદાચારીઓ કે સજ્જ સૈનિકો વગેરે પણ તમારા અસ્તિત્ત્વની નોંધ ન લે અને તમને ભૂલી જાય તો એય વિશ્વની સૌથી ખરાબ બાબત તો નથી જ, કારણ કે કોઈ તમારી નોંધ ન લેતું હોય, કોઈનું રડાર તમારા પર મંડાયેલું ન હોય એ સમયે તમે મોકળા મને સ્વયંની શોધ કરી શકો છો. અંગ્રેજીમાં આને ‘અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ’ (છૂપા આશીર્વાદ) કહે છે. ટૂંકમાં કોઈનાય મંતવ્યોની પરવાહ કર્યા વિના જીવવું અને સ્વયંને કેવળ સ્વયંના જ ત્રાજવે તોળવાની વાત અહીં કરવામાં આવી છે. કોઈનીય કોઈ પણ વાતનું માઠું ન લગાડતાં તમારા તરફ ફેંકવામાં આવેલ દરેક પથ્થરને સ્ટેપિંગ સ્ટોન (ઉન્નતિ માટેનું સોપાન) બનાવતા આપણે સહુએ શીખવાનું છે.

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અહીં સુધીની રચના સાહજિક અને સ્વભાવિક લાગે છે પણ કવિતાનો બીજો ભાગ આશ્ચર્યકારક છે. કવિએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે યાદી રજૂ કરી છે એ ચોંકાવી દે એવી છે- લીંબુ, ફૂદીનો, બદામ, પિસ્તા અને ચીઝ. આવી કેવી યાદી? આવી કેવી વાક્યરચના? આવી કેવી કવિતા? કવિતાના આ બીજા ભાગમાં ઘણાને અ-કવિતા નજર આવે એ બનવાજોગ છે. ઘણાને એમાં કશું વિશિષ્ટ ન દેખાય તથા સહજતા ઓછી અને કૃતકતા વધુ અનુભવાય એ શક્ય છે. પણ છ મહિના પહેલાં આ કવિતા વાંચીને એનો અનુવાદ કરી એને કોરાણે મૂકી દીધા બાદ દર થોડા દિવસોએ એણે મને ફરી પોતાની પાસે બોલાવ્યો છે. આખરે છ-છ મહિનાના પ્રતિકાર બાદ આ રચનાએ મારી પાસે હથિયાર હેઠાં મૂકાવ્યાં અને એનું વિવરણ કરવા માટે મને મજબૂર કરી દીધો. મને આમાં આ રચનાની તાકાત અનુભવાઈ. વિચિત્ર કે અસંબદ્ધ લાગવા છતાં એનો ત્યાગ કે અસ્વીકાર કરી ન શકાયો એ કારણે આ રચના મને ગમી ગઈ છે.

પ્રથમ ભાગમાં બાઇબલ જેવી ઉચ્ચસ્તરીય વાત કર્યા બાદ બીજા ભાગમાં અચાનક સામાન્ય ઘરરખ્ખુ સ્ત્રીની કક્ષાએ કવિતા ઉતરી આવે એમાં જે અભૂતપૂર્વ અને તીવ્ર વિરોધાભાસ છે, એ જ આ કવિતાને વધુ રોચક અને મનનીય બનાવે છે. ઉચ્ચતમ શિખામણને સાવ ક્ષુલ્લક યાદીની અડખેપડખે ગોઠવી દઈને નેઓમીએ વાતને કેવી ધારદાર બનાવી છે! ખાદ્યપદાર્થોની આ ભૌતિક યાદીને પ્રતીક ગણીને એનું અર્થઘટન કરી શકાય પણ એવું કરવાની આવશ્યકતા જણાતી નથી. બદામ શેનું પ્રતીક છે અને પિસ્તા શેનું એ પિષ્ટપેષણ કવિતાને વિશેષ ઉપકારક થાય એમ નથી. મૂળ વાત એ છે કે જેનું જીવન તુચ્છતમ ચીજવસ્તુઓ સાથે સંકળાઈ રહેલ છે, એવી સાવ સામાન્ય સ્ત્રી પણ અપમાન કે અવહેલનાના ઉદ્દીપકથી જીવનની મહાનતમ રાસાયણિક પ્રક્રિયા સિદ્ધ કરી શકે છે. પ્રતિકૂળતાની પરિવર્તનકારી શક્તિ અને એ વડે આત્માન્વેષણની યાત્રા આભારસૂચિના કારણે બખૂબી ઉપસી શકી છે. બીજા ભાગનું અપદ્ય પ્રથમ ભાગના કાવ્યત્વને વધુ તીવ્ર બનાવે છે.

ઝેન વિચારધારાનું પણ આ તબક્કે સ્મરણ થઈ શકે. ઝેન દર્શનમાં રોજમરોજના સાંસારિક કાર્યોને ધ્યાન અને ચેતના વિકસિત કરવા માટે આવશ્યક માનવામાં આવે છે. સાફસફાઈ, રસોઈ, કપડાં ધોવાં વગેરે ઘરેલૂ કામકાજ ધ્યાનાભ્યાસનું માધ્યમ છે. આવાં કામ વર્તમાન ક્ષણ પરત્વે જાગરુકતા વિકસિત કરવામાં તથા વિકર્ષણોથી સ્વયંને બચાવવામાં સહાયભૂત થાય છે. સાંસારિક ગતિવિધિઓ સહેતુક, સાયાસ અને એકાગ્રતા સાથે કરવામાં આવે તો એ એક પ્રકારની પૂજા બની રહે છે. આવાં રોજિંદા કાર્યો પવિત્ર અને અપવિત્ર વચ્ચેનું અંતર દૂર કરવામાં અને સાધારણને અસાધારણ બનાવવામાં ઉત્પ્રેરક બની રહે છે. અન્ય ધર્મોથી વિપરીત ઝેન ફિલસૂફી દુનિયાથી ભાગીને નહીં, પણ નિત્યજીવનમાં લીન થઈને જ્ઞાનપ્રાપ્તિનો બોધ આપે છે. નેઓમીની આભારસૂચિમાંથી પણ આવા જ સૂચિતાર્થો પ્રાપ્ત થાય છે.

ગ્લૉબલ કવિતા : દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub


દરવાજો

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

घूंघट के पट खोल रे, तोहे पिया मिलेंगे।

ભીડ્યાં હો શક્યતાનાં ચસોચસ ભલેને દ્વાર,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.

– કવિઓ આવું કહે ત્યારે બે ઘડી તો આપણને જુસ્સો ચડી જાય, નિરાશાઓ ખંખેરીને લક્ષ્ય તરફ દોટ મૂકવાની હામ પણ થાય, પરંતુ ક્યારેક એવો વિચાર પણ આવે કે શું આવું શક્ય બને ખરું? દરવાજો જ દીવાલ બની બેઠો હોય એવી આકરી પળે સંભાવનાની તિરાડ હાથ લાગે એ શક્ય બને ખરું? ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ કહીને આ વાતનો જવાબ આપી શકાય. કવિતાના કામણટુમણને બાજુએ રાખીએ તોય આપણે એટલું તો સમજીએ જ છીએ કે મોટામાં મોટી મુસીબત પણ ગૂંઠે કોઈક ને કોઈક ઉકેલ તો લઈને જ આવી હોય છે. એવું કોઈ તાળું બન્યું જ નથી, જેને ઉઘાડવાની ચાવી ઉપલબ્ધ ન હોય. પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના દરેક કૂટપ્રશ્નનો ઉત્તર મળે જ મળે. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે, બસ! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.
મિરોસ્લાફ હોલુપ. (ઉચ્ચાર: mɪrɔslaf ɦɔlʊp). કવિનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ હાલના ચેક રિપબ્લિક અને એ સમયના ચેકોસ્લોવેકિયામાં થયો હતો. વ્યવસાયે તબીબ-પેથોલોજીસ્ટ અને ઇમ્યૂનોલોજીસ્ટ. એમની કવિતાઓમાં એમના તબીબીવિજ્ઞાન-સંશોધન સતત અને એ હદે પ્રતિબિંબાય છે કે એને ‘બિલકુલ સમાંતર’ કવિતાઓનું બિરૂદ મળ્યું હતું. સીમસ હેનીએ એમની કવિતાઓને વસ્તુઓને યથાતથ નગ્નાવસ્થામાં, ચામડી નીચેની ખોપડી નહીં, પણ ખોપડી નીચેના મગજને ઉજાગર કરતી કવિતાઓ તરીકે ઓળખાવી હતી, જે સંબંધોના આકાર; રાજકારણ, ઇતિહાસ તથા વિજ્ઞાન; સ્નેહ અને નફરતના લયહિલ્લોળ; વિશ્વાસ, આશા, હિંસા અને કળાની ભરતી-ઓટ પર યથોચિત પ્રકાશ નાંખે છે. વીસમી સદીના વિશ્વના સૌથી નોંધપાત્ર કવિઓમાં એમની ગણના થાય છે. ૧૪ જુલાઈ, ૧૯૯૮ના રોજ પ્રાગ ખાતે નિધન.
પ્રસ્તુત રચના ‘દરવાજો’ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ મુક્તકાવ્ય કે અછાંદસ કાવ્ય છે. કવિતાના પાંચેય ભાગ અનિયત પંક્તિલંબાઈ અને સંખ્યાથી બન્યા છે. મૂળ ભાષાની રચનાના અભ્યાસના અભાવમાં અન્ય કોઈ ટિપ્પણી સંભવ નથી, પણ અનિયમિત પંક્તિલંબાઈ અને અપૂર્ણાન્વયના પરિણામે રચનાને પ્રવાહી ગતિ સાંપડે છે, જે દરવાજો ખોલી અજ્ઞાતમાં આગેકદમ કરવાના કેન્દ્રસ્થ કાવ્યભાવને ધ્વનિત કરવામાં સહાયભૂત છે. શીર્ષક રચનાનો કેન્દ્રસ્થ વિચાર તો રજૂ કરે જ છે, વિચારોત્તેજક પણ છે. દરવાજો શબ્દ બોલતાંની સાથે ભૌતિક દરવાજા સિવાય સંભાવનાઓ, નવીન તકો, નવા અનુભવો અને નૂતન ક્ષેત્રો સાથેના સાક્ષાત્કારની છબી નજર સામે તરવરવા માંડે છે. કાવ્યના શીર્ષક તરીકે વપરાયો હોવાથી દરવાજો એની પેલે પાર જે કંઈ હશે એના સંભવિત મહત્ત્વ અને/અથવા રહસ્યોદ્ઘાટન માટેનું પ્રતીક પણ બની રહે છે.
પાંચમાંથી ચાર બંધની શરૂઆત ‘જાઓ અને દરવાજો ઉઘાડો’થી થાય છે. ચોથા ભાગનો તો અંત પણ એનાથી જ થાય છે. વાતમાં સૂચનાનો સૂર પ્રધાન છે, અને વિનંતીનો ભાવ ગૌણ છે પણ પાંચ-પાંચવારની પુનરુક્તિના વિનંતી અથવા સૂચનનું આદેશમાં રૂપાંતરણ થાય છે. જો કે આ આદેશમાં સત્તાનો રણકો ઓછો અને આત્મીય આગ્રહ વધુ છે, કારણ કે એની હારોહાર જ કવિતામાં ‘કદાચ’ અને ‘ભલે’નો મૃદુ ધ્વનિ પણ રણકે છે. જોરમાં હડસેલ્યા પછી સ્પિંગવાળો દરવાજો આપોઆપ થોડો સમય કિચૂડ કિચૂડ અવાજ સાથે ખૂલ-બંધ થતો રહે એ દરમિયાન નજરે ચડી-ચડીને ગાયબ થઈ જતા પેલે પારના દૃશ્યને જોવાની તાલાવેલી વધતી જાય, એ જ રીતે એક જ સૂચના વારંવાર અપાતી હોવાના કારણે દરવાજા બહારની વસ્તુનો તાગ મેળવવા ભાવક વધુને વધુ આતુર બને છે. કારણ, જે દેખાય છે એના કરતાં જે નથી જોઈ શકાતું એના વિશેની ઉત્સુકતા કાયમ વધુ જ હોવાની. ગોચર કરતાં અગોચર જ આપણને વિશેષ આકર્ષે છે.
સરળતમ શબ્દાવલી અને સહજ ભાવાભિવ્યક્તિના કારણે રચના આમ તો સ્વયંસ્પષ્ટ છે, પણ હરદમ તોફાની સમુદ્ર ખેડવાના રોમાંચમાં રાચતું મન ક્યારેક શાંત તળાવમાં નૌકાવિહાર કરવાને પણ લલચાય એ ન્યાયે આજે સરળતા અને સહજતાને આસ્વાદવાનો ઉપક્રમ રાખીએ. કથકના સૂચનાદેશ પરથી એ વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે કે દરવાજો ઉઘાડવાનું કામ દુભર નથી. દરવાજે તાળાં માર્યાં હોય કે નકૂચો કટાઈને જામી ગયો હોય અથવા મિજાગરા જ કામ કરતાં ન હોય એવી કોઈ વિટંબના આ દરવાજો આપણને આપનાર નથી. દરવાજો આપણી નજર સમક્ષ જ છે, અને ઉઘડવાને તૈયાર જ છે. જરૂર છે આપણે આપણું સ્થાન ત્યજવાની અને દરવાજા તરફ ગતિ કરવાની. આખી વાત તૈયારી અને પ્રયત્ન ઉપર જ ટકી છે. જિંદગીનું પણ શું એવું જ નથી? જિંદગી તો રહસ્યસ્ફોટ કરવા તત્પર જ છે, આપણે ઊભા થઈને દરવાજા તરફ જઈ એને ઉઘાડવાની કોશિશ કરવાની છે, બસ.
સમગ્ર કાવ્યરચના એક જ ઘરેડમાં છે. ક્યાંય કોઈ નવીન વળવળાંક નથી. કવિએ ‘જાવ અને જઈને દરવાજો ઉઘાડો’ના વર્તુળાકાર વિચારના પરિઘમાં દરવાજાની પેલે પાર શું શું હોઈ શકે એ શક્યતાઓની યાદી જ માંડી છે. દરવાજા પાર આ હશે, અથવા પેલું હશેની નોંધપોથીથી વિશેષ આ રચનામાં કશું જ નથી એવું લાગવા માંડે ત્યાં તો રચના પૂરી પણ થઈ જાય છે, પણ કાવ્યાંતે જે હળવો ચમકાર અને ચમત્કાર અનુભવાય છે, એ જ આ રચનાની ખરી ઉપલબ્ધિ છે.
દરવાજો ખોલીએ તો બહાર કદાચ એકાદ ઝાડ નજરે ચડે, અથવા બનવાજોગ છે કે આખેઆખું જંગલ પણ સ્વાગત કરવા ઊભું હોય. કોઈ બગીચો અથવા કોઈ જાદુઈ નગરી પણ દરવાજો ખોલનારને હાથ લાગી શકે છે. ઝાડ, જંગલ, બગીચો અને જાદુઈ નગરી- આ તમામ વાસ્તવથી લઈને પરીજગત સુધીની એ અસંખ્ય સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે પેલા દ્વાર બહાર તમારી પ્રતીક્ષામાં હોઈ શકે છે. શક્ય છે કે બારણાંબહાર કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય. એવુંય બની શકે કે કોઈ ચહેરો દૃષ્ટિગોચર થાય અથવા અર્જુનને પક્ષીની આંખ દેખાઈ હતી એમ કેવળ કોઈ આંખ જ નજર આવે. બહાર કોઈ ચિત્રનું ચિત્ર દેખાય એય સંભવ છે. કૂતરો દ્વારની પેલી તરફની સજીવ અનુભૂતિનું પ્રતીક પણ છે જિંદગીનું પણ. એને અણધાર્યા આશ્ચર્યોના સાક્ષાત્કારનું ચિહ્ન પણ છે કારણ એ ખાંખાખોળા કરી રહ્યું છે. ઉત્ખનન વિના જીવનમાં કશું હાંસિલ થતું નથી. ખોદ્યા વિના કોઈ લોથલ કે ધોળાવીરા હાથ ન આવે. ખોદ્યા વિના તો જમીન પણ દાણા-પાણી ન આપે. અહીં પછીના રૂપકો જરા અટપટા છે, જાણે કવિ ઉત્તરોત્તર ગહન સ્તરોની શૃંખલા સર્જતા ન હોય! શબ્દાર્થના દ્વારની પેલી તરફ મહત્ત્વની પરતો ભાવકનો ઇંતેજાર કરે છે. ચહેરો અને આંખ તો માનવીય ઉપસ્થિતિ અને જિંદગીનો અણસારો આપે છે, પણ ‘ચિત્રનું ચિત્ર’ રૂપકોની સંકુલતાને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. રિપ્રેઝન્ટેશન અને રિફ્લેક્શનની વિચારધારાનું પ્રાકટ્ય અહીં અનુભવાય છે. પ્લેટોનો કલ્પ-સિદ્ધાંત અહીં યાદ આવે –દરેક વસ્તુ એના આદર્શ કલ્પની અનુકૃતિ માત્ર છે. પ્લેટોએ કળાને twice removed from reality તરીકે ઓળખાવતાં કહ્યું હતું, કે કળાકાર મૂળ વસ્તુની પ્રતિકૃતિની પ્રતિકૃતિ જ બનાવે છે.
ક્રમશઃ વધતી જતી રૂપકોની જટિલતા દરવાજા બહાર હાથ લગી શકનાર ખજાનાને બહુઆયામી અને વધુ સમૃદ્ધ બનાવે છે. સરળ ભાસતી કૃતિમાં ક્રમશઃ કલ્પનજાટિલ્ય વધતું જાય ત્યારે ભાવકને કવિતાના પ્રવાહમાં સડેડાટ વહી જવાના બદલે બે પળ થોભવાની અને વિચારવાની ફરજ પડે. અસામાન્ય અને અપ્રત્યાશિત રૂપકોની મદદથી કવિ પાઠકને ગહન કાવ્યાન્વેષણ માટે મજબૂર કરે છે. અજ્ઞાતની અનિશ્ચિતતા સ્વીકારવા પણ કવિ આપણને આ રીતે તૈયાર કરે છે.
દરવાજાની બહાર સંભવ છે કે ધુમ્મસ હોય. ધુમ્મસ દૃશ્યતા માટે બાધક છે. એ અનિશ્ચિતતા અને ભ્રમનું ઇંગિત છે. પણ કવિનો સધિયારો વિશેષ મહત્ત્વનો છે. કવિ કહે છે કે દરવાજો ખોલશો તો ધુમ્મસ વિખેરાઈ જશે. દ્વાર ઉઘાડવામાં આવે ત્યાં સુધી જ એનું અસ્તિત્ત્વ છે. આવા ધુમ્મસમાંથી કોણ પસાર નહીં થયું હોય? રસ્તો ન સૂઝે ત્યારે મૂંઝાઈને બેસી જવાના બદલે આગળ વધવામાં આવે તો ધુમ્મસને વિખેરાઈ જતાં વાર નથી લાગતી.
કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
દરવાજાની પેલે પાર હાથણી કળશ ઢોળવા ઊભી હોય એમ દર વખતે આશ્ચર્યલોક જ ભેટસોગાદ લઈને રાહ જોતું હોય એ જરૂરી નથી, ક્યારેક કાળુંભમ્મર અંધારું ટિક ટિક કરતું ડરાવતું સામે મળે એવુંય બની શકે. ક્યારેક ખોખલા પવન સાથે પણ ભેટો થઈ શકે અને કોઈવાર તો એવુંય બને કે દરવાજાની પેલી તરફ કંઈ જ ન હોય. આગળના બંધમાં જે રીતે મિરોસ્લાફે કલ્પનસંકુલતાના વળ ઉપર વળ ચડાવ્યે રાખ્યા હતા, એ જ વિધાથી શૂન્યતાને ચાક્ષુષ કરવા એ હવે આશાના વળ એક પછી એક ખોલતા જાય છે. અંધારું ડર અને અનિશ્ચિતતાનું પ્રતીક છે. ટિક ટિકનો અવાજ એમાં સમયનું પરિમાણ યાને ગતિ, અસ્થિરતા અને ક્ષણભંગુરતા પણ ઉમેરે છે. ડરનો સામનો કર્યા વિના સફળતાના દ્વાર ખૂલવાના નથી. પવન આમ તો ચૈતન્યનું પ્રતીક છે, પણ અહીં એ ખોખલો છે, જીવનહીન છે. શક્ય છે કે બારણાંની પેલી તરફ એકલતા, ખાલીપો અને નિર્હેતુકતાનો સામનો કરવાનો થાય અથવા તદ્દન શૂન્યાવકાશ પણ સાંપડે. ગમે તે થાય પણ આસનનો મોહ ત્યાગી ગતિમાન થઈ દરવાજો તો ઉઘાડવાનો જ છે એવો આદેશ ફરી દોહરાવીને કવિ સરવાળે તો આશા અને સાફલ્યપ્રાપ્તિ તરફ જ અંગૂલિનિર્દેશ કરે છે. અંતે, બહાર કંઈ નહીં તોય ઠંડી હવાનું એક ઝોકું તો હશે જ કહીને કવિ આપણને ડર, ખાલીપો અને એકલતા સાથે અનુકૂલન સાધી નિર્હેતુકતામાંથી હેતુ, નિરાશામાંથી આશા, અને અનિશ્ચિતતામાંથી નિશ્ચિતતા તરફ દોરી જતા દરવાજાને ખોલવાનું આમંત્રણ પાઠવી અટકે છે.
આ હતી કવિતામાં કવિએ જે પીરસ્યું છે એના અનુલક્ષમાં થોડી સ્થૂળ વાતો. આખી વાતને અલગ દૃષ્ટિકોણથી પણ જોઈ શકાય. આપણે સહુ પોતપોતાની જિંદગીના કમરામાં કેદ છીએ. મોટાભાગના લોકોને એમ લાગે છે કે જે જિંદગી એમને મળી છે, એના કરતાં વધુ બહેતર જિંદગી શક્ય હતી અથવા મળવી જોઈતી હતી. હતાશ અને હારેલો માણસ પોતાના ટૂંકા પ્રયત્નો તરફ જોવાના બદલે વિધાતાને દોષ દે છે. ‘પારકે ભાણે મોટો લાડુ’ની કહેવત મોટાભાગના લોકોના માથે બંધબેસતી પાઘડી જેવી યથાર્થ છે. सब का ख़ुशी से फ़ासला एक क़दम है, हर घर में बस एक ही कमरा कम है। (જાવેદ અખ્તર) મળેલી જિંદગીથી ખુશ લોકો ઓછા જ જોવા મળે છે, અને મળેલી જિંદગીને ઇચ્છેલી જિંદગીમાં પલોટનાર તો એથીય ઓછા જોવા મળે છે.
પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે.
ઇચ્છાનું પાત્ર કદી પૂરું ભરી શકાય જ નહીં એ વાત જે રીતે હકીકત છે એ જ રીતે અધૂરી ઇચ્છા જ જીવન માટેનું ચાલકબળ બની રહે છે એય સ્વીકારવું રહ્યું.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…
અધૂરી ઇચ્છા જીવવા માટે જરૂરી પીઠબળ પૂરું પાડે છે. પણ ઇચ્છેલી જિંદગી પ્રાપ્ત કરવા માટે જ્યાં અટકી ગયા હોઈએ ત્યાંથી ઊભા થઈ આગળ વધી સંભાવનાઓનો દરવાજો ખોલવાની જિગર હોવી પણ અનિવાર્ય છે. કોઈ ધર્મગુરુ કે ઉદ્ધારક આવીને આપણને આપણી મરજી મુજબની જિંદગીના દરવાજા સુધી લઈ જવાનો નથી. સ્વર્ણમૃગ મેળવવું હોય તો ભગવાન રામે પણ દોડવું જ પડે છે. સ્વર્ણમૃગે કંઈ ‘હે પ્રભુ! સીતાની ઇચ્છાને આધીન થઈ હું આપના શરણે થાઉં છું’ કહીને રામને ભગવાન હોવાનું ડિસ્કાઉન્ટ નહોતું આપ્યું. મિરોસ્લાફની કવિતા પરથી આપણે પણ આ વાત ગાંઠે બાંધવાની છે. જીવનને નંદનવન બનાવવું હોય તો ઊઠીને દરવાજો ખોલવો જ પડશે અને જાતે જ ખોલવો પડશે.
વળી, આ દરવાજો બહાર તરફ જ ખૂલતો હોય એય જરૂરી નથી. કેટલાક દરવાજા અંદરની તરફ પણ ખૂલતા હોય છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક વાર્તા બહુ જાણીતી છે. એક માણસ રોજ રાત્રે સ્વપ્નમાં પોતાને એક કમરામાં કેદ થઈ ગયેલો જુએ છે. કેદમાંથી છૂટવા એ રોજ કમરાનો દરવાજો ખોલવા મથે છે, ને રોજ નાકામ રહે છે. એક મનોવિજ્ઞાની એને સૂચન આપે છે કે હવે આ સપનું આવે ત્યારે દરવાજો બહાર તરફ ધકેલવાના બદલે અંદરની તરફ ખેંચી જોજે. સ્વપ્ન એટલે જાગૃત મનના વિચારોનું પ્રતિબિંબ. પેલા માણસે સ્વપ્નમાં ફરી પોતાને એ જ કમરામાં કેદ જોયો, પણ આ વખતે એણે દરવાજો અંદરની તરફ ખેંચ્યો. દરવાજો ખૂલી ગયો અને એ આઝાદ થઈ ગયો.
મિરોસ્લાફની કવિતામાં દિશાના બદલે દરવાજો ખોલવાની વાત પ્રમુખસ્થાને છે. પણ સજ્જ ભાવક સમજી શકશે કે આ દરવાજો સ્થૂળ હોય એ જરૂરી નથી. એ આપણી અંદરની તરફ ખૂલતો અમૂર્ત દરવાજો પણ હોઈ શકે. સ્વમાં ખૂલતો દરવાજો ખોવાઈ ગયેલી જાત સાથે આપણી પુનઃમુલાકાત કરાવી શકે છે. દુનિયાની દોડધામમાં આપણે સ્વયંને જ વિસારે પાડી દીધો છે. ખુદ તરફ ખૂલતા દરવાજાની બીજી તરફ તો ન જાણે કેવાં-કેવાં રહસ્યો આપણી પ્રતીક્ષામાં આતુરતાપૂર્વક બેઠાં હશે! આપણી ગહનતમ આવશ્યક્તાઓ અને ઉચ્ચતમ આકાંક્ષાઓને પ્રગટ કરતા દરવાજાને ખોલવા માટે ચાલો, ઊભા થઈ આગળ વધીએ. घूंघट के पट खोल रे तोहे पिया मिलेंगे।

ગ્લૉબલ કવિતા : સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany


સાંત્વના

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)
બુદ્ધત્વ પામવા માટેની કૂંજી…

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. પણ ગર્ભનાળ કાપીને તબીબ માતા અને બાળકને શરીરથી તો અલગ કરી નાંખી શકે છે, પણ માતા અને બાળકને આજીવન જે અદૃશ્ય ગર્ભનાળ એકમેક સાથે જોડી રાખે છે એને કોઈ તબીબ કાપીને બે જણને અલગ કરી શકતો નથી. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોમાં ફસાઈ ગયેલા મનુષ્ય માટે ઘરની બારી અથવા ગેલેરી જ એવી અસ્ક્યામત છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે એની ગર્ભનાળનું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરની બારી જ હવા-ઉજાસ અને પડદા ખોલબંધથી આગળ વધીને પ્રકૃતિ તરફ મીટ માંડવાના કામમાં આવે છે. મા-બાળક વચ્ચેની અદૃશ્ય ગર્ભનાળ જેવી આ બારી સંવેદનશીલ મનુષ્યને કુદરત સાથે જોડેલો રાખે છે. બાકી આજના મોટાભાગના માણસો માટે તો-

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

આજે જે રચનાની માંડણી કરવી છે, એમાં પણ માનવી અને પ્રકૃતિ બેને અદૃશ્ય ગર્ભનાળથી જોડી રાખતી બારી જ કેન્દ્રસ્થાને છે. ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાનાં તો સતત ફરતાં રહે છે, પણ બારી ત્યાંની ત્યાં સ્થિર રહે છે. મકાનની બારીમાંથી બહાર રેલાતી નજર શું કહી રહી છે એ સાંભળવા જેવું છે, કારણ કે બારી જ ઘરબહારના ઝાડ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. અને કથકના વિચાર પણ કેવળ બારી બહારના દૃશ્યો પૂરતા સીમિત ન રહેતા સ્વથી સર્વ અને સર્વથી સ્વ સુધી વિસ્તરે છે.

ક્લેરિસા સ્કૉટ ડેલેની. ૧૯૦૧માં અમેરિકાના અલાબામા રાજ્યમાં જન્મ. આફ્રિકન-અમેરિકન કવયિત્રી, નિબંધકાર, શિક્ષક, અને હાર્લેમ રિનેસન્સ સાથે સંકળાયેલ સામાજીક કાર્યકર્તા. ઉત્સાહી રમતવીર પણ હતાં. તેઓ વેલેસ્લેમાં હોકીની રમત માટે યુનિવર્સિટીનો પત્ર મેળવનાર પ્રથમ અશ્વેત છાત્ર હતાં. કિડનીમાં ચેપ લાગવાના કારણે કેવળ છવ્વીસ વર્ષની વયે નિધન. નિબંધો અને નાટકોપરાંત એમની પાસેથી આપણને કેવળ ચાર જ કવિતાઓ મળી છે, જેમાંની એક તે આ. આ એક કવિતાની પંક્તિસંખ્યા એની બાકીની ત્રણેય કવિતાઓની પંક્તિઓના સરવાળા કરતાં વધારે છે. કુલ પંચ્યાસી જ પંક્તિઓની બનેલ ચાર જ કવિતાઓ લખી હોવા છતાં મૃત્યુના લગભગ સો વરસ પછી પણ એનું નામ ભૂલી જવાયું નથી. આ જ છે શબ્દની સાચી તાકાત. આ જ છે સર્જકની ખરી ઉપલબ્ધિ. આ જ છે મોટામાં મોટો પુરસ્કાર.

‘સાંત્વના’ કવિતા સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કાવ્ય –અછાંદસ રચના છે. પંક્તિઓની અનિયમિતતા કવિતાના ચિંતનશીલ અને સેંન્દ્રિય અનુભૂતિમાં યોગદાન આપતી અનુભવાય છે. અછાંદસ કાવ્યવિધા ઋતુઓની અપ્રત્યાશિત પ્રકૃતિ તથા કથકની લાગણીઓને પ્રતિબિંબિત કરવામાં સહાયક તો બને જ છે, તદોપરાંત કઠોર કાવ્યમાળખાંના અભાવને લઈને રચનાને પ્રાકૃતિક પ્રવાહની અનુમતિ પણ મળતી પ્રતીત થાય છે.‘સાંત્વના’ શીર્ષક પરથી કવિતા વિશે અનુમાન થઈ શકતું નથી. એટલે શીર્ષકની વાત આપણે અંતે કરીશું.

કાવ્યારંભ ‘મારી બારી’થી થાય છે. આ શરૂઆત સાહજિક છે, કારણ કે માનવસ્વભાવના વર્તુળનું કેંદ્રબિંદુ જ ‘સ્વ’ છે. પણ છેતાળીસ પંક્તિની આ કવિતામાં ‘મારી’ શબ્દ બીજીવાર છેક તેંત્રીસમી પંક્તિના આરંભે આવે છે. આખી કવિતામાં બે જ વાર ‘My’ અને ‘I’ તથા એક જ વાર ‘Me’ પ્રયોજાયા છે. સરવાળે એ વાત ઊડીને આંખે વગે છે કે જે વાતની શરૂઆત જ ‘સ્વકીયતા’થી થઈ હતી, એમાં પછી ‘સ્વ’ ઓછો અને ‘સર્વ’ જ વધુ નજરે ચડે છે. ‘મારી’ બારીમાંનો ‘હુંકાર’ કેવળ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવા-વર્ણવવાની એક કૂંચી માત્ર હતી. કદાચ આ રચના આપણને આ કારણોસર પણ વધુ સ્પર્શી જાય છે. કથકના ઘરની બારી બહાર ઝાડીઓ તરફ ખુલે છે, જેમાંથી થોડી ડાળીઓ અને થોડું આકાશ નજરે પડતાં રહે છે. બારી સ્થિર છે પણ બહારની દુનિયા સતત બદલાતી રહે છે.આ બારી કથકની આંખ બની ગઈ છે. ‘નાની મારી આંખ, એ જોતી કાંક કાંક’ની જેમ બારીમાંથી દેખાતી આ નાનકડી દુનિયામાં એક પછી એક ઋતુઓ પસાર થતી દેખાય છે. કોમળ હરિયાળી ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે માર્ગ પ્રશસ્ત કરતી પણ નજરે ચડે છે.

બારી બહાર હવે ઋતુ બદલાઈ છે. પાનખર આવી ચૂકી છે. શરદ ઋતુના સૌમ્ય તડકામાં તરબોળ થતી નાજુક, સોનેરી પાંદડીઓ ક્યાંય સુધી ખરવું જ નથીના નિર્ધાર સાથે ટકી રહેતી નજરે ચડે છે. પાછળ વાદળ વિનાના ભૂરા સાફ આકાશને લઈને અસ્તિત્ત્વ માટેનો આ જંગ વધુ રમણીય લાગે છે, પણ પછી સાંજ સુધીમાં તો એ પાંદડાઓએ ડાળત્યાગ કરવો જ પડે છે. પાનખરમાં પાંદડાઓનું આ ખરું-ખરું થઈને અટકી-લટકી રહેવા અને પછી ખરી જવાની ઘટનામાં નાયિકાને એમની અનિચ્છા નજરે ચડે છે, જેમાં આપણને સર્જકહૃદયની ઋજુતા નજરે ચડે છે. ‘પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે’ (મુકેશ જોષી)

પાંદડાં ખરીનેય શેરીને સોનાથી મઢી દેવી ન હોય એમ જાજમ થઈને પથરાઈ જાય છે. અમેરિકાની પાનખર આપણે ત્યાં કરતાં ખૂબ અલગ હોય છે. ત્યાં પાનખરમાં પાંદડાંનો લીલો રંગ ખરતાં પહેલાં અલગ-અલગ રંગોમાં પરિણમે છે, પરિણામે ત્યાંના વૃક્ષોનું આખેઆખું કલેવર જ બદલાઈ જાય છે. અલગ-અલગ રંગોમાં ઢળી ગયેલ ઝાડવાંઓની ભાતીગળ સૃષ્ટિ નિહાળવા લોકો ખાસ આ સમયે ઉત્તરથી દક્ષિણ તરફની રોડ-ટ્રિપ કરતાં હોય છે. નાયિકાની બારીબહારનું ઝાડ સોનેરી થઈ ગયું છે, એટલે ખાલી થતી વેળાએ ‘ફાંટું ભરીને સોનું’ ઠાલવીને આખી શેરીને સોનાની બનાવી દે છે. ખાલી થતાં થતાંય અન્યને સભર કઈ રીતે કરી શકાય એ પ્રકૃતિ પાસેથી આપણે શીખવાનું છે.

પર્ણરહિત નગ્ન, ભૂખરી ડાળીઓ ડિસેમ્બરના ઠંડા આકાશ સામે ઝૂકી નથી જતી, પણ પાંદડા ખેરવી દીધા બાદ ભાર ઓછો ન થઈ ગયો હોય એમ ઊંચી ઊઠે છે. ક્યારેક આ ડાળીઓ ગુલાબ અને ધૂસર સમીસાંજ વચ્ચે જાળું ગૂંથતી હોય એવી દીસે છે. તો ક્યારેક વળી ભારઝલ્લી ઠંડી રાત ઊતરી આવે અને તારાઓ આકાશને ભૂરકી છાંટી દીધી હોય એમ આખું ભરી દે એ પહેલાંના ગાઢા ભૂરા આકાશમાં દૃશ્યમાન થતા અમાસ પછીના નવા શીર્ણ ચંદ્ર તથા શુક્રના તેજસ્વી તારા સન્મુખ સ્વયંને ઊંચે ઊઠાવતી હોવાનું મહેસૂસ થાય છે. બહુ ઓછી જગ્યામાં શિયાળાના ભૂરા આકાશના ઉપરાછાપરી એકસમાન ભાસતા ઉલ્લેખમાં કવયિત્રીની વયસહજ અપરિપક્વતા પણ છતી થતી અનુભવાય છે. કવિતા લખવાનો એમનો કુલ અનુભવ સો પંક્તિ જેટલો પણ નહોતો થઈ શક્યો એ અત્રે યાદ રહે.

શિયાળાના લાંબા વર્ણન પછી વસંત અને ઉનાળાની વાત બહુ ઓછી પંક્તિઓમાં આટોપી લઈ સર્જક બારી બહાર ફરતા રહેતા ઋતુચક્રને સંપૂર્ણ બનાવે છે. હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે, વસંત ઋતુનો ઠંડો પણ હળવો વરસાદ (યાદ રહે, આ અમેરિકાની વસંત છે!) એમને મૃદુતાથી સ્પર્શે છે પરંતુ ઉનાળાની તોફાની વાઝડીઓ તો આ ઝાડવાંઓને તોડી ન નાંખવાં હોય એમ ત્રાટકે છે. ઉનાળાના ઉશ્કેરણીભર્યા હુમલાથી ન તો આ ઝાડવાં પ્રકોપિત થાય છે, ન તો એ નમતું જોખીને તૂટી જાય છે, તેઓ તો બસ અડીખમ ટકી રહે છે, ઊભાં રહે છે. અગાઉ જે રીતે પાંદડાઓની ‘અનિચ્છા’ કવયિત્રીએ અનુભવી-અભિવ્યક્ત કરી હતી, એ જ રીતે અહીં ઝાડવાંઓને ક્રોધિત કરવા માંગતા ઉનાળાનું આલેખન કરીને ઝાડવાંઓના સ્વભાવની શક્યતાનું પણ સજીવીકરણ કર્યું છે. ઝાડ ગુસ્સો કરતાં નથી એ અલગ વાત છે, પણ આ બંને જગ્યાએ પ્રકૃતિ સાથે સર્જકની જે સમસંવેદનશીલતા પ્રગટ થાય છે એની નોંધ લેવી આવશ્યક બને છે.

સર્જકે બે ભાગ અલગ તારવ્યા ન હોવા છતાં અહીં આગળથી કવિતાનો બીજો ભાગ શરૂ થતો દેખાય છે. અહીં સુધીના નિતાંત ઋતુચક્રનિરૂપણ બાદ ફરી ‘મારી’ શબ્દ અતળનું ઊંડાણ ફેડીને પ્રગટ થાય છે. બારી બહાર મોસમના એકધારા બદલાવોને લઈને વૃક્ષોની અવસ્થામાં પણ જે બદલાવો આવ્યે રાખે છે એને જોયા કરતાં સર્જક કેવળ મૂક સાક્ષી નથી, એ સ્વયં પણ જાણે વૃક્ષ જ છે. પેલાં ઝાડવાંઓ બારીની એ તરફ, અને આ ઝાડવું બારીની આ તરફ. નાયિકાને સ્વયંની જિંદગી વિહ્વળ અનુભવાય છે. ક્યારેક એ બેચેની અનુભવે છે તો ક્યારેક ક્યારેક એક પીડા એના પર સવાર થઈ જાય છે. એક અસ્પષ્ટ પરંતુ ચોંકાવી દે એવો અસંતોષ પોતાના પર હાવી થઈ જતો હોવાનું તેણી અનુભવે છે. ઋતુઓની બારી બહારની કુદરત પરની અસર વિગતવાર આલેખ્યા બાદ પોતાની નિરાશ માનસિકતા વિશે પણ તેઓ ટૂંકાણમાં જ વાત કરે છે, અને કવિતાનો ત્રીજો અને અંતિમ ભાગ આરંભાય છે.

એક તરફ બારી બહાર બદલાતી ઋતુઓના મારને રોષિત થયા વિના ઝીલતાં અને ટકી રહેતાં વૃક્ષો છે, અને બીજી તરફ વ્યાકુળ દુઃખી જીવન. કિડનીની બિમારી અને ચેપના પરિણામે સર્જકે જે વેઠવું પડ્યું હશે એ કદાચ નાયિકાની મનોદશામાં પ્રતિબિંબિત થયું હોઈ શકે. પણ પોતાના હિસ્સાના આકાશ અને વૃક્ષો તથા બારીમાંથી સતત નજરે ચડતા રહેતા મોસમોના અવનવા તમાશાઓ બદલ એ પોતાની જાતને આભારી માને છે. આ સુંદરતા હૃદયની વિહ્વળતા, પીડા અને અસ્પષ્ટ અસંતોષને મિટાવી દે છે અને એક શાતા અનુભવાય છે. બારીબહારની કુદરત સતત પરિવર્તનશીલ તો છે જ, પણ આ પરિવર્તનમાં પણ એક શાશ્વત સ્થાયીપણું નિહિત છે જ. હેરક્લાઇટસ યાદ આવે: ‘જીવનમાં એકમાત્ર સ્થિરાંક પરિવર્તન છે.’ નદીમાં એકના એક પાણીમાં બીજીવાર પગ બોળી શકાતો નથી એ જેટલું સાચું એટલું જ સાચું નદી એની એ જ રહે છે એય છે. સંસારના તમામ પરિવર્તનોમાં એક સ્થિરતા અનુભવાય છે. આ તમામ બદલાવ અને કાયમીપણું એના નિમિત્તે થયે રાખતી ઉથલપાથલોમાંથી એક અર્થ ગ્રહણ કરે છે. અર્થાત્ કશું જ નિર્હેતુક કે અનર્થક નથી. આ હેતુ, આ અર્થ ઇન્દ્રિયગોચર હોય કે ઇન્દ્રિયેતર, એને સમજતાં શીખી જઈએ તો જીવનમાં કોઈ બેચેની કે કોઈ અસ્પષ્ટતા નહીં બચે. બચશે કેવળ અપૂર્વ અભેદ્ય શાંતતા, જ્યાં કોઈ પીડાને કોઈ સ્થાન નથી. ટૂંકમાં, પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું એ જ જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. અહીં આવ્યા પછી કવિતાના શીર્ષક ‘સાંત્વના’ તરફ પુનર્દૃષ્ટિ કરીએ. છે કશું કહેવાની આવશ્યકતા હવે? નહીં ને!

આ સાથે જ તુષાર શુક્લની એક અછાંદસ કવિતા ‘હીંચકો, કૉફી અને હું’ પણ માણવા જેવી છે. અહીં બારીનું સ્થાન બાલ્કનીમાંના હીંચકાએ લીધું છે. જુઓ-

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

ગ્લૉબલ કવિતા : મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત)

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

મૃત્યુ આજે મારી સન્મુખ છે

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


…કારણ કે અનુભૂતિ સ્થળ અને સમયથી પર હોય છે…

મૃત્યુ સજીવમાત્રના જીવનની આખરી પણ એકમેવ મંઝિલ છે. દરેકેદરેક શ્વાસ આપણને સુનિશ્ચિત ગતિએ મૃત્યુની નજીક લઈ જતો હોવા છતાં આપણે સહુ એ રીતે જીવીએ છીએ જાણે આપણે કદી મરવાના જ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંનો એક કે સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું તે આ જ. મોટાભાગના માણસોને મૃત્યુ ગલીના વળાંક ઉપર અણધાર્યું મળી જતું હોય છે, પણ મૃત્યુનો ‘નક્કર’ પૂર્વાભાસ થાય એવાય કેટલાક માણસ હોય છે, અને ગણ્યાગાંઠ્યા લોકો એવાય હોય છે જેઓ જાગૃતાવસ્થામાં મૃત્યુનો સાક્ષાત્કાર કરીને આંખ મીંચે છે. ટીબીની તૂટૂં-તૂટું થતી કરાડ પરથી મૃત્યુની ખીણમાં લટકી રહેલ રાવજી પટેલને પણ મૃત્યુનો પૂર્વાભાસ થયો હશે ત્યારે જ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ જેવી કાળજયી કૃતિનો જન્મ થયો હશે ને! આજે જે વિશિષ્ટ કવિતા આપણે માણવી છે, એ પણ આવા જ કોઈ પૂર્વાભાસ કે સાક્ષાત્કારની ફળશ્રુતિ જણાય છે.

રચના વિશિષ્ટ એટલા માટે છે કે આજથી ચારેક હજાર વર્ષ પહેલાં એ લખવામાં આવી છે. મધ્યકાલીન ઇજિપ્તના સમયના પેપાયરસ પર લખાયેલી જે કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ શકી છે, એમાંની એક તે ‘ડાયલોગ ઑફ અ મિઝાન્થ્રોપ વિથ હિઝ સૉલ’, જે હવે ‘ડિસ્પ્યુટ બિટ્વિન અ મેન એન્ડ હિઝ બા’ નામે ઓળખાય છે. આ પેપાયરસ મનની અવસ્થા વિશે વાત કરતા પુરાણતમ દસ્તાવેજોમાંનો એક છે. પ્રસ્તુત કાવ્ય આ કૃતિનો એક ભાગ છે.

ઇજિપ્ત. આ નામ કાને પડતાવેંત પિરામિડ આપણને દૃષ્ટિગોચર થવા માંડે છે. ઇજિપ્ત ગયા હોઈએ કે ન ગયા હોઈએ, પિરામિડની તસવીરો ન જોઈ હોય કે પિરામિડો વિશે સાંભળ્યું ન હોય એવા શિક્ષિત માણસ મળવા મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ કે પિરામિડો એ જે તે સમયના રાજાઓ અને સામંતોની કબર છે. હજારો વર્ષ પછી આજે પણ આ તોતિંગ કબરો તે સમયના લોકોની જીવન-મૃત્યુ વિશેની માન્યતાના પ્રતીક તરીકે આપણી વચ્ચે જીવી રહી છે. એ સમયના મિસ્રવાસીઓ માનતા હતા કે મૃત્યુ બાદ એમનું આધ્યાત્મિક શરીર (આત્મા) મરણોત્તર જીવન (આફ્ટર-લાઇફ)માં જીવતું રહે છે. જીવનકાળ દરમિયાન જેણે ‘યોગ્ય’ તૈયારીઓ કરી હોય, એવી વ્યક્તિને જ મૃત્યુપર્યંતના આ જીવનમાં પ્રવેશ મળવાની સંભાવના રહેતી. આ તૈયારીઓમાં યોગ્ય અંતિમક્રિયા માટે જરૂરી સાધનસામગ્રીની ખરીદી, શબ્તી (મરણોત્તર જીવનમાં કામ આવનાર સેવકો), તાવીજ વિ. તથા શબપેટી અને કબર વગેરેનો સમાવેશ થતો હતો. પિરામિડ પણ આવી જ પણ ગંજાવર કબરો જ છે, જેમાં જીવન પછીના જીવનમાં કામ આવે એવી તમામ વ્યવસ્થાઓ સાથે મૃતદેહોને સજાવી-ધજાવીને સાચવી રખાયા છે, જેથી પ્રેતલોકમાં રહ્યા બાદ શાશ્વત પુનર્જીવન પ્રાપ્ત થાય ત્યારે આત્માને કોઈ તકલીફ ન પડે. ઇજિપ્તનો સમાજ જીવનનો મોટો ભાગ મૃત્યુ પછીના જીવનની તૈયારીમાં જ વિતાવતો. પિરામિડ એની બોલતી સાબિતી છે.

जातस्य ही ध्रुवो मृत्युः એ સાચું પણ મૃત્યુનો ચહેરો કોઈએ જોયો નથી. મૃત્યુને મળીને કોઈ પરત ફરે તો મૃત્યુનો ચહેરો આપણને જોવા મળે, પણ ત્યાં સુધી તો આપણે મૃત્યુ વિશે કેવળ અટકળ જ કરી શકીએ. મોત સંસારનું એકમાત્ર અફર સત્ય હોવા છતાં મૃત્યુ ઘરના દરવાજે આવીને સાંકળ ખખડાવે ત્યારે ઊભા થઈને ચાલ, જઈએ એવું કહેવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હોય છે. શ્વાસની છેલ્લી કગાર પર લટકતા હોઈએ એ ક્ષણે પણ જિજિવિષા ભાગ્યે જ મરણ પામી હોય છે. એટલે જ લાંબું જીવવા માટે માણસ જીવનભરની જમાપૂંજી પણ દાવ પર લગાવી દેતા ખચકાતો નથી. જે હોય એ, પણ અકળ-અગમ્ય હોવાથી મૃત્યુ આપણને સૌથી વિશેષ આકર્ષે છે. હકીકતે એ કેવું હોય છે એ તો કોઈ જાણતું નથી, પણ એના વિશે ધારણા બાંધવામાં આપણે કોઈ કમી પણ રાખતા નથી. પ્રસ્તુત રચનામાં પણ જે-તે કવિએ મૃત્યુનો ચહેરો આકારવાની કોશિશ કરી છે. પણ આ કોશિશની સમાંતરે જ ચાર હજાર વર્ષ પહેલાંની સમાજવ્યવસ્થાની રૂપરેખા પણ કવિ આકારી બેઠા છે એ આપણે જોઈશું.

મૂળ કવિતા ઇજિપ્શન (મિસ્ર) ભાષામાં છે અને મૂળ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદો મળી આવે છે. પ્રારંભિક પંક્તિઓ તો મોટાભાગના અનુવાદોમાં એકસમાન નજરે ચડે છે, પણ અંતિમ પંક્તિઓની સંખ્યા અને અનુવાદિત વાક્યોમાં પણ તફાવત જોવા મળે છે. અમુક અનુવાદકોએ મૂળ ઇજિપ્શન ભાષા પણ રોમન લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરી છે, પણ એમાંય ફરક નજરે ચડે છે અને એકસમાન ભાસતી મિસ્ર લિપિનો અંગ્રેજી અનુવાદ આ સર્જકોએ અલગ કર્યો હોવાનું પ્રતીત થાય છે. સરવાળે, જો કે બહુ મોટો તફાવત નથી અને આપણે નજીવા વિગતદોષ કે દૃષ્ટિફેરનું પિષ્ટપેષણ કરવામાં સમય અને ઊર્જા વેડફીએ એના કરતાં ચાર સહસ્ત્રાબ્દીઓ પહેલાં કોઈકને થયેલ કાવ્યાનુભૂતિનો આનંદ ન ઊઠાવીએ? પૌરાણિક મિસ્ર સાહિત્યના જાણીતા અનુવાદક મિરિઅમ લિચથાઇમનો અંગ્રેજી અનુવાદ આધારભૂત ગણીને આગળ વધીએ. ‘એન્શન્ટ ઇજિપ્શન લિટચરેચર’ના ત્રણ ભાગોમાંના પ્રથમ ભાગ ‘ધ ઓલ્ડ એન્ડ મિડલ કિંગ્ડમ્સ’માંથી આ અનુવાદ સાંપડ્યો છે. ‘વર્લ્ડ પોએટ્રી’ નામના તેરસોથી વધુ પાનાંના દળદાર થોથામાં આ જ કવિતાનો ડબલ્યુ. એસ. મર્વિને કરેલ અનુવાદ પણ નોંધપાત્ર છે. મૂળ ભાષાની જાણકારીના અભાવે કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે વાત કરવી શક્ય નથી એટલે આપણે શુદ્ધ કાવ્યાનંદ તરફ જ આપણી વાતચીતનું સુકાન ફેરવીએ.

ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે. વળી, વિચારવું એટલું જ મનુષ્ય માટે કદી પર્યાપ્ત નહોતું. પોતાના વિચારોને પોતાની આગવી શૈલીમાં રજૂ કઈ રીતે કરી શકાય એ મથામણ પણ અનાદિકાળથી માનવમનમાં થતી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે દરેક ખંડની શરૂઆત ‘મૃત્યુ આજે મારી સન્મુખ છે’ એ પંક્તિથી જ થાય છે. પુનરાવર્તિત થયે રાખતી આ પંક્તિ ગીતના ધ્રુવપદની પણ યાદ અપાવે છે. સર્જકને કોઈ વાત ભાર મૂકીને કહેવી હોય ત્યારે એ પુનર્કથન કે પુનરોક્તિનો આવો કીમિયો પ્રયોજે એ કાવ્યવિધા આજે આપણને સહેજ પણ નવાઈ ન પમાડે, પણ આજથી ચાર સહસ્ત્રાબ્દીઓ પૂર્વે પણ મનુષ્યમન આવી કાવ્યતરતીબ વિશે વિચારતું હોય એ જાણીને તો અવશ્ય જ સાનંદાશ્ચર્ય અનુભવાય.

કવિ મૃત્યુને પોતાની સન્મુખ ઊભેલું જુએ છે, ત્યાંથી આ વાત શરૂ થાય છે. રચનાના છએ છ ખંડમાં વાત ફરી-ફરીને અહીંથી જ આરંભાય છે. મૃત્યુને માથે ઊભેલું જોઈને કવિને અલગ-અલગ પરિસ્થિતિઓ યાદ આવે છે. મૃત્યુ કવિને બીમાર માણસના સાજા થવા સમું લાગે છે. જિંદગી જાણે કે એક લાંબી બિમારી હતી અને મૃત્યુ જાણે કે એ બિમારીનો અંત છે. મૃત્યુ જાણે કે સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિનું બીજું નામ છે. માંદગીમાંથી સ્વસ્થતા પ્રાપ્ત કરવાને મૃત્યુ સાથે સરખાવ્યા બાદ કવિ એક ડગલું આગળ વધીને કહે છે કે લાંબો સમય બિમારીને લઈને પથારીવશ રહ્યા બાદ ઘરબહાર પ્રકૃતિને ખોળે જવા મળે એ પણ મરણ સરીખું જ છે. લાંબો સમય ખાટલામાં પડી રહેનાર માણસ ચાર દીવાલોને જોઈ જોઈને કેવો કંટાળી જાય! પુનઃ નિરામયતા પ્રાપ્ત થતાં જ એ બહાર ખુલ્લામાં જવા નીકળી પડે છે. હવાફેરનો સાચો આનંદ તો આવી કેદ પછી જ સમજાય. જિંદગી કેવળ બિમારી નથી, પણ થકવી નાંખે એવી, એક જગ્યાએ બાંધી રાખે એવી બિમારી છે અને મરણ આ માંદગીમાંથી સાજા થઈ ખુલ્લી હવામાં શ્વાસ ભરવાનું બીજું નામ છે.

આવી જ એક પ્રાચીનતમ ઇજિપ્શન કવિતામાં ’જાત’ મૃત્યુને સ્વયં, શરીર અને મૃત્યુના સમુદાયની નિરંતરતાના અંત સ્વરૂપે જુએ છે. શરીર તૈયારી માટે સમય માંગે છે, પણ આત્મા પ્રેતલોક, મરણોત્તર જીવન અને શાશ્વતીને આભાસી અને નિરર્થક ગણે છે. સૌથી પુરાતન મહાકાવ્ય ‘ગિલ્ગામેશ’માં સિદુરી ગિલ્ગામેશને કહે છે કે, “ખુશમિજાજ દિવસોને અનુસરો. દુઃખને વિસારે પાડી દો. મૃત્યુ અંત છે, ત્યાંથી કોઈ વાપસી સંભવ નથી. કબરો ખંડેર બની જાય છે અને એના માલિકો હોય કે રસ્તામાં પડેલા ભિખારીઓ, બધાને ભૂલી જવામાં આવે છે. મરણોત્તર જીવનનું સ્વપ્ન વિશુદ્ધ ભ્રમણા છે.’

કવિ કહે છે કે, મૃત્યુ હીરાબોળની સુગંધ જેવું છે. હવાદાર દિવસે ચંદરવા નીચે આરામથી બેસવાનું સુખ એટલે મૃત્યુ. કમળના પુષ્પોની ખુશબૂ એટલે મૃત્યુ. નશાના કિનારે બેસવું એટલે મૃત્યુ. નશાના સમુદ્રમાં ગરકાવ થવું એમ કવિ નથી કહેતા. નશો તો ખરો પણ એના કિનારે રહેવાનું છે. કિનારે પગ ભીના કરી શકાય, ડૂબી ન શકાય. જીવનમાં ‘ધ રોડ લેસ ટેકન’ સાચો તફાવત સર્જવામાં કારણભૂત અવશ્ય બને, પણ મૃત્યુ તો એક બહુખેડી કેડી છે. કરોડો-અબજો માણસો આ રસ્તેથી પસાર થઈ ચૂક્યા હોવાથી આ રસ્તો ભૂલથીય ચૂકી જવાની સંભાવના રહેતી નથી. જીવન એક યુદ્ધ છે જાણે, અને આ યુદ્ધમાંથી માણસનું ઘર પરત ફરવું એ મૃત્યુ. ચાર હજાર વર્ષ પહેલાંની આ રચનામાં જે તે સમયની સમાજવ્યવસ્થામાં યુદ્ધની ઉપસ્થિતિ છતી થાય છે. રાજાઓ હતા, મતલબ રાજ્યો હતા અને રાજ્યો હતા, મતલબ યુદ્ધો પણ હતા. જીવન એટલે જાણે કે ગોરંભાયેલું આકાશ અને મૃત્યુ એટલે બધા જ વાદળ દૂર થઈ ગયા બાદનું નિરભ્ર સ્વચ્છ સાફ આકાશ. જે કંઈ ગૂંચવાડા છે, એ જીવનમાં જ છે. મૃત્યુમાં જે છે એ બધું સાફ છે. મૃત્યુના આકાશમાં વાડલના ડાઘાડૂઘીને કોઈ અવકાશ નથી. મરણોન્મુખ માણસ જ સમજી શકે કે આજીવન એ શું અવગણતો રહ્યો હતો. કારણ જીવ એકધારા સંતાપનું બીજું નામ છે, જ્યારે મરણની ગોદમાં માના ખોળા જેવી શાતા છે. વરસોથી કેદમાં સબડ્યા કરતો માણસ ઘર જોવાને તરસતો હોય એ તલસાટ એટલે મૃત્યુ. જીવન એટલે વરસોવરસની કેદ અને મૃત્યુ એટલે માણસનું પોતાનું ઘર. યુદ્ધની જેમ જ કેદનો ઉલ્લેખ જે તે સમયના સમાજ વિશે આપણને અછડતો ખ્યાલ આપે છે.

આમ તો આ છએ છે શ્લોકોને કોઈ ભાષ્યની આવશ્યકતા જ નથી. આખી વાત દીવા જેવી સ્પષ્ટ છે. કવિએ ન તો ભારઝલ્લી ભાષા પ્રયોજી છે, ન તો મગજમાં આંટી પડી જાય એવા રૂપક-પ્રતીકો વાપર્યાં છે. આવી સ્વયંસિદ્ધા રચનાને આપણે res ipsa loquitar (it speaks for itself) શ્રેણીમાં મૂકી શકીએ. પણ મૃત્યુની વિભાવના થોડો વિચાર માંગી લે એવી છે. જેન આસમાન ‘અ ડાયલોગ બિટવીન સેલ્ફ એન્ડ સૉલ’ લેખમાં ઇજિપ્તના લોકોના જીવન-મૃત્યુ વિશેનો થોડો અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ કહે છે કે, આ કવિતા ખ્રિસ્તી (યહૂદી?) માન્યતાને રજૂ કરે છે, જેવી કે મૃત્યુ પરમાત્મા પાસે પરત જવાની ક્રિયા છે, આપણે આ દુનિયામાં આગંતુક છીએ, આપણે બીજી દુનિયાના છીએ, અને મૃત્યુ પશ્ચાત્ આપણે એ દુનિયામાં પરત ફરીએ છીએ. જેનના કહેવા મુજબ મિસ્રવાસીઓ પોતાને આ દુનિયામાં કદી આગંતુક લેખાવતા નહોતા, ઊલટું, તેઓ આ જગત અને પોતાની વચ્ચે પ્રબળતમ નાતો હોવાનું અનુભવતા હતા. એ લોકો મૃત્યુની ઝંખનાને ઘોર પાપ ગણતા. અને આ કવિતામાં કહ્યું છે એમ મૃત્યુને બિમારીમાંથી સાજા થવા સાથે સરખાવવું, કેદમાંથી મળતી આઝાદી ગણવું કે જુદાઈ પછીના મિલનનું નામ આપવું નિંદ્ય કૃત્ય છે. જેનના આ વિચારો સાથે સહમત થઈએ તો આ કવિતા મૃત્યુ વિશેના વિચારો અંગે વિરોધાભાસોની નાનકડી શૃંખલા ગણી શકાય. જે હોય એ, પણ એક વાત સ્પષ્ટ સમજાય છે કે ચાર હજાર વર્ષ પહેલાનો માણસ પણ જીવન-મૃત્યુ વિશે એ જ રીતે વિચારતો હતો, જે રીતે આજનો માણસ વિચારે છે. ટૂંકમાં, જીવનની અનુભૂતિઓ અને સંવેદનો સમય અને કાળના મહોતાજ નથી હોતા. આ દેશ હોય કે પેલો દેશ હોય, આ સમય હોય કે પેલો સમય હોય, મનુષ્યમાત્રની મૂળભૂત અનુભૂતિઓ લગભગ એકસમાન જ રહી છે.

ગ્લૉબલ કવિતા : ફુલ્લકુસુમિત – ટોઇ ડેરહકોટ

Cherry blossoms

I went down to
mingle my breath
with the breath
of the cherry blossoms.

There were photographers:
Mothers arranging their
children against
gnarled old trees;
a couple, hugging,
asks a passerby
to snap them
like that,
so that their love
will always be caught
between two friendships:
ours & the friendship
of the cherry trees.

Oh Cherry,
why can’t my poems
be as beautiful?

A young woman in a fur-trimmed
coat sets a card table
with linens, candles,
a picnic basket & wine.
A father tips
a boy’s wheelchair back
so he can gaze
up at a branched
heaven.
All around us
the blossoms
flurry down
whispering,

Be patient
you have an ancient beauty.

Be patient,
you have an ancient beauty.

– Toi Derricotte (DARE-ah-cot)

ફુલ્લકુસુમિત

હું વાંકી વળી
મારા શ્વાસનું
ફુલ્લકુસુમિત વસંતના
શ્વાસ સાથે તાદાત્મ્ય સાધવા.

ત્યાં ફોટોગ્રાફર્સ પણ હતા:
માતાઓ પોતાના બાળકોને
ગાંઠદાર જરઠ ઝાડોને ટેકે
બેસાડી રહી છે;
એક યુગલ, આલિંગન કરતાં કરતાં,
પાસેથી પસાર થતા એક રાહદારીને
આ જ મુદ્રામાં
પોતાનો ફોટો લેવા કહે છે,
જેથી કરીને એમનો પ્રેમ
હરહંમેશ જકડાયેલ રહે
બે દોસ્તી વચ્ચે:
આપણી અને
ચેરીના વૃક્ષોની દોસ્તી.

ઓ ચેરી,
મારાં કાવ્યો શા માટે
આટલાં સુંદર ન હોઈ શકે?

છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક યુવતી
ચાદર બિછાવી પત્તા રમવાનું ટેબલ સજાવે છે,
ઉપર ગોઠવે છે મીણબત્તીઓ,
પિકનિક માટેની છાબડી અને વાઇન.
એક પિતા
છોકરાની વ્હીલચેર પાછળ તરફ નમાવે છે
જેથી એ ઉપર નિહાળી શકે
ડાળીઓમાં ખીલેલા
સ્વર્ગને.
અમારી ચોતરફ
પુષ્પો
સપાટાભેર ખરતાં ખરતાં
ગુસપુસ કરી રહ્યાં છે,

ધીરજ ધર
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

ધીરજ ધર,
તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે.

– ટોઇ ડેરહકોટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે…*

પળ અને જળ –બંને વહેતાં જ સારાં. પળ સ્થિર થઈ જાય તો જીવન પૂરું અને જળ સ્થિર થઈ જાય તો લીલ. બંનેનું વહેતાં રહેવું કુદરતી છે, પણ વહેવું જ જેની નિયતિ હોય એનેય ઝાલી રાખવું-અટકાવવું આપણને ગમે છે. એમ કરવાથી આપણામાં રહેલ શ્રેષ્ઠતાની જન્મજાત ભાવના પોષાય છે. કેમેરાનો આવિષ્કાર પણ આવી જ કોઈ ઝંખનામાંથી થયો હશે ને! વીતેલી કાલના ઓરડામાં મનફાવે ત્યારે પ્રવેશવા માટેનો પાસપોર્ટ એટલે ફોટોગ્રાફ. અસ્થાયીભાવ આપણને સ્થાયીભાવે ગમે છે. પરપોટો એટલે જ વધારે આકર્ષે છે કે ચળકતું લિસ્સુ મેઘધનુષ દેખાડીને એ પળમાં જ ફૂટી જવાનો છે. કળા કરતો મોર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પણ મોર ચોવીસે કલાક કળાની મુદ્રા ધારી રાખતો હોત તો શું આપણને એનું આકર્ષણ હોત ખરું? જે સ્થાયી છે, એ આકર્ષક રહેતું નથી. આકર્ષણ અસ્થાયીનું જ હોવાનું. પ્રકૃતિમાં એટલે જ એકેય તત્ત્વ સ્થિર નથી. જળથી લઈને વાદળ સુધી બધું જ પળેપળ નિતનવ્ય રૂપ ધારે છે. કોઈ બે સૂર્યોદય કે સૂર્યાસ્ત એકસમાન હોતા નથી. સ્થિર જણાતી ધરતી પણ ઋતુએ ઋતુએ નિતનવાં સ્વરૂપ ધરતી રહે છે, એટલે જ આપણી મુગ્ધતા બરકરાર રહે છે. અસ્થાયીપણાના સૌંદર્ય વિશેની ટોઇની એક કવિતા જોઈએ.

ટોઇ ડેરહકોટ. (જન્મસમયનું નામ: ટોઇનેટ વેબ્સ્ટર) અશ્વેત કવયિત્રી, શિક્ષિકા. ૧૨ એપ્રિલ, ૧૯૪૧ના રોજ મિશિગન, અમેરિકા ખાતે જન્મ. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક. આફ્રિકન-અમેરિકન કવિઓને પ્રોત્સાહિત કરવા માટે એમણે ‘કેવ કેનમ’ની સ્થાપના કરી. ટોઇની ભાષા અને રજૂઆતની ખાસિયત એની છેતરામણી સરળતા છે. એમની રચનાઓ એટલે આત્મકથનાત્મક લેન્સમાંથી થતું વિશ્વદર્શન. તેઓ ઇચ્છે છે કે એમની કવિતાઓ વિશ્વ સમક્ષ એક એવો સંદેશ મૂકે, જે વાસ્તવિક હોય, ન કે જે લોકોને સાંભળવો ગમે. પોતે આપેલ શિક્ષણ અને પોતાની કવિતા નિઃશંકપણે પરિવર્તનાર્થે જ હોવાની દૃઢ માન્યતા તેઓ ધરાવે છે. અશ્વેત હોવા ઉપરાંત સ્ત્રી હોવાને લઈને પોતાને થનાર અન્યાયોને તેઓ સ્વીકારે પણ છે અને અતિક્રમે પણ છે. આ બેવડી સામાજિક અસમાનતાના સ્વીકારમાંથી જ એમનો પ્રતિકાર પણ જન્મ્યો છે. ‘અ પ્લેસ ઇન ધ કન્ટ્રી’ કવિતામાં નાયિકાનો પરિવાર એક નવા ઘરની શોધમાં છે. કહે છે, ‘અમારું જૂનું ઘર વેચવામાં વરસ લાગી ગયું અને અંતે એક હબસીએ જ એ લીધું. એક મિત્રએ સમજાવ્યું, એકવાર એક ઘર અશ્વેત લોકોની માલિકીમાં હોય, તો તેઓ (દલાલો) એમને (અશ્વેતોને) જ એ બતાવશે. શું આપણે રાજકારણને નજરઅંદાજ કરી શકાય એવી કોઈ જગ્યાએ રહેવા માંગીએ છીએ?… શા માટે આ ઉજ્જવળ દેશની દરેક સડક નફરતના ઇતિહાસથી સુસજ્જ છે?’

કવિઉરમાં જે સંવેદન જાગ્યું હોય, એ જ સંવેદન ભાવકઉરમાં પણ યથાતથ જાગે એમાં કવિતાનું ખરું સાફલ્ય છે. પણ શબ્દો આ માટેનું એકમાત્ર સાધન છે, એમ કહીશું તો કળાના કસબીને અન્યાય થઈ શકે. કાન્તની ‘સાગર અને શશી’ રચનાની સફળતા કેવળ એની શબ્દાવલિને જ નહીં, ઝૂલણા છંદને પણ આભારી છે. એ જ રીતે રાવજીનું ‘કંકુના સૂરજ’ શોકગીત પણ લોકગીતના ઢાળને લઈને વધુ મર્મસ્પર્શી બન્યું છે. કંઈક અંશે એ રીતે પ્રસ્તુત રચનામાં સર્જકે કાવ્યાકારની મદદ લીધી જણાય છે. ચારેતરફ ફૂલોથી લચી પડતા વૃક્ષો તેમજ એની ખુશબૂને જેમ નિશ્ચિત આકારમાં બાંધી ન શકાય, એમ જ કવિએ આ કાવ્યને છંદોલયથી મુક્ત રાખ્યું છે. અછાંદસ કાવ્યસ્વરૂપ અને કાવ્યાંતે હાલડોલ થતી પંક્તિઓની રચનાકૃતિ વૃક્ષથી ખરતાં પુષ્પોની આભા સર્જવામાં મદદરૂપ થાય છે. ઇટાલિક્સનો પ્રયોગ પણ સાયાસ કરાયો હોવાનું સમજાય છે. ‘ચેરી બ્લૉસમ્સ’ માટે આપણી ભાષામાં કોઈ નિયત સંજ્ઞા ન હોવાથી ‘ફુલ્લકુસુમિત’ શીર્ષક રાખવું મને ગમ્યું છે. આપણી ભાષાના વાચકો માટે આ એક શબ્દ જ આખું ચિત્ર ખડું કરી શકવા સમર્થ જણાય છે.

‘ચેરી બ્લૉસમ’ એટલે શોભાની ચેરીના સંખ્યાબંધ વૃક્ષો એકીસાથે અને આખેઆખા આછા ગુલાબી રંગના પુષ્પોથી ભરાઈ જવાની વાર્ષિક ઘટના. આજે તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના મોટાભાગના દેશોમાં આ વૃક્ષો જોવા મળે છે, પણ એનું સાચું કેંદ્રબિંદુ જાપાનમાં છે. સદીઓથી જાપાનમાં ચેરી બ્લૉસમનું અપાર સાંસ્કૃતિક અને સામાજીક મહત્ત્વ રહ્યું છે. આમ તો મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલ એની ઋતુ, પણ હવામાન, ગ્લૉબલ વૉર્મિંગ, પ્રદુષણ વગેરેના કારણે આ સમય આગળ-પાછળ થઈ શકે છે. ઈસવીસનની આઠમી સદીમાં (અમુક સૂત્રો મુજબ તો છેક ત્રીજી સદીથી) જાપાનમાં નારા સમયકાળ દરમિયાન ચેરીના ફુલ્લકુસુમિત વૃક્ષો નીચે ભેગાં થઈને ચોખાનો દારૂ પીવાની પ્રથા શરૂ થઈ હતી. આ ઝાડ સકુરા કે ઉમે તરીકે ઓળખાતાં. અને આ પ્રથા હનામી કહેવાતી. સમય જતાં હનામી અને સકુરા સમાનાર્થી બની ગયા. મોટી માત્રામાં સામૂહિક ધોરણે ખીલવાની તેમની પ્રકૃતિના કારણે જાપાનમાં ચેરી બ્લૉસમ વાદળોનું પ્રતીક ગણાય છે. ફૂલોનું અપ્રતિમ સૌંદર્ય તથા ક્ષણભંગુરતાને લઈને તેઓ જીવનની નશ્વરતા ઉપરાંત નિયતિ તથા કર્મની કૃપાપૂર્ણ અને સહજ સ્વીકૃતિ કરતાં આપણને શીખવે છે. અલગ-અલગ દેશોમાં એનું અલગ-અલગ મહત્ત્વ છે. ૧૯૧૨માં જાપાને અમેરિકાને ચેરીના ત્રણ હજાર ઝાડ ભેટ આપ્યાં અને વૉશિંગ્ટન ડીસીથી એના અમેરિકાભરમાં ફેલાવાની શરૂઆત થઈ. આજે અડધી દુનિયાને એનું ઘેલું લાગ્યું છે.

ટોઇ ડેરહકોટની આ કવિતા વસંતોત્સવની કવિતા તો છે જ, પણ વધુ તો એ જીવનોત્સવની કવિતા છે.કવિતાની શરૂઆત ‘હું વાંકી વળી’થી થાય છે એ બહુ સૂચક છે. કુદરત સાથે શેક-હેન્ડ કરવા માટેની પહેલી શરત હુંની અકડ જતી કરવી અને બીજી શરત એની આગળ નમવું એ છે. પોતાના શ્વાસમાં ફુલ્લકુસુમિત વસંતનો શ્વાસ ભેળવવા કવયિત્રી વાંકા વળ્યાં છે. સમ ખાવા પૂરતુંય એકે પાંદડું નજરે ન ચડે એ રીતે આખાને આખા વૃક્ષો પર ફૂલોના ગુચ્છેગુચ્છાએ કબજો જમાવ્યો હોય એ દૃશ્ય નીરસમાં નીરસ વ્યક્તિને પણ બે ઘડી થોભી જવા મજબૂર કરી દે એવું સશક્ત હોય છે. પોતાના શ્વાસમાં કવયિત્રી કેવળ ચેરી બ્લૉસમ્સની સુગંધ ભરવા માંગતાં હોત તો વાત સામાન્ય બનીને રહી જાત, પણ કવયિત્રી તો પોતાના શ્વાસમાં વસંતના શ્વાસને ભેળવી દેવા માંગે છે અને ત્યાં કવિતા સર્જાય છે. વૃત્તિ પ્રકૃતિને આસ્વાદવાની નહીં, પણ એની સાથે એકાકાર થઈ જવાની, ઓગળી જવાની છે. કવિને સુગંધ માણવા કરતાં તાદાત્મ્ય અનુભવવાની તમા વધારે છે. વાંકા વળવાની ક્રિયામાં રહેલ સમર્પણ વાક્ય પૂર્ણ થાય છે ત્યારે વધુ સંપૂર્ણ અનુભવાય છે.

પક્ષીની આંખ જેવી પૂર્ણ એકરસતા જો કે હજી સાધી નથી શકાઈ. એટલે વસંતના શ્વાસ સાથે શ્વાસ ભેળવીને સમાધિસ્થ થવાના સ્થાને સર્જક આસપાસની ઘટનાઓ જોવી ચૂકતા નથી. એમનો કેમેરા એક પછી એક દૃશ્યો ઝીલે છે. આવા સ્થળો સહેજે પિકનિક-સ્પૉટ્સ બની જતાં હોય છે. એમાંય આ તો ફુલ્લકુસુમિત વસંત! ઋતુ મહોરે એ ટાંકણે આ સ્થળો પર્યટન સ્થળ બની રહે છે. પ્રકૃતિના આ રૂપ-રંગ-ગંધ માણવા લોકો વિશ્વના ખૂણેખૂણેથી અહીં આવે છે. એટલે ત્યાં ફોટોગ્રાફર્સ પણ હોવાના જ. બધી અનુભૂતિઓને આપણે સ્મરણપટ પર સાચવી શકતા નથી. યાદોની હાર્ડડિસ્ક અસંખ્ય ડેટા સાચવતી હોવા છતાં એનો બહુ મોટો ભાગ સતત ફૉર્મેટ થયે રાખે છે. મનુષ્ય પોતાની આ મર્યાદાઓથી માહિતગાર છે, એટલે એ આવી યાદગાર ક્ષણો કે સ્થળોને ચિરંજીવ બનાવવા પ્રયત્નશીલ રહે છે. ફોટોગ્રાફર્સ જે જે વ્યક્તિઓના ફોટા લઈ રહ્યા છે એમના વ્યક્તિચિત્રોના ઓથે સર્જક પોતાની વાત આપણી સાથે સહિયારે છે.

માતાઓ બાળકોને જૂના ગાંઠદાર ઝાડોને ટેકે બેસાડે છે. વિરોધાભાસ ચૂકશો નહીં. માતાઓ મરજી મુજબ ગોઠવી શકે એવાં બાળક એટલે જિંદગીની ડાળ પરનું નવપલ્લવિત પર્ણ. અને ફોટો પાડવા માટે જેનો પૃષ્ઠભૂ તરીકે ઉપયોગ થાય છે એ વૃક્ષો એટલાં જૂનાં છે કે એમના વિશાળ થડ ગાંઠદાર બની ગયાં છે. જિંદગીના બે અંતિમોને અડખેપડખે કરીને કચકડે કંડારવાની માતાઓની આ સ્થૂળ ક્રીડામાં શાશ્વત અને નશ્વર- ઉભય એકસાથે દૃષ્ટિગોચર થાય છે. પરસ્પર આલિંગન કરી રહેલ એક યુગલ પસાર થનાર રાહદારીને આલિંગનબદ્ધ સ્થિતિમાં જ પોતાનો ફોટો પાડી આપવા કહે છે. હેતુ એ કે પ્રેમની આ ઉત્કટ પળ ફોટોગ્રાફ તરીકે ચિરંજીવી બની રહે. પ્રેમમાં ચસોચસ ભેટવું કોને ન ગમે? પણ મુશેક્ટાટ આલિંગનની સ્થિતિમાં શું આજીવન રહી શકાય ખરું? પ્રેમ ગમે એટલો બળવત્તર કેમ ન હોય, દરેક આલિંગન પર એક્સપાઇરી ડેટ લખેલી જ હોવાની. ચેરી બ્લૉસમ કાયમી નથી એમ આશ્લેષ પણ હંગામી જ હોવાનો. આલિંગનમાં સુખ છે, પણ એ એટલા માટે જ છે કે આલિંગનના છેદગણમાં આવી ગયા બાદ બંને પ્રેમીએ પોતાપોતાના હિસ્સાના વેન સર્કલમાં પરત ચાલ્યા જવું ફરજિયાત છે. ક્ષણિક છે માટે જ એ ક્ષણેક્ષણે કરવું ગમે છે. સ્થાયી બની જાય તો આલિંગનમાંથી મજા ઊડી જાય. વારંવાર વાગોળવા મળે એ હેતુસર અંતરંગ પળોમાંય આપણે આગંતુકોને પ્રવેશ આપવા માંડ્યા છીએ. ચુંબન-આલિંગન તો યુગલના જીવનની અંગતતમ બાબત કહેવાય, પણ મૉમેન્ટ્સ કેપ્ચર કરી લેવાના મોહમાં આપણે આપણા અંગતને જાહેરકરાર આપતાં અચકાતા નથી. લગ્નપ્રસંગે ફોટો લેવાનું ચૂકી જવાય તો ફોટોગ્રાફર્સ હસ્તમેળાપ પણ એકથી વધારે વાર કરાવે છે. જિંદગી તો રિટેકની સગવડ આપતી નથી, પણ આપણને જીવાતી જિંદગીનો રિટેક લેવાની કુટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં ફરી માણવાના લોભ પર અંકુશ મૂકી શકવાની અસમર્થતાને કારણે આપણે વર્તમાનને પૂર્ણતયા માણી શકવાની ક્ષમતા ગુમાવી બેઠા છીએ.

સમય સાથે બધું બદલાય છે, શું વ્યક્તિ કે શું પ્રેમ?
ઉપર બાઝી જશે જાળાં, ભલે ને એ જ રહેશે ફ્રેમ.

પ્રેમ પણ સમય સાથે બદલાશે. પણ શાશ્વતીની કામના, ક્ષણને જીવવા કરતાં સાચવી રાખવાની કામના આજના મનુષ્યને ચાલકબળ પૂરું પાડે છે. બે હૈયાં વચ્ચેની દોસ્તી અને બે મનુષ્યો તથા પ્રકૃતિ વચ્ચેની દોસ્તી સાચવી રાખવા માટે આજના માનવીને ઉપકરણોની જરૂર પડે છે. આપણું હૈયું આપણી છાતીના પિંજરામાં ઓછું અને ગેજેટ્સની માયાજાળમાં વધારે ધબકે છે. આજે વાતવાતની રિલ બનાવવાનો જે જુવાળ જનમાનસમાં ફેલાયો છે એ એની જ સાબિતી છે.

સર્જક વૃક્ષને સવાલ કરે છે કે પોતાનાં કાવ્યો આટલા સુંદર કેમ નથી? વાત પણ સાચી જ છે ને! કુદરતની કવિતાથી ચડિયાતું તો બીજું શું હોઈ શકે? ટોઇનું બાળપણ ગરીબી અને સંઘર્ષભર્યું હતું. કુંવારી સગર્ભા સ્ત્રીઓ માટેના ઘરમાં રહેવાની ફરજ પણ પડી હતી. કુંવારી મા બનીને સંતાન સાથે તેઓ પિતૃગૃહે આવ્યા, ત્યારે જાણ થઈ કે એમનું સમગ્ર લખાણ એમના પિતાએ સળગાવી નાંખ્યું હતું. લખવું એમને માટે સદા પીડાજનક રહ્યું છે. પોતાની અંગતતમ વેદનાઓને સાર્વજનિક સ્વીકૃતિ માટે કાગળ પર કંડારવું પડકારરૂપ છે. પણ જે અંદરની તકલીફોને જોઈ શકે, એ જ બાહરી સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે. અંતર્દૃષ્ટિ ખુલી ન હોય એની બહિર્દૃષ્ટિ કુંઠિત જ હોવાની.

નજીકમાં જ બરાબર છાંટેલ રૂંછાદાર કોટમાં સજ્જ એક નવયૌવના પત્તા રમવા માટેનું ટેબલ સજાવી રહી છે. ટેબલ પર ચાદર બિછાવી એ એના પર મીણબત્તીઓ, પિકનિક માટેની છાબ અને વાઇનની બોટલ ગોઠવે છે. વાત પિકનિકની છે એટલે અન્ય પરિવારજનો કે મિત્રમંડળના આગમનની અપેક્ષા અને પ્રતીક્ષા પણ ખરાં જ. અત્યારે એ એકલી જ છે પણ જે રીતે ઋતુ આવતાં જ આ વૃક્ષો ભરાઈ ગયાં છે એ જ રીતે સમય આવતાં જ એનું ટેબલ અને એનું હોવું –બંને ચેરી બ્લૉસમ બની રહેશે. પાસે જ એક પિતા પોતાના અપંગ પુત્રની વ્હીલચેરને પાછળની તરફ નમાવે છે, જેથી કરીને એ આ સ્વર્ગીય નજારો માણવાથી વંચિત ન રહી જાય. પોતે જે જોઈ-માણી શકે છે એનો આનંદ પોતાના આત્મીયજન ચૂકી ન જાય એ બાબતની દરકાર આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી. એક બીજો સંદર્ભેય અહીં ખૂલે છે. ભાવિ પેઢી પ્રકૃતિથી વિમુખ થતી જાય છે એને ફરી પ્રકૃતિ સાથે તાદાત્મય થતાં શીખવવાની વાત છે. પ્રકૃતિ સાથે એકત્વ ન અનુભવતી નવી પેઢીનું ભાવિ ધૂંધળુ છે એ વાત અપંગ બાળક અને વ્હીલચેરના પ્રતીક વડે સ-રસ કહેવાઈ છે. સમગ્ર કવિતાના પ્રવાહમાં ભળી જતી બે પંક્તિની એક નાનકડી અલાયદી કવિતાનો સંસ્પર્શ વર્તાય છે. માનવજીવનના સાવ નાનાં નાનાં પાસાંઓને સર્જકે નાનાં નાનાં વાક્યોમાં પણ અખિલાઈથી આલેખી બતાવ્યાં હોવાથી સાધારણ ભાસતી આ રચના હૃદયસ્પર્શી બની રહે છે.

સપાટાભેર ખરી રહેલ ઢગલાબંધ પુષ્પોને લઈને જે હળવી મર્મર જન્મે છે, એ મારફતે પ્રકૃતિ જાણે કવિના સવાલનો જવાબ દઈ રહી છે: ધીરજ ધર. તારી પાસે એક પુરાતન સૌંદર્ય છે. આ બંને પંક્તિઓ કવિએ મુખ્ય હરોળથી અળગી તો મૂકી જ છે, પણ એને ઇટાલિક્સમાં લખીને આખી રચનાની સાપેક્ષે એનું મૂલ્યાંકન પણ સવિશેષ આંક્યું છે. એ સિવાય રચનામાં કેવળ આ બે જ પંક્તિઓ પુનરોક્તિ પણ પામી છે. આગળ ઇટાલિક્સનો પ્રયોગ સર્જકે સવાલ પૂછવા કર્યો હતો, આ વખતે કુદરતના પ્રત્યુત્તરને અધોરેખિત કરવા માટે કર્યો છે. કવિ સુંદર કવિતાની તલાશમાં છે. પ્રકૃતિ જવાબ આપે છે કે એ તો પુરાતન કાળથી તારી અંદર જ છે. કસ્તૂરી મૃગ યાદ આવ્યું ને?:

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને. (મનોજ ખંડેરિયા)

સૌંદર્ય માટે પુરાતન વિશેષણ કદાચ એટલા માટે પ્રયોજાયું છે કે જૂની વસ્તુઓ આપણને હંમેશા વધુ આકર્ષે છે. પ્રાચીન કિલ્લાઓના ખંડેર પણ આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ છીએ. ધીરજ ધરીને લીલપ પહેરીને વર્ષ આખું ઊભા રહેલ ઝાડ આજે ફુલ્લકુસુમિત થયાં છે અને ફૂલો સતત આપમેળે ખરી રહ્યાં છે, એ જ રીતે ધીરજ ધરીને પ્રતીક્ષા કરીશું તો કવિતાના પુષ્પો આપમેળે ખીલશે પણ ખરાં અને કાગળ પર ધીમેધીમે ખરશે પણ ખરાં. વાત જાતમાં ભરોસો રાખીને રાહ જોવાની છે. જોનારની દૃષ્ટિ પોતે પણ એક ઉત્તમ કવિતા છે. સરવાળે, જીવનની ક્ષણભંગુરતાનું આ મધુરું ગાન છે. જે આજે છે એ જવાનું છે, એને ભરપૂર માણી લઈએ. ભલે બે પળનું કેમ ન હોય, પણ જીવનને પૂરેપુરું ખીલીને પૂરેપૂરું માણીએ. ટોઇ કહે છે: ‘આપણે એ ચીજના કેદી છીએ જેને આપણે જાણતાં નથી, જેનો આપણે સ્વીકાર કરતાં નથી, જેને આપણે બહાર આણતાં નથી, જેના વિષયમાં આપણે સચેત નથી, જેને આપણે નકારીએ છીએ….’

(*શીર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી)

ગ્લૉબલ કવિતા : ૨૪૬ : તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)

The Palms

When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.

– Charlie Smith


તાડનાં વૃક્ષ

એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.

– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)

देंगे वही जो पाएंगे इस जिंदगी से हम

હિલસ્ટેશન પર સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હોય એ સમયે સૂર્યાસ્ત ચૂકાઈ જવાની બીકે પૉઇન્ટ તરફ ઝડપભેર દોડતા લોકોને આપણે સહુએ જોયાં જ હશે. પર્વતની ટોચ ઉપર ઊભા રહીને દૂર ક્ષિતિજ ઉપર સૂર્ય આથમતો હોય એ વેળાએ આકાશમાં થતી રંગલીલા સહુને આકર્ષે છે. પણ પછી ઝડપભેર ધૂસર થતું વાતાવરણ આકાશની સાથોસાથ આપણી ભીતર પણ ઘેરો રંગ પાથરી દે છે. ક્યાંક પ્રેમીઓ ઢળતી એકબીજાને સાંજે જીવન-મરણના કોલ આપતા નજરે ચડે છે, તો ક્યાંક કોઈ કવિહૃદય ગ્લાનિથી છલકાઈ પણ ઊઠે છે. એક જ સ્થળે ઘટતી એક જ ઘટના એને માણનાર દરેક માટે અલગ-અલગ અર્થ બનીને આવે છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ-અલગ અહીં તો સૌની શામ છે.

એક જ વ્યક્તિ માટે પણ એક જ ઘટના અલગ-અલગ સમયે અલગ-અલગ અહેસાસ બનીને આવે એમ પણ બને. આજે મજાનો લાગતો સૂર્યાસ્ત આવતીકાલે મજાનો ન પણ લાગે. આપની આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. ચાર્લી સ્મિથની કવિતાના માધ્યમથી આ વાત સમજીએ.

ચાર્લી સ્મિથ. અમેરિકન કવિ. જન્મ. 27 જૂન, 1947. હાલ (2023માં) ન્યૂયૉર્ક ખાતે રહે છે. કવિ હોવા ઉપરાંત તેઓ સફળ નવલકથાકાર પણ છે. પ્રસ્તુત રચના ‘ધ પામ્સ’ 1993માં પ્રગટ થયેલ એ જ નામના સંગ્રહમાંની શીર્ષસ્થ કૃતિ છે. આધુનિક અંગ્રેજી કવિતામાં ચલણી બનેલ અછાંદસ અથવા ગદ્યકાવ્યની ચાલ જ કવિને બહુધા પસંદ હોવાથી પ્રસ્તુત રચનામાં પણ છંદોલય તથા પ્રાસાદિની ઉપસ્થિતિ નથી. કવિની અન્ય રચનાઓનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે સંકુલ વાક્યરચનાઓ અને અતિસંકુલ અભિવ્યક્તિ એમને વધુ પસંદ છે. એમની એક રચના ‘સ્પ્રંગ (sprung)’માં આવતા પ્રયોગ ‘all that is left to put momentarily against the crimes of our nature’ વિશે એમને પૂછવામાં આવતાં એમણે ખુલાસો કર્યો હતો કે ભીતરી આકસ્મિક આવશ્યકતાએ એમની પાસે આ શબ્દપ્રયોગ કરાવ્યો હતો પણ સાથે જ એનો સુસ્પષ્ટ અર્થ બતાવવા પોતે અસમર્થ હોવાનું પણ સ્વીકાર્યું હતું. પ્રસ્તુત રચનામાં પણ આવા શબ્દપ્રયોગો સાથે આપણી મુલાકાત થવાની જ છે.

ચાર્લીની આ કવિતા સામાન્ય રીતે જોવા મળતાં અછાંદસ કાવ્યોથી થોડી અલગ તરી આવે છે, કારણ કે કવિતામાં પંક્તિઓ તો ત્રેવીસ છે, પણ વાક્ય કેવળ એક જ છે. જી હા, આખી કવિતા સળંગ એક જ વાક્યની બનેલી છે. અલ્પવિરામની મદદથી અનેકાનેક વાક્યાંશ મૂળ વાક્યમાં ઉમેરાતા રહે છે, પણ વાક્ય તો છેક કાવ્યાંતે જઈને જ પૂરું થાય છે. આ પ્રકારની કાવ્યરીતિને લઈને એક તરફ વાક્યરચના અતિશય સંકુલ બને છે, જેને લઈને કવિતાનો કેન્દ્રસ્થ ભાવ વધુને વધુ ઘુંટાય છે અને કવિતા છાતીમાં ડચૂરાતી હોય એમ એક અસ્વસ્થતાનો શિકાર ભાવકને બનાવે છે. બીજી તરફ, આખી રચના એક જ વાક્યમાં લખાયેલી હોવાથી વાંચકને વચ્ચેવચ્ચે શ્વાસ લેવાનો સમય મળતો નથી. રચનામાંથી સડસડાટ પસાર થવાની ફરજ પડે છે. પરિણામે જે અનુભૂતિમાંથી આ કવિતા જન્મી છે, એ જ અનુભૂતિ એ જ માત્રામાં આપણને સહુને કરાવવાનો કવિનો ઈરાદો બખૂબી સફળ થાય છે. સર્જનની પળોને સહિયારવા માટે ભાષા તો એકમાત્ર ઉપાદાન છે જ, પણ કાવ્યસ્વરૂપ પણ કઈ રીતે આ કાર્યમાં સહાયક નીવડી શકે એ સમજવા માટે પ્રસ્તુત રચના સારું ઉદાહરણ પૂરું પાડે છે.

લૉસ એન્જેલિસ શહેર જાવ અને સનસેટ બૂલવાર્ડ જોયા વિના પાછા ફરો તો શહેર જોયેલું ન કહેવાય. હોલિવૂડના દિગ્ગજ કળાકારો ત્યાં રહે છે, હૉટલ-કાફે, શોપિંગ અને નાઇટ લાઇફથી ધમધમતો આ વિસ્તાર શહેરના હૃદય સમો છે. પશ્ચિમના દરિયાકાંઠે પહાડોની હારમાળા વચ્ચેનો આ ભાગ જિંદગીથી ભર્યોભર્યો અનુભવાય છે. બૂલવાર્ડ એટલે જેની બંને બાજુએ વૃક્ષોની હારમાળા હોય એવો પહોળો રસ્તો. દરિયાકાંઠાના આ વિસ્તારમાં તાડવૃક્ષોનું વર્ચસ્વ સહેજે વર્તાય છે. કવિ જે દિવસની વાત કરે છે, એ દિવસે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એ સમયે કથક સનસેટ બૂલવાર્ડમાં પૂર્વ દિશામાં ભાડાની કાર હંકારી રહ્યો હતો. કવિતાની કરામત અહીંથી જ શરૂ થઈ જાય છે. આ વિસ્તારમાં પૂર્વ તરફ આગળ વધવું મતલબ વિસ્તારને પાછળ છોડતા જવાની દિશા પકડવી. જે વિસ્તારની ખરી રોનક જ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે, એ વિસ્તારથી એ સમયે જ દૂર જવા તરફનું પ્રયાણ કાવ્યારંભે જ વાતાવરણ બોઝલ કરી દે છે. બીજું, આ એવા દેશની વાત છે જ્યાં પોતાની માલિકીની કારનું હોવું અતિસામાન્ય ગણાય છે. આવા દેશમાં પણ કથક ભાડૂતી કાર ચલાવી રહ્યો હોવાની હકીકત એની નબળી આર્થિક સ્થિતિને અધોરેખિત કરે છે. અતિવૈભવશાળી પ્રદેશ સામે ભાડૂતી કારનો વિરોધાભાસ બે દિશાઓના વિરોધાભાસને ધાર કાઢી દે છે.

બાહ્ય પ્રકૃતિ અને વૈભવના વિરોધાભાસોને બહુ ઓછા શબ્દોમાં તાદૃશ કર્યા બાદ કવિ ભીતરી દ્વંદ્વ પ્રકટ કરે છે. કથકનું આંતરમન લોહીલુહાણ છે. કારણ તો કવિએ આપ્યા નથી (જરૂરી પણ નથી), પણ કથકની અંદર અંતહીન યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ અંતહીન છે, મતલબ આ એવું યુદ્ધ છે, જેમાં કોઈ પરિણામ કદી આવનાર નથી. હારજીત કામ્યા વિના ઇચ્છા હોય કે નહીં, સતત લડતા-બાખડતા રહેવાનું છે. યુદ્ધ આંતરિક છે, માટે ફરજિયાત છે. પણ આ અંતહીન મારપીટને લઈને કથક થાકીને ઠૂસ થઈ ગયો છે. પણ કોઈ યુદ્ધ એટલું મોટું હોતું નથી કે કવિને ખતમ કરી શકે. હતાશા અને થાકની પરાકાષ્ઠાએ પણ નાયકની ભીતરનો કવિ મરી પરવાર્યો નથી. એને ખબર છે કે આ ટાણું પ્રકૃતિ અને નગર –ઉભયના સૌંદર્યના તીવ્રતર થવાનું ટાણું છે. રિઅર વ્યૂ મિરરના નાનકડા પરદાનો ઉપયોગ કરી જાતને મનાવી લેવાના બદલે એ ચાલુ કારે પાછળની તરફ જુએ છે, જે જગ્યાએ આકાશ અને શહેર બંનેએ નવા રંગરૂપ ઓઢવાનું શરૂ કર્યું છે.

કથકને અપેક્ષા હતી કે આ સમયે એ પાછળ જોશે તો વિશાળ સમુદ્ર પર પથરાઈ રહેલ સાંજના પીળા-કેસરી રંગ પાણી પરથી પરાવર્તિત થવાના કારણે અસીમ અફાટ સમુદ્ર ભડકે બળતો હોવાનો ભાસ એને જોવા મળશે, તથા આ પ્રકાશની લીલાને વધુ સ્પષ્ટ અને વધુ સુંદર બનાવતી હવામાં વ્યાપ્ત ધૂળ ચિત્ર સમા દેખાતા શહેર ઉપર ઝળુંબતી જોવા મળશે. આ દૃશ્ય એણે અગાઉ અનેકવાર જોયું હશે એટલે જ એની ડોક ચાલુ ગાડીએ પાછળ તરફ વળી છે. પણ આજની પરિસ્થિતિ અલગ છે. આજનો કથક જીવનની સમસ્યાઓથી હારેલો-થાકેલો મનુષ્ય છે. વળી, આ સમસ્યાઓ અંતહીન હોવાને કારણે એ નાસીપાસ પણ થયેલ છે. પરિણામે આજે એની નજર પ્રકૃતિનું સાંધ્યનર્તન નિરખવાના સ્થાને બીજું જ કંઈ જોઈ રહી છે. સાહિર લુધિયાનવીની ગઝલના બે શેર આ તબક્કે અવશ્ય યાદ આવે:

तंग आ चुके हैं कशमकश-ए-ज़िंदगी से हम
ठुकरा न दें जहाँ को कहीं बे-दिली से हम

हम ग़मज़दा हैं, लाये कहाँ से खुशी के गीत
देंगे वही जो पायेंगे इस ज़िंदगी से हम

ત્રસ્ત મગજના કૅન્વાસ પર સૌંદર્યાનુભૂતિને સ્થાન નથી. એટલે બુલેવાર્ડની ચકાચૌંધ સૃષ્ટિના સ્થાને એ જરીકામ જેવી ભાસતી લોખંડની બુટ્ટેદાર જાળીઓને લઈને એકમેક સાથે ગંઠાઈ ગયેલી જણાતી ભાંગીતૂટી નાની-નાની દુકાનોની નોંધ લે છે. લોખંડની જાળીઓમાં જરીકામ નજરે ચડે એ વાત સાથોસાથ કવિસહજ સૌંદર્યબોધની ખાતરી પણ કરાવે છે. પર્વતની ટેકરીની તળેટી તરફ ફૂટતી સાંકડી ગલીઓ દૂર ભાગતા પાગલો જેવી નજરે ચડે છે. અને માથે સૂર્યને અવરોધતો ટીલો દેખાય છે. પીળી માટીની તૂટી-ફૂટી ગંદી દીવાલ જેના મથાળે કેટલાંક નાનકડાં ઘરો એકબીજા સાથે કોઈ સંબંધ ન હોય એમ છૂટાછવાયાં દેખાય છે અને નજીકમાં જ પેલી દુકાનોની જેમ જૂથબંધ ઝૂંપડીઓ પણ છે. વેરવિખેર નાનાં મકાન સહિત જે કંઈ નજરે ચડી રહ્યું છે એ વિસંબદ્ધતા અને વિક્ષુપ્તતાની લાગણી જન્માવે છે. વૃક્ષને વેલગુચ્છા વચ્ચેથી પસાર થતી શેરીનું સૌંદર્ય જો કે આ સમયે પણ કથકની નજરથી અછતું રહેતું નથી. પણ સુંદરતાની આછીપાતળી આવી નોંધની સાથે જ વિક્ષુબ્ધ મનને સૂર્ય જેની પાછળ સંતાયેલ છે એવા સ્પષ્ટ દેખાતા ટીલા તરફથી આવતો પ્રકાશ સડેલો અને અસહનીય અનુભવાય છે.

હીંચકો જે રીતે સતત આગળ-પાછળ ગતિ કરતો રહે એ રીતે રૂપ અને કુરૂપતા વચ્ચે કવિમન ઝોલા ખાયે રાખે છે. નજર માટે અસહ્ય લાગતી ટેકરી પર તાડવૃક્ષોની હાજરી નોંધવાનું નજર ચૂકતી નથી, પણ પવનની અનુપસ્થિતિમાં તાડના તાલાં કોઈએ પ્રાણ હેરી ન લીધાં હોય એમ લબડી પડ્યાં હતાં અને પ્રકાશિત વિશાળ આકાશની પૃષ્ઠભૂમાં એકપાર્શ્વ ચિત્ર (silhouette) સમાં ભાસતાં હતાં. કવિમન અદ્વિતીય રૂપકની મદદથી દૃશ્યને અનૂઠો ઓપ આપે છે. નિર્હેતુક એકાંતમાં કાળા મ્લાન વિચારોને કોઈએ કારણોના જાડા દોરડાને છેડે એકસામટા બાંધી દીધા હોવાનું તેઓ અનુભવે છે. ગ્લાનિયુક્ત મનમાં જન્મતા ક્લુષિત વિચારોના ઉદ્ભવ વિશે કોઈ કારણ કે તારણ કાઢી શકાય એમ નથી. આ વિચારો વળી ગંઠાયેલા પણ છે, એટલે એના સહારે કોઈ દિશામાં ગતિ કે પ્રગતિ પણ સંભવ નથી. એક રૂપકથી ભાવકને અનુભવાતી પીડા ઓછી હોય એમ કવિ એને બીજા રૂપક સાથે જોડે છે. નિષ્પ્રયોજન એકાંતમાં લટકતા આ વિચારો જાણે કે કોઈ રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટરની પાછળ ઉભેલા માણસના વિચારો જેવા છે, જે અંગ્રેજી નથી બોલી શકતો. મતલબ, આ જગ્યાએ તે આગંતુક છે. માંસ લપેટવા વપરાતા જાડા કાગળમાંથી બનેલ ટોપી એણે પહેરી છે અને બંને જણ સહમી ન જાય ત્યાં સુધી તે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા માર્યે રાખે છે. છાતીમાં ડચૂરો ભરાઈ પડ્યો હોવાનો અર્થબોધ કરાવતી રચનામાં અણધારી હિંસા સાથે આપણો સામનો થતા છળી પડવા જેવું અનુભવાય છે. નાની દીકરી પરના સગા બાપનો અત્યાચાર કાવ્યાર્થની સંકુલતામાં એક ઓર પરત ઉમેરે છે.

ચાલુ કારે પાછળ જોતાં દેખાતા દૃશ્યની અનુભૂતિના અંકોડા ગૂંથાતા-ગૂંથાતા અચાનક સામે આવેલ આ ચિત્ર ભૂતકાળની કોઈક ઘટનાના પુનર્સ્મરણને લઈને છે. વાહનચાલકના મનનો ઉદ્વેગ એને સમાંતર કોઈક ઉદ્વેગ સાથે છેડા જોડી બેસે છે. પોતાના જીવનથી વિહ્વળ ગરીબ નાસમજ બાપ-દીકરી જે નિઃસહાયતા અનુભવે છે એ આ ક્ષણે આપણી પોતે પણ અનુભવીએ છીએ. કવિમનની વ્યાકુળતાની પરાકાષ્ઠાએ યથાતથ આપણને સફળતાપૂર્વક પહોંચાડતાવેંત કવિતા પૂરી થઈ જાય છે. ત્રેવીસ-ત્રેવીસ પંક્તિથી બંને તરફ અક્ષરોના ઝાડ ઊગ્યા હોય એવી વાક્યોની ગલીઓમાંથી સડસડાટ દોડતી આપણા અહેસાસની ગાડી અચાનક કાવ્ય પૂરું થઈ જતાં સામે મળતા પૂર્ણવિરામ સાથે અથડાઈને જાણે આપણા અસ્તિત્વ સમગ્રના ફૂરચેફૂરચા કરી દે છે.

નોકરી પર દિવસ જો સારો ગયો હોત કે બોસે પ્રમોશન જાહેર કર્યું હોત કે સાથીકર્મચારિણીએ પ્રેમપ્રસ્તાવ પૂક્યો હોત તો લૉસ એન્જેલિસની સાંજનું આ જ દૃશ્ય કથકને અલગ દેખાયું હોત. પવનથી ‘અછૂતા’, ‘લગડી’ પડેલ તથા ‘કાળાં’ દેખાતા તાડવૃક્ષોની પાર્શ્વછાયામાં કાવ્યનાયકને ઈશ્વરની કળા નજરે ચડી હોત. નાયકનું અંતર્જગત બાહ્યજગત પર પ્રતિબિંબાવાના કારણે દૃશ્યના આયામ બદલાયા છે. દુનિયા આપણા ઉપર જે રીતે અસર કરે છે, એ જ પ્રમાણે, બદલામાં આપણે દુનિયાનું સર્જન કરીએ છીએ… ફરી એકવાર સાહિરને જ યાદ કરીને આપણે પણ આજની વાત પર પૂર્ણવિરામ મૂકીએ…

दुनिया ने तजरबात-ओ-हवादिस की शक्ल में
जो कुछ मुझे दिया है वो लौटा रहा हूँ मैं |

મધુશાલા – ૮ અનુવાદ : જગદીશ ત્રિવેદી

मधुशाला – 8
मुख से तू अविरत कहता जा मधु, मदिरा, मादक हाला,
हाथों में अनुभव करता जा एक ललित कल्पित प्याला,
ध्यान किए जा मन में सुमधुर, सुखकर, सुन्दर साक़ी का;
और बढ़ा चल, पथिक, न तुझको दूर लगेगी मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

અનુવાદ :
મધુશાલા – ૮
મુખથી તું અવિરત કહેતો જા, મય દારૂ માદક મદિરા,
હાથોમાં અનુભવ કરતો જા, હોય લલિત કલ્પિત પ્યાલા,
ધ્યાન ધરી લે મનમાં સુમધુર, સુંદર, સુખકર સાકીનું;
ને ચાલ્યો જા, પથિક, ન તુજને દૂર લાગશે મધુશાલા.

– જગદીશ ત્રિવેદી